prem nu mulya in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નું મૂલ્ય

Featured Books
Categories
Share

પ્રેમ નું મૂલ્ય

સુંદર અને પ્રેમાળ ગામ અને માં બાપ અને પરિવાર છોડી ને રાધિકા આજે સાસરે જઈ રહી હતી. તે બધું તેના મિત્રો, તેની સ્કૂલ, તેની બાળપણ ની યાદો, તે ગામ અને ઘર ની સુવાસ છોડી ને જઈ રહી પણ સાથે માં બાપ ના સંસ્કાર લઈ જઈ હતી. વિદાય સમયે તે ખુબ રડી હતી, પરિવાર ની આંખો માંથી આશુ ની નદી વહી હતી પણ બાપ ને એક વિશ્વાસ હતો કે મારી દીકરી અહી જેટલો એમને પ્રેમ આપતી હતી એટલો જ પ્રેમ તેના સાસુ સસરા ને આપશે. પણ તોય દીકરી માં માથા પર હાથ મૂકી કહ્યું બેટા સાસુ સસરા ને માતા પિતા સમજજે.
પપ્પા તમે ચિંતા કરશો નહિ હું અહી તમારી બેટી હતી ને ત્યાં પણ બેટી ની જેમ રહીશ.

રાધિકા હવે નવા ઘરે આવી હતી તેના માટે બધું નવું હતું. પણ બધાથી રાધિકા ની સાસુ અલગ હતા. તે દિવસે સાંજે બધા એ રાધિકા ને કોઈ ને કોઈ ભેટ આપતા હતા ત્યારે છેલ્લે તેની સાસુ એ નવી આવેલી વહુને નાકમાં પહેરવાનો સાચા હીરાનો એક કિંમતી દાણો ભેટમાં આપ્યો. દાણો ખુબ સરસ હતો અને હીરાની ચમક અદભૂત હતી એટલે રાધિકા તો ખુશ થઈ ગઈ.

સાસુમાનો આવી સુંદર ભેટ બદલ રાધિકા એ આભાર વ્યક્ત કર્યો. સાસુએ કહ્યું, " બેટા, મારી અંગત બચતમાંથી આ દાણો લીધો છે એટલે એને નિયમિત પહેરજે અને બરોબર સાચવજે."

સાસુમા તરફથી મળેલી આ ભેટને રાધિકા જીવની જેમ સાચવતી હતી. એક વખત બહેનપણીઓ સાથે ફરવા ગયેલી અને ત્યાં નાકનો દાણો ખોવાઈ ગયો. હવે શું કરવું એની ચિંતા રાધિકા ને હતી. ઘરમાં સાસુને મો ના બતાવે અને સાસુથી દૂર દૂર જ રહે.

જો ભૂલથી સાસુ સામે આવી જાય તો ચૂંદડીથી મોઢું ઢાંકી દે. વહુ બહુ મૂઝાતી હતી અને આ વાત સાસુને કેમ કરાવી તે સમજ નહોતી પડતી. પતિ પણ કોઈ કામ સબબ અમુક દિવસો માટે બહારગામ ગયો હતો એટલે બીજા કોને આ પીડા કહે ?

એકદિવસ સવારમાં સાસુએ રાધિકા ને બોલાવી . વહુ માથે ચૂંદડી ઓઢીને આવી. સાસુએ એક નાની ડબલી વહુના હાથમાં મુક્તા કહ્યું, " આમાં બીજો એક દાણો છે એ પહેરી લેજો. દાણા વગરનું નાક સારું નથી લાગતું."

રાધિકા રડી પડી અને સાસુને ભેટી પડી. રાધિકા એ પૂછ્યું, " બા, તમે જાણતાં હતા કે મારો નાકાનો દાણો નથી ? " સાસુએ કહ્યું, " હા બેટા, એ કઈ થોડું છૂપું રે અને એમાં પણ સાસુથી તો છૂપું ક્યાંથી રહે ? " આટલું કહીને સાસુ હસી પડ્યા. રાધિકા નું બધું જ ટેન્શન જતું રહ્યું.

રાધિકા એ સાસુને કહ્યું, " તમને ખબર હતી તો પછી મને કઈ બોલ્યા કેમ નહિ ? સામાન્ય દાણો નહિ બહુ મૂલ્યવાન હીરો ખોઈ નાખ્યો છે છતાં તમે મૌન કેમ છો ?"

સાસુએ રાધિકા ના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું," બેટા, તને બોલવાથી કે ખિજાવાથી દાણો પાછો થોડો આવી જવાનો હતો ? તારાથી જે થયું એ મારાથી પણ થઈ શકે છે. જે ખોવાયો છે એ દાણો તો ભવિષ્યમાં પાછો ખરીદી શકીશું પણ મારી વહુનો પ્રેમ ખોવાઈ જાય તો એ કોઈ બજારમાં મને ફરીથી વેંચાતો ના મળે !"

લાગણી અને પ્રેમની સામે નાણાંનું મૂલ્ય નહિવત છે. સંપત્તિ અને સંબંધની લડાઈમાં સંબંધની હાર ના થાય એનું ધ્યાન રાખવું કારણકે પછી ગમે તેટલી સંપત્તિ આપીને પણ સંબંધ ખરીદી નહિ શકાય.

જીત ગજજર