dil ka rishta - 17 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | દિલ કા રિશ્તા -17

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા -17

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન આશ્કાને બે દિવસ માટે આશ્રમ રહેવા જવાનું કહે છે. વિરાજ અને આશ્કા બંનેને એ ગમતું નથી પણ બંને કહી શકતાં નથી. વિરાજ આશ્કાને આશ્રમમાં મૂકી તો આવે છે પણ એને આશ્કાની કમી તો મહેસુસ થાય જ છે. એને બેચેનીના કારણે ઉંઘ પણ નથી આવતી. અને એ એક નિર્ણય કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

સવારે વિરાજ જ્યારે ઉઠે છે ત્યારે એ આશ્કાને આસપાસ શોધે છે પણ એ નજરે નથી ચડતી. પછી એને યાદ આવે છે કે આશ્કા તો અપના ઘર ગઈ છે. એ કમને ઉઠે છે અને ફ્રેશ થઈને બહાર આવે છે. બહાર આવીને જુએ છે તો કાવેરીબેન ફ્રુટ સમારતા હોય છે અને દમયંતિબેન ટેબલ પર નાસ્તો ગોઠવતાં હોય છે. એક પળ માટે વિરાજની સામે આશ્કાનો ચેહરો આવી જાય છે.

કાવેરીબેન વિરાજના ઉદાસ ચેહરા તરફ જુએ છે. એકવાર તો એમને વિચાર આવ્યો કે વિરાજને કહી દે કે, આશ્કાને લઈ આવે. પણ પછી એમણે એ વિચારને ખંખેરી કાઢ્યો એ વિચારીને કે, બંને જણાં જેટલાં દૂર રેહશે એટલી જ એમને એકબીજાની યાદ આવશે અને એમનાં દિલ મા લાગણી ઉદ્ભવશે.

વિરાજ ને રાતનો એનો નિર્ણય યાદ આવે છે. અને એના ચહેરા પર હલ્કી મુસ્કાન આવે છે. એ ફોનમાં કોઈને મેસેજ કરે છે. અને નાસ્તો કરી ગાડી લઈને નીકળી જાય છે.

વિરાજ શાંતિ થી ગાડી ચલાવતો હોય છે. પણ એના દિમાગમા તો આશ્કાના વિચારો જ છવાયેલાં હોય છે. એના મનમાં કેટલીક પંક્તિઓ સ્ફૂરે છે. એ પંક્તિઓને હોઠો પર લાવતો લાવતો એ ગાડી ચલાવી રહ્યો હોય છે. અચાનક એને કંઈક યાદ આવે છે અને એ ગાડી ઊભી રાખી ગાડીના આગળા ડ્રોઅર માંથી ડાયરી કાઢે છે. અને કહે છે, કેટલાં સમયથી કંઈ લખ્યું નથી. આજે કંઈક લખવાનું મન થાય છે. આ એજ ડાયરી હોય છે જેમાં એ પોતાની બધી રચનાઓ લખતો હોય છે. એ પેન લઈ ડાયરીમાં લખવા લાગે છે.

ये यादों का सिलसिला भी अजीब होता है
तन्हाई मे ही तो ये यादे बनती है हमनवाँ
इनसे रिश्ता यू ही बहोत करीब होता है
बस जाती है उनकी यादें रूह तलक
दिल जिसे चाहे वही तो हबीब होता है ।।

એના મનમાં સ્ફૂરેલી પંક્તિઓને કાગળ પર કંડારી એ ફરી અપના ઘર તરફ પ્રયાણ કરે છે. અપના ઘર પહોંચતા એ ફટાફટ ગાડી પાર્ક કરી ફટાફટ બહાર નીકળી સીધો આશ્કા જ્યાં રેહતી હોય છે એ રૂમ તરફ જાય છે. બધાં છોકરાંઓ અત્યારે સ્કુલે ગયા હોવાથી ત્યાં અત્યારે કોઈ ચહલ પહલ નથી હોતી. એ આશ્કાના રૂમ પાસે પહોંચે છે.

દરવાજો ખુલ્લો જ હોય છે. આશ્કા બારી પાસે ઊભી રહી બહારના દ્રશ્યને જોઈ રહી હોય છે. પરંતુ એની નજર જ ખાલી એ તરફ હોય છે. એનું મન તો વિરાજની યાદોમા જ ખોવાયેલું હોય છે. વિરાજ એની બાજુમાં આવીને ઊભો રહે છે છતાં પણ એને ખબર નથી પડતી. વિરાજને એની આંખોમા પણ ઉદાસી જોવા મળે છે. એ અપલક બહારનાં દ્રશ્યોને જોયાં કરતી હોય છે.

