Pentagon -12 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૧૨

Featured Books
Categories
Share

પેન્ટાગોન - ૧૨

સનાની વાત સાંભળ્યા બાદ બધાને એની ઉપર ભરોસો બેઠો હતો છતાં પ્રોફેસર નાગ વિષે, આ મહેલ વિષે વધારે જાણવા બધા આતુર હતા. બધાંની ઇન્તેજારી પૂરી થઈ જ્યારે મહેલના કમ્પાઉન્ડમાં મોડી સાંજે એક ગાડી આવીને ઊભી રહેલી...

ઘાટા વાદળી રંગની બી.એમ.ડબલ્યુ કમ્પાઉન્ડમાં આવીને ઊભી રહી હતી. એની ડ્રાઈવર સીટનો દરવાજો ખોલી એમાંથી એક લાંબો, પાતળો યુવાન બહાર આવેલો. ફેડેડ જીન્સ અને શોર્ટ ટીશર્ટમાં એ કુલ ડુંડ લાગી રહેલો. એના કેટલાક વાળ સોનેરી રંગે રંગેલા હતા જેમાં એ ખરેખર સુંદર લાગતો હતો. એણે નીચે ઉતરતા જ બધા સામે જોઈ એક સુંદર સ્મિત વેરી, એનો હાથ આગળ લંબાવી પોતાની ઓળખ આપતાં કહેલું,
‘હે ગાય્સ આઇમ્ હેરી!'
બધાએ એક પછી એક એની સાથે હાથ મિલાવ્યો અને પોતાનું નામ કહ્યું. આ વખતે ગાડીનો બાજુવાળો દરવાજો ખોલીને પ્રોફેસર નાગ પણ બહાર આવી ગયેલા. એમણે બધા સામે સ્મિત કર્યું અને છેલ્લે પોતાનું નામ જણાવ્યું. બધા એમની તરફ અહોભાવથી જોઈ રહ્યા. આ જ એ વ્યક્તિ હતી જે એમના બધા સવાલોના જવાબ આપવાની હતી. આ મહેલમાં આવ્યા એ પહેલાથી જ દરેકના મનમાં ઘણા સવાલ હતા...

સાંજનું જમવાનું તૈયાર હતું. રઘુ અને બીજી એક બાઈએ મળીને વેજ નોનવેઝ બંને ડિશ બનાવી હતી. બધાએ શાંતિથી ભોજન લીધું અને પછી મહેલના વિશાળ હૉલમાં આવીને બેઠા.

“તમારા મનમાં ઘણા બધા સવાલો છે અને વિશ્વાસ રાખો હું મારાથી બનતો પ્રયાસ કરીશ એમના તમને સંતોષ થાય એવા જવાબ આપવાના." પ્રોફેસર નાગે વાતની શરૂઆત કરી.
“પહેલા તો એ કહો પ્રોફેસર તમે અમને જ અહીં કેમ બોલાવ્યા? આપણી કોઈ ઓળખાણ નથી, કે અમારામાંથી કોઈનો પણ આ મહેલ સાથે કોઈ સંબંધ નથી," રવિ કહી રહ્યો હતો.

“કોણે કહ્યું કે તમારો આ મહેલ સાથે કોઈ સંબંધ નથી? જો કોઈ સંબંધ ના હોત તો તમે લોકો અહીંયા આવ્યા જ ના હોત! જે લખાણ તમને મળ્યું અને મહેલ વિષે કંઇક નવાઈની વાત જાણી તમે છેક આટલે સુધી આવવા તૈયાર થઈ ગયા એ લખાણ મેં ઘણી જગ્યાએ છોડ્યું હતું. વેબસાઇટ પર મુકેલી માહિતી કોઈ પણ જોઈ શકે છે પણ અફસોસ એ ફક્ત તમે જ જોઈ અને એટલી માહિતી મેળવી તમે અહીંયા સુધી આવવા તૈયાર થયા. મેં તમને અહીં નથી બોલાવ્યા તમે તમારી જાતે આવ્યા છો!" પ્રોફેસર નાગની વાત સૌ સાંભળી રહ્યા હતા. એમની વાત સાચી હતી એવું સૌને લાગ્યું. એ લોકોએ આજ પહેલા ક્યારેય આવી વાતો પર વિશ્વાસ ન હતો કર્યો. હા એ લોકોને જીવનમાં નવા નવા જોખમ લેવા ગમતા હતા પણ એ એવા ખેલ હતા જેમાં શારીરિક અને માનસિક તાકાત લગાડવાની હોય અહીંયા તો એ બેમાંથી એકેય કામમાં આવે એવું ન હતું. ભલા આત્માઓ સામે કેવી રીતે લડી શકાય? એ પણ એવી આત્માઓ જેના વિશે એ લોકો કંઈ જ જાણતા ન હોય!
“તમને લોકોને વાઘનો શિકાર કરવાની, આ મહેલમાં આવવાની ઇચ્છા થઈ એ જ બતાવે છે કે તમે બધા કે તમારામાંથી કોઈ આ મહેલમાં વસતી આત્માઓ સાથે જોડાયેલું છે." પ્રોફેસર નાગની આ વાત સાંભળી સૌ કબીર સામે જોઈ રહ્યા.

