coronarthshastra - mahamari vs aarthik katokati in Gujarati Magazine by Uday Bhayani books and stories PDF | કોરોનાર્થશાસ્ત્ર – મહામારી vs આર્થિક કટોકટી

Featured Books
Categories
Share

કોરોનાર્થશાસ્ત્ર – મહામારી vs આર્થિક કટોકટી

કોરોનાર્થશાસ્ત્ર વિષય પરનો પ્રથમ લેખ પ્રસિદ્ધ કર્યા બાદ ઘણા વાચકો તરફથી રસપ્રદ પ્રશ્નો મળ્યા. આ મંદી કેટલો સમય ચાલશે? આ મંદી 2008ની મંદી જેવી હશે કે તેનાથી વધુ ખરાબ કે ઓછી ખરાબ? શેરબજાર હજુ કેટલું તૂટશે કે નીચું જશે? શેરબજારમાં હવે ખરીદી કરી શકાય? ક્યા શેર ખરીદવા વધુ ફાયદાકારક રહેશે? વગેરે વગેરે... પહેલા તો એ સ્પષ્ટ કરી દઉં કે, શેરબજાર અર્થતંત્રના બૅરોમિટર સમાન છે અને હું આર્થિક બાબતોના લેખો લખું છું, તેમાં તેનો યથાયોગ્ય સમાવેશ થયેલો હોય છે. પરંતુ, શેરબજારનો વિશિષ્ટ અભ્યાસ કરી તે બાબતે સલાહ આપવી હાલ મારા માટે શક્ય નથી (Not my cup of tea). આ પ્રશ્નો ઉપરથી એક ખ્યાલ આવ્યો કે, એવો મોટો વર્ગ છે જેને હાલની મહામારી અને 2008ની વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચેનો સ્પષ્ટ તફાવત ખબર નથી. તો ચાલો સમજીએ...

પહેલા તો 2008ની મંદી એ વૈશ્વિક આર્થિક કટોકટી (Global Financial Crisis) હતી. જે નાણાકીય સંસ્થાઓની અનિયમિતતાઓને લીધે ઉદ્‌ભવી હતી. આ કટોકટીની શરૂઆત 2007માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સબપ્રાઇમ મોર્ટગેજ માર્કેટમાં અવમૂલ્યન સાથે થઈ હતી. બેંકોને ડેરિવેટિવ્ઝની સાથે હેજ ફંડના વેપારમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી. ડેરિવેટિવ્ઝના નફાકારક વેચાણને સમર્થન આપવા બેંકો દ્વારા વધુ ગીરોની માંગ કરવામાં આવી હતી. આ મંદી માટે નાણાકીય બજારોમાં સટ્ટાકીય પ્રવૃત્તિ અને સસ્તા ધિરાણની ઉપલબ્ધતાનું સંયોજન મુખ્યત્વે જવાબદાર હતું. આ આર્થિક કટોકટી મહામંદીમાં પરિણમી હતી. જ્યારે તેનાથી અલગ એવી હાલની કોવિદ-19ની મહામારી (Pandemic - પેન્ડેમિક) એ જાહેર સ્વાસ્થ્યને લગતી કટોકટી છે. જેમાં સ્વાસ્થ્ય સંબંધિ મુશ્કેલીઓ ઉપરાંત લોકડાઉન, વાહન-વ્યવહાર પર પ્રતિબંધ, કંપનીઓના ઉત્પાદન બંધ થવાને લીધે, આયાત-નિકાસ બંધ થઇ જવાને લીધે અર્થતંત્ર ઉપર થતી અસરોનો સમાવેશ થાય છે. બન્ને પરિસ્થિતિના નિર્માણના કારણો અને અસરો જુદા છે, માટે બન્નેની સીધી સરખામણી કરવી અસ્થાને છે. મહામારી એ મોટું સ્વરૂપ છે, જેમાં આર્થિક કટોકટીનો સમાવેશ થઇ જાય છે.

