આત્માનો પુનર્જન્મ
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૪
તારિકાને પ્રો.આદિત્યની વાત વિશે વિચારતા તેમાં સત્યાંશ જણાયો. તેમના હાથ પરના નિશાન, તેમના રૂમમાં પડેલું લોહી, પોતાને બેભાન થયા પછી નીચે લઇ આવવી વગેરે માની શકાય એવા પુરાવા હતા. તારિકાએ કમને પણ પ્રો.આદિત્ય પર ભરોસો મૂકી પોતાની સાથે બનેલી બીના કહી સંભળાવી.
તારિકાની વાતો સાંભળી પ્રો.આદિત્ય ચોંકી ગયા. તેમણે તરત જ કહ્યું:"તારિકા આપણે બૂરી રીતે ફસાયા છો. બહુ સાવધ રહેવું પડશે. નક્કી કોઇ પ્રેતાત્મા છે. જે મારું રૂપ લઇને તારી પાસે આવી હતી. હું આવી પ્રેતાત્માઓ વિશે જાણું છું. મેં તેના વિશે ઘણું વાંચ્યું છે. આપણે તેનો કોઇ ઉપાય કરવો પડશે. આપણાને એ અહીં કેમ લાવ્યું છે એ પહેલાં જાણવું પડશે. અને અહીંથી નીકળવાનો રસ્તો પણ એની પાસેથી જ મેળવવો પડશે. એ આજે રાત્રે ફરી જરૂર આવશે. ચાલ, આપણે નાસ્તો છે એ કરી લઇએ તો વિચારવાની શક્તિ આવે. અને તારિકા...હું માફી ચાહું છું કે તારી આ સ્થિતિ થઇ છે. મને શંકા હતી એટલે જ મેં તને લાઇટર આપ્યું હતું. અંધારામાં એનાથી મદદ મળી શકે. આપણા મોબાઇલની બેટરી તો ખતમ થઇ ચૂકી છે. અને અહીં ચાર્જિંગની કોઇ વ્યવસ્થા નથી...."
બંને તારિકાના રૂમમાં બેઠા હતા. પ્રો.આદિત્યની વાત તો તારિકાના ગળે ઉતરી ગઇ હતી પણ ભય અને ચિંતાને કારણે નાસ્તો ગળે ઉતરતો ન હતો.
પ્રો.આદિત્યએ પોતાની પાસે હતી એ જાણકારી આપતાં કહ્યું:"તારિકા, પ્રેતાત્મા રાતના અંધારામાં જ ભટકે છે. એ આજે ફરી મારું જ રૂપ લઇને એની ઇચ્છા પૂરી કરવા આવશે. કાલે તેં અગ્નિથી તેનો પ્રતિકાર કર્યો હતો એટલે આ બાબતે તે સાવધ બની હશે. હું રુદ્રાક્ષની માળા લાવ્યો છું. તારે ડર્યા વગર એને વાતોમાં પરોવી રાખવાનો અને આ રુદ્રાક્ષની માળા એને પ્રેમથી પહેરાવી દેવાની. રુદ્રાક્ષથી એનો પ્રભાવ રહેતો નથી. એની શક્તિઓ હણાય જાય છે. હું કેટલાક રંગીન ફૂલ આ માળા પર લગાવી આપીશ. એટલે તેને રુદ્રાક્ષ દેખાશે નહીં. રુદ્રાક્ષની માળા તારે તેના ગળામાં પહેરાવવાની અને તરત જ તેનું ગળું એનાથી દબાવી દેવાનું. એ કાયમ માટે ભાગી જશે. પ્રેત કોઇપણ માણસના શરીરમાં લાંબો સમય રહી શકતું નથી. એક શરીરમાં બે આત્મા રહી શકે નહીં. માની લે કે એ મારા રૂપમાં આવે છે તો મારો આત્મા છે ત્યાં સુધી એ એમાં પોતાનું કાયમી નિવાસ્થાન બનાવી શકે નહીં. કોઇ ખાલી ખોળિયું મળે તો એ એમાં પોતાનો આત્મા આરોપિત કરી નવું જીવન મેળવી શકે. તું એનું ગળું દબાવીશ એટલે તેનો આત્મા મુક્ત થઇ જશે....પણ એ પહેલાં તું એ કેમ તારી પાસે આવે છે એ જાણવાનું ભૂલતી નહીં."
