hamari adhuri kahani in Gujarati Love Stories by Himanshu Thakkar books and stories PDF | હમારી અધૂરી કહાની

Featured Books
Categories
Share

હમારી અધૂરી કહાની

"સોચતા હૂં કે વો કિતને માસૂમ થે,
ક્યાં સે કયા હો ગયે દેખતે દેખતે"

અમદાવાદ ની સુમસાન સડક પર પાણી નાં રેલા ની જેમ પૂરપાટ ઝડપે ગાડી માં અચાનક આ ગીત વાગવા લાગ્યું અને જાણે વંશ નાં તન બદન માં એક વીજળી ની ચમક પસાર થઈ ગઈ હોય એવો અનુભવ કરાવી ગયું. વંશ અંશતઃ બેધ્યાન બની ગયો હતો કે ગાડી ક્યાં જઈ રહી છે. તે જેમ તેમ સી. જી. રોડ પર આવેલી પોતાની ઓફિસ પહોંચ્યો.વંશ એક ખૂબ જ નામનાં પ્રાપ્ત કંપની નો માલિક હતો કે જેનું અમદાવાદ જ નહિ પૂરા ભારત માં નામ હતું.વંશ એ દિવસે કંઇક બદલાયેલો લાગતો હતો તે પોતાની ઓફિસ માં જતા જતા પટાવાળા ને કોઈ ને અંદર નાં આવવા દેવા નો હુકમ ફરમાવતો ગયો. એ. સી. નાં ઠંડા વાતવરણ માં તે વ્યાકુળતા અનુભવી રહ્યો હતો.એક જ ઘૂંટ માં તે પાણી ની પૂરી બોટલ પૂરી કરી ગયો. તેણે ધીમા અવાજે પોતાની ઓફિસ માં એફ. એમ ચાલુ કર્યું અને લેપટોપ માં ફેસબુક ઓપન કર્યું અને એક એવું નામ સર્ચ કર્યું જેને તે પોતાની જિંદગી ની પ્રોફાઈલ માંથી અન્ફ્રેન્ડ કરી ચુક્યો હતો. કર્સર સર્ચ પર ગયું અને નામ ટાઇપ થયું "વંશિકા" ... એક જ ક્લિક માં સામે એ માસૂમ ચહેરો આવી ગયો જેની પાછળ ક્યારેક વંશ દીવાનો હતો.

થોડા વર્ષ પહેલા ની વાત, અમદાવાદ ની એક નામચીન કંપની એ પોતાની ઓફિસ માં ઇન્ટરવ્યૂ નું આયોજન કરેલ. અલગ અલગ 7 જગ્યા માટે અંદાજે 200 લોકો આવેલા. આખરી 7 ઉમેદવાર સિલેક્ટ કરવા માં આવ્યા. વંશ અને વંશિકા બંને સિલેક્ટ થઈ ગયા હતા અને એક નવા સફર ની શરૂઆત થવાની તૈયારી માં હતી.વંશિકા થોડી બિન્દાસ્ત સ્વભાવ ની હતી જ્યારે વંશ કામ માં રચ્યો પચ્યો રહેતો અને કદાચ એ જ કારણ થી તે બધાં નો માનીતો બની ગયો હતો.વંશ ભાગ્યેજ કોઈ જોડે વાત કરતો હતો એ પણ કામ ની જ બીજી કોઈ નહિ.એક દિવસ વંશ બપોરે લંચ માં જમી રહ્યો હતો રજા જેવા માહોલ નાં કારણે લગભગ વાતાવરણ સૂમસામ હતું.

"હાય, વંશ કેમ છે ? શું હું અહીંયા બેસી શકું ?" વંશિકા એક કાતિલ હાસ્ય સાથે બોલી

"હા , જરૂર કેમ નહિ" વંશ અચકાતો અચકાતો બોલ્યો.

"વંશ તુ ખુબ જ સરસ કામ કરે છે અને તારા ખુબ જ વખાણ થતાં હોય છે પણ ભાગ્યે જ તારા સાથે વાત થતી હશે કેમ કે તુ કામ માં થી ઉંચો જ નહિ આવતો.. કોઈક દિવસ અમારા સાથે પણ વાતચીત કરતો જા અમે પણ માણસ જ છીએ" એક હાસ્ય સાથે તે બોલી ગઈ.