અચાનક એના જીગરમા એક અજીબ સ્પંદનો પેદા થાય છે. એનું હ્રદય અનાયાસે જ જોર જોરથી ધડકવા લાગે છે. એ પાછળ ફરીને જુએ છે તો વિરાજ હોય છે. વિરાજને જોઈને એની આંખો પહોળી થઈ જાય છે. એ આશ્ચર્યથી એની તરફ જુએ છે. અને પછી એના હોઠો પર ખૂબ મોટી સ્માઈલ આવે છે. વિરાજ પણ મંદ મંદ હાસ્ય વેરતો એની તરફ જ જોતો હોય છે.

આશ્કા : અરે તમે અહીં ક્યાંથી !!

વિરાજ : કેમ હું અહીં નહી આવી શકું ?

આશ્કા : ના ના મારો એ મતલબ નથી. તમે તો બે દિવસ પછી મને લેવાં આવવાનાં હતાં ને ? તો અત્યારે કેમ અહી !!

વિરાજ : એ તો મમ્મી તને બહું યાદ કરે છે એટલે તને લેવાં આવી ગયો. પણ જો તને અહીં રહેવું હોય તો હું થોડાં દિવસ પછી આવીશ.

આશ્કા : ના મને પણ મમ્મીની યાદ બહું આવે છે. હું તો આજે જ તમારી સાથે આવીશ.

વિરાજ : બસ મમ્મીની જ યાદ આવે છે ?

આશ્કા વિરાજ તરફ જુએ છે અને પછી આંખો નીચે ઝૂકાવી લે છે. પણ પછી મનમાં કંઈક વિચાર આવતાં એની તરફ એક શરારતી હાસ્ય ફેંકી કહે છે.

આશ્કા : હા બીજાની યાદ પણ આવે જ છે. રાજુભાઈ, દમયંતિબેન, રાહુલભાઈ, પ્રાચીદીદી, વિક્રમભાઈ, સાચીદીદી, સમર્થભાઈ, કાવ્યાદીદી બધાંની જ બહું યાદ આવે છે. એ બધાં પણ મઝામાં છે ને ?

વિરાજ આશ્કાની આ મશ્કરી સમજી જાય છે. એને બિલકુલ યકીન નથી થતું કે આશ્કા પણ તેની સાથે મસ્તી કરી શકે છે. એ જોર જોરથી હસવા લાગે છે. અને આશ્કાના કપાળ પર હળવેથી ટપલી મારે છે અને પછી કહે છે. 'બદમાશ'. બસ ખાલી આ લોકોની જ યાદ આવે છે બીજા કોઈની નહી.

આશ્કા : હા તો મારી યાદ ખાલી મમ્મીને જ આવે છે બીજા કોઈને નહી ?

વિરાજનું તીર એની સામે જ પાછું આવે છે. એ મનમાં વિચારે છે બેટા વિરાજ આ આશ્કા એટલી ડાહી પણ નથી જેટલી તું સમજે છે. તારા ટક્કરની જ છે. પણ વિરાજ આશ્કાના આ નવા રૂપથી ખુશ થાય છે.

વિરાજ : હા મારી મા હા હું પણ તને યાદ કરતો જ હતો બસ.હવે બોલ તું મને યાદ કરતી હતી કે નહી ?

આશ્કા : હા હું પણ તમને બહું જ યાદ કરતી હતી.

વિરાજ : હમ્મ્મ એટલે જ મને આટલી બધી હેડકી આવતી હતી. અને બંને હસવા લાગે છે.

આશ્કા અને વિરાજ એકબીજા સાથે ખૂબ જ સહજ થઈ ગયા હોય છે. એવું બિલકુલ નથી લાગતું કે એ બંને એમના મેરેજના થોડાં દિવસો પહેલાં જ મળ્યાં હોય. જાણે બંને વર્ષોથી એકબીજાને ઓળખતાં હોય એવું બંને મેહસુસ કરે છે.

