ઘણા દિવસે મારાં પ્રિય મિત્ર મયૂર ને મળવાનું થયું. રાજધાની ટી સ્ટોલ પર ચાની ચૂસકી મારતાં અમે બંને વાતે વળગ્યાં.
મયૂર ને વાંચવું અતિશય ગમે, સાથે-સાથે ઘણું સારું લખી પણ જાણે ! એક જાતનો અક્ષર સાથે ઘરોબો એનો. બીજી બાજુ હું કંઈ પણ વાંચું તો ઊંઘ જ આવે.
વાતવાતમાં મેં એને પૂછ્યું કે, " આ વાંચનલેખન પ્રત્યેનાં ગળાડૂબ પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ? તને નથી લાગતું, કે તારે આના વિશે પણ કશું લખવું જોઈએ? "
થોડી ક્ષણનાં મૌન પછી, મયૂરે એના સાહિત્ય પ્રેમના સફરનામાની કિતાબ મારી સમક્ષ ખોલી.
આ ખૂબ જ રસપ્રદ સફરનામા નું વર્ણન મયૂર નાં શબ્દોમાં વાંચો.
" જીવનમાં ઘણી વાર વ્યક્તિ પોતાના જીવન જીવવાના અભિગમ તથા આદતથી, જાણતા-અજાણતા જ પોતાના માટે પ્રેમ અને સંવેદના ધરાવતી વ્યક્તિ માટે અમૂલ્ય વારસો મૂકી જતી હોય છે. આ મહામૂલી ધરોહર ઓળખતા અને સાચવતા જેને આવડી જાય એ તરી જાય.
મારે અહીં વાત કરવી છે મારા નાનાજી ગુણવંતભાઇની. ખંતીલો અને જીજ્ઞાસુ જીવ. કોઈ વિષયનો, કદાચ ખ્યાલ ન હોય, તો જાતમહેનત થી એ વિષે ખાસ્સું વાંચી, ગણતરીના દિવસો માં પાવરધા થઈ જાય એવા જીજ્ઞાસુ ! આટલા આવડત સમૃદ્ધ તેમજ વિષયવસ્તુ માં ખણખોદિયાવૃત્તિ હોવા છતાં જીવનમાં જોઈએ તેવો યશ મળવાથી વંચિત રહ્યા.
પેલું કહે છે ને કે, " જીવનમાં ભણતર તથા આવડત સિવાય પ્રારબ્ધની પણ સૂચક હાજરી જરૂરી હોય છે " માણસનાં હાથ માં લકીર ભલે હોય, પણ એજ લકીર જો લલાટ પરથી ગાયબ હોય, તોપણ તમારો જશ બીજાં ખાટી જાય એ વાતમાં માલ તો જોકે ખરો!
આવી બધી બાબતોમાં, તમે ભાગ્ય, પ્રભુ કે તમારાં કર્મોને દોષ આપીને બેસી ન રહી શકો. મારાં ગુણુબાપા એ પણ એજ કર્યું.
મારાં બાપા, એટલે વાંચક જીવ. હાથ માં જે કંઈ પણ વાંચવાલાયક આવે, એને ઝટ દઈ વાંચવાં મંડી પડે એવી એમની વાંચનપિપાસા અને તેટલીજ તીવ્ર જ્ઞાનમીમાંસા !
તેમને વિવિધ પ્રકારના સામયિકો જેવાં કે ઇન્ડિયા ટુડે, રીડર્સ ડાઇજેસ્ટ, તેહેલકા, સફારી, નવનીત સમર્પણ, અખંડ આનંદ, ચિત્રલેખા, જનકલ્યાણ અને એવાં જ બીજા ઘણા સામયિકો વાંચવા અતિશય ગમતાં. બધાં લખવા બેસું તો કદાચ એ આખો અલગ વિષય બની જાય. સમાચારપત્રો પણ એટલાં જ ખંતથી વાંચે. એમાં પણ બુધવાર અને રવિવારે આવતી પૂર્તિ માટે તો કાગડોળે રાહ જોવાતી હોય. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માં આવતી ' ધી સ્પિકિંગ ટ્રી ' કોલમનાં તો એ રીતસરના બંધાણી.
જોકે કવિતા અને ગઝલ તરફ એમનો ઝુકાવ ઓછો. તેમ છતાં શ્રી સુરેશ દલાલ, કવિ દુલા ભાયા કાગ,મરીઝ નો ક્યારેક ઉલ્લેખ કરતાં એવું ઝાંખું ઝાંખું યાદ છે.
પદ્મશ્રી ગુણવંત શાહ તથા શ્રી ચંદ્રકાંત બક્ષી નો મારી જિંદગીમાં, સૌપ્રથમ ઉલ્લેખ બાપા દ્વારા જ સાંભળ્યો હતો. પછી તો સ્વામી આનંદ, ક.મા.મુનશી, ઉમાશંકર જોશી, ટાગોર, શ્રી અરવિંદ, વિનોબા ભાવે, પન્નાલાલ પટેલ, વજુ કોટક, સ્વામી સચ્ચિદાનંદ, કાકા કાલેલકર, મહાત્મા ગાંધી, મહાદેવભાઈ દેસાઈ, મેઘાણી, કુંદનિકા કાપડિયા, ઓશો, મોરારી બાપુ, તારક મહેતા, મંટો, જેવાં અઢળક સાહિત્ય રત્નોનો પ્રથમ પરિચય મને નાનાજીની હૂંફમાં જ મળ્યો.
ગુણુબાપાને હું આ વાંચતો જોતો, ત્યારે બાળસહજ કુતૂહલતા થી અનેક પ્રશ્નો ઉદ્દભવતા. તેઓ મને એમની સાથે વાંચવા બેસાડી દેતાં. ' આ એ ક્ષણ હતી જ્યારે મારાં માનસપટલ પર ' વાંચનવૃક્ષ ' નું બીજારોપણ થયું.