"અરે ! એવું કાઇ નથી પણ હું કામ માં ડૂબેલો હોઉ ત્યારે મને માત્ર મારું લક્ષ્ય જ દેખાય છે અને એ થી જ કદાચ હું બીજી વાતો પ્રત્યે બે ધ્યાન હાઉ છું. બીજું કંઈ નહિ "

વાત ચીત નો દોર લાંબો ચાલ્યો ... ભાગ્યેજ વંશે આટલી વાર કોઇ જોડે વાત કરી હશે. કલાક જેવી ચાલેલ વાતચીત બાદ બંને સારા એવા મિત્રો બની ગયા હતા અને ત્યાર બાદ ઓફિસ માં સાથે ચા નાસ્તો અને લંચ પણ સાથે લેતા થઈ ગયાં હતાં અને મિત્રતા ગાઢ બનતી જતી હતી. શુભ સવાર અને શુભ રાત્રી ના મેસેજ માંથી આગળ વધી મેસેજ માં પણ વાત ચીત થવા લાગી હતી જે હવે લોકો ને ઉડી ને આંખે વળગવા માંડી હતી.વંશ ને વંશિકા ગમવા લાગી હતી,ભલે લોકો એક કહેતા હતા કે તે થોડી અભિમાની છે પણ વંશ ને એ બધી બાબતો તેની માસૂમિયત આગળ ગૌણ લાગતી હતી .

એક દિવસ વંશ નાં મોબાઈલ મા અચાનક એક મેસેજ ડિસ્પ્લે થયો.વંશિકા નો ફોરવર્ડ મેસેજ હતો.વંશે સંદેશો ખોલ્યો.

Life is very beautiful and there is nothing without colour. Choose the colour for me.

Pink - you think I am cool
Red - you think I am beautiful
Purple - you like me
Blue - I am your friend
Green - you love me
Etc....

વંશ ઘડીક વિચારે ચડી ગયો કે શું જવાબ આપે .. ઘણા સમય થી તે જે વાત નહોતી કહી શકતો હતો કે તે વંશિકા ને ચાહવા લાગ્યો છે એ જાણે એ સામે થી કહેવડાવવા માંગતી હોય એવું તેને લાગ્યું. કાંપતા આંગળા એ "Green" લખી ને મેસેજ જવા દીધો અને વળતા જવાબ ની વાટ જોવા લાગ્યો. દસેક મિનિટ સુધી જવાબ નાં આવતા તેને થયું કે ખોટો મેસેજ કરાઈ ગયો. થોડી વાર રહી ને માત્ર "ઓકે" એટલો જવાબ આવ્યો. વંશે સામે તે જ મેસેજ તેને મોકલ્યો જવાબ "BLUE" આવ્યો. વંશ તૂટી ગયો હતો અંદર થી અને બીજા દિવસે તેને મળવા ની વાટ જોવા લાગ્યો.

"વંશિકા, કાલે જે થયું એના માટે હું માફી માંગી લઉં પણ શું તું ખરેખર મને પ્રેમ નથી કરતી અને માત્ર દોસ્ત જ માને છે?"

"વંશ, પ્લીઝ એ બધું જવા દે હું એ બધું ચર્ચા કરવા નથી માંગતી.

"વંશિકા, પ્લીઝ હું આખી રાત સુઈ નથી શક્યો મને માત્ર તારો જવાબ જોઈએ ભલે એ ગમે તે હોય"

"મારો જવાબ નાં છે કહી ને તે ચાલી ગઈ ત્યાં થી"

