લિપ્તા ભયથી ધ્રુજી રહી હતી. એ વિચારતી હતી કે મહેલના દરવાજા પર જ આટલું જોખમ છે તો અંદર તો શું નહિ હોય? હિંમત કરીને એ અંદર ગઈ. એના અંદર પ્રવેશ કરતા જ આખા મહેલમાં ચિત્રવિચિત્ર અવાજ આવવાના ચાલુ થઈ ગયા છતાં પણ લિપ્તાએ હિંમત હાર્યા વગર ચાલવાનું ચાલુ રાખ્યું. એ જેમ જેમ અંદર જતી ગઈ એમ એમ અવાજ વધારેને વધારે ભયંકર થતા ગયા. ક્યારેક કોઈના જોરથી હસવાનો અવાજ તો ક્યારેક કોઈની ચીસોનો અવાજ અને એમાં પણ બહારથી આવતો મુશળધાર વરસાદ વરસવાનો અવાજ. આ વાતાવરણમાં ભલભલાના હાજા ગગડી જાય. લિપ્તા આવા વાતાવરણમાં ભગવાનનું નામ લઈને આગળ વધતી હતી. થોડે આગળ જતાં એને એક ઓરડો જોયો કે જે આખા મહેલમાં એકલો જ પ્રકાશ પાથરતો હતો. લિપ્તા એ ઓરડાની દિશામાં આગળ વધી.
ઓરડાનો દરવાજો ખુલ્લો જ હતો. લિપ્તા અંદર ગઈ. આખા મહેલમાં જે ભયાનક અવાજો આવતા હતા એનો અણસાર સુધ્ધા આ ઓરડામાં ન હતો. આ ઓરડામાં મનને શાંતિ મળે એવું અનોખું વાતાવરણ હતું. ઓરડાની બરાબર મધ્યમાં એક જાડો ગ્રંથ હતો. એ ગ્રંથની ગોળાકાર ફરતે એક અલગ જ પ્રકાશ હતો. આ પ્રકાશ લિપ્તાના કવચનો હતો બિલકુલ એવો જ હતો. લિપ્તાએ વિચાર્યું કે મને આગળનો રસ્તો હવે આ ગ્રંથ જ બતાવી શકે એમ છે. આમ વિચારતી એ ગ્રંથ પાસે ગઈ. એણે જેવો ગ્રંથ ખોલવા હાથ લંબાવ્યો કે ગ્રંથનું અને એનું પોતાનું પણ કવચ અદ્રશ્ય થઈ ગયું અને એને એક અવાજ સંભળાયો, "સાવધાન, હવે અહીંયા કોઈ સુરક્ષાકવચ કામમાં નહિ આવે. અહીંથી તમારે તમારો રસ્તો જાતે જ બનાવવો પડશે. જો તમે આ કામમાં સફળ ન થાવ તો પથ્થરની મૂર્તિ બનવા તૈયાર રહેજો." આ સાંભળીને ઘડીક તો લિપ્તા વિચારમાં પડી ગઈ કે એ સાચા રસ્તા પર જ છે ને? ક્યાંક કોઈ એની સાથે રમત તો નથી રમી રહ્યું ને? એણે મનોમન ભગવાનને પોતાની મદદ કરવા કહ્યું અને ગ્રંથ ખોલ્યો.
એ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથની જેમ વાંચી શકાય એવો નહોતો. લિપ્તાએ જેવું પહેલું પેજ ખોલ્યું કે ગ્રંથની બરાબર સામેની બાજુએ રહેલી દિવાલ પર કંઈક અક્ષરો ચમક સાથે ઉપસી આવ્યા. એણે ગ્રંથની અંદર નજર કરી તો એને લાગ્યું કે એમાં રહેલો કાળો પ્રકાશ એને ઘેરી વળશે. એણે જલ્દી એમાંથી નજર હટાવી અને દિવાલ પર ઉપસેલા અક્ષરો પર મીટ માંડી. આમ એક પછી એક પાના ઉથલાવતા એને આખો ગ્રંથ વાંચી લીધો. ગ્રંથ વાંચ્યા પછી એના ચહેરાની ચમક કહેતી હતી કે એને હવેલીમાં જવાનો માર્ગ શોધી લીધો છે. સાથોસાથ એને એ પણ ચિંતા હતી કે શું એ અહીંથી હેમખેમ બહાર નીકળી શકશે કે પછી એક પથ્થરની મૂર્તિ બનીને બીજા લોકોની જેમ અહીંયા જ સ્થિર થઈ જશે? એણે વિચાર્યું કે પોતાની આ સમસ્યાનું સમાધાન દાદી પાસે તો જરૂર હશે આથી એણે ધ્યાન ધરી એની દાદી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. એણે ઘણીવાર પ્રયત્ન કર્યા પણ એ નિષ્ફળ જ રહી. હવે એના મન પર ચિંતા અને ડર બંને હાવી થઈ રહ્યા હતા.
ચિંતામાં અધીરી બનેલી લિપ્તા ઉતાવળ કરીને ઓરડાની બહાર આવી. ફરી પહેલા જેવા ભયાનક અવાજો શરૂ થઈ ગયા. એ થોડી આગળ વધી કે એણે ઘણા નજીવા અંતરે માણસોને મૂર્તિ બનેલા જોયા. એ મૂર્તિ બની રહેલા માણસોને જોતાજોતા આગળ વધી રહી હતી અને ત્યાં જ એનો પગ લપસ્યો. એ જમીન પર ચત્તી પડી અને ત્યાં કોઈ વેલાએ એના આખા શરીરને જકડી લીધું. લિપ્તાએ ઘણા વલખા માર્યા પણ વેલની પકડ એટલી મજબૂત હતી કે એ ન છૂટી શકી. અચાનક જ એની નજર તલવાર જેવા ધારદાર સાધન પર પડી. એ સાધન દિવાલ સાથે જડાયેલું હતું. એ પોતાનું પૂરેપૂરું બળ વાપરીને ત્યાં ગઈ. ઘણી મથામણના અંતે એનો એ વેલથી પીછો છૂટ્યો.
એ ફરી મહેલથી બહાર નીકળવાના રસ્તા પર આગળ વધી. આ વખતે તો એ પૂરું ધ્યાન રાખીને ચાલતી હતી પણ મહેલમાં આવતા અવાજો હવે વધારે ડરામણા બન્યા હતા. થોડું બીજું અંતર કાપતા એણે રાજા સમ્રાટજીત, ચિત્રદિત, પોતાના પાછલા જન્મ એટલે કે વનિષ્કા અને બીજા ઘણા બધા મહેલના સભ્યોના ચિત્ર બનેલા જોયા. ચિત્રદિતનું ચિત્ર જોતા જ એને લાગ્યું કે એ હમણાં બહાર આવીને એને ખાય જશે. એ બને એટલી જલ્દી ત્યાંથી નીકળી ગઈ. આગળનો રસ્તો તો જાણે જંગલ હોય એમ ઝાડીઝાંખરા વધતા જતા હતા. લિપ્તા એક એક ડગ સાચવીને ભરી રહી હતી.
હવે લિપ્તા ઘણું બધું ચાલી ચુકી હતી પરંતુ બહાર જવાનો દરવાજો જ એને નહોતો દેખાતો. તરસના લીધે એનું ગળું સુકાતું હતું. એણે આજુબાજુ નજર ફેરવી પણ દૂર દૂર સુધી પથ્થરની મૂર્તિ સિવાય કંઈ જ નહોતું દેખાતું. નિરાશા એને ઘેરી વળી હતી. એ હાર્દિબેન અને લક્ષવનું વિચારીને આગળ વધતી હતી. એને ખબર હતી કે લક્ષવ હાર્દિબેનને હોશમાં લાવવા કેટલો જરૂરી છે. એણે હાર્દિબેનને પોતે લક્ષવને પાછો લાવીને જ રહેશે એમ પણ કહ્યું હતું. એ પોતાના આ વાયદા ખાતર પોતાની જાનની બાજી લગાવીને પણ ગમે તે કરી છૂટવા તૈયાર હતી. બીજું સારું એવું અંતર કાપ્યા બાદ એને એક દરવાજો દેખાયો. એ જલ્દીથી ત્યાં પહોંચવા તત્પર હતી. એણે એ દિશામાં ચાલવાનું શરૂ કર્યુ. એ દરવાજા પાસે પહોંચવાની જ હતી કે એને કોઈ દરવાજાની બીજી બાજુ ખેંચતુ હોય એમ લાગ્યું. ન ઈચ્છવા છતાં પણ એ દરવાજાની બીજી બાજુ તરફ આકર્ષિત થઈ રહી હતી.
