K Makes confusion Kavy thi kavya sudhi ni safar - 8 in Gujarati Fiction Stories by Jay Gohil books and stories PDF | K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - 8

Featured Books
Categories
Share

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - 8

પ્રકરણ ૮

વાતને ચારેક દિવસ વીતી ગયા દિવાળીનાં તહેવારો જતા રહ્યા. કવિથની ફ્લાઈટ ઓસ્ટ્રેલીયા ઉપડી ગઈ. ક્રિષાનું બેસતું નવું વર્ષ પણ દર વખતની જેમ કવિથની વિશ વગર જ પૂરું થયું. આંખમાં આંસુ સાથે તે સુનમુન તેના રૂમમાં પડી રહી તેણે તેના દરેક એક્ટિંગ શેડ્યુલ પોસ્ટપોંડ કરી દીધા.

તેણે કવિથની ડાયરી હાથમાં લીધી, તેના પહેલા પાના પર હાર્ટ શેપમાં ડ્રો કરેલા શોર્ટ નેમ K.K” પર તેણે ફરી હાથ ફેરવ્યો તે વિચારી રહી હોય છે કે આ નામ તેનું પોતાનું અને કવિથનું હશે. તરત જ તેની નીચે લખેલી છેલ્લી લાઈન્સ વાંચે છે
કવિમય થયેલ ક્વીથે કાવ્યા માટે લખેલી કહાની..!! “કવિ બનીને કંટાળ્યો એટલે, હવે દરેક કવિતા, દરેક વાત કાવ્યા માટે ક્રિષાને હવે કદાચ અહેસાસ થયો હશે તેનો પ્રેમ એ કાવ્યાને ચાહતો હતો. તેણે જે કવિથની ડાયરીમાં પહેલા પાના પર માત્ર હાર્ટ શેપમાં ડ્રો કરેલું શોર્ટ નેમ “K.K” વાચ્યું હતું તે તેના માટે નહિ પણ કોઈ કવિથની કવિતા કાવ્યા માટે હતું. આટલું વાંચ્યા પછી જે રીતે સપના તૂટે એમ ક્રિષાના પણ સપના અને દિલ તૂટ્યા હશે અને બીજું કોઈ વ્યક્તિત્વ કદાચ આગળ વાંચવાની હિમત સુદ્ધાં પણ નાં કરે. તેણીએ કવિથની ડાયરીના આગળના પાના વાંચવાના શરુ કર્યા.

મારી(કવિથ) અને કાવ્યાની પહેલી મુલાકાત એક કવિ સંમેલનમાં થઇ હતી. મારા જીવનનું પહેલું કવિ સંમેલન અને કાવ્યા સાથેની પહેલી મુલાકાત. પિંક અને વાઈટ કલરનાં લહેરિયાનાં ડ્રેસમાં આવેલી અતિસુંદર છોકરી એટલે કાવ્યા. આવી સ્વરૂપવાન અને અપ્સરાને ઝાંખી પાડે એવી છોકરીને જોઈને જીવનમાં પહેલી વાર મારા હ્રદયની લાગણીઓ ઉછળી પડી હતી. પહેલી વાર કોઈને જોઈને મને આવું વિચિત્ર આકર્ષણ થયું હતું. જે આટલાં વર્ષોમાં કદી થયું ન હતું. બે મિનીટ સુન્ન થઈને જયારે હું મારી લાગણીઓને સાંભળતો ત્યારે તે મને કહી રહી હતી કે આ છોકરી તારા માટે બની છે કવિથ, તું કવિતા લખે છે અને તેને કવિતા સાંભળવી પ્રિય છે. કવિ આ તારા માટે બનેલી છે હું તારી અંદરનો અવાજ છું, હું તારું દિલ છું અને તે દિલની વાત તારે સાંભળવી રહી કવિથ, સાંભળવી રહી. પહેલી વાર મારા હર્દયને આવી વિચિત્ર કહી શકાય એવી લાગણી અનુભવી એવું મને લાગ્યું. ત્યાં જ કાવ્યાએ મારી આંખો આગળ ચપટી વગાડી અને કહ્યું

‘ક્યાં ખોવાઈ ગયા કવિથ તમે ?’