વંશ જાણે એકદમ તુટી ગયો હોય એવું લાગ્યા કરતું હતું, તે એકદમ શાંત બની ગયો હતો. નવું નવું ઉડતા શીખેલા પંખીડા ની જાણે કોઈએ પાંખ કાપી ને એને બેસાડી દીધું હોય એવું તેને લાગતું હતું.હવે,વંશિકા જોડે વાતચીત થતી પણ પહેલા જેવો ઉત્સાહ નહિ માત્ર ને માત્ર કામ પૂરતી વાતો.વંશ દિવસે દિવસે સુકાઈ ગયેલા છોડ જેવો થતો જતો હતો.અચાનક એક દિવસ વંશિકા નો મેસેજ આવ્યો, "કાલે મારે તને મળવું છે સવારે પરિમલ બાગ માં જો તને અનુકૂળ હોય તો ?".વંશ ને તો ભાવતું હતું ને વૈધ એ કહ્યું એવો ઘાટ થયો. અને બીજા દિવસે મુલાકાત નું નક્કી થયું.

વંશ પહેલી વાર આવી રીતે કોઈ છોકરી ને એકાંત મા મળી રહ્યો હતો અને એ પણ પોતાના પ્રેમ નો એકરાર કર્યા પછી. વંશ એને ખૂબ પસંદ એવી "કેડબરી" લઈ ને ગયો હતો .

"ચોકલેટ માટે આભાર વંશ, કેમ છે તુ ?"

"બસ જીવન ચાલ્યા કરે છે... "

"આવો ઉદાસ નહિ રે યાર, સારું નહિ લાગતું મને"

"પણ, મારી ભાવનાઓ મારા કાબૂ માં નથી હું શું કરું, જુઠ્ઠી ખુશી તો હું કેવી રીતે વ્યક્ત કરું,મને એવું નથી ફાવતું કે અંદર કંઇક હોય ને બહાર કઈક અલગ વ્યક્ત કરું" વંશ એ ચોખ્ખું જ કહી દીધું.

"હું જાણું છું પણ મારી અમુક મજબૂરી છે જે હું તારી સમક્ષ વ્યક્ત કરી નહિ શકું અને કદાચ તુ એ જીરવી પણ નહિ શકે. - "બાંધી મુઠ્ઠી રાખવા માં જ ભલાઈ છે "

" હું આમ પણ અંદર થી ભાંગી જ ગયો છું, થોડો વધારે બીજું શું થવાનું ,કહી દે જે કહેવાનું હોય એ" હું સાંભળી લઈશ અને સહન પણ કરી લઈશ.

" તો સાંભળ હું તારા થી જૂઠું નહિ બોલું, હું એક છોકરા જોડે કોલેજ ના સમય માં પ્રેમ માં હતી મને એ બહુ ગમતો હતો. અમારા સમય નો હીરો હતો અને લગભગ બધી છોકરી ઓ એના સપના જોતી હતી અને એમાં હું પણ ખરી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને અમે સારા એવા મિત્રો બનતા ગયા. એમાં પણ અમારું પાંચ જણ ની સારું એવું વર્તુળ બની ગયું હતું. અનિમેષ અમારા ગ્રુપ નો મુખ્ય સભ્ય હતો ધીમે ધીમે મારી એના સાથે નિકટતા વધતી જતી હતી હું બહુ ખુશ રહેવા લાગી હતી.કોલેજ તો એક બહાનું હતું જાણે એને જ જોવા હું જતી હતી.પણ મારી ખુશી નાં દિવસો લાંબા ટક્યા નહિ મને ઊડતી ઊડતી વાત મળી કે મારી જ ખાસ મિત્ર અને અમારા વર્તુળ ની સભ્ય રસ્મિકા પણ અનિમેષ માં એટલો જ રસ ધરાવે છે અને અનિમેષ પણ એની તરફ થોડી કૂણી લાગણી ધરાવતો હતો.હું એવી જ પડી ભાંગી હતી એ સમય જેવો હાલ કદાચ તુ હોઈશ મારી વાત સાંભળી ને વંશ. ધીમે ધીમે મારા અને અનિમેષ વચ્ચે રસ્મિકા નાં લીધે તકરાર થવા લાગી અને એ મારા થી દુર જતો હોય એવું લાગ્યું એ મને સાચવતો હૂંફ આપતો પણ કદાચ હું એના માટે એ વ્યક્તિ નહોતી બની શકે જે મારે બનવું હતું.અમારા વચ્ચે માથાકૂટ થયા જ કરતી હતી પણ એને ભૂલી શકતી નહોતી.મને એવું લાગ્યું કે એ અમારી બંને સાથે રહેવા માંગે છે અને બંને જોડે પ્રેમભર્યું વર્તન કરતો હતો જે મારા થી સહન નહિ થતું હતું અને આમ જ અમારી કોલેજ પૂરી થઈ એ પોતાના ધંધા માં જોડાઈ ગયો ને હું અહીંયા જોડાઈ ગઈ. અમારે સામાન્ય વાતચીત થયા કરે છે પણ હમણાં થી ફરી થી અમારા વચ્ચે સંબંધો વણસી ગયા છે હું કંટાળી ગઈ છું જીવન થી અને એક બાજુ તુ આવી રીતે દુઃખી રહે છે એટલે મને સતત પસ્તાવો થયા કરે છે...

વંશિકા રડી પડી આટલું બોલતા બોલતા... એનું મન હળવું થઈ ગયું. "બોલ વંશ હું તને કેવી રીતે હા પાડું , કાઇ સમજ નથી પડતી મને" હું બહુ દુવિધા માં છું હું તને હાલ નાં તબક્કે પસંદ કરું છું પણ પ્રેમ નહિ , હું મુંઝવણ માં છું. તુ બહુ જ સારો વ્યક્તિ છે અને હું તને દુઃખી જોઈ નથી શક્તી.

વંશ અંદર થી ભાંગી ગયો હતો તદન વંશિકા ની વાત સાંભળી ને પણ એણે પોતાની વેદના બહાર પ્રગટ થવા નાં દીધી કેમકે તે વંશિકા ને વધારે દુઃખી કરવા નહોતો માંગતો. તેણે આ બધી વેદના પોતાની અંદર ભગવાન નીલકંઠ ની જેમ ઉતારી દીધી.

"આશા રાખું કે આપણા સારા એવા મિત્રો તરીકે સંબંધ જાળવી રાખીશું અને ભવિષ્ય માં કદાચ........ , હું તને ગુમાવવા નથી માંગતી " અને વંશિકા ત્યાં થી ચાલી ગઈ.

વંશ હજુ પણ તેની લાગણી ઓ ને સમજી શકતો નહોતો કે તે શું ઈચ્છે છે. તે બંને બાજુ બોલતી હતી. તેને લાડવો ખાવો પણ હતો ને હાથ માં પણ રાખવો હતો. આ જ વાત વંશ ને અંદર થી કોરી ખાતી હતી.વંશિકા નાં અનિમેષ જોડે નાં સંબંધ લગભગ પૂરા થઈ ગયા હતા અને તે હવે વંશ સાથે પોતાનો મોટાભાગ નો સમય વિતાવી રહી હતી. છતાં પણ જ્યારે વંશ એને કહેતો કે "શું હવે હું તારા પ્રેમ ને લાયક છું, તુ મને પોતાનો માની શકે છે ? " ત્યારે વંશિકા તદન શાંત બની જતી હતી.

"વંશિકા, તારું આ મૌન મને કોરી ખાય છે... તુ મારા સાથે ગાડી પર મને પકડી ને બેસે છે.. હાથ માં હાથ નાખી ને બગીચા માં બેસે છે.. તારી બધી નાની મોટી વાતો મારા ખભા પર માથું નાખી ને મને કહે છે..તો શું હજુ પણ તુ મને તારા પ્રેમી નું બિરૂદ નાં આપી શકે"

"વંશ, તારી બધી વાત સાચી ,હું માનું છું છતાં કેમ કંઇક હજુ ખૂટતું હોય એવું લાગે છે મને હું તને એ નજરે નથી જોઈ શકતી અને એ માટે હું દિલગીર છું જ્યારે એ ખૂટતી લાગણી ઉત્પન્ન થઈ જશે હું તને સામે થી કહી દઈશ"

આવું અનેક વાર બની ચૂક્યું હતું કે વંશિકા એ વંશ નાં પ્રસ્તાવ ને ટાળી દીધો હોય. "તારી જેવી ઈચ્છા, મારે વાટ જોવી જ રહી" અને વંશ પાછળ જોયા વિના જ ત્યાં થી નીકળી ગયો..

