Cleancheet - 6 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 6

Featured Books
Categories
Share

ક્લિનચીટ - 6

પ્રકરણ - છઠું

‘શેખર, અદિતીના દેહલાલિત્યના સૌદર્યને શબ્દ સ્વરૂપ આપવું કદાચ સહેલું હશે, પણ તેના અહેસાસની અનુભૂતિ માટે તો આલોક બનીને જ અવતરવું પડે. અમે બન્ને એ માંડ ૪ થી ૫ કલાક સાથે વિતાવ્યા હશે.અને એ સમયગાળા દરમ્યાન જે વાતો થઇ તે સામાન્ય જ હતી. તે સ્વભાવે ખુબ બિન્દાસ છે. અને તે દિવસે ફીરકી ઉતારીને મારી બેન્ડ બજાવવામાં તેણે કોઈ કચાસ નહતી રાખી.વાત વાતમાં અમે બન્ને ક્યારે એકબીજામાં હળી, ઢળી ને ભળી ગયા તેનો અંદાજો જ ન રહ્યો. પણ જ્યાં સુધીમાં વિખૂટા પાડવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં એ ઘણી ગંભીર થઇ ગઈ હતી. અંતિમ દસ મિનીટમાં એ થયું જે ૫ કલાકમાં નહતું થયું. વાત વાતમાં હાસ્યની પાછળ સિફતથી સંતાડેલી વાતોનો સંદર્ભ તેની આંખોમાં દેખાવા લાગ્યો હતો. હવે અમે બન્ને ગંભીર હતા.પણ સાફ સાફ શબ્દોમાં કહેવાની જગ્યા એ અદિતી એ શરતની આડશનો આશરો લીધો. અને એ શરતના મર્મની ગૂઢતાનું ભાષાંતર અદિતીના ચાલ્યાં પછી મને સમજાયું.’

શેખર એ પૂછ્યું, ‘શું મતલબ હતો એ શરતનો ?’

‘આખરી પાંચથી સાત મિનીટની પળોમાં અમારાં બન્ને વચ્ચે છેલ્લાં પાંચ કલાકથી ચાલતાં અમારાં સંવાદના શબ્દાર્થસુરના રાગમાં બન્ને એકાકાર થઇ ગયા હતા.પણ કદાચ લખનઉ ની રવાયત મુજબ ‘ પહેલે આપ.. પહેલે આપ ’ ની અદબમાં મારી લાડી છુટી ગઈ. એકબીજાના હોંઠો સુધી આવેલાં ઈકરાર- એ- ઈશ્કના શબ્દો પણ અમારી માફક થીજી ગયા. અને એ પછી સાફ સાફ ખુલ્લાં શબ્દોને ચતુરાઈથી ગર્ભિત ભાષામાં ભાષાંતર કરીને શરતની આડમાં મુકવાનો અદિતી નો આશય માત્ર એટલો જ હતો કે, એ જાણવા માંગતી હતી કે આગ બન્ને તરફ બરાબર લાગી છે કે નહીં ? અદિતીને એ જાણવું હતું કે બન્નેના સંવેદનાનું સંતુલન મધ્યબિંદુ એ છે કે નહી ? અદિતીને એમ હતું કે જો તેનું અનુમાન સાચું હશે તો આલોક તેને પાતાળ માંથી પણ શોધી કાઢશે. અને તેના એ અડગ વિશ્વાસને અખંડિત રાખવામાં આજે હું આ હાલતમાં છું.’

શેખર પાસે આલોકને ક્રોસ કરવા માટે સવાલો હતાં પણ તેને લાગ્યું કે અત્યારે એ વાત કરવાનો યોગ્ય સમય નથી એટલે ચુપ રહેવાનું બહેતર સમજ્યું.

ધરબાયેલી હૈયાવરાળ ઠાલવ્યા પછી હવે આલોક આંશિક રીતે ઘણો રીલેક્સ હતો. શેખર ૫:૧૦ નો સમય જોઇને બોલ્યો, ‘ચલ હવે આપણે નીકળીએ ગોપાલને મળવા.

ઠીક ૬ વાગ્યાની આસપાસ બન્ને ગોપાલ સાથે નક્કી કરેલી કોફી શોપમાં ગોઠવાયા ત્યાં પાંચ જ મિનીટમાં ગોપાલ આવ્યો. શેખર એ ત્રણ કોફીનો ઓર્ડર આપ્યો.
‘ગૂડ ઇવનિંગ સર.’ આલોક એ ગોપાલને કહ્યું.
ગોપાલ એ જવાબ આપતાં કહ્યું, ‘હાય, આલોક, હાઉ આર યુ નાઉ ? આજ ક્યું તુમને છુટ્ટી લી ?
આલોક એ જવાબ આપતાં કહ્યું, ‘બસ ઐસે હી સર.’
શેખરને પૂછતા ગોપાલ બોલ્યો, ‘બોલ શેખર ક્યા કામ થા ? કુછ સિક્રેટ હૈ ?’
શેખર એ જવાબ આપ્યો, ‘અરે નહી યાર, કુછ નહી વો ઉસ દિન તુમ્હારી ઓફીસ મેં બોસ કે કોઈ ગેસ્ટ આને વાલે થે, ફિર નહી આયે ઉસકે કે બારે મેં....’
યાદ કરતાં ગોપાલ બોલ્યો, ‘આઈ થિંક અદિતી..... હા, અદિતી મજુમદાર શાયદ ઐસા હી કુછ નામ ઉસકા થા.’
તરત જ આલોક ઉત્સ્સાહથી આલોક, ‘બોલ્યો. હા.. હા.. વોહી અદિતી.’
ગોપાલ એ આશ્ચર્યથી પૂછ્યું, ‘અરે.. યાર આલોક ઉસ દિન ભી તુમ કુછ ઐસે હી રીએકટ કર રહે થે. આખિર યે મેટર ક્યા હૈ ?’

શેખર એ ગોપાલને કહ્યું.. ‘દેખ ગોપાલ ઉસ મેં બાત કુછ ઐસી હૈ કી.. આલોક કી એક દોસ્ત હૈ મુંબઈ મેં. ઉસકા નામ ભી અદિતી મજુમદાર હૈ. ઔર ઉસકો મજાક કરને કી બહોત આદત હૈ. તો આલોક કો લગા કી શાયદ અદિતી ઔર તુમ દોનોને મિલકર શાયદ આલોક કે સાથ મજાક કરને કા કોઈ પ્લાન બનાયા હો. આલોક યે બાત તુજે પૂછને સે ડર રહા થા તો મૈ પૂછ રહા હૂં. ઔર આજ ઈસલીયે પૂછ રહા હૂં કી આજ આલોકને અદિતી કો બેન્ગ્લુરુ મેં દેખા.’
આ સાંભળીને ગોપાલ ખડખડાટ હસવા લાગ્યો. એ જોઇને આલોક અને શેખર બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા.
પછી ગોપાલ બોલ્યો, ‘અબ સમજ મેં આયા ઉસ દિન તુમ ઇતના અપસેટ ક્યું થે. ઉસ દિન જબ તુમ દો બજે કે કરીબ ઘર ચલે ગયે. ફિર શામ કો બોસ કા કોલ આયા. ઔર બોસને મુજે અપને બંગલે પે બુલાયા. મૈ વહાં ગયા તો ઉસને મેરા ઇનટ્રોડકસન કરાતે હુએ કહા કી યે હૈ મિસિસ અદિતી મજુમદાર. થોડી દેર કુછ ઓફીસ કી મેટર પર બાત ચીત હુઈ. ફિર મૈ નિકલ ગયા. ઔર ઉસ મેડમ કો લેકર બોસ કા ડ્રાઈવર એરપોર્ટ ડ્રોપ કરને નિકલ ગયા.’

આલોકની સામે જોઇને શેખર બોલ્યો, ‘મિસિસ ?’

ગોપાલને ફરી હસવું આવ્યું.. ‘હસતાં હસતાં બોલ્યો.. મુજે હંસી ઇસ લિયે આ રહી હૈ.. કયુંકી શેખર કહે રહા હૈ વો તુમ્હારી દોસ્ત થી ?’
આલોક એ પૂછ્યું, ‘ક્યું સર, ઐસી કયા બાત હૈ ?’
ગોપાલ એ કહ્યું, ‘વો ઈસલીયે કી ઉસ મેડમ કી ઉમ્ર તો કમ સે કમ પચપન સાલ હોગી.’

શેખર અને આલોક બન્નેના ચહેરા જોઇને ગોપાલ ફરી ખડખડાટ હસતો રહ્યો.
એ પછી ગોપાલને કઈ કામ હોવાથી એ નીકળી ગયો.
ગોપાલના ગયા પછી, આલોકને પોતાના આ મુર્ખામી ભર્યા પ્રદર્શન બદલ ગિલ્ટી ફીલ થઇ. શેખરને ખ્યાલ આવી ગયો. પણ તેણે કોઈપણ વાતનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું.
પછી શેખર બોલ્યો, ‘હવે મગજ કઈ ઠેકાણે આવ્યું, દેવદાસ ? અને હવે હું નીકળું છું મારે આજે ઓફીસમાં ઘણું કામ પેન્ડીગ પડ્યું છે. એન્ડ પ્લીઝ આલોક કંટ્રોલ યોર સેલ્ફ. એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ ઓ.કે.બાય.’

એ દિવસે સાવ નજીકથી કારમાં જતી જોયા બાદ ધીમે ધીમે આલોકનું બધું જ રૂટીન સાવ ડીસટર્બ થવા લાગ્યું. કાયમ મધ્યરાત્રી સુધી ઊંઘ ન આવે, એ પછી નિયમિત મોડી રાત્રે હેડેકની હાઈડોઝની પેઈન કીલર લેવાની લત લાગી ગઈ. રેગ્યુલર સવારે ૬ વાગ્યે ઉઠીને અચૂક જીમ જવાના આગ્રહી આલોકની નવ વાગ્યા સુધી આંખના નહતી ઉઘડતી. બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરના ટાઈમ ટેબલ સાવ જ અનિયમિત થઇ ગયા. અકારણ ઓફીસમાં પણ ૨ દિવસની રજા મૂકી દીધી.
આ બાબતની શેખરને જાણ થતાં ખુબ જ સારી ભાષામાં ઠપકો પણ આપ્યો. અને તેના ફેમીલી ડોકટર પાસે ચેકઅપ માટે લઇ ગયો. તમામ રીપોર્ટસ સાવ નોર્મલ આવ્યા. ડોકટર એ એક ત્રણ દિવસના કોર્ષ મુજબનું મેડીસીન્સ પ્રિસ્ક્રીપ્શન લખી આપ્યું. અને હેડેકની હાઈડોઝની પેઈન કીલર લેવાની સદંતર મનાઈ ફરમાવી. બે દિવસ પસાર થઇ ગયા. આવતીકાલે ઓફીસ જવાનું હતું. ફરી આજે દિમાગ ચકરાવે ચડ્યું. રાત્રે બેડરૂમમાં સૂતા સૂતા આલોક ક્યાંય સુધી અદિતીના કિસ્સામાં કાયમ પોતાની બે ડગલા પાછળ જ ચાલતી નિયતિ પર અફસોસ કરતો રહ્યો. તે દિવસે સાવ નજીકથી અદિતી જતી રહી અને ફરી એક વખત બાઘાની માફક ફક્ત એ જોતો જ રહી ગયો. અદિતી કેટલાં સમયથી અહીં હશે ? ક્યાં હશે ? કેમ હશે ? કેમ મારો સંપર્ક નહી કરતી હોય. ? શું મજબૂરી હશે ? અવિરત અદિતીના ખ્યાલોમાં ખુંપતો ગયો. ક્યાંય સુધી આમ થી તેમ પડખાં ફર્યા પણ આંખ ન મીંચાઈ.

સમય જોયો રાત્રીના ૨:૪૫ કિચનમાં ગયો. કોફી બનાવી. મગ લઈને બાલ્કનીમાં આવ્યો. ગરમ કોફીના મગમાંથી ઉઠતી ધુમ્રસેરની સાથે સાથે આલોક પણ બંધાતો ગયો વિચારોની વરાળમાં. છેલ્લાં એક મહીના દરમિયાન એક તરફ એક સનાતન સત્ય જેવી હકીકત અને બીજી તરફ તેની સાવ નવી જવાબદારી ભરી જોબ આ બન્ને વચ્ચે સંતુલન જાળવવાની આલોક એ ખુબ જ મથામણ કરી લીધી. હવે અદિતી આલોકનો પડછાયો બની ગઈ હતી. કોઈ પણ સાવ સામાન્ય આહટમાં પણ તેને અદિતીના આગમનનો અણસાર આવતો. પદચિન્હો કરતાં પ્રશ્નચિન્હો વધતાં ગયા. રોજ અવનવી ઘુટન નસે નસમાં ઘૂંટાતી હોવા છતાં ક્યારે’ય સ્હેજે દિમાગના કોઈ ખૂણે અદિતી પ્રત્યે શંકા-આશંકાની એકપણ કુંપણ ફૂંટી નહતી. ધીમે ધીમે આલોકની માનસિક પરિસ્થિતિ હવે એ સ્તર પર આવવા લાગી હતી કે અદિતી નજર સામેથી જતી રહી એ ઘટના પછી હવે અદિતી માટેનો કોઈપણ આભાસી સંકેત આલોક માટે અસહ્ય સાબિત થવાના કગાર પર હતી. અને હવે પછીની કોઈપણ ઘટનાનું પરિણામ અકલ્પનીય ન બને તો જ નવાઈ.

ધીમે ધીમે માથું ભારે થવા લાગ્યું. ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત યુનિવર્સીટીનો એક મહિના પહેલાનો ટોપ રેન્કર આજે સાવ આવી પરિસ્થિતિમાં ? ક્યાંય સુધી ફૂલ લેન્થ મિરરમાં પોતાની જાતને જોયા કરીને આલાંકન કરતો રહ્યો. આ એ જ આલોક છે, જેને પોતાની જિંદગીના કોઇપણ તબક્કાના કઠીનમાં કઠીન પડકારને પણ પરાજિત કરવા માટે એક માત્ર તેનો ભરપુર આત્મ વિશ્વાસ જ પર્યાપ્ત હતો. અને આજે આ એ જ આલોક છે જે એક નાની અમથી લેશમાત્ર આહટથી પણ આહત થઇ જાઈ છે. કપરા વિપરીત સંજોગોમાં પણ આલોક એ તેના સંયમને સ્થિર રાખ્યું હતું. કાયમ એકલવ્ય જેવી એકાગ્રતાના આગ્રહી આલોક ને યાદ નથી કે તે ક્યારેય કોઈ નિષ્ફળતા કે નાસીપાસનો ભોગ બન્યો હોય. અથાગ પરિશ્રમ અને નિષ્ઠાથી સાકાર કરેલા તેના મનના મનસુબા મુજબના મહેલને એ એક પરાજિત યોદ્ધાની માફક તેની નજરની સામે ધ્વસ્ત થતાં મૂક બનીને જોઈ રહ્યો હતો. માનસ સંગ્રામમાં સતત ને સતત ચાલતાં હકારાત્મક અને નકારાત્મક વિચારોના ધમાસાણ યુદ્ધમાં તે ધીમે ધીમે માનસિક રીતે ખૂંવાર થઇ જઈ રહ્યો હતો. મોડે મોડે માનસિક પીડાની કળ વળી ત્યાર પછી એ બેડમાં ઢળી પડ્યો ત્યારે સમય હતો વહેલી સવારના ૫ વાગ્યાનો.

સવારે જયારે માંડ માંડ આંખો ઉઘડી ત્યારે સમય જોયો તો ૧૦:૩૦.. મનોમન બોલાઈ ગયું ઓહ માય ગોડ. સામાન્ય દિવસોમાં આવું ક્યારેય નથી બન્યું. માથું હજુ પણ ભારે જ હતું. હજુ તો બેડ માંથી ઊભો થવા જાય ત્યાં જ ગોપાલ કૃષ્ણનનો કોલ આવતાં થોડો સ્વસ્થ થઈને બોલ્યો,

‘હેલ્લો.. સર ગૂડ મોર્નિંગ.’
‘ગૂડ મોર્નિંગ આલોક, કિતને ટાઈમ મેં આ રહે હો ઓફીસ ?’
‘જી.. જી.. સર બસ નિકલ હી રહા હું સર, ગભરાતાં ગભરાતાં આલોક એ જવાબ આપ્યો
‘આલોક મૈને કોલ ઈસલીયે કિયા કી આજ ૧૨:૩૦ બજે એક બહોત હી ઈમ્પોર્ટન્ટ મીટીંગ હૈ. ઔર મોસ્ટલી ઇન્ફોર્મેશન તુમ્હારે પાસ હૈ. અગર તુમ જલ્દી આ જાઓ તો હમ દોનો મીટીંગ સે પહેલે સબ ઇસ્યુ પે એક બાર ફાઈનલ ડિસ્કશન કર લેંગે.’

‘જી સર બસ પહોંચ હી રહા હૂં...’ આટલું બોલીને આલોક એ કોલ કટ કર્યો. મનોમન બોલ્યો, ઓહ માય ગોડ,આટલી મોટી જવાબદારી ભરી મીટીંગ કેમ મારી જાણ બહાર રહીને ભુલાઈ ગઈ ? એક બાજુ સરદર્દ, અપૂરતી ઊંઘ, અગત્યના મીટીંગની પૂર્વ તૈયારી, સમયની કટોકટી. કંઈપણ વિચારવા માટે એક મિનીટનો પણ સમય ગુમાવ્યા વગર ફટાફટ આડેધડ જેમ તેમ તૈયાર થઈને પુરપાટ ઝડપે ઓફીસ પહોચ્યો.

ગોપાલ કૃષ્ણન સાથે મીટીંગની ચર્ચા શરુ કરી. પણ ગોપાલને લાગ્યું કે આલોક એ કોઈપણ ટોપીક વિષે કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી નથી કરી. અને ફ્રેશ પણ નથી લાગતો. નિરાશ થઈને થોડા ગુસ્સા સાથે રીતસર બોલપેનનો ઘા કરતાં ગોપાલ બોલ્યો,

‘આલોક વ્હોટ ઈઝ ધીસ ? તુમ્હે કુછ અંદાઝા હૈ ઇસ મીટીંગ કી ઈમ્પોર્ટન્સ કા ? મૈ યે તુમ્હારી બચ્ચો જૈસી બેદરાકરી જરા ભી બરદાસ્ત નહી કર શકતા. ઇતની ઈમ્પોર્ટન્ટ મીટીંગ હૈ ઔર તુમ... અબ મૈ બોસ કો ક્યા જવાબ દૂંગા ? યુ કેન ઈમેજીન ? આજ તુમ્હારી યે ઇસ લાપરવાહી સે મેરી જોબ ભી ખતરે મેં આ સકતી હૈ. આલોક ધીઝ ઈઝ માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ ટુ યુ. નાઉ યુ કેન ગો પ્લીઝ.’

આલોકના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઊભા થવું અઘરું થઇ પડ્યું હતું. ‘આઈ એમ સો સોરી સર. આઈ અપોલોઝાઈસ.’ આટલા શબ્દો માંડ બોલીને આલોક કેબીનની બહાર નીકળી ગયો.

આલોકની પરિસ્થતિ કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઈ. પહેલા મગજમાં માત્ર હથોડા વાગતાં હતા, હવે તો લાગતું હતું કે મગજની એક એક નસોમાં વિસ્ફોટ થઇ રહ્યો છે. આલોક એ તેની અત્યાર સુધીની કારકિર્દીમાં આટલા આકરા શબ્દો બોલવા માટે કયારેય કોઈને એક તક સુધ્ધાં નહતી આપી. આવી પરિસ્થતિની કલ્પના તેણે સ્વપ્નમાં પણ કયારેય નહતી કરી. આટલો નર્વસ, નિ:સહાય, લાચાર. વ્યથિત, એકીસાથે આવેલી આવી અકળ અનુભૂતિઓનો અનુભવ તે જિંદગીમાં પ્રથમ વાર કરી રહ્યો હતો. આલોકને હવે એવો ભાસ થવા લાગ્યો કે આટલી દનનીય સંજોગોનો સામનો કરવાં માટે તે હવે અસમર્થ છે. છતાં પણ હવે આગળની પરિસ્થિતને પહોંચી વળવા એક ઊંડો શ્વાસ લઇને શક્ય એટલા દ્રઢ આત્મ વિશ્વાસથી વિરાટ વંટોળ જેવા વિચારોના વાવાઝોડાને નાથવા ફીનીક્ષ પક્ષીની માફક હિંમત એકઠી કરી.
હવે પછી ભવિષ્યમાં સહેજ પણ ભૂલ નહી થાય એવી આલોક એ ગોપાલને ખાતરી આપી અને મીટીંગમાં શક્ય એટલો સહકાર આપવા ગોપાલને વિનંતી કરી. ગોપાલ હજુ પણ આલોકના વર્તન અને ફરજ પ્રત્યેની બેદરકારીથી સખ્ત નારાજ અને ગુસ્સે હતો જ. પણ ધેર્ય અને અનુભવ પરથી ગોપાલ એ પોતાના ગુસ્સા અને મીટીંગની અગત્યતાને કુનેહપૂર્વક સંભાળી લીધી.

મીટીંગ પૂરી થયાં પછી પણ આલોક, ગોપાલ સાથે આંખ નહતો મેળવી શકતો.
ગોપાલને પણ આલોકના આજના બિહેવિયર વિષે વધુ કોઈ ચર્ચા કરવી યોગ્ય ન લાગ્યું. આલોકને માત્ર એટલું જ કહ્યું કે, ‘મેરે સબ મેઈલ્સ એક બાર ફિર ધ્યાન સે પઢ લેના.’ એમ કહીને ગોપાલ જતો રહ્યો.

સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસનો સમય થયો હશે ત્યાં જ આલોક પર શેખરનો કોલ આવ્યો.
‘હાઈ.. આલોક, ક્યાં છો ? ઓફીસમાં ?’
‘હાં, અહીં જ છું,’
‘કેમ છો ?’
‘હાં ઠીક છું. બોલ કેમ યાદ કર્યો ?’
‘તારા અવાજ પરથી નથી લાગતું કે તું ઠીક છે. શું વાત છે ? કેમ ઢીલો ઢીલો લાગે છે ? દબાયેલા સ્વરમાં કેમ વાત કરે છે ? કોફી નથી પીધી કે શું ?’
આલોક બોલ્યો, ‘અરે કઈ નહી, બસ એમ જ. રાત્રે જરા મોડેથી સૂતો હતો એટલે જરા આળસ થઇ રહી છે. અને ઓફીસમાં પણ કામ અને મીટીંગને બધું એક્સામટું ભેગું થઇ ગયું એટલે બાકી કઈ નથી. તું બોલ.’

‘અચ્છા ઠીક છે તું કહે છે તો માની લઉં છું. અચ્છા સાંભળ, આજ વીરેન્દ્ર અંકલની મેરેજ એનીવર્સરી છે. રાત્રે ૮ વાગે સ્મોલ ગેટ ધ ગેધરીંગ જેવું રાખ્યુ છે, હું તને એડ્રેસ સેન્ડ કરું છું. તું સમયસર આવી જજે.’
આલોક એ કહ્યું. ‘ઠીક છે. હું આવી જઈશ.’
‘બાય.’
આટલી ચર્ચા તો તે માંડ કરી શક્યો, શેખરનો કોલ હતો એટલે આલોક એ રીસીવ કર્યો. હજુ પણ આલોક એટલો સ્વસ્થ નહતો કે સપૂર્ણ સભાનતાથી વાત કરી શકે.
અને શેખર સામે તો પાર્ટીમાં નહીં આવવાની વાત ઉચ્ચારી જ ન શકે.
પ્યુનને કોફી લાવવાનું કહ્યું. હજુ પણ પણ આલોકના કાનમાં ગોપાલના કઠોર શબ્દોના પડઘા ગુંજી રહ્યા હતા. તેના આત્મસન્માન પર વજ્રઘાત થયો હોય એવી લાગણીથી પીડાઈ રહ્યો હતો. આલોક દેસાઈ તેની ફરજ પ્રત્યે બેદરકારી કરે ??
આલોકને લાગતું હતું કે ઘરે માંડ માંડ પહોંચીશ. આજે આ પોઝીશનમાં પાર્ટીમાં જવું ખુબ જ કઠીન હતું. અને હાજરી આપ્યા સિવાય પણ કોઈ છૂટકો નહતો. કોફીની સાથે તેણે પાસે રાખેલી હેડેકની હાઈડોઝની એક પેઈન કીલર લઇને ૧૫ મિનીટ્સ પછી થોડું મગજ હળવું થયું એટલે ઘરે જવા નીકળ્યો.

ઘરે પહોંચીને અડધો કલાક શાવર નીચે બેસી રહ્યો. એ પછી મહદ અંશે મગજની સાથે સાથે વિચારો પણ શાંત થાય. ઘણું સારું ફીલ કરી રહ્યો હતો. પણ એ કમાલ હતી હાઈડોઝના પેઈન કીલરની.