તારિકાને થયું કે પ્રો.આદિત્ય માટે તો બોલવાનું છે. પોતે પ્રેતનો મુકાબલો કરવાનો છે. પણ તેણે હિંમત રાખ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. કોઇ હથિયાર ના હોય ત્યારે હિંમત જ એકમાત્ર હથિયાર હોય છે એ તારિકા જાણતી હતી. તેને પ્રો.આદિત્યની બધી વાતો યોગ્ય લાગી હતી. જો પ્રો.આદિત્યને તેની સાથે પ્રેમ હોત કે તેનું શોષણ કરવું હોત તો રાજકોટમાં પણ તે એમ કરી શક્યા હોત. તારિકાને પ્રો.આદિત્ય પ્રત્યે હવે માન ઉપજી રહ્યું હતું. તેમણે નીકળતા પહેલાં જ આ ટૂર અંગે શંકા વ્યક્ત કરીને કેટલીક પ્રાથમિક તૈયારી કરી લીધી હતી એ કારણે જ અત્યારે બંને જીવિત છે. નહીંતર પ્રેત કે ભૂત તેનું જીવન બગાડી નાખીને ક્યાંય જતું રહ્યું હોત. પણ એ સમજાતું નથી કે પ્રેત મારા પર જ કેમ મોહિત થયું છે અને છેક ગુજરાતથી અહીં રાજસ્થાન અને તે પણ એક અવાવરુ હવેલી સુધી ખેંચી લાવ્યું છે? તેની પાસે ઘણી શક્તિ હશે. તેણે ખોટા પત્ર બનાવીને મોબાઇલ બંધ કરાવી એવી જગ્યાએ લાવીને અમને મૂકી દીધા કે કોઇ મદદ કરી ના શકે. અને આ સ્થાન સાથે તેને કોઇ સંબંધ હોવો જોઇએ. હવે પ્રો.આદિત્યનો આઇડિયા કેટલો કારગર રહે છે એના પર જ આ જિંદગીનો આધાર છે. કોઇપણ ભોગે તેની પાસેથી કારણ તો જાણવું જ રહ્યું. એ પછી જ એને મારી શકાશે.
સાંજ પડી એ પહેલાં જ પ્રો.આદિત્ય નજીકના વન વિસ્તારમાં ફરીને વિવિધ રંગના ફૂલો લઇ આવ્યા હતા. તેમાંથી મહેક આવી રહી હતી. બહુ ચાલાકીથી તેમણે રુદ્રાક્ષની માળા ઉપર ફૂલો બાંધી દીધા. કોઇ જગ્યાએથી એ રુદ્રાક્ષની માળા લાગતી ન હતી.
પ્રો.આદિત્યએ તેને કહ્યું હતું કે સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચેના ગાળામાં ખાસ કરીને રાત્રિના બાર વાગ્યા પછી એ આવી શકે છે. તારિકાએ રાત્રે આંખો મીંચીને સૂઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ ઊંઘ આવતી ન હતી. સતત પ્રેતના આગમનના ભણકારા વાગતા હતા. સહેજ અમથો અવાજ થાય તો તેનું દિલ થડકી જતું હતું. પવનને કારણે ઝાડની ડાળીઓનો અવાજ હોય કે કોઇ પ્રાણીનો અવાજ હોય તારિકા ગભરાટ અનુભવતી હતી. રાત્રે બાર વાગ્યાના અરસામાં તેના રૂમના બારણે ટકોરા પડ્યા. તેને થયું કે પ્રેત તો જાતે આવી જતું હતું. આમ બારણું કેમ ખખડાવે છે? કોણ હશે? પ્રો.આદિત્ય હશે? એ તો પોતાની રૂમમાં બંધ થઇ જવાના હતા. તેમણે કહ્યું હતું કે હું તારી બાજુમાં સૂઇ જઇશ તો પણ એ મને બેભાન જેવો બનાવીને પોતાનું કામ કરી જશે. તારિકાને બારણું ખખડવાનો અવાજ ફરી સંભળાયો. તેણે ખાટલામાં ઓશિકાની નીચે લાઇટર અને રુદ્રાક્ષની માળા સલામત છે કે કેમ એ હાથ ફેરવી ચકાસી લીધું. અને હિંમત કરીને ડગ માંડતી દરવાજા પાસે પહોંચી.