‘જી, કઈ નહિ હું સાંભળતો હતો.’

‘શું પણ ? અરે દિલનો અવાજ...!!!’

‘જી...!!’

‘જી કઈ નહિ...!!’

એ મારી અને કાવ્યાની પહેલી મુલાકાત. બીજા દિવસની સવારે મારા ફેસબુક એકાઉન્ટમાં અધધ ૧૦૦ થી વધારે નોટીફિકેશન, દરેક નોટીફિકેશન કાવ્યાની લાઈક્સની, કાવ્યાની ફ્રેન્ડ રીક્વેસ્ટ અને એક મેસેજ..!!

‘તમારી વાતોએ મારી રાતની નિંદર ઉડાવી દીધી છે.’ લખતા રહો અને મને વંચાવતા રહો.!!

એ દિવસની વાતો પછી મારી અને કાવ્યા વચ્ચે નંબરની આપલે થઇ ગઈ અને હું અને કાવ્યા વોટ્સ એપ પર વાતો કરવા લાગ્યા.

થોડા દિવસો પછી મેં કાવ્યાને કહ્યું ’કાવ્યા જો તમને પ્રોબ્લેમ નાં હોય તો આપણે આ વિકએન્ડમાં મળી શકીએ..’

‘જી વિકએન્ડમાં મને ફાવે એમ નથી. તમે કહેતા હોવ તો બીજો કોઈ ચાલુ દિવસ સારો રહેશે.’

‘કાવ્યાની મળવાની હા સાંભળી હું ખુશ થયો મેં કહ્યું કે ‘આપણે ગુરુવારે મળી શકીએ ?’.

અમારા બંનેની મુલાકાત ગુરુવારે નક્કી થઇ અને મેં મારી કોલેજનો બીજા વર્ષનો સવારનો પહેલો લેકચર બંક કરીને વિવાનની કાર લઈને સાબરમતી રીવર ફ્રન્ટ જવા નીકળ્યો. મેં મનોમન નક્કી કર્યું હતું કે આજે અમે બંને આખો દિવસ સાથે રહીશું. સવારથી છેક રાતે ડીનર કરીને છુટા પડીશું. શિયાળાની એ વહેલી સવાર હતી, આજે ફરી તે ખુબસુરત અપ્સરાને જોવા માટે મારું દિલ કુદી કુદીને ફૂદડીઓ ફરી રહ્યું હતું. ગમે તે હોય તેનામાં ગજબનું આકર્ષણ હતું. તેની ખુબસુરતી મારા દિલને ઉચુ- નીચું કરી મુકતી હતી. તેની સાથે વાત કરવાની મને બહુ મજા પડતી હતી. હું મારા જીવનમાં કેટ કેટલીય છોકરીને મળ્યો હતો પણ તેનામાં રહેલી સુંદરતા અફલાતુન હતી...!! કદાચ તે મારી આ ઉંમરનું આકર્ષણ હોય એવું બને પણ જે હોય એ આજે તેને મળવાનો ઉત્સાહ ખુબ હતો..!!

હું સવારનાં ટ્રાફિકને લીધે મોડો પડ્યો. તે પહેલેથી આવી પહોંચી હતી. શિયાળાનો ધુમ્મસ્યા વાતાવરણનો સમય હતો, દુરથી શિયાળાની સવારના ધુમ્મસના બનેલા આછા પડદા પર કુદરતે ભરાવદાર શરીરનું જે ચિત્ર દોર્યું હતું એ કાવ્યાનું જ હતું. દુરથી તેને જોઇને આ દિલ ફરી એક વાર ધબકાર ચુકી ગયું. તેની સાદગીમાં રહેલી સુંદરતા મને પાગલ કરી મુકતી હતી. આ જવાનીનો ઘોડો તેને જોઇને હણહણી ઉઠતો હતો. આજે મળીશું કેટલી બધી વાતો કરીશું કાવ્યા વિશે હું નવું જાણીશ. એ શું કરે છે, ક્યાં રહે છે એ બધું જ મારે આજે કાવ્યાને પૂછવાનું હતું.