બધાને કબીર સામે જોઈ રહેલા જોઈ પ્રોફેસરે પણ કબીર સામે નજર કરી, “તારે કંઈ કહેવાનું છે કબીર?"

“હા પ્રોફેસર, જ્યારનો હું આ મહેલમાં આવ્યો છું મને એક યુવતી દેખાઈ રહી છે. એ મારા સિવાય બીજા કોઈને દેખાતી ફક્ત મને જ દેખાય છે અને એને જોઈને મને અજીબ લાગણી થાય છે. એવું લાગે જાણે હું એ યુવતીને વરસોથી ઓળખું છું! એણે મને કોઈ નુકશાન નથી પહોંચાડ્યું પણ વારંવાર એ મને કૂવા પાસે લઈ જાય છે,"

“અને કબીરને કૂવામાં ધકેલી દે છે! એ તો સારું છે કે અમારામાંથી કોઈનું ને કોઈનું એની ઉપર ધ્યાન જાય છે અને એને એ કૂવામાંથી બહાર કાઢીએ છીએ." રવિએ કબીરની વાત વચ્ચેથી કાપીને કહ્યું.

“એ મને ધક્કો નથી મારતી, હું મારી જાતે જ કૂવામાં કૂદી પડું છું. એ યુવતી ચાલતી ચાલતી કૂવાના પાણી ઉપર જતી દેખાય છે અને એની પાછળ હુંય ચાલી જાઉં છું, પણ જેવું ઠંડુ પાણી અડે કે તરત હું ભાનમાં આવી જાઉં છું. એ યુવતી પણ પછી દેખાતી નથી."

“આવું કેટલી વખત થયું?" પ્રોફેસર નાગે કબીરને પૂછ્યું.

“ત્રણેક વખત થયું હશે, એ પછી જ્યારે પણ એવી સિચ્યુએશન આવી મારા મિત્રોએ મને રોકી લીધો."

“બીજી કોઈ એવી ખાસ ઘટના?"

“હા, અમે લોકો અહીંયા બેઠા હતા અને આ સામેનું જે મોટું ચિત્ર છે એ ચાલું થઈ ગયેલું. જાણે સામે મોટું ટીવી ચાલતું હોય એમ એમાં બતાવેલી છોકરીઓ એમનું કામ કરતી અને અમારી સામે જોઇ હસતી દેખાઈ હતી." સાગરે કહ્યું.

“આજે બપોરે પણ ઉપરના રૂમની બારી બહાર એક નાની છોકરી અને એક યુવતી દેખાયા હતા. એ બંને વાતો કરતી હતી અને પછી અચાનક ગાયબ થઈ ગયેલી. દરવાજો એની જાતે લોક થઈ ગયેલો અને પછી એની જાતે જ ખુલી ગયેલો." રવિએ કહ્યું.

“જંગલમાં મૂકેલું વાઘનું પૂતળું સાચો વાઘ કેવી રીતે બની ગયું? એણે મારી ઉપર હુમલો કરેલો." સન્નીએ કહ્યું એ હજી વાઘે એની ઉપર તરાપ મારેલી એ ઘટનાથી ભયભીત લાગી રહ્યો હતો.

“જંગલમાં વાઘનું આવી જવું એક અકસ્માત કહી શકાય. એમાં કોઈ નવાઈની વાત નથી. ચિત્રમાં રહેલી વ્યક્તિઓ હલતી દેખાવી કે અચાનક કોઈ વ્યક્તિ નજર સામે આવી અદૃશ્ય થઈ જવી એ આવા જૂના મહેલમાં બનતી આમ ઘટના છે. એ કોઈ વખત સાચું પણ હોય શકે અને ઘણીવખત મનનો ભ્રમ પણ હોય શકે છે. જો આ મહેલમાં આત્માની હાજરી છે તો એ વાત સાચી હોય શકે છે. મહત્વની વાત કબીર સાથે એ આત્મા કનેક્ટ કરે છે એ છે! હવે આગળનો રસ્તો આપણને એ આત્મા જ બતાવશે, કબીરની મદદથી." પ્રોફેસર નાગે કહ્યું અને બધાએ ફરી કબીર સામે જોયું.

“હું તૈયાર છું પ્રોફેસર મારે શું કરવું પડશે?" કબીરે વિશ્વાસથી કહ્યું.

“આજે અમે લોકો લાંબી મુસાફરી કરીને થાકી ગયા છીએ. રાત પણ ઘણી વીતી ગઈ. આજે આરામ કરી લઈએ કાલથી કામ શરૂ કરીશું." પ્રોફેસર નાગે સહેજ હસીને કહ્યું.

