રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2
અધ્યાય-૨૨
રુદ્રની કમર નજીક બનેલું નિમલોકોનું રાજચિહ્ન જોઈને હતપ્રભ બનેલાં રાજવૈદ્ય જગતેશ્વરને એ નહોતું સમજાઈ રહ્યું કે પોતાને આગળ શું કરવું જોઈએ? એક વૈદ્ય તરીકે કોઈપણ જરૂરિયાતની મદદ કરવી એ એમનો વૈદ્ય ધર્મ હતો પણ પોતાની ઓળખ છુપાવી પોતાનાં રાજાનાં આશ્રિત બનેલાં રાજ્યનાં દુશ્મનની મદદ કરવી એ દેશદ્રોહ હતો. આખરે પોતાને શું કરવું જોઈએ એનો જવાબ મેળવવાં જગતેશ્વરે બહાર ઊભેલી મેઘનાને પોતાનાં કક્ષમાં આવવાં જણાવ્યું.
મેઘનાનાં અંદર પ્રવેશતાં જ જગતેશ્વરે પોતાનાં બંને સહાયક પ્રેમવતી અને મનુને ઈશારાથી બહાર જવા જણાવ્યું. એમનાં જતાં જ જગતેશ્વરે કક્ષનો દરવાજો ફટાફટ બંધ કર્યો.
"શું થયું વૈદ્યરાજ, વીરા બચી તો જશે ને?" જગતેશ્વરના બદલાયેલાં વ્યવહાર પરથી મેઘનાને કંઈક અઘટિત બનવાની ગંધ આવી ચૂકી હતી.
"રાજકુમારી આ યુવક શક્યવત બચી જશે. મેં મારી રીતે બનતી દરેક કોશિશ કરી છે."
"તો પછી તમારાં ચહેરા પરથી એવું કેમ લાગે છે કે તમે મોટી મૂંઝવણમાં છો?"
"કારણ છે એ યુવકની પીઠનાં ભાગે કમર પર બનેલું આ ચિહ્નન." રુદ્રની કમર પર બનેલું ચિહ્ન મેઘનાને બતાવતાં જગતેશ્વરે કહ્યું.
જગતેશ્વરનાં કહેવાથી મેઘનાએ રુદ્રની નજીક જઈને એ ચિહ્ન ધ્યાનથી જોયું. ત્રિશુલને વીંટલાયેલાં સર્પનું એ ચિહ્ન આજથી પહેલાં મેઘનાએ જોયું નહોતું કે આવાં કોઈ ચિહ્ન વિશે એને સાંભળ્યું હતું. અમુક ક્ષણો સુધી નીરખીનીરખીને એ ચિહ્ન જોયાં છતાં કંઈ સમજણ ના પડતાં એને જગતેશ્વર ભણી પ્રશ્નસૂચક નજરે જોતાં કહ્યું.
"આ ચિહ્ન જોઈને તમે આટલાં ચિંતિત કેમ છો? કોઈ ખાસ કારણ?"
"આ ચિહ્ન નિમલોકનું રાજચિહ્ન છે. પાતાળલોકમાં વસતાં નિમલોકોમાં ફક્ત રાજપરિવારનાં લોકોનાં શરીર પર જ આવું ચિહ્ન હોય છે. આનો અર્થ છે કે આ યુવક નિમલોકનાં રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પોતાની સાચી ઓળખ છુપાવીને એનું અહીં રાજમહેલ સુધી આવી પહોંચવું એ વાત તરફ ઈશારો કરે છે કે આ કોઈ મોટાં ષડયંત્રનાં ભાગ રુપે અહીં આવ્યો છે." પોતાનો અવાજ શક્ય એટલો ધીમો રાખવાની કોશિશ કરતાં જગતેશ્વરે કહ્યું.