આ બન્ને પરિસ્થિતિઓ અલગ છે, તો તેનો તેની સામે લડવાના સાધનો અને તેનો ઉકેલ લાવવાના ઉપાયો પણ સ્વાભાવિક રીતે જ અલગ હોવાના. 2008ની વૈશ્વિક આર્થિક કટોકટી દૂર કરવા અર્થતંત્રને સબળ કરતા પગલાઓ જેવા કે, ઉદ્યોગો માટે આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કરવા, સરળ લોનની ઉપલબ્ધિ કરાવવી, માંગમાં વધારો થાય તેવા પગલાં ભરવા, કરમાં રાહત આપવી, બજારમાં નાણાકીય તરલતા જાળવી રાખવી, નિકાસનું પ્રોત્સાહન કરવું વગેરેનો સમાવેશ થાય છે. જે-તે દેશો દ્વારા તેઓના અર્થતંત્ર માટે આવા પગલાઓ દ્રઢતાપૂર્વક લેવામાં આવતા વિશ્વ આર્થિક કટોકટીમાંથી બહાર આવી ગયું. પરંતુ આ કોવિદ-19 નામની મહામારીમાંથી બહાર નીકળવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે, આ રોગ સામે લડવું. કોવિદ-19 બિમારી પેન્ડેમિક (મહામારી) માંથી એન્ડેમિક (endemic – લોકો કે પ્રદેશમાં સતત મળી આવતો રોગ) બને તે પહેલા તેની દવા કે રસી શોધવી. જ્યાં સુધી દવા કે રસી ના મળે ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા વિવિધ પગલાઓ જેવા કે, લોકડાઉન (તાળાબંધી), સેલ્ફ કોરેન્ટાઈન – પોતાની જાતનો સંસર્ગનિષેધ (સ્વ સંયમ), હોમ કોરેન્ટાઈન – ઘરમાં પુરાઈ રહી અલગ થવું (નિજ નિવાસ કેદ), સોશીયલ ડિસ્ટન્સીંગ – સામાજિક અંતર (સામાજિક દૂરી), આઇસોલેશન – અળગાપણું (એકાંતવાસ) વગેરે પાળવા અને આ વિષાણુના સંક્રમણથી બચવા હસ્તપ્રક્ષાલન કરતું રહેવું અને સેનિટાઇઝર (શુદ્ધોદક)નો ઉપયોગ ખાસ કરતો રહેવો. ત્યારબાદની બીજી સૌથી અગત્યની બાબત છે, આ લોકડાઉન વગેરે સમયે જે લોકો બેરોજગાર થાય છે, તેઓને નાણાકીય સહાય આપવી, જીવન જરૂરી વસ્તુઓની અછત ન સર્જાય તેનું ધ્યાન રાખવું, જરૂરિયાતમંદ(રોજે-રોજનું કમાતા મજૂરવર્ગના) લોકો માટે રહેવા અને અન્ન-પાણીની મૂળભૂત જરૂરિયાતો પુરી પાડવી વગેરે. છેલ્લે ત્રીજા ક્રમે આવે છે, અર્થતંત્રને ઊભું કરવાને લગતા પગલાઓ જેવા કે, રાજકોષીય અને નાણાકીય નીતિ સંબંધિ પગલાઓ લેવા. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને ભારતીય રીઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાઓ બાબતે જોઇએ તો –

