breakup - beginnig of self love - 2 in Gujarati Love Stories by Sachin Sagathiya books and stories PDF | બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 2

Featured Books
Categories
Share

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 2

થોડીવાર પછી વિજય ભાનમાં આવ્યો. તેણે આંખો ખોલી જોયું તો તે તેના રૂમમાં બેડ પર સૂતેલો હતો. તેણે દરવાજા તરફ જોયું તો એક યુવાન પોતાનો શર્ટ બદલતો હતો. તેને જોઈ વિજય બોલ્યો,

“કલ્પેશ આજે વહેલા કેમ આવી ગયો? બધું ઠીક છે ને?”

“આ તને વહેલું લાગે છે? એક વખત ઉઠીને ઘડિયાળમાં જો અને પછી કહે કેટલો વહેલો આવ્યો છું!” કલ્પેશે હસીને કહ્યું.

વિજય પથારીમાંથી ઉભો થયો અને ચાર્જરમાંથી ફોન કાઢીને તેની સ્ક્રીન ઓન કરી જોયું અને નવાઈ પામતા બોલી ઉઠ્યો, “સવા બાર!”

“હા સવા બાર. આજ એક કલાક મોડો આવ્યો છું. રસ્તામાં નીલીયાની બાઈક બંધ પડી ગઈ હતી. નસીબ સારા હતા કે ગેરેજ નજીક જ હતું. એક કામ કર મોઢું ધોઈ લે અને જમવા બેસ.”

“તુ જમી લે. મારે આજ જમવાનો મૂડ નથી.”

“એમ! તો મારે પણ નથી જમવુ. ક્યારનો તારી ઉઠવાની રાહ જોતો હતો. જવા દે એક દિવસ નહી જમુ તો મરી નહી જાવ.”

“ઓકે હવે જમુ છું. જા આપણા બેયની થાળી તૈયાર કર હું મોઢું ધોઈને આવું છું. મારામાં વધારે ના પીરસતો.”

વિજય બહાર જઈ હાથ-મો ધોવા ગયો અને કલ્પેશે બે થાળી તૈયાર કરી. વિજય આવ્યો એટલે બંનેએ જમવાનું શરૂ કર્યું. થોડીવાર પછી વિજયે કલ્પેશને પૂછ્યું,

“તુ આવ્યો ત્યારે હું પહેલેથી જ મારા રૂમમાં હતો?”

“હા કેમ? તને યાદ નથી?”

“યાદ છે પણ... જવા દે. પહેલા જમી લઈએ પછી વાત કરીએ.”

બંને જમ્યા પછી સોડાશોપ તરફ ચાલતા થયા. બંને રસ્તા પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા એવામાં કલ્પેશે કહ્યું,

“હા તો હમણાં તુ મને કઈક કહેતો હતો ને? પૂછ તારે જે પૂછવું હોય એ.”

“હું અને સંજય નવ વાગ્યા સુધી આપણી સોસાયટી પાછળના મેદાનમાં બેઠા હતા. હું ઘરે આવીને સીધો નાહવા ગયો અને જ્યારે ઉઠ્યો ત્યારે હું રૂમમાં હતો. બસ સવાલ એ છે કે મને ત્યાં કોણ લઇ ગયું? મને ખાસ યાદ નથી.”

“ખરેખર તને કંઈ પણ યાદ નથી કે તને શું થયું હતું? એક વખત યાદ કરી જો.”

“હા ભાઈ ખરેખર મને કંઈપણ યાદ નથી.”

“યાદ નથી કે પછી તારે સાચું શું છે એ કહેવું નથી?”

“એટલે તને બધી ખબર જ છે એમને! ઓકે તો હું નાહવા ગયો પછી મને એટલો ગુસ્સો આવ્યો કે હું કન્ટ્રોલ ન કરી શક્યો અને મેં મારા શરીરને ઈજાઓ પહોંચાડી પછી કદાચ હું બેભાન થઈ ગયો કે પછી શાંત થતા મને ઊંઘ આવી ગઈ એ ખબર નથી. તને તો ખબર છેને મને મારા રૂમમાં કોણ લઇ ગયું?”

“હા. જ્યારે તુ બેભાન હતો ત્યારે નીક આવ્યો હતો તને બહાર લઈ જવા. તે જેવો ગેટ ખોલીને અંદર આવ્યો તો તેણે જોયું કે બાથરૂમમાંથી પાણી બહાર આવતું હતું. તેને થયું કે કોઈ નળ ચાલુ કરીને ભૂલી ગયું છે તેથી તે બંધ કરવા તેણે બાથરૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી તો તે ખુલ્યો નહી પણ તેણે તેને ઘણા બધા ધક્કા લગાવ્યા કે સ્ટોપર ભાંગી ગઈ અને દરવાજો ખુલી ગયો.”

“પછી?”