તેણે દરવાજાની કડી ખોલી કે તરત ધીમો ધક્કો વાગ્યો અને દરવાજો શાંત રાત્રિને ચીરતા અવાજ સાથે અડધો ખૂલી ગયો. તારિકાએ જોયું તો સામે પ્રો.આદિત્ય હતા. એ પ્રો.આદિત્ય જ હતા કે તેમના સ્વરૂપમાં પ્રેત હતું એ કળવું આટલી રાત્રે મુશ્કેલ હતું. પણ તેણે પ્રેત સાથે સારો વ્યવહાર કરવાનો હતો એટલે પ્રો.આદિત્ય છે એમ ધારીને આવવા કહ્યું. પ્રો.આદિત્યના રૂપને નવાઇ લાગી. તે અંદર આવ્યા.
'સર, આટલી રાત્રે અચાનક શું યાદ આવ્યું...?" તારિકાએ આવનારની ચકાસણી માટે સવાલ કર્યો.
"તું યાદ આવી સિંહાસિનીદેવી..." તારિકાને કોઇ ગેબી અવાજ સંભળાયો. તે સતર્ક થઇ ગઇ. આવનાર પ્રેત જ છે એની ખાતરી માટે આ પૂરતું હતું. તારિકાને તેણે 'સિંહાસિની દેવી' તરીકે સંબોધી હતી. તારિકાએ એ વાતને પકડીને જ આગળ વધવાનું નક્કી કર્યું.
"પણ હું તો મારું નામ, મારું જીવન ભૂલી ચૂકી છું...." તારિકાએ નાટક શરૂ કર્યું.
"મને લાગ્યું જ કાલે તેં મારા પર હુમલો કર્યો એ પરથી. હું તને તારું જીવન યાદ કરાવીશ. સિંહાસિનીદેવી, હું જન્મોથી તારા પ્રેમનો ભૂખ્યો છું. કેટલા જન્મની મહેનત પછી તું મળી છે. અને હવે તને...તારા આ શરીરને પામ્યા વિના મારી પ્યાસ બુઝાશે નહીં. આજે જો તેં કોઇ ખેલ કર્યો છે તો હું તારા પ્રો.આદિત્યને જીવતો નહીં રહેવા દઉં....." પ્રેત બોલ્યું.
"ના, ના... એમને કંઇ ના કરશો હું તમારે શરણે આવવા તૈયાર છું...." તારિકાએ તેને ગુસ્સે થતા અટકાવવા કહ્યું.
"હા...હા...હા.... જો તું એ જન્મમાં જ મારા શરણે આવી ગઇ હોત તો હું વાસનામાં આટલા જન્મ ભટકતો ના રહ્યો હોત ને?" પ્રો.આદિત્યના રૂપમાં રહેલા પ્રેતએ તેના બંને ખભા પર હાથ મૂકી કહ્યું. તારિકાના આખા શરીરમાં ભય ફેલાયો.
તારિકાએ મુશ્કેલીથી પોતાની જાત સંભાળી કહ્યું:"સમય સમયની વાત છે. પણ હું એ જન્મનું બધું ભૂલી ચૂકી છું. તું મને યાદ કરાવે તો ખબર પડે ને?"
"જરૂર. તો સાંભળ એ જન્મની કથા. પણ યાદ રાખજે કોઇ ચાલાકી ન કરતી. તારા આ જન્મમાં તને પામીને જ રહેવાનો છું...." કહી પ્રો.આદિત્યના રૂપમાં રહેલા પ્રેતના મુખેથી કથા શરૂ થઇ.