એકાદ સામયિક ને બાદ કરતાં, મેં આજની તારીખે એ સામયિકો તથા સમાચારપત્રો અને પૂર્તિઓ વાંચવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. મને કાયમ એવો જ અનુભવ થયા કરતો હોય, જાણે કે આ પુસ્તકો અને સામયિકો માંથી તેમનો પ્રેમ મારાં પર નિત્ય-નિરંતર વરસી રહ્યો હોય.
કુમળા મગજને સાર્થક ભવિષ્ય માટે યોગ્ય, તેમજ અર્થપૂર્ણ દિશામાં કેવી રીતે વાળવું, એમાં તેમની મહારથ હતી. શાળાનાં ઉનાળુ વેકેશનમાં વલસાડ, બાપાં નાં ઘરે રહેવા જાઉં તો મને દિવસ માં થોડો સમય રામચરિતમાનસ તથા શ્રીમદ્ ભગવદગીતા, અચૂક વાંચવાનું કહેતા. બાલ્યાવસ્થામાં આવાં મહાગ્રંથ વાંચવાથી, આજે તેઓ મહદ્દઅંશે આત્મસાત થઈ જવાં પામ્યાં છે.
સમય વીતતો ગયો તેમ-તેમ વાંચન સાથે ઘરોબો થઈ ગયો. પછી તો મને વાંચવાની રીતસરની ભૂખાવડી ઊપડતી. ધીમે- ધીમે વાંચનમાં વૈવિધ્યતા સાથે પુખ્તતા આવતી ગઈ.
જોતજોતામાં મારાં પુસ્તકમંદિરમાં, પુસ્તક નામનાં દેવદૂતોની વસાહત સ્થપાઈ, જેમાં બેરોકટોક કોઈ પણ પુસ્તક અવરજવર કરતું રહે છે.
વાંચન પ્રત્યેની જીજીવિષા તથા પરાકાષ્ઠા પણ તેમની પાસેથી જ મળી. છેલ્લે છેલ્લે એક આંખમાં મોતિયો અનેં બીજીમાં દૃષ્ટિ ઓછી હોવાં છતાં, વાંચનની ધૂણી તો બિલોરી કાચ (Magnifying Glass) ના માધ્યમથી ધખતી જ રહી. એમની મારી પાસેથી લઇ વાંચેલી અંતિમ પુસ્તક એટલે William Dalrymple ની Nine Lives. આજની તારીખે પણ એ પુસ્તક ને જોતાંજ, ગુણુબાપા દ્વારા થતો વાંચતી વેળાનો ગણગણાટ મને સંભળાતો ભાસે છે.
શબ્દોનાં વારસાની આગળ વાત કરું તો, મને હજી એક પ્રસંગ યાદ આવે છે. શિયાળાની એક સાંજે હીંચકા પર ચા ની મજા માણતાં-માણતાં એ બોલ્યાં, " જો દીકરા ! અંગ્રેજી માં Expect, Accept અને Except આ ત્રણ શબ્દોનો અર્થ જાણવો અતિશય જરૂરી છે." આ શબ્દો ત્યારનાં એવાં તો અંકિત થયાં કે કાલની ઘડી ને આજનો દા'ડો હજી સુધી નથી ભૂલ્યો.
આજે ગુણુબાપા તો નથી પણ તેમનાં વાંચનમાં સાથી એવાં બિલોરી કાચ, આજે પણ મેં મારાં પુસ્તકમંદિરમાં તેમની યાદગીરી અને આશિર્વાદરૂપે સાચવ્યાં છે.
સાહિત્યક્ષેત્રે જે કંઈ પણ અભિવાદન અને પ્રેમ મને મળી રહ્યો છે, એનું કારણ મારાં ગુણુબપા પાસેથી વારસામાં મળેલું વાંચનપ્રિય હ્રદય સિવાય બીજું કંઈ ન હોઈ શકે.
મારાં સારું તેઓ ભૌતિક નહીં બલ્કે બૌદ્ધિક અને જીવનોપયોગી સંપદાનાં બીજ વાવી ગયેલાં, જે આજે વડીલ અને વાંચનના સમૃદ્ધ વારસાનું વિશાળ વટવૃક્ષ બની અડીખમ છે.
મયૂર બોલ્યો, " મારાં માટે તો આ વારસો, મારાં પર થયેલી 'શબ્દકૃપા' છે દોસ્ત ! પ્રભુને પ્રાર્થના છે કે ભવિષ્યમાં હું પણ કોઈ બાળકનો ગુણુબાપા બની શકું. " આ બોલતાં જ એની આંખે ઝળહળીયાં એ દસ્તક દીધી.
અમે ભેટી પડ્યાં અને ફરી બે કટિંગ નો ઓર્ડર કરી, મયૂર ની આવનારી કવિતા ના શીર્ષક પર ચર્ચા કરવા મંડી પડયાં.
કથાનક ...
પુસ્તકો આપણા મિત્ર તો ખરાં!
હું એક ડગલું આગળ જઈને કહું તો, પુસ્તક એટલે મિત્ર અને તેમાં રહેલાં વિચારો એ આપણા વડીલ.
તમે જે પુસ્તક વાંચી રહ્યાં હોવ, તેનાં વિચારો તો કોણ જાણે કેટલાં સમય પહેલાં અંકુરિત થયાં હોય.
જ્યારે આ બધી વસ્તુ, કોઈ નસીબવંતા જીવને વારસામાં મળી જાય ને ! તો જય કનૈયા લાલ કી...
✍🏿..પંકિલ દેસાઈ