ધુમ્મસના એ પડદાને ઓળગીને હું કાવ્યા નજીક ગયો..!! આજે તે યલ્લો કલરના ડ્રેસમાં આવી હતી. યલ્લો ડ્રેસની સાથે સાથે તેની બાયનો આછો ઓરેન્જ રંગ એ યલ્લોની અંદર મીક્ષ થવાની તૈયારી કરતો હતો, ડ્રેસમાં રહેલી કાળા રંગની ક્યાંક કેટલીક પાતળી સ્ટ્રીપ તે કાવ્યા નહિ કોઈ શિયાળાની સવારમાં કુદરતે તરતું મુકેલું પતંગિયું હોય એવું લાગતું હતું. આ પતંગિયાને જોઇને મારી અંદર પણ પંતગિયાઓ ઉડવા લાગ્યા હતા. મારી આંખોનું ધ્યાન જયારે તેના સુંદર સજ્જ હોઠ પર કરેલી ગુલાબી લીપસ્ટિક, કપાળમાં મેચિંગ કરેલી નાની બિંદીથી હટીને તેના ચહેરાની નીચે ઉન્નતભ્રુ, મલયસમ, મખમલી સ્તન સુધી આવ્યું ત્યારે મારી દશા એ અષાઢસ્ય પ્રથમ દિવસ જેવી થઇ ગઈ હતી. આ પછી પણ સાબરમતીનાં પાણી પર થઈને આવતા એ પવનો એ કાવ્યાનાં શરીરમાંથી આવતી અલગ પ્રકારની સુગંધ મારા નાકને આંનદ લેવા મજબુર કરી આપતી હતી. તેના ઉડતા વાળ અને લટોએ તેના ચહેરા પર વારંવાર આવીને તેને કોઈની નજર નાં લાગી જાય તેનું બરાબર ખ્યાલ રાખતી હતી. મારી અંદરનો જાગેલો કવિ અંદરને અંદર બોલી ઉઠ્યો કે ચાલ કાવ્યા આ પતંગિયાની પાંખ પર બેસી ઉડીએ આપણે, પ્રેમના રંગમાં, લાગણીઓના તરંગમાં ચાલ આવ ઉડીએ આપણે.

ત્યાં ફરી ખુલી આંખે જોવાતું સ્વપ્ન તૂટ્યું, જયારે કાવ્યાએ ફરી ચપટી વગાળી...!! અને હું બોલી ઉઠ્યો.

‘હેલ્લો, મેડમ કેમ છો ?’

‘ઓહો, સર તમે વહેલા આવ્યા એમ’

‘અરે, ટ્રાફિક જરા તમે તો જાણો છો કે આ અમદાવાદ એટલે વાહનોનું ગામ..!! અને અમે બંને હસવા લાગ્યા.’

‘તો, બોલો શું લખ્યું નવું આજકાલમાં તમે. એ વાતો પછી કરીશું. ક્યાંક કોફી પીવા જઈએ તમે અનુમતિ આપો તો.’

‘જી બિલકુલ.’

‘હું અને કાવ્યા નજીકના કોફી સેન્ટર પર કોફી પીવા ગયા. તે કોફી પીવે અને હું તેની સુંદરતાને પીવું.’

‘શું કરો છો તમે ?

‘પહેલા આ ‘તમે’ કહેવાનું બંધ કર તો આપણી દોસ્તી જામશે, નહી તો લાંબુ નહિ ચાલે,’

‘આ તમેમાં પ્રેમ નથી...

‘નાં આતો તમે કવિ જેવા મોટા માણસ, માનથી બોલાવા પડે ને ?’

