નમસ્કાર મિત્રો,
મારી કવિતાઓના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જેના કારણે મારો ઉત્સાહ નિરંતર વધતો જાય છે અને વિવિધ કવિતાઓના પુસ્તકને હું આપના સમક્ષ રજૂ કરું છું. મારા અત્યાર સુધીના પુસ્તકો આ મુજબ છે.:-
"દિગ્વિજયી કવિતાઓ"
"કાશ..."
"ભવ્ય ગઝલ"
"હિંમત તો તું કર આજે"
"પ્રણયની કલ્પના"
આ તમામ પુસ્તકોના આપના સારા પ્રતિભાવોના કારણે હું "કળિયુગ પર કટાક્ષ" પુસ્તક લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મેં અથાક પ્રયત્નો અને મહેનત બાદ કવિતાઓની રચના કરી હોય અને કવિતાઓ રસપ્રદ અને ખામીમુક્ત બને એનો મારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરેલ છે.
છતાં, જો કોઈ ખામી રહી ગઈ હોય તો ધ્યાને દોરવા વિનંતી છે. આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ તથા નવી રચના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અને સૂચનો મને આગળની રચના માટે ઘણાં મદદરૂપ નીવડશે.
આભાર.........
✍️ રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::: નથી હું શાયર :::::::::::::::::::::::::::
નથી હું શાયર નથી કોઈ કાયર,
હૃદયના દર્દને કરું માત્ર હું ફાયર.
હૃદય રૂપી બંધુક છે મુજ પાસે,
શબ્દો રૂપી બુલેટ છે મુજ પાસે.
દુશ્મન છે અહીં પીઠની પાછળ,
નથી આવતા કદી મુજ આગળ.
તાકાત હોય આવે મુજ આગળ,
ખુલા મેદાને આવે મુજ આગળ.
યા હોમ કરીને હું પડીશ પાછળ.
ફતેહ આગળ છે દેખાય આગળ.
એકલો છું મને એકલો રહેવા દો,
જીવું છું મને એકલો જીવવા દો.
નથી જોઇતી સહાનુભૂતિ તમારી,
નથી જોઈતો કોઈ સંબંધ તમારો.
થાકી ગયો છું હું દુનિયાથી આજે,
હારી નથી ગયો હું મારાથી આજે.
લડી લઈશ હું એકલા જગ સાથે,
બદલાઈ જઈશ હવે સમય સાથે.
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::: વિસરાઇ ગઇ છે ::::::::::::::::::::::::
વિસરાઇ ગઇ છે આજે માનવતા,
રહી ગઈ છે આજે બસ દાનવતા.
રામની વાતો રહી ગઈ રામાયણમાં,
શ્યામની વાતો રહી ગઈ છે ગીતામાં.
સાધુ, સંત, નેતા, ગુરુ, સમાજસેવક,
વીસરી ગયા પોતાની ફરજો સઘળી.
સૌ કોઈ મસ્ત છે આગળ વધવા માટે,
ખોવાઈ ગયા છે પ્રગતિમાં પોતાની જ.
અહીં મિત્રો જ પરસ્પર શત્રુ બની બેઠા,
આશા હવે કોની રાખી જીવવું આપણે.
હું શોધું છું એવી કોઈ આશાનું કિરણ,
મુજને લઈ જાય માનવતાની દુનિયામાં.
બસ હવે બહુ થયું,સહન હવે બહુ કર્યું,
કંઇક કર તું હે ઈશ્વર લાવવા માનવતા.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::::::: વિશ્વાસ ના કર ::::::::::::::::::::::
ચહેરો જોઈ પસંદ ના કર,
પ્રણય જોઈ ઘેલછા ના કર.
પૈસા જોઈ પાછળ ના ફર,
સાધુ જોઈ સત્સંગ ના કર.
મિત્ર જોઈ વિશ્વાસ ના કર,
શત્રુ જોઈ અપમાન ના કર.
દુનિયા કળિયુગની છે મિત્ર,
માણસ પર વિશ્વાસ ના કર.
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::: ના કોઈ સમજાય છે :::::::::::::::::::::
ના કોઈ એક ચહેરો છે અહીં,
રાવણ પણ ભૂલો પડે છે અહીં,
ચહેરા પર ચહેરો હોય છે અહીં,
કોણ કેવું હોય ખબર નથી અહીં.
રામ આજે રાવણ દેખાય અહીં,
રાવણ આજે રામ દેખાય અહીં.
ભૂલો પડ્યો કળિયુગમાં અહીં,
ના સમજાય છે મને કોઈ અહીં.
લી. :- રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::: શહેર બન્યા જંગલ :::::::::::::::::::::::::
આજે શહેર બન્યા જંગલ સમા સુના,
ને જંગલ જેવા ગામ બન્યા સજીવન.
આ વાયરસ છે કે, ઈશ્વરની કૃપા કોઈ,
ઘરડા મા-બાપ સંગ બેઠો એનો સપૂત.
શહેર તણી લાલચ હતી પત્નીની કદી,
બધું મૂકી દોડી આવ્યા તે ગામડા તણી.
હવે ગમશે, ફાવશે, ચાલશે - શીખી ગયા,
કુદરતે અહીં ભલ-ભલાનેય સીધાં કર્યા.
પહેલા માણસો ઈશ્વરથી જ ડરતા હતા,
આજે એ જ માણસ વાયરસથી ડરે છે.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::: દુનિયા છે :::::::::::::::::::::::::::::::::
દુનિયા છે આ , નથી કોઈ જંગલ,
થતી નથી કોઈ મનની પરખ અહીં.
કાગડા કોયલમાં છે અંતર અહીં,
મન-વાણી ક્યાં જોવાય છે અહીં?
રૂપ-રંગથી થાય છે પરખ માણસની ,
દરેક માનવીમાં મન અલગ છે અહીં.
નથી સુધારવાની દુનિયા આપણાથી,
ભગવાન પણ ભૂલા પડ્યા'તા અહીં.
લી.રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આપનો મૂલ્યવાન સમય આપવા માટે અને મારી આ કવિતાનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં એવા સહકારની અપેક્ષા સહ.....
THANK U SO MUCH......
...... RUDRARAJSINH