થોડા દિવસો શાંતિમય પસાર થયા ને અચાનક વંશિકા ને ઓફિસ નાં કામ થી બે અઠવાડિયા માટે રાજકોટ જવાનું થયું. વંશિકા ત્યાં કામ માં હોય ત્યારે ઠીક બાકી જ્યારે પણ એ એકલી પડતી તેને માત્ર ને માત્ર વંશ નાં વિચારો આવ્યા કરતા હતા.તે પાણી વગર માછલી તડપે એમ તડપતી રહેતી હતી.તેને ડગલે ને પગલે વંશ યાદ આવવા લાગ્યો... તેને અનુભવ થયાં કે વંશ તેની કેટલી કાળજી કરતો હતો... કેટલું સાચવતો હતો... એ આ બધું યાદ કરી ને હોટલ નાં આલીશાન ઓરડા નાં મખમલી પલંગ માં ઓશિકા માં માથું નાખી ને આખી રાત ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા કરતી.એનું ચિત્ત કામ માં જરા પણ લાગતું નહોતું. તેનું કામ રાજકોટ માં પૂરું થવા આવ્યું હતું.વંશિકા એ સોમવારે અમદાવાદ પહોંચવાની જ હતી પણ છતાં એના થી નાં રહેવાયું અને તેને વંશ ને ફોન કરી ને રવિવારે રાજકોટ બોલાવ્યો કે તારું અહીંયા કામ છે તુ આવી જા.વંશ રવિવારે સવારે રાજકોટ પહોંચી ગયો વંશિકા એને જોઈ એ ફરી થી જાણે જીવંત થઈ હોય એવી ખીલી ઊઠી.જાણે વર્ષો થી તેને વંશ ને નાં જોયો હોય એવું લાગતું હતું.વંશિકા એ આખો દિવસ એની સાથે પસાર કર્યો પણ કામ શું હતું તે અંત સુધી નાં બોલી એના હોઠ કરતા એની આંખો કંઇક વધારે પડતી જ બોલી રહી હતી. આખરે રાત્રે જમી ને બંને જણા અમદાવાદ આવવા માટે વોલ્વો માં ગોઠવાયા.અમદાવાદ અને રાજકોટ વચ્ચે દોડતી વોલ્વો હોય એટલે એમાં કંઈ કહેવાનું નાં હોય એક દમ આલીશાન પ્રાઇવેટ કંપની ની વોલ્વો માં તેઓ દાખલ થયા.વોલ્વો માં ગણ્યા ગાંઠ્યા લોકો ની હાજરી હતી બંને જણા પાછળ ની સીટ થી બે સીટ આગળ એકાંત જોઈને બેસી ગયાં.વોલ્વો એકદમ પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી.. હાઇવે આવતા જ લાઈટ પણ બંધ થઈ ગઈ અને ધીમે ધીમે રોમેન્ટિક ગીત વાગતા હતાં.વંશિકા પણ વંશ નાં ખભા પર ઢળી પડી અને તેનો હાથ પોતાના હાથ માં પકડી લીધો. વંશ સમજી શકતો નહોતો કે આ સત્ય છે કે સપનું ! પણ જે હોય એ ક્યારેય નાં પૂર્ણ થાય એવી એની દિલ થી ઈચ્છા હતી.

"વંશ તુ મને ખૂબ પ્રેમ કરે છે નહિ ?"

"આજે કેમ અચાનક આ પ્રશ્ન કરે છે.. અને એ પણ આવા સમય એ?"

"તુ પૂછતો હતો ને કેમ મે તને અચાનક રાજકોટ બોલાવ્યો, શું કામ હતું ? કામ કાઇ નહોતું બસ તને મળવાની, તને સાંભળવાની, તારી સાથે વાત ચીત કરવાની ખુબ ઈચ્છા થઈ હતી "

" તે મને આ માટે ખાસ રાજકોટ બોલાવ્યો હતો,વંશિકા !"