દોસ્તો જીવનમાં અમુક સંબંધ એવા જરુર હોય છે જેની સામે આપણે સંપૂર્ણ રીતે વ્યક્ત થઈ શકીએ છીએ. એવું કોઈક તો હોવું જોઈએ જે આપણને આપણાં બોલવાથી કે આપણાં વિચારોથી જજ ના કરે. અને જેની સામે બોલતી વખતે આપણે કંઈ વિચારવું નથી પડતું. હા માતા પિતા તો હોય જ છે આપણી પાસે. એ આપણને આપણાં કરતાં પણ વધું ઓળખતાં હોય છે. પણ એ સિવાય પણ કોઈક ને કોઈક તો આપણાં જીવનમાં એવું હોય જ છે. અને એ મોટે ભાગે મિત્ર જ હોય છે. અને જીવનસાથીમા જો આવો મિત્ર મળી જાય તો પછી જીંદગીમાં કંઈ ના ઘટે. આશ્કા અને વિરાજ વચ્ચે પણ આવી જ કંઈક મિત્રતા બનતી જાય છે.

આશ્કા વિરાજ સાથે પોતાનાં ઘરે જવા નીકળે છે. આશ્રમમાંથી વિદાય વેળા એની આંખોમાં આંસુ જરુર હોય છે પણ એની સાથે વિરાજ સાથે જવાની ખુશી પણ હોય છે. આશ્કા આગળ વિરાજની બાજુમાં બેસે છે. અને બધાંને આવજો કહી તેઓ પોતાની મંજીલ તરફ આગળ વધે છે.

વિરાજ એકદમ શાંતિથી ગાડી ચલાવતો હોય છે. ગાડીમાં ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હોય છે. આખું વાતાવરણ એકદમ રોમેન્ટિક હોય છે. વિરાજ અને આશ્કા વારંવાર એકબીજાને જોયાં કરતાં હોય છે. ગાડી ચલાવતાં ચલાવતાં અનાયાસે વિરાજનો હાથ આશ્કાને હાથને સ્પર્શે છે. અને આશ્કાના આખાં શરીરમાં વિજળી દોડવા લાગે છે. એવો જ હાલ વિરાજનો પણ હોય છે. જાણે કોઈએ હજાર વોલ્ટનો તાર અડકાવી દીધો હોય એમ એને કરંટ મેહસુસ થાય છે. બંને એકબીજા તરફ જુએ છે અને જાણે કંઈ જ થયું ના હોય તેમ ફરીથી બીજી દિશામાં જોવાં લાગે છે.

વિરાજને આશ્કા સાથે ઘરમાં આવતા જોતાં કાવેરીબેન પહેલાં તો અચરજ અનુભવે છે. પણ પછી જાણે આવું તો થવાનું જ હતું એ જાણી હસીને એમને આવકારે છે.

કાવેરીબેન : અરે આશ્કા તું આવી પણ ગઈ !!

આશ્કા : હા મમ્મી આપની બહું યાદ આવતી હતી એટલે આવી ગઈ. આશ્કા વિરાજ તરફ નજર કરીને જુએ છે.

કાવેરીબેન : સારું થયું તું આવી ગઈ. તારા વગર અમને પણ નહોતુ ગમતું. તુ ફ્રેશ થઈ જા. હું દમયંતિને કહી દઉ છું રસોઈ બનાવવા માટે.

આશ્કાના બેડરૂમમાં ગયા પછી કાવેરીબેન વિરાજ પાસે જાય છે અને એના કાનને આમળીને પૂછે છે, કેમ મને જણાવ્યું પણ નહીં અને એકલો એકલો ચાલ્યો ગયો.

વિરાજ : એનો કાન છોડાવતા આહ.. મમ્મી દુઃખે છે. તમને એની બહું યાદ આવતી હતી તો થયું એને લઈ જ આવું.

કાવેરીબેન : મને જ કે બીજાને પણ યાદ આવતી હતી.

વિરાજ : હા હા બધાંને જ યાદ આવતી હતી. અને એ હસતો હસતો એના રૂમમાં ચાલ્યો જાય છે.

કાવેરીબેન એ બંનેની આંખોમાં એકબીજા પ્રત્યે પ્રેમ જોઈને ખૂબ ખુશ થાય છે. અને દમયંતિબેનને રસોઈ બનાવવાનું કહેવા માટે રસોડામાં જાય છે.

વિરાજ અને આશ્કા બંનેનાં મનમાં પ્રેમનાં બીજ અંકુરિત થવા લાગ્યાં છે. બંને એકબીજાને પ્રેમ તો કરવાં લાગ્યાં છે. બસ હવે એને શબ્દો મા વ્યક્ત કરવાની જ વાર છે. એ પણ બહું જલ્દી થશે. બસ થોડા સમયની રાહ જોવી પડશે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna