Aatmano Punrjanm - 3 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આત્માનો પુનર્જન્મ - 3

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

આત્માનો પુનર્જન્મ - 3

આત્માનો પુનર્જન્મ

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩

તારિકાએ આંખ ખોલી ત્યારે તે હવેલીના નીચેના ખુલ્લા ભાગમાં એક કાથીના ખાટલામાં કંતાન પર સૂતેલી હાલતમાં હતી. તેણે આંખો ખોલી ત્યારે તેની નજર ઉપરના ભાગે હતી. ત્યાં લાકડા પર એક કાળી બિલાડી બેઠી હતી. તારિકાને પોતાની સામે જોતી જોઇને બિલાડીની આંખ ચમકી અને તે 'મ્યાઉં..." કરતી ઉપરથી કૂદી. તારિકાએ બંને હાથથી ખાટલાને પકડી આંખો મીંચી દીધી. બિલાડી પલકવારમાં નીચે પડી ક્યાંક સરકી ગઇ. તારિકાએ આંખ ખોલી તો ઉપરની તરફ કંઇ ન હતું. તેણે આસપાસમાં નજર નાખી. કોઇ દેખાતું ન હતું. તેણે યાદ કર્યું. પોતે પ્રો.આદિત્યના રૂમમાં ગઇ એ પછી ત્યાંનો માહોલ જોઇ ગભરાઇ ગઇ હતી. રૂમમાં જોયેલું લોહીનું ખાબોચિયું યાદ આવતા તેને ફરી કમકમાં આવી ગયા. તેણે જાતને સંભાળી અને ખાટલામાં બેઠી થઇ ડાબા ખભા પર પોતાનો જમણો હાથ ફેરવ્યો. તે સલામત હતો. આ ખભા પર જ કોઇનો ભારે હાથ મુકાયો અને બધું ગોળ ગોળ ફરતું લાગ્યું પછી શું થયું તેનો ખ્યાલ જ ના રહ્યો. અત્યારે તે જાગી છે ત્યારે સૂરજ ખાસ્સો ઉપર ચઢી ગયો હતો. મતલબ કે પોતે બેભાન થઇ એ વાતને ઘણા કલાક થઇ ગયા. પણ એ વ્યક્તિ કોણ હતી? પોતાને ઊંચકીને અહીં કોણ લઇ આવ્યું? પ્રો.આદિત્ય જ હોય તો એ છે ક્યાં? આ બધું શું થઇ રહ્યું છે? એક પછી એક વિચાર તેને પરેશાન કરી રહ્યા હતા.

તે સાવધાનીપૂર્વક ઊભી થઇ અને ચારે તરફ નજર કરતી હવેલીની બહાર આવી. બહાર આમ તો ચકલુંય ફરકતું ન હતું. પણ ચીબરીઓનો અવાજ શરીરના રુંવાડા ઊભા કરી દે એવો આવતો હતો. દિવસે પણ એક અવાવરુ સ્થળનો માહોલ હાંજા ગગડાવી દે એવો ખતરનાક હતો. ક્યાંયથી કોઇ જંગલી પશુ આવી જાય તો કહેવાય એમ ન હતું. પણ તારિકાને તો રાત્રે પશુ બનેલા પ્રો.આદિત્યની શોધ હતી. તેને રાત્રે મળેલો ડોસો યાદ આવ્યો.

તેણે બૂમ પાડી:"કોઇ છે? ઓ કાકા, ક્યાં ગયા?"

તેના જવાબમાં જાણે પવનનો એક સૂસવાટો તેના કાનમાં સીટી જેવો અવાજ વગાડી ગયો.

તેને સમજાતું ન હતું કે રાતની ઘટના પછી પ્રો.આદિત્ય ક્યાં ગાયબ થઇ ગયા? બધું કેવું અજબ-ગજબ બની રહ્યું છે.

તારિકાને થયું કે હવે અહીં રોકાવામાં જોખમ છે. તે દોડીને પોતાના રૂમમાં ગઇ અને બેગ ઝટપટ બંધ કરી નીચે આવી. તેણે આસપાસમાં નજર નાખી હવેલીની ચારે તરફ વૃક્ષો જ વૃક્ષો હતા. તે કયા રસ્તે આવી હતી એ સમજાતું ન હતું. રીક્ષા હવેલી સામે ઊભી રહી હતી એમ ધારીને રીક્ષા આવી હતી એ સ્થાન પર તે ઊભી રહી અને પાછળની તરફ જોયું તો સો મીટર જેટલા અંતર સુધી વૃક્ષો ઓછા હતા. એ પછી ગીચ ઝાડી હતી. એમાંથી રીક્ષા કેવી રીતે આવી હશે? તારિકાને સમજાઇ રહ્યું હતું કે કંઇક અજુગતું બની રહ્યું છે. કંઇક તો ગરબડ છે. બીજી કોલેજના કોઇ આવ્યા નથી. પોતે પ્રો.આદિત્ય સાથે ઇતિહાસની ટૂર પર આવી હતી એ વાત તો જાણે વીસરાઇ જ રહી છે. આ બધું શું ચાલી રહ્યું છે? તેનું મન પોકાર કરવા લાગ્યું. તેણે કુળદેવી માતાનું નામ લઇ કોઇ એક દિશામાં ચાલવાનું શરૂ કર્યું. તેણે હજુ બે પગલાં જ પાડ્યા ત્યાં અવાજ આવ્યો:"તારિકા....તારિકા...."

તે અવાજને જલદી ઓળખી ના શકી. હાથની મુઠ્ઠીઓ વાળી ભાગવા મન મજબૂત કરી તેણે અડધા પાછળ ફરીને જોયું તો સામે પ્રો.આદિત્ય ઊભા હતા.

તે નવાઇથી એમને જોઇ રહી. ખરેખર તો તેની સામે જોવા જેવું જ ન હતું. એને પણ આંખો ઊંચી કરીને જોવાથી શરમ આવવી જોઇતી હતી. એના બદલે બિંદાસ તેની સામે આવી રહ્યો હતો. કેટલો બેશરમ છે? અને હું હજી અહીં કેમ ઊભી છું? તારિકા વિચારતી રહી અને પ્રો.આદિત્ય તેનાથી ચાર ફૂટ દૂર આવીને ઊભા. ચહેરા પર ચિંતાના ભાવ સાથે બોલ્યા:"તારિકા, ક્યાં જાય છે?"

'કેટલો ભોળો બને છે આ માણસ?" બબડીને તારિકાને એક થપ્પડ ઝીંકી દેવાનું મન થયું. તે ગુસ્સામાં બોલી:"પ્રો. આદિત્ય, તમે આટલા ખરાબ નીકળશો એવું મેં સપનામાં પણ વિચાર્યું ન હતું...."

"તારિકા, આ તું શું કહે છે?" પ્રો.આદિત્ય ચમકીને બોલ્યા. તારિકાના ગુસ્સાથી તે ચોંકી ગયા.

"ગઇકાલે રાત્રે તમે જે હરકત કરી એ બહુ નિંદનીય અને નિચ પ્રકારની હતી. હવે અજાણ્યા થવાનું નાટક રહેવા દો..." તારિકાનો ગુસ્સો ફૂટવા લાગ્યો હતો.

'તારિકા, મને તો તું કોઇ નાટક ભજવતી હોય એવું લાગે છે. અને તું અહીં કેવી રીતે આવી? ક્યારે તને હોશ આવ્યો?" પ્રો.આદિત્યએ એકસાથે બે સવાલ પૂછ્યા.

"જુઓ, મારાથી દૂર રહો. હું ઘરે જવા માગું છું. હવે ફરી મારી સાથે બોલતા નહીં કે કોઇ સંબંધ ના રાખતા. હું કોલેજ જ છોડી દેવાની છું. મારા માટે ગઇકાલની રાત છેલ્લી અને ઐતિહાસિક હતી. હવે આપણો સંબંધ ઇતિહાસ બની જશે. હું તમને ઓળખતી નથી..."

"અરે! કંઇ સમજાય એવું બોલ....તું બેભાન થઇ પછી ક્યાંક યાદશક્તિ તો જતી રહી નથી ને?"

તારિકાને થયું કે પ્રો.આદિત્ય ખરેખર નાટક કરી રહ્યા છે કે સચ્ચાઇ કંઇક અલગ છે?

"યાદશક્તિ તો તમારી ચકાસો પ્રો.આદિત્ય. રાત્રે શું હરકત કરી હતી?" તારિકા પ્રો.આદિત્યને રાતની બીના યાદ અપાવવા લાગી.

"તારિકા, રાત્રે તો આપણે પોતપોતાના રૂમમાં સૂઇ ગયા હતા. તું મારાથી આમ ખફા કેમ છે? મને તારી ચિંતા થઇ રહી છે. તને ખબર નથી કે આપણે કેવા ફસાઇ ગયા છે..."

"સર, આપણે નહીં હું. તમે મને અહીં સુધી ફસાવીને લાવ્યા છો. જેથી મારી સાથે..." તારિકાને બોલતી અટકાવવા પ્રો.આદિત્ય તેની સામે ધસી આવ્યા અને તેના મોં પર હાથ મૂકી દીધો.

તારિકાએ એક ઝાટકાથી તેનો હાથ ખસેડી દીધો.

"તમે તમારી મર્યાદા ઓળંગી છે સર, કાલે રાત્રે તમે મારી ઇજ્જ્ત પર હાથ નાખીને વિશ્વાસઘાત કર્યો છે..."

"વોટ? આ તું શું બકે છે? કાલે તો આખી રાત હું મારા રૂમમાં ઊંઘી ગયો હતો. હું તો બહાર પણ નીકળ્યો નથી...."

હવે ચોંકવાનો વારો તારિકાનો હતો. પ્રો.આદિત્ય સાચું બોલી રહ્યા હશે? તેમના ચહેરાના ભાવ તો એવું જ કહે છે.

"તારિકા, ગઇકાલે રાત્રે શું બન્યું એ મને કહે તો કંઇક સમજાય. નક્કી તારી સાથે કંઇક અજુગતું બન્યું છે. મારી પાસે તને કહેવા માટે ઘણી વાતો છે....મને લાગે છે કે કોઇ ભૂત-પ્રેતના ષડયંત્રમાં આપણે ફસાઇ ગયા છે...." પ્રો.આદિત્ય છેલ્લું વાક્ય ચારે દિશામાં સાવધાનીથી નજર નાખી ધીમ અવાજે બોલ્યા.

ભૂત-પ્રેતનું નામ સાંભળી તારિકાના દિલની ધડકનો વધવા લાગી. તારિકાને સમજાતું ન હતું કે સત્ય શું છે? પ્રો.આદિત્ય કોઇ ચાલ તો રમી રહ્યા નથીને? પોતાને સપડાવવા તે ભૂત-પ્રેતનો સહારો તો લઇ રહ્યા નથીને? રાત્રે એમની ઇચ્છા બર આવી નહીં એટલે આ નવું નાટક ખેલી રહ્યા હોય તો?

તારિકાના મનમાં વિચારોનું વાવાઝોડું વકરી રહ્યું હતું. અહીં તેનું કોઇ બેલી ન હતું. તેણે એકલીએ જ આ જંગ લડવાની હતી. રાત્રે પેલો ડોસો દેખાતો હતો એ પણ દેખાતો નથી. તારિકાએ નક્કી કર્યું કે તે સંયમથી કામ લેશે. ડર અને ગભરાટમાં તે ખોટો નિર્ણય લઇ લેશે તો અહીંથી નીકળાશે નહીં.

"સર, પહેલા તમે કહો કે ક્યારના તમે ક્યાં હતા? અને હું અહીં નીચે બેભાન હાલતમાં કેવી રીતે આવી? અને તમે કોઇ અસભ્ય ચેષ્ટા તો કરી નથી ને?" બોલતી વખતે તારિકાને લાગ્યું તો હતું કે કોઇએ તેના શરીર સાથે કોઇ છેડખાની કરી નથી.

"ઠીક છે. આપણી પાસે સમય ઓછો છે તારિકા. મારી સાથેની ઘટનાઓ સાંભળી લે. હું સવારે વહેલો ઊઠી ગયો હતો. ત્યાં એક કાળી બિલાડી મારા ખાટલાની નીચે બેસી 'મ્યાઉં.....મ્યાઉં....." બોલી. મેં જોયું તો અંધારામાં તેની આંખો ભયાનક લાગી. મેં તેને ભાગી જવા 'હટ' બોલી ઇશારો કર્યો. મને ખ્યાલ આવી ગયો હતો કે રાત્રે હવા માટે બારી ખુલ્લી રાખી હતી એટલે આ જંગલી બિલાડી ઘૂસી ગઇ છે. તેણે બીજી જ પળે મારા પર હુમલો કર્યો. હું સહેજ બાજુ પર હટી ગયો. આ જો એના બે નહોર મારા હાથ પર હજુ છે...." પ્રો.આદિત્યએ પોતાનો હાથ બતાવ્યો. બિલાડીના હુમલાની ઘટનાનો હાઉ હજુ તેમના ચહેરા પર દેખાતો હતો. અને તે આગળ બોલ્યો:"મેં સુરક્ષા માટે ઓશિકાની બાજુમાં ચપ્પુ રાખ્યું હતું એ સિફતથી લીધું અને બિલાડીએ જેવો ફરી મારા પર હુમલો કર્યો કે મેં ચપ્પુ તેના શરીરમાં ખોપી દીધું. તે લોહીલુહાણ થઇ નીચે પડી. મેં તેના શરીરમાંથી જેમતેમ ચપ્પુ કાઢ્યું અને એક જૂના કોથળામાં તેનું શરીર નાખી આ જંગલમાં નજીકમાં નાખી દીધું. એનું લોહી હજુ મારા રૂમમાં જ પડ્યું છે. પેલો ડોસો તો રાતથી જ ગાયબ છે. હું થોડું ફર્યો પછી મને થયું કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા છે. નક્કી કોઇ આત્માનું કાવતરું છે."

પ્રો.આદિત્ય શ્વાસ લેવા રોકાયા. ત્યારે પણ તેમની આંખો આસપાસની સ્થિતિ પર નજર રાખી રહી હતી. તેમણે આગળ વાત વધારી:"જ્યારથી મને આ વર્કશોપ કમ ટૂરનો પત્ર મળ્યો ત્યારથી શંકાનો કીડો મારા મનમાં ભમી રહ્યો છે. કોલેજનો ફોન કોઇએ ના ઉપાડ્યો અને પ્રિન્સિપાલનો મોબાઇલ પણ છેલ્લા દિવસ સુધી લાગ્યો ન હતો. પણ તને પત્ર મળ્યો હોવાથી મને લાગ્યું કે આ આયોજન સાચું હશે. છતાં મેં ખોટી કલ્પના કરીને પણ કેટલાક સાધન સાથે લઇ લીધા હતા. આપણાને જે રીક્ષાવાળો છોડી ગયો એ અને પેલો ડોસો હતો એ ખરેખર માણસ હતા કે કેમ એની શંકા છે. અહીં મોબાઇલનું નેટવર્ક પકડાતું નથી. અને દૂર દૂર સુધી જંગલ જ છે. હવે આપણે ચોકન્ના રહેવું પડશે. અને તું બેભાન કેવી રીતે બની એની તને ખબર છે? હું પાછો ફર્યો ત્યારે તું મને પોકારી રહી હતી. ડરને કારણે હું દોડતો પ્રતિસાદ આપતો તારી પાસે આવી રહ્યો હતો. અને હાંફતાં હાંફતાં તને બોલવા કહી રહ્યો હતો. મેં જોયું તો તું મારા રૂમમાં ઊભી હતી. મેં તારા ખભા પર હાથ મૂક્યો અને તું લથડતી પડવા લાગી. મેં તને પડી જતા બચાવી. તું ભાન ગૂમાવી ચૂકી હતી. તને ઊંચકીને નીચે ખુલ્લા વાતાવરણમાં લાવીને સુવડાવી. પાણી નાખ્યું અને કેટલીય ઢંઢોળી તોય તું ભાનમાં ના આવી. તારી નાડી ચાલી રહી હતી એટલે તું ડરથી બેભાન થઇ છે એવું માન્યું. નજીકમાં કોઇ જડીબુટ્ટી કે વિશિષ્ટ ગંધવાળી વનસ્પતિ શોધવા હું બહાર નીકળ્યો. અને રસ્તો ભૂલી ગયો. કેટલા કલાક પછી હું અહીં આવી શક્યો છું. હવે તું કહે તારી સાથે શું બન્યું?"

તારિકાને સમજાતું ન હતું કે પ્રો.આદિત્યની વાતનો કેટલો વિશ્વાસ કરવો?

*વધુ હવે પછીના પ્રકરણમાં*