Hawelinu Rahashy - 13 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 13

Featured Books
Categories
Share

હવેલીનું રહસ્ય - 13

મહેલથી થોડે દુર લિપ્તા એક શાંત જગ્યા પર આવીને ઉભી રહી. ત્યાં એણે એના દાદી સાથે સંપર્ક કરવાનો ફરી એકવાર પ્રયત્ન કર્યો પણ પરિણામ એનું એ જ રહ્યું. કોઈ પણ રીતે એ દાદી સાથે વાત નહોતી કરી શકતી. હવે એના મને સાચખોટાં વિચારો કરવાના ચાલુ કરી દીધા હતા. આ વિચારોથી લિપ્તા આવનાર અમંગળ વિપત્તિને અનુભવી શકતી હતી. ઊંડે ઊંડે એનું મન લક્ષવ, પર્વ અને દાદી એને છોડીને ક્યાંય દૂર જતા હોય એમ કહેતું. આવા વિચારોએ એની તર્કશક્તિ હરી લીધી હતી. એણે થોડીવાર ત્યાં જ ઉભા રહીને કંઈક વિચાર્યું અને લગભગ એ દોડતા દોડતા હવેલી સુધી પહોંચી. લિપ્તાને હવેલીમાં જવાનો એક ગુપ્ત માર્ગ ગ્રંથમાંથી મળી ગયો હતો જ્યાંથી એ સરળતાથી પ્રવેશ મેળવી શકે એમ હતી. એક ક્ષણ પણ ગુમાવ્યા વગર એ ત્યાં પહોંચી ગઈ.

ભયથી ફફડતા હાથે એ હવેલીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. ઘણાં સમયથી આ દરવાજો ઉપયોગમાં ન હોવાથી જામ થઈ ગયો છે. મહામહેનતે એ દરવાજો ખોલે છે. લિપ્તાના પ્રવેશ કરતાની સાથે જ હવેલીનો દરવાજો બંધ થઈ જાય છે. લિપ્તા ડરીને દરવાજા તરફ જોવે છે. પણ પછી કંઈક વિચારીને આગળ વધે છે. હજી તો માંડ એ દસ ડગલાં ચાલી હશે ત્યાં જ અચાનકથી જ કાળા અંધારા વચ્ચે હવેલીની બધી જ મશાલ એકસાથે જ પ્રજ્વલિત થાય છે. અચાનક થયેલા ઉજાશથી લિપ્તાના ભયમાં વધારો થાય છે છતાં એ આગળ વધે છે.

લિપ્તા જેમ જેમ આગળ વધે છે એમ એમ એનો ડર વધતો જ જાય છે. કોઈ એનો પીછો કરતું હોય એમ એ અનુભવે છે. એણે પાછળ જોયું અને જોરથી બૂમ પાડી, "કોણ છે?" પણ એને કોઈ પ્રત્યુત્તર મળતો નથી. એ પોતાના મનનો વહેમ માની ફરી આગળ ડગ માંડે છે ત્યાં જ એને કોઈની ચીસ સંભળાય છે. એણે આજુબાજુ જોયું તો કોઈ નજરે પડતું નથી. એ ફરી આ બધું અવગણી આગળ વધવા જાય છે ત્યાં જ એની નજર સામે એક લટકતું કંકાલ આવે છે. હવે ચીસોની જગ્યા અટ્ટહાસ્યએ લીધી છે અને એ વાતાવરણને વધુ બિહામણું બનાવે છે. લિપ્તાને લાગે છે કે હવે એ આગળ નહિ વધી શકે. એ મદદ માટે બુમો પાડે છે. પણ અત્યારે ત્યાં કોણ હોય જે એને મદદ કરે? અંતે ડરના લીધે એ ત્યાં જ બેભાન થઈ જાય છે.

સવાર પડે છે. હવે રાતના કાળા અંધારાની જગ્યા સુરજના કિરણોએ લીધી છે. પક્ષીઓ પણ માળો છોડીને ખોરાકની શોધમાં નીકળી પડ્યા છે. આખું વાતાવરણ નરસિંહ મહેતાના પ્રભાતિયાંથી ગુંજી ઉઠ્યું છે. લોકો પણ પોતાના કામધંધે જવા નીકળી ગયા છે. આવામાં ગામના એક માણસની નજર હવેલી પર જાય છે. એ જોવે છે તો હવેલીનો દરવાજો ખુલ્લો છે અને અંદરથી વિચિત્ર અવાજ આવી રહ્યા છે. એ માણસ જલ્દીથી ગામમાં જાય છે અને બધા ગામલોકોને આ વાત જણાવે છે. ગામના લોકો વિચારમાં પડી જાય છે કે, "આ દરવાજો ખોલનાર હશે કોણ?" અંતે બધા ગામલોકો એકસાથે મંદિરના પૂજારીને લઈને હવેલીમાં જવાનું નક્કી કરે છે.

બધા લોકો હવેલીએ પહોંચે છે. હજી પણ અંદરથી બિહામણા અવાજ આવવાના ચાલુ જ છે. પુજારી હાથમાં ભભૂત લઈને કંઈક મંત્ર બોલીને હવેલીના ઉંબરાની વચ્ચોવચ્ચ ફૂંકે છે. થોડીવારમાં અવાજ બંધ થાય છે. ગામલોકોમાં થોડી હિંમત આવે છે અને બધા એકસાથે હવેલીની અંદર પ્રવેશ કરે છે. ત્યાં જ ગામના પુજારી કહે છે, "કાલ રાત્રે અહીંયા કોઈ જરુરથી આવ્યું છે. કાલે અમાસની રાત હતી. આનું પરિણામ ખૂબ જ ખરાબ હશે. કાલે જે કોઈ પણ અહીંયા આવ્યું હશે એને અહીંની આત્માએ બહાર નહિ નીકળવા દીધું હોય અને એ પણ શક્ય છે કે આત્માએ એની બલિ આપી હોય. બધા જલ્દી ચારેતરફ ફેલાય જાવ અને જોવો કોઈ મળે છે કે નહીં."પુજારીની વાત માનીને ગામલોકો આખી હવેલીમાં ફેલાય જાય છે.