“પછી શું? વિજયભાઈ કપડા વગરના નગ્ન અવસ્થામાં વિચિત્ર રીતે નીચે ટાઈલ્સ પર પડ્યા હતા. તારા નસીબ આજ બહુ સારા હતા કે ઘરે કોઈ હતું નહી અને ખાસ વાત એ કે મામા-મામી બહાર ગયા હતા તેથી હજી સુધી તેમને આ વિશે કંઈપણ ખબર નથી. તને ખબર છે નીકને કેટલી તકલીફ પડી તને તારા રૂમમાં લઈ જવા? તેના કપડા પણ ભીના થઇ ગયા. તેણે દરવાજા પાછળથી જે કપડા હાથમાં આવ્યા એ તને પહેરાવી દીધા અને તને સારી રીતે બેડ પર સુવડાવીને પછી ઘરે ગયો પણ આ બધાની વચ્ચે તુ એક સેકન્ડ માટે પણ ભાનમાં ન આવ્યો. લકી છો કે આવા મિત્રો છે તારી પાસે. જો આજ નીકની જગ્યાએ બીજું કોઈક હોતને તો તારો વિડીયો બનાવી તારો મજાક બનાવ્યો હોત.”

“હા સાચી વાત છે. હું લકી છું.”

“તો હવે તને તારા જવાબ મળી ગયા હોય તો મારા એક પ્રશ્નનો જવાબ આપીશ?”

“હા પૂછને.”

“તને ગુસ્સો જલ્દી આવી જાય છે એ વાત હું જાણું છું પણ તને એટલો ગુસ્સો પણ આવે છે કે તુ તારા શરીરની પણ ચિંતા નથી કરતો! આ વાત મને સમજાતી નથી. આનું કારણ જણાવવાની કૃપા કરીશ?”

“કારણ ખાસ નથી. બસ હમણાથી મમ્મી કામ બાબતે સંભળાવ્યા કરે છે એટલે ગુસ્સો આવી ગયો. કલ્પેશ મેં પહેલા જ કીધું હતુ કે મારે એચ.એસ.સી. પછી ક્યાંક જોબ પર લાગી જવું છે પણ ના તેમને તો શોખ હતો કે મારો દીકરો કોલેજ કરે. મારા ના પાડવા છતા તેમણે મને કોલેજ કરાવી અને હવે પહેલા સેમેસ્ટરના માત્ર ચાર મહિના થયા છે અને કોલેજ બંધ કરાવી મને જોબ પર મોકલવો છે. પછી યાર ગુસ્સો આવે કે ના આવે? યાર મમ્મીનો નિર્ણય ઘડીકવારમાં ચેન્જ થઈ જાય છે. મને તો ડર એ વાતનો છે કે ક્યાંક મારા લગ્ન વખતે પણ આમ ન કરે.”

“એટલે?”

“માની લે કે મમ્મી પહેલા છોકરીના માબાપ સાથે વાત કરીને મારા મેરેજ ફિક્ષ કરી નાખે અને પછી જ્યારે હું લગ્નમંડપમાં બેઠો હોવ. માત્ર ફેરા ફરવાના બાકી હોય અને મમ્મી તરત પોતાનો નિર્ણય બદલી નાખે કે તેમને પોતાના દીકરાના લગ્ન નથી કરવા તેને હજી ઘણી વાર છે તો!” વિજય હસવા લાગ્યો.

“વિજય મારા કપાળમાં તને મુર્ખ લખેલું દેખાય છે? દરેક વાતમાં મામીને કેમ વચ્ચે લેશ? મામી જે કંઈપણ કરે છે તારા સારા માટે કરે છે. તને આખી જિંદગી કોલેજ ન કર્યાનો અફસોસ ન રહે એ માટે તેમણે તને કોલેજ કરાવી. હા એ વાત જુદી છે કે ત્યારે તુ જોબ કર એવી કોઈ જરૂર ન હતી પણ અત્યારે વાત અલગ છે અને રહી વાત તારી કોલેજની તો એ મામીનો નહિ પણ તારો નિર્ણય હતો. કારણ કે ભાઈ ગર્લફ્રેન્ડ વગરના મરી રહ્યા હતા. કોલેજ જવાનું કારણ માત્ર આ જ હતુ કે તને ગર્લફ્રેન્ડ મળી જાય સાચુંને?”

“હા તો શું? કોલેજમાં કોઈ બની મારી ગર્લફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ તો શું કોલેજની કોઈ ગર્લ પણ મારી ફ્રેન્ડ નથી.”

“તો આ નિશા શું છે?”

“હા ગર્લફ્રેન્ડ છે પણ એ ક્યાં કોલેજ કરે છે! એ તો હજી એચ.એસ.સીમાં છે.”

“માણસ પ્લેટમાં ખાય કે થાળીમાં ફર્ક શું પડવાનો છે? પેટ તો ભરાવાનું જ છેને! કહેવાનો અર્થ કે કોલેજની હોય કે કોઈ સ્કુલની ગર્લફ્રેન્ડ તો છે ને?”

“એ વાત તો બરાબર છે.”

“હવે સાચી વાત કરીશ કે શું થયું છે?”