દરવાજાની બીજી બાજુ એકદમ ગીચ ઝાડીઓ હતી. એ ઝાડીઓની અંદરની તરફ કોઈ એને બોલાવતું હોય એમ લાગ્યું. એ ઝાડીઓ પાસે જઈને અટકી ત્યાં એને એક અવાજ સંભળાયો, "અભિનંદન! તું એવી પહેલી વ્યક્તિ છે જે ગ્રંથના રહસ્યોને જાણ્યા બાદ હેમખેમ આ મહેલની બહાર જઈ શકે છે. જો તું ઈચ્છે તો અહીં અત્યાર સુધી પથ્થરની મૂર્તિ બનેલા માણસોને પણ જીવનદાન આપી શકે એમ છે. તું આ ઝાડીમાં જોઈશ એટલે તને ખબર પડશે કે તારે શું કરવાનું છે." આ સાંભળીને લિપ્તાએ ઝાડીઓની અંદર જોયું. ઝાડીની અંદર એને એક તળાવ દેખાયું. ત્યાં એણે એક પડછાયો જોયો જે એ તળાવના પાણીની એક છાલક લઈને જમીન પર રેડતો હોય. આ જોઈને લિપ્તાએ ચારેબાજુ નજર ફેરવી. એને ઝાડીમાં જોયું હતું નખશિખ એવું જ તળાવ એને નજરે ચડ્યું. એ તળાવ પાસે ગઈ. તળાવમાંથી એ ખોબામાં પાણી ભરવા જતી હતી ત્યાં જ એને જોયું કે એ તળાવનું પાણી એટલું સ્વચ્છ હતું કે એને પોતાનું ચોખ્ખું પ્રતિબિંબ એમાં નજરે પડતું હતું. એણે વિચાર્યું કે આ વર્ષો જુના મહેલમાં આટલી ભયાનક કાળી શક્તિઓ વચ્ચે આ તળાવ આટલું સ્વચ્છ કઈ રીતે? તળાવે જાણે એનું મન વાંચી લીધું હોય એમ એને તળાવમાંથી અવાજ સંભળાયો, "આખા મહેલમાં આ એકમાત્ર જગ્યા છે કે જેના પર વનિષ્કાના શ્રાપની અસર નથી. એથી જ આટલા સમય બાદ પણ આ પાણી આટલું નિર્મળ છે." આશ્ચર્યચકિત થયેલી લિપ્તાએ બીજું કંઈ પણ વિચાર્યા વગર ખોબામાં પાણી ભર્યું અને મહેલની જમીન પર રેડી દીધું. પાણી રેડતા જ મૂર્તિ બનેલા મનુષ્યો પુનઃ સજીવન થઈ ઉઠ્યા. એક પછી એક બધા સજીવન થયેલા માણસોએ લિપ્તાનો આભાર માન્યો અને મહેલની બહાર જતા રહ્યા. એ બધાના ગયા પછી લિપ્તા પણ મહેલની બહાર સંતોષકારક ચહેરા સાથે નીકળી.
હવેલીમાં જવાનો રસ્તો જાણ્યા પછી લિપ્તા હવેલીની અંદર જઈ શકશે? શું હવે એનો લક્ષવને બચાવવાનો રસ્તો સરળ થઈ ગયો હશે કે પછી હજી બીજી મુશ્કેલીઓ એની રાહ જોઈને બેઠી હશે? લિપ્તા એના દાદી સાથે કેમ સંપર્ક નહિ કરી શકતી હોય? શું એના દાદી સાથે લક્ષવ અને પર્વ પણ કોઈ જોખમમાં હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."