24મી માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવેલા પ્રત્યક્ષ અને પરોક્ષ કરને લગતી રાહતોમાં વર્ષ 2018-19ના નાણાકીય વર્ષનું ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ ને બદલે 30મી જુન કરવામાં આવી, ટીડીએસ જમા કરાવવામાં વિલંબ થાય તો તે સબબ વસુલવામાં આવતા વ્યાજનો દર 18% થી ઘટાડી 9% કરવામાં આવ્યો, વિવાદ થી વિશ્વાસ યોજનાની તારીખ 30મી જુન કરવામાં આવી, જીએસટીમાં પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને વિલંબથી રીટર્ન ફાઇલ કરતા કોઇ વ્યાજ, પેનલ્ટી કે લેટ ફી નહીં ભરવી પડે તથા પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને લેટ ફી પેનલ્ટી નહીં લાગે અને વ્યાજ 18%ને બદલે 9% લેખે વસુલવામાં આવશે વગેરેનો સમાવેશ થાય છે. આ પગલાઓ હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં વૈધાનિક/કાયદાકિય જોગવાઈઓ અનુસાર સમયમર્યાદા પુરી થતી હોય તેવી બાબતોને લીધે બજારમાં પેનિક(ગભરાટ)નો માહોલ ઉભો ન થાય તે માટે લેવામાં આવેલા છે અને ખરેખર ખૂબ જ આવશ્યક હતા.

26મી માર્ચ, 2020ના રોજ 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એટલે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખનો વીમો, ગરીબોને મફત અનાજ, ખેડૂતો અને મહિલાઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા, અમૂક પ્રકારના કર્મચારીઓ માટે ત્રણ મહિના સુધી ઇપીએફનું યોગદાન સરકાર દ્વારા જમા કરાવવું, મફત સિલિન્ડર વગેરેનો સમાવેશ થાય છે. આ રાહત પેકેજ લોકડાઉન અને બેરોજગારીની પરિસ્થિતિને કાબુમાં રાખવા અને જરૂરિયાતમંદો મુશ્કેલીમાં ન મુકાય તે માટે અનિવાર્ય હતું. સરકારે જરૂર જણાયે આ રાહતો લંબાવવાની કે તેમાં વધારો કરવાની પણ તૈયારી રાખવી જોઈશે. આ પગલાઓથી અર્થતંત્રને ફાયદો જરૂર થશે પરંતુ તેને ઊભું કરવાના પગલાઓ રૂપે બહુ ગણી શકાય નહીં.

27મી માર્ચ, 2020ના રોજ ભારતીય રીઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાઓ જોઇએ તો તેમાં રેપો રેટમાં ઘટાડો, ટર્મ લોનનો હપતો ચૂકવવામાં ત્રણ મહિનાની છૂટ, વર્કિંગ કેપિટલ પર વ્યાજની ચૂકવણીમાં ત્રણ મહિનાની છૂટ અને ખાસ અગત્યનું તેવું કેશ રીઝર્વ રેશીયોમાં 1%નો ઘટાડો કરવામાં આવેલ છે. ભારતીય રીઝર્વ બેંકના આ પગલાઓ અર્થતંત્રને ઊભું કરવાને લગતા કહી શકાય કે જેનાથી 3.75 લાખ કરોડની કેશ બેંકો પાસે વધશે તેવું અનુમાન છે. પરંતુ અત્યારે લોન લેવા કોણ આવશે? આ વધારાની કેશનો બેંકો શું ફળદ્રુપ ઉપયોગ કરી શકશે?

મિત્રો, આપણે અગાઉ જોયું તેમ મહામારી અને આર્થિક કટોકટી બન્ને પરિસ્થિતિ અલગ છે અને બન્નેના કારણો અલગ છે તેમ તેને નિવારવાના ઉપાયો પણ અલગ જ હોવાના તે સ્વયં સ્પષ્ટ છે. અહીં ભારતીય રીઝર્વ બેંકના પગલાઓની ટીકાનો જરાય આશય નથી અને અમૂક પગલાઓ જેવા કે હપતો કે વ્યાજ ચૂકવવામાંથી મુક્તિ વગેરે આવશ્યક પણ હતા, પરંતુ મોનીટરી પોલિસીના ઉક્ત પગલાઓ પૈકી અમૂક પગલાઓના નિર્ણય 4:2ના મતે લેવામાં આવ્યા છે. સમિતિના સભ્યો એ બાબતથી અવગત છે કે, આર્થિક કટોકટી માટે રાજકોષીય અને નાણાકીય નીતિ સંબંધિ લેવામાં આવતા પગલાઓ સીધા અહીં મહામારી વખતે લાગુ ન પડે. બધા રોગની એક જ દવા ન હોય.

આ ઉપરાંત એકસાથે રેપો રેટ કે સીઆરઆર આટલા મોટા પ્રમાણમાં ન ઘટાડતા જરૂર મુજબ અને સમયાંતરે ઘટાડવાની જરૂર છે. અમેરિકા અને યુરોપના દેશો આવા તમામ પગલાઓ લઇ ચૂક્યા છે અને તેનાથી તેઓના અર્થતંત્રમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. અમેરિકન પ્રેસિડન્ટ દ્વારા મોટા પગલાઓ જાહેર કર્યા તે જે દિવસે તેઓનું બજાર 1300-1400 પોઇન્ટ માઇનસમાં હતું. ભારતમાં પણ ભારતીય રીઝર્વ બેંક દ્વારા ઉક્ત પગલાઓ જાહેર કરાયા બાદ સેન્સેક્સ ડાઉન જ બંધ થયો છે. રાજકોષીય અને નાણાકીય નીતિ સંબંધિ પગલાઓ આ સમયે ટૂંકાગાળા માટે અને થોડું તાણ ઓછું કરી શકશે, પરંતુ લાંબાગાળાના ફાયદા નહીં આપી શકે. અમેરિકાએ ફેડનો વ્યાજ દર લગભગ શૂન્ય જેટલો કરી દીધો, હવે રોગ કાબુમાં આવશે અને અર્થતંત્રને બેઠું કરવા પગલા લેવાના થશે ત્યારે શું વિકલ્પ હશે? ભારતમાં પણ હાલ રેટ ઓછો કરતી વખતે ખૂબ સચેત રહેવાની અને સંયમ વર્તવાની ખાસ જરૂર છે. અન્યથા જ્યારે ખરેખર અર્થતંત્રને ઊભું કરવા રાજકોષીય અને નાણાકીય નીતિનો સહારો લેવાનો સમય આવશે ત્યારે આપણે નિઃસહાય હોઈશું અને અન્ય કોઇ આકરા પગલા લેવા જતા વધુ મુશ્કેલી ઉભી કરી દઈશું.

જી-20 દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું કે, હાલ દુનિયા આર્થિક બાબતો નહીં માનવતા ઉપર ધ્યાન આપે. જાન હૈ તો જહાન હૈ. જ્યારે અર્થતંત્રને હાલ ટૂંકાગાળા માટે કોઇ રીતે માપવું જ નથી, તો પેનિક ઘટાડવા તેના બૅરોમિટર - શેર બજારને બંધ જ કરી દેવું જોઇએ. તેનાથી કોઇ મોટો ફર્ક નહીં પડે અને તે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઘરે રહી સોશીયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી દેશ સેવા ચોક્કસ કરી શકશે.

મિત્રો, અત્યારની તાતી જરૂરિયાત છે, કોવિદ-19ની દવા કે રસી માટે પૂરતા પ્રયત્નો, સંક્રમિતોની ઘનિષ્ઠ સારવાર, સંક્રમણ અટકાવવાના ઠોર પગલાઓ, આ પગલાઓના લીધે અનિવાર્ય અનિષ્ટ તરીકે ઊભી થતી મુશ્કેલીઓ નિવારવી વગેરે. અર્થતંત્રને ઊભું થતા સમય જશે અને તે માટે ઘણો સમય મળશે, બસ હથિયારો બચાવીને રાખો. હાલ ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો, જરૂરિયાતમંદો વગેરે માટે રહેવા-જમવાની વગેરે કરવામાં આવી રહેલ સુવિધાઓ ખરેખર સરાહનીય અને પ્રશંસનીય પગલું છે.

વિશ્વમાં કોવિદ-19ની દવા કે રસીની અનુપલબ્ધી વખતે આ રોગનું સંક્રમણ અટકાવવાના એક માત્ર ઉપાય સોશીયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરીએ, એકબીજાથી દૂર રહીએ (મનથી નહી) અને સ્વસ્થ રહીએ. નમસ્તે...