જગતેશ્વરની આ વાત મેઘના માટે વજ્રાધાત સમાન હતી. પોતે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે એ વ્યક્તિ મનુષ્ય નહીં પણ નિમ છે એ જાણ્યાં બાદ મેઘનાનું હૃદય બમણી ગતિએ ધબકવા લાગ્યું. એનાં હાથપગની નસો ફૂલી ગઈ અને એ હતપ્રભ થઈને કક્ષમાં મૂકેલી એક બેઠક પર ફસડાઈ પડી. મેઘનાને મન મનુષ્ય કે નિમ વધુ મહત્વનું નહોતું પણ આખરે રુદ્રએ પોતાની સાચી ઓળખાણ કેમ છુપાવવી પડી એ મેઘનાને મન જાણવું મહત્વનું હતું.
આ વ્યક્તિની સાચી ઓળખ શું હશે? શું એ અહીં પોતાનાં પરિવારને નુકશાન પહોંચાડવા આવ્યો હશે? આવું જ હોત તો એને પોતાનો જીવ આટલી બધી વખત બચાવ્યો કેમ? એ ઈચ્છત તો મહારાજને પણ હાનિ પહોંચાડી શક્યો હોત પણ એને એવું ના કર્યું. રાજવહીવટની જવાબદારીનો પણ એને અસ્વીકાર કર્યો. મારાં માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો. તો પછી આખરે આ વીરા કે પછી જે કોઈપણ હોય એ પોતાની સાચી ઓળખ કેમ છુપાવી રહ્યો છે અને એ પણ મારાથી.
ઘણો સમય ગહન મનોમંથન કર્યાં પછી પણ મેઘના કોઈ નિર્ણય પર ના આવી શકી. એ ઈચ્છવા છતાં પણ રુદ્રને ષડયંત્રકારી માનવા અસમર્થ રહી.
"વૈદ્યરાજ, હું તમને એક વિનંતી કરું છું જે તમે સ્વીકારો એવી આશા છે." આખરે કંઈક વિચારીને મેઘનાએ જગતેશ્વરને કહ્યું.
"બોલો રાજકુમારી. તમારી વિનંતી મારાં માટે આદેશ બરાબર છે જેનું છેલ્લાં શ્વાસ સુધી પાલન કરવું મારુ કર્તવ્ય છે." મૃદુ સ્વરે જગતેશ્વરે કહ્યું.
"આ યુવક નિમલોકનાં રાજપરિવાર સાથે કોઈ જાતનો સંબંધ ધરાવે છે એ વાત ફક્ત તમારાં અને મારાં સુધી સીમિત રહેવી જોઈએ. આ કોઈપણ હોય તમે એની સાચી ઓળખને ધ્યાનમાં લીધાં વીનાં આનો યોગ્ય ઉપચાર કરો એવી આશા છે. જેવું જ આ યુવકને ભાન આવે સૌપ્રથમ મને જાણ કરવામાં આવે." મેઘનાની નજર આ બોલતી વખતે પણ મૃતપાય હાલતમાં પડેલાં રુદ્ર પર કેન્દ્રીત હતી.
"જેવી આપની આજ્ઞા." જગતેશ્વરે શીશ ઝુકાવી કહ્યું.
રુદ્રના અશ્વની લગામ નીચે ખિલ્લી રાખીને રુદ્રનો જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ વાતનું સ્મરણ થતાં જ મેઘનાએ જતાં પહેલાં જગતેશ્વરને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પોતાનાં સિવાય કોઈને પણ રુદ્રની સમીપ આવવાં દેવામાં ના આવે. પોતાનાં કક્ષમાં ગયાં પહેલાં મેઘનાએ પોતાનાં ચાર વિશ્વાસુ સૈનિકોને વૈદ્ય જગતેશ્વરના કક્ષણી બહાર રુદ્રની સુરક્ષા અર્થે ગોઠવી દીધાં.
આખરે પોતે રુદ્રને બચાવવાની કોશિશ કરીને ઉચિત કરી રહી છે કે પછી પોતાનાં રુદ્ર તરફનાં લગાવનાં લીધે રત્નનગરીની પર ભવિષ્યમાં આવનારી આફતને વધાવી રહી છે એનો જવાબ શોધવામાં અસફળ મેઘના જ્યારે પોતાનાં કક્ષમાં આવી ત્યારે રાત્રીભોજનો વખત થઈ ચૂક્યો હતો.
