Hu Jesang Desai - 1 in Gujarati Fiction Stories by Jesung Desai books and stories PDF | હું જેસંગ દેસાઈ.. ભાગ ૧

Featured Books
Categories
Share

હું જેસંગ દેસાઈ.. ભાગ ૧

જ્યારે ભારતને આઝાદી મળી તે અગાઉ સમગ્ર ભારત 562 જેટલા રાજા રજવાડાઓમાં વહેચાયેલ હતુ. એ પૈકી અમદાવાદની ગુજરાત સલ્તનતના સમયમાં ઉત્તર ગુજરાતમાં મારૂ ગામ તેરવાડા ઉપરાંતના રાધનપુર, સમી, મુંજપુર, કાંકરેજ, સાંતલપુર અને થરાદના વિસ્તારો ફતેહખાન રૂસીરાખાન બલોચ કે જેઓ સિંધથી આવેલ સુબા હતા તેમના શાસન હેઠળ હતા. ત્યાર બાદ બાબી વંશના શાસન હેઠળ આવ્યુ જેને પાલનપુરના ઝાલોરી વંશના વાઇસરોય મુબારિઝ-ઉલ-મુલ્ક દ્વારા સ્થાપિત કરેલ.આઝાદી વખતે નગર તેરવાડા સ્ટેટમાં બાબી વંશ દ્વારા ઉમેરાયેલા 104 ગામો પૈકી 16 ગામો જ બાકી બચેલ.આઝાદી પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં પુન:ગઠન થયુ. ઇ.સ. 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા મારા ગામનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થયેલ.

અમારા કુળનું મુળ વતન આમ તો અમદાવાદ જિલ્લાનું કાળી ગામ પરંતુ વર્ષોથી અમારા વડવાઓ બનાસકાંઠાના ભાભર તાલુકાનાં જાસનવાડા ગામે આવીને વસેલ. ત્યારબાદ મારી અગાઉની સાતમી પેઢી તેરવાડા ગામે સ્થાયી થયેલ.મારા દાદા તે વખતે નગર તેરવાડાના નવાબ વંશના ઢોર માટે ચરિયાણનું કામ કરતા.જેથી જે તે વખતના શાસકોએ પેટગુજારા માટે સારી એવી જમીન પણ બક્ષિસમાં આપેલ. આઝાદી અગાઉના વર્ષોમાં નવાબની પેઢી વ્યસન તથા અન્ય ખોટા રસ્તાએ વળતા દિન- પ્રતિદિન તેમનું વર્ચસ્વ પણ ઘટવા લાગેલ તથા જુન 1948 માં સરદાર પટેલની યોજના અંતર્ગત ભારતીય સંઘમાં ફરજિયાત ભળી જતા તેમના વંશજો આર્થિક રીતે પાયમાલ બની ગયેલ.જેના લીધે નવાબોના વંશજો વારસાગત મિલકતો વેચવા લાગ્યા. જેમાં અમારા પરદાદાએ પણ જે તે વખતે નવાબના વંશજો પાસેથી લગભગ 200 વીઘા જમીન ખરીદેલ.ત્યારબાદ મારા દાદાનાં સમયમાં ગામથી પાંચ કિમી દુર જ્યા ખેતરો આવેલ તે સીમ વિસ્તારમાં કાયમી વસાહત વસાવેલ. શરૂઆતી સમયગાળામાં તો સીમ વિસ્તારમાં માંડ પાંચ-સાત કુટુંબો વસેલ પરંતુ વધતા જતા વસ્તીના વ્યાપ તથા પશુપાલન વ્યવસાયના હિસાબે રબારી, ઠાકોર તથા અનુસુચિત જાતિના અત્યારે લગભગ 80 જેટલા ઘરોનો વસવાટ છે. તથા ગામથી સીમ વિસ્તારને જોડતો એક કાચો મારગ પણ ખરો અને હાલે પણ એ મારગ એની એ જ અવસ્થામાં હયાત કે જે ચોમાસાનાં ચાર મહિના દરમિયાન વરસાદના પાણી ભરાવાથી બિલકુલ બંદ હાલતમાં હોય છે.મારી વાત આજથી અઢી-ત્રણ દાયકા પહેલાની છે કે જ્યારે ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી ન હતી અને એમાંય અમારો વસવાટ તો કુવા- બોર ઉપરનો હતો તો માંડ બે ચાર કલાક વિજળીનો લાભ મળે. વિભક્ત કુટુંબની પ્રથાએ થોડો ઘણો પગ પેસારો કરી ગયેલ.