આજથી સાત જન્મ પહેલાં આ રાજ્યમાં તું સિંહાસિનીદેવી તરીકે રાજ કરતી હતી. આ એજ જગ્યા છે જ્યાં તારી હવેલી હતી. તારા પિતાના અવસાન પછી તેં રાણી તરીકે રાજ્ય સંભાળ્યું હતું. હું અજયગઢનો અજયરાય નામનો રાજા હતો. મેં એક વખત રાજ્યોત્સવ કાર્યક્રમમાં તને જોઇ અને તારા પર મોહિત થઇ ગયો. મારે આઠ રાણીઓ હતી. પણ એ બધી તારા રૂપ સામે પાણી ભરે એવી હતી. તારું આ કાતિલ રૂપ મને બેહદ ગમ્યું હતું. મને જે સ્ત્રી ગમે એને હું મારી રાણી બનાવતો હતો. મને જેનું રૂપ ગમી જાય એને ભોગવવાની મને આદત હતી. મેં તને પણ પામવાનું નક્કી કર્યું. અને તને મારી રાણી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ તું તૈયાર ના થઇ. તું કોઇ પુરુષને પોતાનો સ્વામી બનાવવા માગતી ન હતી. તારા પિતાએ તારી મા પર અત્યાચાર કર્યો હતો. એટલે તું દરેક પુરુષથી નફરત કરતી હતી. મેં તને સમજાવી કે બધા પુરુષ એવા હોતા નથી. પણ તું માની નહીં. પહેલી વખત કોઇએ મને ઇન્કાર કર્યો હતો. એટલે કોઇપણ ભોગે મેં તને પામવાનો સંકલ્પ કરી લીધો હતો. મેં તારા રાજ્ય પર ચઢાઇ કરી. પણ તું લડાઇ કરતી રહી. શરણમાં ના આવી. કમનસીબે તું મૃત્યુ પામી. મારી ઇચ્છા એ જન્મમાં અધૂરી રહી ગઇ. મેં એ પછીના જન્મમાં તને પામવાની ઝંખના કરી. હું બીજા એક યુધ્ધમાં મૃત્યુ પામ્યો પછી પ્રેતાત્મા તરીકે ભટકતો જ રહ્યો છું. હું તને સતત શોધતો રહ્યો. તું સાત જન્મથી સ્ત્રી અવતાર પામતી ન હતી. આ જન્મમાં તું ફરી સિંહાસિની દેવીના રૂપનો અવતાર પામી. તું નવા નામે જન્મી. હું તારા યુવાન થવાની રાહ જોતો હતો. તું સિંહાસિનીદેવી મૃત્યુ પામી ત્યારની ઉંમરની થઇ એટલે તને પામવા મેં આ બધું ગોઠવ્યું. મારી શક્તિઓનો ઉપયોગ કરી મેં તને પામવા માટે પ્રો.આદિત્યને સાથે રાખ્યા અને તેમનું રૂપ લઇ મારી ઇચ્છા પૂરી કરવા આવી પહોંચ્યો છું. હવે મને વધારે રાહ ના જોવડાવીશ. તને ભોગવીને હું મારી ઇચ્છા પૂરી કરવા માગું છું. પછી મારી ભટકતી આત્મા ચાલી જશે. અને જન્મોનું આ ચક્કર પૂરું થશે...."
પ્રેતની વાત સાંભળી તારિકાને આખી કહાની સમજાઇ ગઇ. તેણે કહ્યું:"અજયરાય, મને લાગે છે કે સિંહાસિનીદેવી રાણીએ તમારી સાથે લગ્ન ના કરીને મોટી ભૂલ કરી હતી. હું આજે એના રૂપમાં પસ્તાય રહી છું. હું તમારી સાથે અત્યારે જ લગ્ન કરવા માગું છું..." કહી તારિકાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ખાટલામાં મૂકેલી ફૂલવાળી રુદ્રાક્ષની માળા કાઢી અને તેના ગળામાં પહેરાવવા લાગી. પ્રેત પણ ખુશ થઇ ગયું. પોતાની ઇચ્છાની સંતુષ્ટિ માટે સિંહાસનીદેવી માની ગઇ છે. તે આંખો મીંચીને આનંદનો અનુભવ કરી રહ્યું હતું ત્યારે પ્રો.આદિત્યના રૂપમાં રહેલા પ્રેતને માળા પહેરાવી તારિકાએ તરત જ માળાને ફાંસીનો ફંદો બનાવી દીધો. પ્રેતનો શ્વાસ રુંધાવા લાગ્યો. તે તરફડવા લાગ્યું. તારિકાએ હતું એટલું જોર અજમાવીને તેના ગળે ટૂંપો આપી દીધો. અને પ્રેત અચાનક "તારિકા....." બોલીને ઢળી પડ્યું.
તારિકાએ પોતાના શરીરમાં એક આંચકો અનુભવ્યો.
*વધુ હવે પછીના પ્રકરણમાં*