‘એવું કઈ થોડું હોય હવે..હું બહુ નાનો છું એકદમ હજુ તો ઉગુ છું,;

‘અને ખાસ વાત ઉંમરમાં તો તારાથી નાનો છું કદાચ..’

‘હે, મારી ઉંમર લાગે છે તમને ?’

‘નહિ ટકે દોસ્તી,

‘અરે ભૂલી ગઈ...એટલે મારી ઉંમર લાગે છે તને ?’

‘નાં આતો એવું લાગે છે તું થોડી મોટી હોય એમ..’

‘બની શકે...!! એનાથી આપણી દોસ્તીને શું ?’

‘બિલકુલ કંઈ જ નહિ...’

‘તો તું શું કરે છે અમદાવાદમાં થોડું જણાવ તારાં વિશે..’(તેણીએ ફરીવાર પૂછ્યું)

‘હું અહિયાં મેડીકલ કોલેજમાં બીજા વર્ષમાં એમ.બી.બી.એસમાં અભ્યાસ કરું છું, એમાંથી સમય મળે એટલે લખી લઉં છું. મૂળ સુરતી છું...બે વર્ષથી અમદાવાદ ભણું છું અને બની શકે જિંદગીના વર્ષો વર્ષ હવે અહિયાં જ જાય,’

‘પ્રેમ થઇ ગયો છે..’

‘એટલે...’

‘એટલે પ્રેમ થઈ ગયો છે આ અમદાવાદ સાથે...રોજ નવું નવું છે આ શહેરમાં..સુરત પછી ગમેલું આ બીજું શહેર એટલે તારું અમદાવાદ..’

‘મારું ? મારું નથી આ અમદાવાદ...

‘હું, અમદાવાદની નથી..હું સૌરાષ્ટની છું... તેણીએ મને કહ્યું...’

‘અચ્છા..!!’

‘હા, અહિયાં હું અભ્યાસ કરું છું બી.એ નો અને...!!’

‘અને શું ?’

‘અને કોફી સાથે નાસ્તામાં શું લઈશ? તેણીએ કહેતા કહેતા વાતને કયાંક આડા રસ્તે વાળી દીધી એવું મને લાગ્યું..’

‘સમોસા લઈશ ? મને બહુ ભાવે છે...તેણીએ મને કહ્યું...

‘હા લઈશ...!! ત્યાં વેઈટરને સમોસાનો ઓર્ડર આપ્યો અને ફરી વાતોમાં લાગ્યા...’

‘બી.એ ક્યાં સબ્જેક્ટ સાથે કરે છે...’

‘જી, ભૂતકાળ સાથે...

‘એટલું બોલતા બોલતા એ બે ઘડી માટે સુન્ન થઈને જાણે કઇક વિચારી રહી હોય એવું લાગતું હતું...’

‘સર, સમોસા...’વેઈટર સમોસા આપી ગયો અને તેણીનો ગહેરો વિચાર તોડી નાખ્યો વેઈટરને મનોમન સાચા સમય પર આવવા માટે મેં તેને થેંક્યું કીધું ..

‘હું, પણ ક્યાં ખોવાઈ ગઈ હતી...અરે સમોસા લે કવિથ મજા આવશે...

‘હું તો લઈશ જ ને...પણ પહેલી વાર ખબર પડી કે ગુજરાતની કોઈ કોલેજ ભૂતકાળ સાથે પણ બી.એ કરાવે છે....’

‘હે.. હું ઈતિહાસ વિષયમાં બી.એ કરું છું.. ભૂતકાળ તો એમ જ બોલી ગઈ હોઈશ..’

‘બરાબર છે કાશ એમ જ, એમ જ ઘણું બોલી ગઈ હોત તો....મેં ટોન્ટ માર્યો..