માણસની જિંદગીનો શ્રેષ્ઠ સમય ક્યો ? તેવો કોઇ પ્રશ્ન પુછવામાં આવે તો એનો એક જ જવાબ હોય અને નિશ્ચિંતપણે કહી શકાય કે માણસનું બચપણ. આ સમયની મજા એ છે કે એ ક્યારે પસાર થઇ જાય છે એની ખબર પણ પડતી નથી.આમ છતા બચપણની યાદો એટલી બધી હોય છે કે આખી જિંદગી એનો એહેસાસ થયા કરે છે.આપણે જોઇએ છીએ કે ક્યારેક ઉમરલાયક વડીલો પોતાની વાતો થકી બાળકોને એમના બાળપણનો વૈભવ વર્ણવે છે.આમ, હંમેશા દરેક વ્યક્તિને તેનું શૈશવ ગુમાવી દીધાનો હંમેશા રંજ રહ્યા કરે છે.કોઇ હિન્દી ફિલ્મમાં પણ કહેવાયુ છે તેમ "કોઇ લૌટા દે મેરે બિતે હુએ દિન..." તમામની વાત રજુ કરે છે.

આમ તો મારૂ બાળપણ ખાસ કંઇ રહ્યુ નથી અને ચોક્કસપણે કંઇ સ્પષ્ટ યાદ પણ નથી છતા માનસપટ પર જોર આપતા સ્મૃતિપટલ પર ખાસ વહી ગયેલા એ સારા માઠા સમયના કેટલાક સંભારણા જેને યાદ કરીએ તો સમયની આ રેતઘડીમાં વર્ષોના વર્ષો અત્યારે પણ આઘા-પાછા થઇ જાય છે.આજે પણ સમયના પરિવર્તન સાથે બદલાતી ખાટી મીઠી ને તુરી યાદોમાં શાળામાં દાખલ થયેલ તે દિવસ મને બરાબર યાદ છે. મારા પિતાજી પ્રથમ દિવસે શાળામાં મુકવા માટે આવ્યા ત્યારે ભીખા મારાજ જેને બધા છોકરા "મોટાબા" કહીને સંબોધન કરતા તેમના ગલ્લેથી ખાસ ચોકલેટની એક થેલી શાળામાં લઇ ગયેલ હોવાનું યાદ છે. ફતેપુરા પ્રા. શાળામાં મને પ્રથમ ધોરણમાં બેસાડવામાં આવેલ.શાળામાં દાખલ થયાના પ્રથમ દિવસે જ ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકી દ્વારા પ્રાથમિક શાળાનાં બાળકોને ભેટમાં મળેલ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લીધેલ. 2 શિક્ષકો ધરાવતી ધો. 1 થી 4 વાળી ફતેપુરા પ્રાથમિક શાળામાં તે વખતે અંદાજિત 40-45 ની સંખ્યા હતી અને એક જ રૂમ હોવાથી બધા ધોરણવાળા વિદ્યાર્થીઓ સાથે બેસીને જ ભણવાનું.શાળાની ફરતે ચારેકોર કાટાળી વાડ અને રમતના મેદાનનું તો નામોનિશાન નહી.ઘરેથી સ્કુલ જવા નીકળીએ એટલે ચાર આના કે આઠ આના લઇને આવવાનુ અને બપોરના સમયે ભુખ લાગે ત્યારે રિશેસમાં શાળાની નજીકના ગલ્લેથી બોર કે ભુંગળા જેવુ ખાધા ખોરાકી લઇને ખાવાનું.ઘરેથી શાળાનું અંતર અંદાજિત દોઢેક કિલોમીટર જેટલું દુર હોઇ સાંજના સમયે સીધા રસ્તે જવાને બદલે ખેતરો સોંસરવા જવાનું અને ખેતરોમાં ખેડુ હાજર ન હોય તો મગફળી, કાળીંગડા કે જે કંઇ પણ ખાધા ખોરાકીમાં આવતી વસ્તુ ઉગેલ હોય તે ખવાય એટલું ખાવાનું ને બીજુ દફતરવાળી લાલ થેલીમાં ભરવાનું આ અમારા સૌ સહાધ્યાયીઓનો નિત્યક્રમ.ત્યારના અમારા વર્ગ શિક્ષક બાબુલાલ જ્યારે કોઇ વિદ્યાર્થીને બોલાવે ત્યારે "એયય ટણપા આમ આવ.." નું સંબોધન સાંભળી આખો વર્ગ ખડખડાટ હસી પડતો, ધો. 3 સુધી ફતેપુરા પ્રાથમિક શાળામાં પુરા કર્યા બાદ ચોથું ધોરણ અમારા નેસડામાં નવી ખુલેલ મકાન વગરની ફરતી દેસાઇ ઓઢાપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલ.

મારા કુંટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી ઉપરાંત પશુ પાલન પણ હતો. તો શાળાનો દસ વાગ્યાનો વખત થાય તે પહેલા સવારમાં ઉઠીને ભેસો લઇને ખેતરમાં જવાનું. આપણા ખેતરમાંથી ભેસો બાજુના ખેતરમાં ભેલાણ ન કરે તે માટે ખેતરના ચારેય શેઢાઓ પર દોડ્યે રાખવાનું. કોઇ મારકણી ભેસ હોય તો જોડે લાકડી પણ રાખવાની ખરી. આ કામ અમારૂ શનિ-રવિની રજા ઉપરાંત શાળા વેકેશનમાં પણ રહેતુ. ભેસોમાં જઇએ તો ક્યારેક ક્યારેક જોડે ભાઇબંધને પણ લેતા જવાનું. ખેતરમાં ભેસો ચરે ત્યાં સુધી મોઇ-દાંડો(ગિલ્લી- દંડો) રમવાનું. જ્યારે શાળામાં પરીક્ષાઓ ચાલુ થાય ત્યારથી વેકેશનની રાહ જોતો હું દિવસોની ઉલટી ગણતરી કરતો.વેકેશનમાં ઘરનું કામ તો કરવાનું જ પણ શાળામાં જવાનું ન હોય એટલે રોજે રોજના ગૃહકાર્ય અને શાળાના શિક્ષકો દર આંતરા દિવસે કંઇકનું કંઇક પાક્કુ કરવા આપે એમાંથી નિરાંત અનુભવતો.હું અત્યારના બાળકોનું વેકેશન જોવુ તો ક્યારેક અમારા બાળપણને એમના કરતા સુખી કહેવુ કે દુખી તે બહુ અઘરો સવાલ લાગે. જે-તે વખતે રહેણી-કહેણી અને ટેકનોલોજી પણ વિકસીત ન હતી તો અત્યારના સમયમાં બાળકો જે વિડિયો ગેમ કે મોબાઇલ ફોનના સહવાસમાં જીવે છે તે વસ્તુઓ તો અમે તે વખતે જોઇ પણ ન હતી એમ કહું તો એમાં કોઇ નવાઇ જેવુ ન ગણી શકાય.એ વખતે દર રવિવારે ટેલીવિઝન પર દેખાડાતી શકિતમાનની સીરીયલ અમને જોવી હોય તો ઘરેથી ચાલીને પાંચ કિમી દુર ગામમાં જતા અને એ પણ બીજાનાં ઘરે ટીવી હોય તો એ લોકોની આજ્ઞાને વશ થઇને રહેવાનું અને ટાંકણી પડે એટલો અવાજ પણ ન થાય એની સાવધાની રાખવાની.

હુ તો ક્યારેક કુદરતનો આભાર પણા માનું કે સારૂ કર્યુ મને એ યુગમાં જે આજથી 20-22 વર્ષ પહેલા કે જ્યારે ઓછી ટેકનોલોજી વાળા યુગમાં મને બાળપણ ભોગવવાનો મોકો આપ્યો.એ વખતે આટલી બધી સુખ સુવિધા ન હતી તેથી તો રમતો પણ એવી જ રમાતી.એમાં પણ લખોટીઓનું તો આગવું સ્થાન હતુ.ભરબપોરે 3 વાગ્યાના તડકામાં પણ આખા નેહડાનાં છોકરા અને છોકરીઓ (હા ! છોકરીઓ પણ લખોટીઓ રમતી) લખોટીઓના દાવની મજા માણતા હતા.એમાં પણ જેની પાસે વધારે લખોટીઓ હોય એનું આ રમતના જગતમા મોટું નામ ગણાતું.બીજી રમતોમાં ગિલ્લી દંડા, ઇટિયો પિટીયો, લંગડી, સંતા-ઘો(સંતાકુકડી), ટપલી દાવની રમતો પણ એટલી જ ફેમસ હતી. મહત્વની વાત તો એ હતી કે આ બધી જ રમતો માટીમાં જ રમાતી હતી. (આનંદની વાત એ હતી કે ત્યારે ધુળ કે માટીથી કોઇને ઇન્ફેક્શન થતા ન હતા.)

ત્યારબાદ ધો.5 થી 10 સુધીનું શિક્ષણ ગામની કૃષિ શાળા ઉત્તર બુનિયાદીમાં પુરૂ કરેલ. એ મે આગળ જણાવ્યુ તેમ અમારૂ ગામ અમારા ઘરથી પાંચેક કિલોમીટર જેટલા અંતરે એટલે રોજ ચાલતું જ જવાનું. નેહડાના દસેક છોકરા છોકરીઓ અમે રોજ સવારે 10 વાગે જમીને ચાલીએ તો એકાદ કલાક પછી શાળામાં પહોંચીએ. એ વખતે શાળાની પ્રાર્થના જો ચાલું થઇ ગઇ હોય તો શાળાનાં શિક્ષકો પલીશમેન્ટ માટે પ્રાર્થનાનાં સમય દરમિયાન તડકામાં ઉભા રાખે અને પછી બધા વચ્ચે ઉભા કરીને "મોડા કેમ આવ્યા?"નો અહેવાલ વિગતવાર માંગતા. એમાં કોઇ 'ભેસો લઇને ખેતરમાં ગયો", તો વળી કોઇ 'જમવાનું મોડુ બન્યુ હતું' તો વળી કોઇ 'બિમાર હતો'નું બહાનું બનાવી આવી પડેલ અણધારી આફતમાંથી આબાદ છુટી જતા. ધોરણ 10 પછી રાધનપુરની શેઠ કે.બી. વકીલમાં 11-12 કર્યુ તે વખતે મને પ્રથમવાર હોસ્ટેલમાં મુક્યો. મને ખ્યાલ છે કે હોસ્ટેલ રહેવા ગયાના પ્રથમ દિવસે મને આખી રાત ઉંઘ આવી ન હતી અને બીજે દિવસે હું બિમાર પડ્યો. હું ઘરે ગયો અને ઘરે જઇને કહી દીધુ કે હવે હું ભણવા નહી જાઉ. મને ભણવું નથી ને હું ભેસો ચારીશ પણ મારા પિતાજીએ મને ખુબ સમજાવેલ. એ વખતે અમારા નેસડાના એકમાત્ર નોકરીયાત માણસ મગનભાઇ ટપાલી જે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા. અને જો કોઇ વાલીને તેના બાળકને શિક્ષણનું મહત્વ સમજાવવું હોય તો કે'તા કે, " જો ભાઇ! ભણીશ તો મગનની જેમ નોકરી મળશે અને જો નહી ભણે તો અમારી જેમ ભેસોનાં પુંછડા આમળવા પડશે." મારા પિતાજીની ઘણી સમજાવટ પછી હું રાધનપુર જવા તૈયાર થયો અને જઇને તરત બીજી હોસ્ટેલ કે જે સરકારી(બક્ષીપંચ છાત્રાલય કે જે રાધનપુરના બસ સ્ટેન્ડની સામે હજી પણ ચાલું જ છે.) ધો. 12 સુધી નો મારો અભ્યાસ ત્યાં જ પુરો કર્યો અને 12 પાસ કર્યા પછી મહેસાણા ખાતે પી.ટી.સી. કર્યુ અને મારી યાદગાર જીવનયાત્રા શરૂ થઇ. (ક્રમશ:)....