“જેમ આપ કહો એમ અમને મંજૂર છે પણ કબીરના જીવ ઉપર કોઈ જોખમ તો નહિ આવે ને?" સાગરે પૂછ્યું.

“આપણે પ્રયત્ન કરીશું કે કોઈ જોખમ ના આવે...આગળ તો જેવી ઈશ્વરની મરજી!"
પ્રોફેસરનો જવાબ સાંભળી કબીર સિવાયના ત્રણે ભાઈબંધ ઊંચાનીચા થઈ ગયા પણ કબીર સ્વસ્થ હતો. સનાએ પ્રોફેસર અને હેરીને એમના રૂમ તરફ જવાનો રસ્તો બતાવ્યો અને કંઈ પણ જરૂર હોય તો રઘૂને બૂમ મારવા કહ્યું.

બધા ઊભા જ થઈ રહ્યા હતા કે દૂરથી કોઈ અવાજ આવતો સંભળાયો, એક સ્ત્રીનો એ અવાજ હતો, એ અવાજમાં રહેલું દર્દ, એ સ્ત્રીના દિલમાં ભરેલી પીડા સૌ અનુભવી રહ્યા હતા. ધીરે ધીરે એ અવાજ પાસે ને પાસે આવી રહ્યો હતો. એક ક્ષણે એવું લાગ્યું જાણે એ ગીત ગાઈ રહેલી યુવતી અને આ બધા વચ્ચે બસ એક દિવાલનું જ અંતર હતું.

“આ બધી તો સનાએ કરેલી ગોઠવણ છે. અમે પહેલા પણ આ ગીત સાંભળી ચૂક્યા છીએ." સન્નીએ ડરતા ડરતા કહ્યું.

“આગળ તમે સાંભળ્યું એ મેં રેકોર્ડર વગાડેલું પણ આજે મેં એવું કંઈ નથી કર્યું. એ રૂમ પણ બંધ છે અને ત્યાં કોઈ મીણબત્તી પણ નથી સળગાવી, જોવું હોય તો જોઈ લો." સનાએ કહ્યું.

સના આ કહી રહી હતી અને એ જ વખતે અચાનક બધી લાઈટ બંધ થઈ ગઈ. ઓરડામાં ચારેબાજુ અંધકાર ફેલાઈ ગયો. બધા પોતપોતાની જગ્યાએ જ બેસી રહેલા અને બારણેથી એક મીણબત્તી અંદર આવતી દેખાઈ. ધીરે ધીરે એ ઓરડામાં બધા બેઠા હતા ત્યાં વચ્ચે આવીને અટકી અને એ જ ક્ષણે એ મીણબત્તી પકડેલી યુવતીનો ચહેરો દેખાયો. એક બાજુએથી બળીને વિકૃત થઈ ગયેલો એ ચહેરો કોઈના પણ દિલને ધબકતું બંધ કરી દે એટલો બિહામણો હતો. બધાની આંખો એ ચહેરા પર જ અટકી ગઈ હતી, કોઈના મોઢામાંથી ચીસ પણ ન હતી નીકળી રહી અને એ યુવતીએ કાન ફાડી નાખે એટલા ઊંચા અવાજે અટ્ટહાસ્ય કરેલું....

એના સફેદ ચમકતા દાંત બળેલા ચહેરાની બહાર ધસી આવેલા સાફ દેખાઈ આવતા હતા. એની મોટી, મોટી ગોળ આંખો બધાને જાણે એની જ સામે જોઈ રહી હોય એમ તાકી રહી હતી. સના, સન્ની અને સાગર ત્રણેયના મોઢામાંથી જોરથી ચીસ નીકળી ગયેલી અને એ જ વખતે લાઈટ આવી ગયેલી. સામે કોઈ યુવતી ન હતી ઊભી!

“પ્રોફેસર, પ્રોફેસર તમે એને જોઈ? એ ચુડેલ હતી!" સાગરે અટકી અટકીને એનું વાક્ય પૂરું કર્યું.

“હા મેં જોઈ! ચાલો સૂઈ જઈએ હવે, ગુડ નાઈટ!"
આટલું કહીને જાણે કંઈ જ ન બન્યું હોય એમ પ્રોફેસર નાગ ઊભા થઈને, હસીને ચાલ્યા ગયા. એમની પાછળ હેરી પણ ચાલ્યો ગયો.

“સાચું કહું તો મને તો આ પ્રોફેસર જ અડધો ભૂત જેવો લાગે છે. મારી તો એને જોઈને જ ફાટી ગઈ, બધાની ફાટી ગઇ એક એ પ્રોફેસર સિવાય!" સન્ની હજી ધ્રુજી રહ્યો હતો. બાકીના બધા ચૂપ હતા...
ક્રમશ...