“યાર હમણાથી નિશા મને ઇગ્નોર કરે છે. શરૂઆતના દિવસોમાં અમે દરરોજ ચાર કલાક સુધી વાતો કરતા. હું કોલેજથી બે વાગે ઘરે આવું ત્યારથી સાંજના છ વાગ્યા સુધી કારણ કે છ વાગે નિશાને ટ્યુશનમાં જવાનું હોય છે. એની પાસે કોઈ પર્શનલ ફોન નથી એટલે એ વાત કરે તો જ હું વાત કરી શકું. છેલ્લા દસ-બાર દિવસથી એ મારી સાથે વાત નથી કરતી અને વચ્ચે ક્યારેક કરે છે તો એવું લાગે છે કે એ જાણે પરાણે વાત કરતી હોય. તેની એક સ્માઈલ માટે હું વહેલી છની બસ પકડી કોલેજ જાવ છું પણ જ્યારે બસ સ્ટેશન પર તેના ગામની બસ આવે છે અને તે તેમાંથી ઉતરે છે ત્યારે તો ખુશ હોય છે પણ જ્યારે મને જુએ છે ત્યારે ઉદાસ થઇ જાય છે. ખબર નથી પડતી તેને મારાથી શું પ્રોબ્લેમ છે? જ્યારે આ વિશે પૂછું છુ તો એક જ જવાબ આપે છે કે સ્ટડીનો સ્ટ્રેસ છે એટલે ઉદાસ હોય છે. એવી વળી કેવી ઉદાસી કે મારું ફેસ જોતા જ આવી જાય!”

“એક કામ કર તેને થોડો સમય આપ. યાદ કર તારા એચ.એસ.સી વખતે તારું પણ આવું જ હતું. જ્યારે કામ પરથી રાતે ઘરે આવું ત્યારે ઘડિયાળમાં અગિયાર વાગેલા હોય અને તારા મોઢા પર સાડા બાર. તને જેમ એ વખતે સ્ટડીનો સ્ટ્રેસ રહેતો એમ એને પણ હશે. જો એ સારા પરિણામ સાથે પાસ થશે તો એ તારી સાથે કોલેજ કરી શકશે. હવે બે મહિના પછી તારા પહેલા સેમેસ્ટરની એક્ઝામ આવવાની છે તો એ તમારા બંને માટે સારુ રહેશે કે તમે કારણ વગરની વાતોમાં ટાઈમ વેસ્ટ ન કરો. નિશાએ શરુઆત કરી નાખી છે હવે તુ પણ કરી નાખ.”

“કલ્પેશ શું હું આ નથી સમજતો કે એ સ્ટડીમાં ધ્યાન આપે તો મારા માટે જ સારું છે? યાર મારું પણ એક સપનુ છે કે કોઈક એવી જગ્યા હોય જ્યાં અમે સાથે સમય વિતાવી શકીએ અને એ સપનુ ત્યારે જ પૂરું થશે જ્યારે નિશા મારી કોલેજમાં આવશે... પણ... હવે લાગે છે કે એ સપનુ જ રહેવાનું છે.” વિજય નિરાશ થઇ સોડાશોપના બાકડા પર બેસી ગયો.

“વિજય ચિંતા ન કર બધું જ બરાબર થઇ જશે.” કલ્પેશ વિજયની બાજુમાં વિજયનું માથું પોતાના ખભા પર રાખી બેસી ગયો.

“કાશ એવું જ થાય. યાર મને ડર લાગે છે કે મારી બેબી મને છોડીને ક્યાંક જતી ન રહે. મારા મિત્રોમાં સંજય સિવાય બધા જ કહે છે કે તેની લાઈફમાં કોઈક આવી ગયું છે. વોટ્સેપ પર બે વાગ્યાથી છ વાગ્યા સુધી ઓનલાઈન હોય છે પણ મને એક રીપ્લાય પણ નથી આપતી. મને બીજાની વાતો પર વિશ્વાસ નથી પણ યાર ડર તો લાગે ને? મારી બેબી મારી ગર્લફ્રેન્ડ નથી પણ મારી દુનિયા છે. એના વગર મારી કોઈ દુનિયા નથી. યાર... હું તને... કેવી રીતે સમજાવું કે નિશા મારા માટે... મારા માટે...” વિજય જાણે નશામાં બોલતો હોય એમ બોલી રહ્યો હતો.

“વિજય આવી રીતે કેમ વાત કરે છે? તુ ઠીક તો છેને? વિજય... વિજય... આમ મારી સામે જો. આ શું તને તો તાવ આવી ગયો છે! અહી જ રહેજે હું બાઈક લઈને આવું છું. તાવ ચડી ગયો છે તોપણ કહેતો નથી. ના પાડી હતી કે ન પડતો આ લવ બવમાં. જો હજી મહિનો નથી થયો અને સાઈડ ઈફેક્ટ દેખાવા લાગ્યા! અહી જ રહેજે હું ફટાફટ બાઈક લઈને આવું છું.”

કલ્પેશ વિજયને બાંકડા પર સુવડાવી ઘર તરફ દોડવા લાગ્યો.....

To be continued…