જગતેશ્વર દ્વારા વીંછીનું વિષ આપવાની પદ્ધતિ કારગર નીવડી અને રુદ્રનાં શ્વાસોશ્વાસ નિયંત્રણમાં આવી ગયાં હતાં. રાજકુમારી મેઘનાને દીધેલાં વચનનું પાલન કરતાં જગતેશ્વરે બીજી વખત સંજીવની ઓસડ અને એમને એકાવન ઔષધિમાંથી બનાવેલું દ્રવ્ય રુદ્રને આપ્યું. જે પ્રકારે ઔષધિઓનો રુદ્ર પર પ્રભાવ પડી રહ્યો હતો એ જોઈ જગતેશ્વરને આશા બંધાઈ કે રુદ્ર અવશ્ય બે-ત્રણ દિવસમાં ભાનમાં આવી જશે.
પુરી રાત દરમિયાન રુદ્રના વિચારોમાં ખોવાયેલી મેઘના બીજાં દિવસની સવાર પડતાં જ રુદ્રના ખબરઅંતર જાણવા જગતેશ્વરના કક્ષમાં આવી પહોંચી. રુદ્ર નિમ છે એ જાણ્યાં પછી પણ મેઘનાનું એનાં તરફનું ખેંચાણ ઓછું નહોતું થયું. રુદ્ર ક્યારે ભાનમાં આવશે એનું સતત મંથન કરતી મેઘના આખો દિવસ જગતેશ્વરનાં કક્ષમાં જ હાજર રહી.
પોતાનાં મિત્ર સાથે શું બન્યું હતું એ જાણ્યાં બાદ શતાયુ અને ઈશાન એની હાલત વિશે જાણવાં જગતેશ્વરના કક્ષ સુધી આવી પહોંચ્યાં. એ બંનેને જોઈ એકવાર તો મેઘનાને થયું કે રુદ્રના આ બંને મિત્રોની તલવારની અણીએ પૂછપરછ કરીને રુદ્રની સાચી ઓળખ વિશે માહિતી મેળવી લે પણ પાછળની મેઘનાએ આ વિચાર પડતો મૂક્યો. મેઘનાને હજુપણ પોતાનાં પ્રેમ પર વિશ્વાસ હતો, પોતે જેને જીવથી પણ વધુ પ્રેમ કર્યો છે એ વ્યક્તિ ભાનમાં આવશે એટલે એની જોડેથી પોતાનાં બધાં પ્રશ્નોનો જવાબ મળીને જ રહેશે એ બાબતે મેઘના આશ્વસ્થ હતી.
મેઘનાએ શતાયુ અને ઈશાનને બેભાન અવસ્થામાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં રુદ્ર જોડે આવવાની અનુમતિ આપી દીધી. મેઘનાએ એ બંનેને એવું આશ્વાસન પણ આપ્યું કે રુદ્ર અવશ્ય બચી જશે. શતાયુ અને ઈશાન જોડે વાર્તાલાપ કરતી વખતે મેઘનાએ બાબતનું ધ્યાન રાખ્યું કે રુદ્રની સાચી ઓળખ વિશે પોતે જાણી ગઈ છે એ વાત એ બંનેને ખબર ના પડે.
બે દિવસ સુધી મેઘના આખો દિવસ રુદ્રની જોડે જ બેસી રહેતી. રુદ્ર એક નિમ વ્યક્તિ છે એ જાણ્યાં પછી પણ મેઘનાનો એનાં તરફનો પ્રેમાળ વ્યવહાર જોઈને જગતેશ્વરને અચરજ થઈ રહી હતી.