"સાચું કહું તો હા, તારા વગર આટલા દિવસો ક્યાં પસાર થયા એ મારું મન જાણે છે અને મારો ઉપરવાળો જાણે છે.આ ખાલીપા એ મને તારું મારા જીવન માં મહત્વ સમજાવ્યું.ડગલે ને પગલે મને તારી જ કમી વર્તાતી હતી.એવી એક ઘટના નહિ કે જ્યાં મે તને વાગોડ્યો નાં હોય.
હું તને ખરા અર્થ માં બે અઠવાડિયા માં ઓળખી છું તારી ગેરહાજરી માં.. અને હા તું મારા જીવન માં કૈક વિશેષ સ્થાન ધરાવતો વ્યક્તિ બની ચૂક્યો છે !"

"વંશિકા,નાં હું શાયર છું ન કોઈ કવિ મને ખુલ્લા શબ્દો માં કહીશ તો વધારે સારુ કેમકે આ બધી આંટી ઘૂંટી મારા જેવા સીધા લોકો ને નહિં સમજાય.પ્લીઝ."

"હું એજ કહેવા માંગુ છું જે તુ આટલા સમય થી સાંભળવા માંગતો હતો, હું તને પ્રેમ કરું છું વંશ મને તારો નશો થઈ ગયો છે.તે મને જીતી લીધી છે" એમ કરી ને વંશિકા એ વંશ ને પોતાના બાહુપાશ માં લઇ લીધો.વોલ્વો માં ધીમા આવજે ગીત વાગી રહ્યું હતું,

"લગજા ગલે કે ફિર યે હસી રાત હો નાં હો,
શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો નાં હો !"

વંશ અને વંશિકા એક બીજા ના થઈ ચૂક્યા હતા મન વચન થી, બંને પોતાની રીતે પોતાના ભવિષ્ય નિ ચિંતા માં હતા. વંશ ખુબ જ મહત્વકાંક્ષી હતો. તે કોમ્પ્યુટર ફિલ્ડ માં આગળ વધી પોતાની કંપની બનાવવા માંગતો હતો તેના સપના ખુબ ઊંચા હતા.વંશિકા પણ સારો એવો પગાર મેળવતી હતી એટલે બંને નું ભવિષ્ય ઉજ્જવળ હતું.પણ જો આટલી આસાની થી બધું પાર પડે તો તો પછી કહેવું જ શું ! વંશ ને દસ દિવસ માટે બેંગ્લોર જવાનું થયું. એની જરા પણ ઈચ્છા નહોતી વંશિકા ને મૂકી ને પણ વંશિકા એ જ એને કહ્યું તું જઈ આવ એ પ્રોજેક્ટ તારા જીવન માં ખુબ મહત્વ ધરાવે છે. તુ પરત ફરે એટલે તરત આપણે ઘરે વાત કરી ને લગ્ન ની વાત કરી દઈશું. વંશ એ વિદાય લીધી પણ એનું મન માનતું નહોતું

"વંશિકા,મારી જવાની ઈચ્છા નથી, કંઇક ખોટું થવાનું હોય એવું મને લાગે છે."

"એવું કાઇ નહિ થાય, તુ જા ખોટા વિચારો કર્યા વગર તને મારી કસમ વંશ" બોલતા બોલતા તે રડી પડી.

વંશ કમને વિમાન માં બેસી ને રવાના થયો... જેમ જેમ જમીન થી વિમાન દૂર જતું હતું તેમ તે પણ વંશિકા થી દુર થઇ રહ્યો હોય એવું એને લાગ્યા કરતું હતું.