બધા જ ગામલોકો આખી હવેલી ફેંદી નાખે છે છતાં લિપ્તાની કશી જ ભાળ નથી મળતી. બધાના ચહેરા પર જ્યારે હારની નિરાશા છવાયેલી હોય છે ત્યારે જ હવેલીના ભોંયરામાંથી એક માણસનો અવાજ આવે છે. બધા એ અવાજની દિશાને અનુસરતા ઝડપથી ભોંયરામાં પહોંચે છે. ત્યાંનું દ્રશ્ય જોઈને બધા જ લોકો ચોંકી જાય છે. લિપ્તા ત્યાં બેભાન અવસ્થામાં પડેલી હોય છે. બધા લોકો ભેગા મળીને લિપ્તાને બહાર લાવે છે અને પૂજારી એક ગુપ્ત મંત્ર વડે હવેલીના દરવાજાને બંધ કરે છે. બહાર આવીને બધા લિપ્તાના વદન પર પાણીનો છંટકાવ કરીને એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ લિપ્તા હોશમાં આવવાનું નામ જ નથી લેતી. પૂજારી આ બધું જોતા હોય છે. એ એમની પાસે રહેલા ચમત્કારિક જળને હાથમાં લઈ વિવિધ મંત્રોચ્ચાર કરે છે અને લિપ્તાના ચહેરા પર એ જળની છાલક મારે છે. બધાના આશ્ચર્ય વચ્ચે લિપ્તા હોશમાં આવી જાય છે. પોતાની આસપાસ હેમિષાબેન અને હર્ષવભાઈને ન દેખાતા એ અચંબિત થાય છે. એ જલ્દીથી ગામલોકોનો આભાર માની ઘરે જવા રવાના થાય છે.

લિપ્તા ઘરે પહોંચી. ઘરની અંદર જઈને એણે જોયું તો હેમિષાબેન અને હર્ષવભાઈ જડની માફક એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા હતા. એણે હેમિષાબેન અને હર્ષવભાઈને ઘણી બુમો પાડી પણ એમના પર એની કોઈ જ અસર નહોતી થતી. એ રસોડામાં જઈને પાણી લાવી અને હેમિષાબેન પાસે આવીને એમના પર છાંટયું છતાં હેમિષાબેનની સ્થિતિમાં કંઈ ફર્ક ન પડ્યો. લિપ્તાએ એમનો હાથ પકડીને એમને હલાવ્યા. હેમિષાબેન ગાઢ નિદ્રામાંથી કોઈએ જગાડ્યા હોય એમ જાગ્યા. હેમિષાબેનને સામાન્ય અવસ્થામાં જોઈને લિપ્તાના જીવમાં જીવ આવ્યો. એણે હેમિષાબેનને પૂછ્યું, "તમે અને કાકા આવી હાલતમાં કેવી રીતે?" હેમિષાબેન બોલ્યા, "તારા ગયા પછી એક તાંત્રિક જેવો લાગતો માણસ અહીં આવ્યો હતો. અમે એને કંઈ પૂછીએ એ પહેલાં તો ખબર નહિ એણે શું કર્યું કે અમે જ્યાં હતા ત્યાં જ સ્થિર થઈ ગયા." આ સાંભળીને આ બધા પાછળ કોનો હાથ છે એનો લિપ્તાને અંદાજ આવી ગયો. એણે હર્ષવભાઈને ચરણસ્પર્શ કર્યા અને એ પણ પહેલાની જેમ સામાન્ય થઈ ગયા.

લિપ્તા ફ્રેશ થઈને એના રૂમમાં પુરાઈ ગઈ. આજે એની આ જંગમાં પહેલી હાર થઈ હતી. સાંજ થતા જ વરસાદ શરૂ થયો. વરસાદથી તૃપ્ત થયેલી જમીનની સુગંધ જાણે લિપ્તાને બહાર આવવાનું આમંત્રણ પાઠવી રહી હતી. લિપ્તા એ આમંત્રણ સ્વીકારી અગાશી ઉપર ગઈ. અનરાધાર વરસતા વરસાદમાં એના આંસુ ખોવાઈ ગયા. એણે આકાશ તરફ મીટ માંડી. એ મનમાં જ પોતાને પ્રશ્ન કરી રહી હતી કે એના જીવનની મુશ્કેલીઓ પણ હવે આ આભ જેટલી જ અગાધ છે ને...? દરેક વીજળીના ચમકારા સાથે એના મગજમાં પણ નવા નવા વિચારોના ચમકારા થતા હતા. કદાચ હવે એ લડતા લડતા પરિસ્થિતિથી થાકીને હારી ગઈ હતી.

શું લિપ્તા ખરેખર હાર માનીને એની આ જંગ અહીં જ અધૂરી છોડી દેશે? જો આવું થશે તો લક્ષવ અને પર્વનું શું થશે? હવેલીમાં લિપ્તા બેભાન થઈ એનું કારણ ડર હશે કે કંઈ બીજું હશે? શું લક્ષવ અને પર્વને બચાવવાના આત્માના પ્રયત્નો નિરર્થક થઈ ગયા હશે જેના લીધે લિપ્તાને કંઈક અમંગળ થવાનો ભાસ થતો હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય".