ભાગ-5 માં આપણે જોયું કે જૈનીષ અને દિશા નાનપણથી જ એક સાથે જ રમતા મોટા થાય છે અને બંનેના પરિવારો વચ્ચે ઓળખાણ પણ આ બંનેના લીધે જ થાય છે. બીનીતભાઈ અને દિનેશભાઈ જૈનીષ અને દિશાને એક જ સ્કુલમાં અભ્યાસ માટે મોકલવા માટે સહમત થાય છે. જૈનીષ અને દિશા નાનપણથી જ સાથે મોટા થયા હોવાથી બંનેને સ્કુલમાં બહુ જલદી ફાવી જાય છે અને તેઓ અભ્યાસમાં અને રમતગમતમાં પણ સાથે જ હોય છે. પડોશીઓની સાથે સાથે જૈનીષ અને દિશાના માતા પિતા પણ બંનેને રાધાકૃષ્ણના હુલામણા નામથી જ બોલાવે છે. હવે આગળ,
*********---------*********-------------*********
આપણે આગળ જોયું કે જૈનીષ અને દિશાના માતા પિતા પણ તેમના પડોશીઓની જેમ રમૂજમાં બંનેને રાધાકૃષ્ણની જોડી કહીને જ બોલાવતાં. નાના બાળકોની સામે આપણે જેમ રહીએ, બોલીએ અને જેવું વર્તન કરીએ તેવું જ તેઓ શીખતા હોય છે. અહીંયા પણ આ વાત એક દમ બંધબેસતી સાબિત થઈ. ઘરના સભ્યો અને પડોશીઓ દ્વારા કરવામાં આવતા સંબોધનની અસર જૈનીષ અને દિશા પર દેખાવા લાગી.
બાળ સહજ પ્રવૃત્તિ છે કે જો કોઈ નવી વાત એમની સમક્ષ રજૂ થાય તો તેમની તાલાવેલી વધી જાય એ વાતને જાણવા માટે. બસ જૈનીષ અને દિશાને પણ જાણવાની ઈચ્છા થઈ ગઈ રાધાકૃષ્ણની જોડી વિશે અને તેઓ ઘરના સભ્યો, પડોશીઓ અને સ્કુલમાં શિક્ષકોને પૂછવા લાગ્યા કે કોણ છે આ રાધાકૃષ્ણ. હવે લોકો જેટલું રાધાકૃષ્ણ વિશે જાણતા તેટલું જૈનીષ અને દિશાને કહેતા અને સમજાવતા. પણ શા માટે બધા તેમને રાધાકૃષ્ણ સાથે સરખાવે છે તેનો સંતોષકારક જવાબ જૈનીષ કે દિશાના મનને મળતો નહી.
ખેર, સમય તો એની ગતિએ ચાલ્યા જ કરે છે. એમ જૈનીષ અને દિશાનું જીવન પણ આગળ વધે છે. હવે બંને સ્કુલમાં પાંચમા ધોરણમાં પ્રવેશ મેળવે છે. પાંચમા ધોરણમાં ભણવાની સાથે ઈત્તર પ્રવૃત્તિઓનો પણ એક વિષય આવે છે જેનો હેતુ છે વિદ્યાર્થીઓના આંતરિક ગુણોનો વિકાસ થાય અને તેઓ અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃતિઓમાં નિપુણતા પ્રાપ્ત કરી શકે. એક દિવસ સ્કૂલમાંથી બધા વિદ્યાર્થીઓને આ ઈત્તર પ્રવૃત્તિ માટે કયો વિષય લેવો તે માટે તેમના માતા પિતા સાથે ચર્ચા કરીને પછી પોતાના વર્ગ શિક્ષકને જણાવવાનું કહેવામાં આવે છે. આ વાતથી જૈનીષ અને દિશા બંને ખુબ જ ઉત્સાહિત હોય છે કે હવેથી સ્કુલમાં ભણવાની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ શીખવા મળશે.