વંશ એ બેંગ્લોર થી બહુ પ્રયત્નો કર્યા વંશિકા નો સંપર્ક કરવાનો પણ તમામ અર્થ હિન નીવડ્યા. ઓફિસ એ પૂછતા ખબર પડી કે તે ગયો તેના બીજા દિવસે જ એણે રાજીનામું મૂકી દીધું છે. માંડ માંડ એ બેંગ્લોર થી પરત ફર્યો અને આવી ને તેને ગોતવા નાં પ્રયત્નો કરવા લાગ્યો પણ તમામ વ્યર્થ. જોતા જોતાં માં મહિના ઓ પસાર થઈ ગયા , વર્ષ થઈ ગયું પણ તેની બધી આશા ઓ ઠગારી નીકળી.તે વંશિકા નાં આવી રીતે જવા નાં કારણે અધમૂઆ જેવો થઇ ગયો હતો - એક દમ જીવતી જાગતી લાશ બની ગયો હતો.બસ કામ માં જ ડૂબ્યો રહેતો જેથી તે વંશિકા ના વિચારો થી દૂર રહી શકે ! વંશ ની ઉંમર વધતી જતી હોય તેના ઘર વાળા તેના વિવાહ માટે ચિંતિત હતા ને છોકરી જોવા લાગ્યા હતાં પહેલા તેણે બહુ નનૈયો કર્યો પણ આખરે વડીલો ની વધતી જતી ઉમર અને તબિયત નાં કારણે તે ઘરવાળા લોકો નું મન રાખવા માટે એક સારા ચોઘડિયા માં પરણી ગયો.

વંશ નાં જીવન માં વંશિકા ની ખામી તો કોઈ પૂરી કરી શકે એમ હતું જ નહિ પણ માધુરી પણ વંશ ને ક્યારેય ઓછું આવવા દેતી નહોતી.ધીમે ધીમે વંશ બધી વાતો ને ભૂલવા નો પ્રયાસ કરતો હતો. તેના બધાં સપના પુરા થઈ રહ્યા હતા તે અમદાવાદ ની સારી એવી એક કોમ્પ્યુટર ને લગતી કંપની નો માલિક બની ચૂક્યો હતો અને સારા એવા એશ આરામ વાળી જિંદગી જીવતો હતો.

એક દિવસ કામની બાબત માં તેને રાજકોટ જવાનું થયું. ત્યાં દેશ વિદેશ થી કોમ્પ્યુટર ફિલ્ડ નાં લોકો આવવા નાં હતા અને વંશ માટે વ્યવસાય વિકસાવવા ની અમૂલ્ય તક હોવા થી તે પણ હાજર હતો. ટેબલ પર બધા નાં નામ ની તકતી મુકેલ હતી. વંશ પોતાની જગ્યા એ બેઠો હતો ત્યાં એક જાણીતા નામની તકતી ચોથા ટેબલ પર દેખાઈ " વંશિકા વીરાણી"

"નાં, નાં એ નાં હોય બીજું કોઈ હશે. આજે પાંચ વર્ષે એ ક્યાં થી અહીંયા હોય શકે ?"

અને અચાનક જ ત્યાં એક રૂપાળી અને નમણી યુવતી આવી ને બેઠી અને વંશ નું દિમાગ ચાલતું બંધ થઈ ગયું.એ જ વંશિકા જેને શોધવા એને શું નહોતું કર્યું ? વંશ ની ઈચ્છા થઈ ઊભો થઈ ને ત્યાં જતો રહે ને પૂછી લે કે શું થયું હતું ? તેને કેમ આવું કરવું પડ્યું ? પણ ચાલુ સેમિનાર માં ઉભા થવાય એમ નહોતું એટલે એ સેમિનાર પૂર્ણ થવા ની રાહ માં હતો કેમકે કામ માં તો એનું ધ્યાન હતું જ નહિ.તાળીઓ નાં અવાજ સાથે કાર્યક્રમ નું સમાપન થયું ને વંશ ઝબકી ને જાગી ગયો. વંશિકા ની સામે જઈ ને ઉભો રહી ગયો એ

"હાય, વંશિકા ઓળખ્યો કે ?"

"તુ અહીંયા કેવી રીતે વંશ ? "

"આ તો મારે તમને પુછ્યુ જોઈએ મેડમ, તમે અહીંયા કેવી રીતે ?"

"મને મોડું થાય છે વંશ પછી વાત કરીશું ચલ બાય"

" તારી વર્ષો જૂની ટેવ છે વાતો અધૂરી છોડી ને જાવાની, પણ આજે નહિ જવા દઉં. આટલા વર્ષો માં ક્યાં નથી સોધી તને એમ પૂછ, લોકો એ કહ્યું એ અભિમાની હતી જ અંને એ ગઈ એનો અફસોસ નહિ કર પણ હું નહિ માન્યો. મારે હકીકત જાણવી છે અને જાણી ને જ રહીશ."