૮ વાગ્યા પહેલાં શેખર એ સેન્ડ કરેલા લોકેશન ગોલ્ફ ક્રોસ રોડ સ્થિત એક મલ્ટી સ્ટોરેજ મોલ પર આલોક પહોંચી ગયો. સેવન્થ ફ્લોર પર ફૂડ ઝોનના એક રેસ્ટોરેન્ટમાં પાર્ટીનું આયોજન રખાયું હતું.
ધીમા ધ્વનિ ની માત્રામાં મ્યુઝીક સીસ્ટમ પર રોમેન્ટિક ઈંગ્લીશ ગીતોની ધૂન વાગી રહી હતી. શેખરનું ફેમીલી અને મિત્રો સૌ મળીને આશરે પચાસેક આમંત્રિત મહેમાનો હતા.
શેખર એ સૌ ની સાથે આલોકનો એક ફેમીલી મેમ્બર તરીકે પરિચય આપીને ઓળખાણ કરાવી. વીરેન્દ્ર અને તેમની વાઈફને આલોક એ ગીફ્ટ આપીને શુભેચ્છા પણ પાઠવી. પાર્ટીમાં સૌ નાના મોટા પોતપોતની રીતે મિત્ર વર્તુળમાં અવસરનો આનંદ માણી રહ્યા હતા. આલોક, તેના અને શેખર બન્નેના કોમન મિત્રો જોડે ફ્લોરની રેલીંગને અડીને ગોઠવેલા એક ટેબલ પર બેઠો. આલોક એ પાઈનેપલ જ્યુસ પીવાનું પસંદ કર્યું. હવે આલોક રીલેક્સ ફીલ કરી રહ્યો હતો. આખા દિવસમાં મમ્મી, પપ્પા જોડે પણ વાત નહતી થઇ તો આરામથી બન્ને જોડે બધી વાત કરી અને વીરેન્દ્ર અને તેમની પત્ની સાથે પણ વાત કરાવડાવી.

સૌ ડીનર લઈને ધીમે ધીમે છુટ્ટા પડતાં ગયા. આશરે ૧૦ વાગ્યા પછી શેખરના સૌ ફેમીલી મેમ્બર પણ રવાના થવા લાગ્યા. શેખર એ આલોકને કહ્યું, ‘આપણે થોડીવાર રોકાઈને પછી નીકળીશું.’ ૧૦:૩૦ પછી શેખર આલોક અને તેમના બીજા બે અંગત મિત્રો ટેબલ પર ગોઠવાઈને વાતો એ વળગ્યા.
શેખર બોલ્યો, ‘હા, હવે આરામથી વાતચીત કરીએ. બોલ આલોક કેમ છે તું ?’
આલોક બોલ્યો. ‘જોઇ લે એકદમ ફીટ છું ઓફીસમાં આજે જરા.... '

ત્યાં અચાનક જ...

‘અદીતીતીતીતીતીતીતીતીતી................’

આલોક એ જોરથી ચીસ પાડી.

થોડી વાર તો કોઈને કશું પણ સમજાયું નહી. સૌ મોલના સાતમા માળ પર હતા. અને સામેના છેડે ટોપ ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર તરફ જતી ત્રીજા માળ સુધી પહોંચેલી ગ્લાસની કેપ્સુલ લીફ્ટમાં આલોક એ અદિતીને જોઇને ચીસ પાડી. આલોક એ લીફ્ટ તરફ આંગળી ચીંધીને શેખરનું ધ્યાન દોર્યું. અને એ સાથે આલોક એ ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે લીફ્ટ તરફ દોટ મૂકી. સૌ ઝડપથી આલોકની પાછળ દોડ્યા. આલોક એ લીફ્ટની રાહ જોયા વગર જ હરણફાળે સીડી દ્વારા નીચે ઉતરવાનું શરુ કરી દીધું. શેખર તેની પાછળ પાછળ. બાકીના બન્ને મિત્રો લીફ્ટમાં ગયા. આલોક અને શેખર બન્નેને આડેધડ સીડી ઉતરતાં જોઇને થોડીવાર તો મોલમાં આવેલી પબ્લિક પણ હેરાન થઈને જોતી જ રહી. સિક્યુરીટી સ્ટાફ પણ હરકતમાં આવી ગયો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને સૌને અથડાતાં સામેના છેડાની લીફ્ટ તરફ દોડ્યા. પાંચ જ મિનીટમાં તો મોલની અંદર ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.

‘અદિતીતીતીતીતીતીતીતી....’
‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’
ના નામની બુમો પાડી.

વધુ આવતીકાલે.............

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપીરાટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.