*

એ દિવસે ખબર પડી કે લગભગ દરેક ખળખળ હસતા ચહેરા પાછળ કદાચ ઘણાં ગમ છુપાયેલા હોય છે. એ જેટલી ખુશ દેખાતી એટલી અંદરથી હતી નહિ.. નાં જાણે મને કેમ એવું લાગ્યા કરતુ હતું. હજી દોસ્તીની શરૂવાત હતી આજે પહેલી મુલાકાત હતી કેવી રીતે બધું જ પૂછી શકાય ? કદાચ એ કઈ કહેતા ખચકાશે જ અને અમારી ઉગી રહેલી દોસ્તીને અસર થાય તો ? એ ડર સાથે મેં તેને કઈ જ પૂછ્યું નહિ. નક્કી કર્યું કે હું તેને ખુશ રાખીશ, મારી દોસ્તીમાં. આ સુંદર ચહેરા પર મારી હાજરીમાં તો ગમ નાં આવે તેવા પ્રયત્ન કરીશ. સમય જતા તેના દરેક ગમ દુર કરવાનો પ્રયત્ન કરીશ..

*

‘અમારા બંનેનાં મૌન વચ્ચે સમોસું ફાવી ગયું... તે ગરમ ગરમ ખવાઈ ગયું...તે કોફી સેન્ટરનાં દરવાજા સામે બેઠી હતી અને હું તેની સામે..અચાનક તેનો ચેહરો ગભરાયેલો લાગ્યો... તે ધારી ધારીને ઝીણી આંખ કરીને દરવાજા સામે જોઈ રહી... મેં તેની સામે જોઇને દરવાજા તરફ જોયું... મને બહુ કઈ ખાસ ખબર પડી નહિ..કે દરવાજા સમક્ષ જોઇને તે કેમ આટલી ગભરાઈ ગઈ છે...તે ટેબલ પર પડેલા મેન્યુ દ્વારા તેણે તેનો ચહેરો ઢાંકી દીધો..

‘આગામી થોડી મીનીટોમાં, આપણે અહીંયાથી નીકળવું પડશે કવિથ..

‘કેમ પણ ?’

‘આ સવાલનો જવાબ હું તને પછી આપું હમણાં નહી, લાંબી વાત છે...’

‘હા, વાંધો નહિ...તો ચાલ..

‘બે મીનીટ...જઈએ...’

‘કોફી સેન્ટરના એ Transparent દરવાજામાંથી ૫ એક પુરુષોનું ટોળું વાતો કરતા કરતા દાખલ થયું...અને અમારી વિરુદ્ધ બાજુના ટેબલ પર બેસી ગયું...’

‘તે ટોળામાં કોઈનુંય ધ્યાન નાં જાય એ રીતે કાવ્યાએ મને કોફી સેન્ટરમાંથી નીકળી જવા માટે કહ્યું...હું ૧૦૦ ૧૦૦ની બે નોટ ટેબલ પર મૂકી..વેઈટર સમક્ષ ઈશારો કરીને ફટાફટ કાવ્યા સાથે નીકળી ગયો...’

‘બહાર જઈને બંને કારમાં બેસી ગયા..મારી કાર સવારની ઓફીસની ભીડને કાપતી કાપતી અમદાવાદના રસ્તા પર નીકળી....’

‘અચાનક શું થયું કાવ્યાને ? ભૂતકાળને યાદ કરતા જ શું ભૂતકાળ તેની સામે આવી ગયો કે પછી વર્તમાન ? મૂળ સૌરાષ્ટની છે, અમદાવાદમાં બી.એ ભણે છે આ સિવાય શું છે તેની જિંદગીની કહાની ? કવિથની ડાયરી વાંચતા વાંચતા ક્રિષાને કવિથની જીદંગીમાંથી શું શીખવા મળશે ? કવિથને શું કઈ નવું મળશે ઓસ્ટ્રેલીયામાં ? શું કવિથ સફળ થશે તેના મકસદમાં કે પછી નિષ્ફળ..? મળીએ આવતાં અંકમાં...!!

(લેખકનાં દિલની વાત:

દિલ તને ભૂતકાળ ભૂલવાની રજા આપે તો સારું..

કાશ કોઈ ડોકટર એવી કોઈ દવા આપે તો સારું..