બંને નક્કી કરે છે કે આજે ઘરે જઈને તેઓ પોતાના માતા પિતાને આ વિશે વાત કરશે કે પોતાની મનગમતી પ્રવૃત્તિ શીખવા માટે તેઓ પરવાનગી આપે. જૈનીષ દિશાને પોતે સંગીત શીખવાની ઈચ્છા હોવાનું જણાવે છે, જ્યારે દિશા જૈનીષને નૃત્ય શીખવામાં રસ હોવાનું જણાવે છે. બંને એકબીજાની ઈત્તર પ્રવૃત્તિ વિશે જાણીને ખુશ થાય છે. બંને જણા ઘરે પોતપોતાના માતા પિતાને આ પ્રવુતિઓ શીખવા વિશે કહેવાનું નક્કી કરે છે અને આવતી કાલે સારા સમાચાર સાથે મળશે એવી આશા સાથે છૂટા પડે છે.
રાત્રે જમ્યા બાદ જૈનીષ પોતાના પિતા બીનીતભાઈ અને માતા રમીલાબેનને શાળામાં ઈત્તર પ્રવૃત્તિના વિષયની જાણકારી આપે છે. સાથે પોતે આ પ્રવૃત્તિમાંથી સંગીત વિષયને પસંદ કરવા માંગે છે એ પણ જણાવે છે. જોગાનુજોગ દિશા પણ તેના પિતા દિનેશભાઈ અને માતા શાલિનીબેનને ઈત્તર પ્રવૃત્તિમાં નૃત્યની પસંદગી કરવા માંગે છે તે વાત જણાવે છે. આને તો સંજોગ જ કહી શકાય કે બધા લોકો માટે રાધાકૃષ્ણ એટલે કે "જૈનીષ અને દિશા" સાથે આ ઘટના એક જ સાથે ઘટી રહી હતી. બંને જણા ઉત્સુક હતા કે તેમના માતા અને પિતા તેમની પસંદગીને માન્ય રાખશે કે નહિ ???
દિનેશભાઈ અને શાલિનીબેન તરત જ દિશાને લઈને બીનીતભાઈના ઘરે આવે છે. જૈનીષ અને દિશાને એક બાજુ બેસાડવામાં આવે છે. દિનેશભાઈ દિશાની પસંદગી નૃત્ય છે તે બીનીતભાઈને અને બીનીતભાઈ જૈનીષની પસંદગી સંગીત છે તે દિનેશભાઈને થોડા ઉદાસ મને જણાવે છે. આ પરિસ્થિતિ સર્જાતા જૈનીષ અને દિશા થોડા મુંજાય જાય છે, પણ થોડી જ ક્ષણોમાં બીનીતભાઈ અને દિનેશભાઈ જોરજોરથી હસવા લાગે છે. અને બંને એક સાથે બોલી ઉઠે છે, "રાધાકૃષ્ણ તો સંગીત અને નૃત્ય જ પસંદ કરે ને." આ સાંભળીને રમીલાબેન અને શાલિનીબેન પણ હસવા લાગે છે. બધાને ખીલખીલાટ હસતા જોઈને થોડી ક્ષણો પૂરતા જૈનીષ અને દિશા આશ્ચર્યમાં મૂકાય છે. પછી તેમને ખબર પડી ગઈ કે આજે તેમના માતા પિતાએ તેમની સાથે એક નાનકડી ગમ્મત કરી.
છેવટે જૈનીષ અને દિશાને તેમની મનપસંદ પ્રવૃત્તિઓ માટે બંને ઘરેથી પરવાનગી મળી જાય છે. આજે જૈનીષ અને દિશાના ચહેરા પર એક અલગ જ ખુશી હોય છે, જેને જોઈને બીનીતભાઈ, રમીલાબેન, દિનેશભાઈ તથા શાલિનીબેન પણ ખૂબ ખુશ થઈ જાય છે. બંનેને આશીર્વાદ આપી તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ આપે છે. પોતાના માતા પિતા તરફથી સ્વીકૃતિ મળી જતા જૈનીષ અને દિશા એકબીજાને અભિનંદન પાઠવે છે અને ત્યારબાદ દિશા તેના માતા પિતા સાથે તેમના ઘરે જાય છે.
વધુ આવતા અંકે, ત્યાં સુધી
🕉🕉🕉 હર હર મહાદેવ 🕉🕉🕉