આખરે જગતેશ્વર તથા એમનાં સહાયકોની મહેનત અને મેઘનાની રુદ્રની જીંદગી માટે કરેલી પ્રાથનાઓની અસર થઈ અને ઘાયલ થયાંનાં ચોથા દિવસે સવારે રુદ્ર થોડો ભાનમાં આવ્યો. ભાનમાં આવતાં જ રુદ્રએ મેઘના..મેઘના..મેઘના કહી મેઘનાનાં નામનું રટણ શરૂ કરી દીધું. રુદ્ર ભાનમાં આવે તો પ્રથમ પોતાને અવગત કરવામાં આવે એવું મેઘનાએ જણાવ્યું હોવાથી રુદ્રના ભાનમાં આવતાં જ જગતેશ્વરે પોતાનાં સહાયક મનુને રુદ્રના ભાનમાં આવવાનો સંદેશ લઈને મેઘના જોડે મોકલ્યો.
રુદ્રને ભાન આવી ગયું હોવાનો સંદેશ મળતાં જ મેઘના પોતાનાં સઘળાં કામ પડતાં મૂકીને જગતેશ્વરના કક્ષ તરફ ભાગી. હાંફળી-ફાંફળી બનીને રુદ્રની સમીપ પહોંચતાં જ એ રુદ્રના હાથમાં હાથ નાંખીને એનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈ રહી. રાજકુમારી અને આ નિમ યુવક વચ્ચે કોઈ ઘનિષ્ઠ સંબંધ હોવાની ગંધ આવી જતાં જગતેશ્વર તુરંત પોતાનાં સહાયકો સાથે કક્ષમાંથી બહાર નીકળી ગયાં.
"કેમ છે તને હવે?" અશ્રુભરી આંખે રુદ્રની તરફ જોતાં મેઘના બોલી.
"સારું છે..બસ થોડું માથામાં દુઃખે છે." મહાપરાણે હસવાની કોશિશ કરતાં રુદ્ર બોલ્યો.
અચાનક મેઘનાને રુદ્રની પીઠ પર બનેલાં નિમલોકોનાં રાજચિહ્ન વિશેનો વિચાર આવતાં જ એને રુદ્રના હાથમાંથી પોતાનો હાથ પાછો ખેંચીને પોતાનો ચહેરો બીજી દિશામાં ઘુમાવી લીધો.
"મેઘના, શું થયું?" મેઘનાનો અચાનક બદલાયેલો વ્યવહાર જોઈને રુદ્રએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
આખરે પોતે જેને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એવાં વ્યક્તિને પ્રશ્નો કરવાનો સમય આવી ચૂક્યો હતો એમ વિચારી મેઘનાએ પહેલાં પોતાની આંખમાં આવેલાં આંસુ લૂછયાં. ત્યારબાદ એને પોતાનાં મનમાંથી રુદ્ર પ્રત્યેની જે લાગણી હતી એને મનમાંથી શક્ય એટલે દૂર કર્યાં બાદ રુદ્રની તરફ ક્રોધભરી નજરે જોતાં કહ્યું.
"વીરા, મને ખબર છે કે તું તારી સાચી ઓળખાણ મારાથી છુપાવી રહ્યો છે!" મેઘના આગળ પણ મજાકમાં આવું ત્રણ-ચાર વખત રુદ્રને કહી ચૂકી હતી પણ આજે એનાં અવાજમાં રહેલો રોષ રુદ્ર પારખી ગયો હતો.
"આવું કહેવા પાછળનું કારણ?"
"કારણ છે તારી પીઠ પર બનેલું નિમલોકોનાં રાજપરિવારનું ચિહ્ન!"
મેઘનાના મુખેથી આ વાક્ય સાંભળી રુદ્રનું પોતાનું બધું દુઃખ ક્ષણમાં વિસરી ગયો. આખરે મેઘનાને સત્ય જણાવવાનો વખત આવી ચુક્યો છે પણ કઈ રીતે સત્ય જણાવવું એ માટેનાં શબ્દો રુદ્ર મનોમન ગોઠવવા લાગ્યો.
*********
વધુ આવતાં ભાગમાં
રુદ્રની સચ્ચાઈ જાણ્યાં બાદ મેઘનાનો પ્રત્યાઘાત કેવો હશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)