"તો સાંભળ વંશ કે મારી સાથે શુ થયું હતું ? કેમ હું તારા જેવા સારા વ્યક્તિ ને મૂકી ને ગુમ થઈ ગઈ હતી? " ચા ની ચૂસકી લેતા લેતા વંશિકા બોલી રહી હતી અને વંશ સાંભળતો હતો.તારા બેંગ્લોર જવાના આગલા દિવસે મને ઘરે થી ફોન આવ્યો કે મારી નાની બહેન એ ભાગી ને લગ્ન કરી લીધા હતા ને એ આઘાત માં મારા બાપુજી ને એટેક આવી ગયો હતો.ત્યાં પરિસ્થિતિ સાવ વણસી ગઈ હતી. ગામ લોકો પ્રેમલગ્ન નાં સખત વિરોધ માં હતા ને મારી બેન બનેવી ને મારી નાખવા તૈયાર થયેલા અને એ મારી જ નાખત હાથ માં આવી ગયા હોત તો. અઠવાડિયે બોલતા થયેલા બાપુજીએ દવખાના માં જ મારો હાથ તેમના હાથ માં લઇ ને કહ્યું ,
" એક દીકરી એ આવું કર્યું છે હવે તારો જ એક આસરો છે તુ પ્રેમ નાં ચક્કર માં નાં પડીસ બાકી હું જીવી નહીં શકું" મારી ઈજ્જત આબરૂ હવે સાચવજે દીકરા.

હું નહોતી ઈચ્છા ધરાવતી કે મારા કારણે મારા બાપુજી ને કાઇ થઈ જાય અને જો હું ત્યાં રહી હોત તો તુ મને મળ્યા વગર રહેતા નહિ... હું ચાલી ગઈ પુના મારા આગળ નાં ભણતર માટે અને જોબ માટે.

"તને મારી જરા પણ યાદ ના આવી". ?

" તારા વિના એક દિવસ નહોતી રહી શકતી એવી વ્યક્તિ ને તુ આવા પ્રશ્નો પૂછે છે. હું સોશીયલ મીડિયા પર તને જોતી રહી છું, ફેક આઇડી થી તને ફોલો કરું છું.બસ નહોતી ઈચ્છા કે તારું અને મારું બંને ને ઘર બગડે એટલે દૂર રહેતી હતી.

"તુ ખુશ છો, વંશિકા " ?

"હા છું પણ જેટલી તારી સાથે હોવી જોઈતી હતી તેટલી નહિ... એટલા માં વંશિકા નો ફોન રણક્યો ને એ ચાલવા માંડી, ફરી તક મળશે તો મળીશું અને પોતાની આગવી ટેવ મુજબ વાત અધૂરી મૂકી ને ચાલી ગઈ.

વંશ ફોન ની રિંગ્ટન સાથે વિચારો માંથી ઝબકી ને જાગી ગયો.રાજકોટ ની સારી એવી કંપની નો એને ઓર્ડર મળે એમ હતો. થોડી ઘણી વાતચીત બાદ તેણે ફોન મૂકતા પહેલા સામે થી એક નામ કહેવા માં આવ્યું કે અમારા મેનેજર "વંશિકા વીરાણી" આ કામ હેન્ડલ કરે છે અને આવતા અઠવાડિયે તમે રાજકોટ આવી જજો એ તમને વિગતે ચર્ચા કરશે. અને ફોન કટ થઈ ગયો. ફેસબુક માં વંશિકા ની પ્રોફાઈલ જોતા જોતા વંશ "Friend Request" નું બટન દબાવવા નુ વિચારતો હતો ત્યાં જ ધીમા આવજે વાગતા રેડિયો મા ગીત વાગી રહ્યું હતું,

"દિલ સંભલજા જરા, ફિર મોહબ્બત કરને ચલા હૈ તું!"

સામે પડેલ ફેમિલી ફોટો જોયો અને ફેસબુક બંધ કરી ને વંશ કામ માં લાગી ગયો...