દીલની કટાર-6
પ્રેમ આસ્થા
પ્રેમ, સ્નેહ, લગાવ, લાગણી પરીણય, પ્યાર આમ અનેક શબ્દોનો ઉપયોગ આકર્ષણ પછી પ્રેમબંધનમાં બંધાવા માટે વપરાય છે અનેક ભાષાઓમાં એનાં માટે અલગ અલગ શબ્દો પ્રયોગ હોઇ શકે પણ "તત્વ" એકજ છે અને એ "પ્રેમ".
પ્રેમ તત્વ ઇશ્વરે આપેલી એક અણમોલ ભેટ, આ ભેટ ઇશ્વર સમ છે એમાં ક્યાંય સ્વાર્થ, ધિક્કાર, તિરસ્કાર દગો એવાં કોઇ તત્વ નથી.
નિરાકાર ઇશ્વર જેવો પ્રેમ આંખે દેખાય કે નહીં પણ અનુભવાય છે એનો એહસાસ છે. એહસાસ પણ કેવો જેમાં ઓતપ્રોત થયાં પછી આંખોમાં આંસુ, દીલમાં સૂકુન જગનાં કોઇપણ સુખ કરતાં વધુ આનંદ મળે છે.
પ્રેમ એ દરેક જીવમાં ઘરબાયેલું તત્વ છે એ પ્રાણી પક્ષી કે માનવ બધામાં એની અનૂભૂતિ-આકર્ષણ અને માણી લેવાની, પરોવાઇ જવાની તત્પરતા હોય છે.
"પ્રેમ" જેમાં નિસ્વાર્થ સંબંધ-અનોખું આકર્ષણ અને મરી મીટવાની ઇચ્છા હોય છે. પ્રેમ એજ ભક્તિ છે.
પ્રેમ થકી પ્રેમલક્ષણાં ભક્તિ કરી શકાય છે.
મીરાં, નરસિહ, સૂરદાસ, કબીર, સંત તુકારામ, આવાં અનેક પ્રાચીન સંત, કૃષ્ણને પામવા શ્યામ ઘેલી મીરાં એનાં ઉત્કૃષ્ઠ ઉદાહરણો છે.
પ્રેમમાં બીજાં અનેક નામ છે, નામ ધર્મ ભાષા અલગ હોઇ શકે, લયલા મજનું શીરી ફરહાદ,સંયુક્તા.
આપણાં માનવરૂપે જન્મ લઇ ચૂકેલાં ઇશ્વરની પ્રેમલીલા રાધાકૃષ્ણ, સીતારામ એમનું જીવન ચરીત્ર પ્રેમ સમજવા માટેનાં અદભૂત છે.
શ્યામ ઘેલી મીરાં... એ એનું સર્વસ્વ સમર્પિત કરી દીધેલું રાણાને કીધું કે “ મેરે તો ગીરીધર ગોપાલ દૂસરો ન કોઇ “. પ્રેમ લક્ષણાં ભક્તિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
રાધાએ શ્યામ (કૃષ્ણ) પાછળ બધુ જ સમર્પિત કર્યું રાધાએ એનાં શ્વાસમાં કૃષ્ણ પરોવ્યાં હતાં. કૃષ્ણ સાથેનાં રાસ હોયકે કોઇ પ્રણય ચેષ્ટા એકમેકમાં પરોવાઇને એમણે અનોખા પ્રેમ કર્યો. વૃંદાવન છોડી કૃષ્ણ મથુરા ગયા કે પછી દ્વારીકા.. ભલે દ્વારકાધીશ થયાં.... રાધા કે વિરહમાં પણ પળ પળ કૃષ્ણને ચાહયાં. એ કદી કૃષ્ણને ભૂલ્યાંજ નથી કે યાદ કરવા પડે. પ્રેમની પરાકાષ્ઠા એવી હતી કે એમનાં મન-હૃદય-જીવ ઓરામાં માત્ર કૃષ્ણ હતાં એમની આંખોમાંથી કદી અશ્રુ ના પડવા દીધાં કારણ કે આંખમાં માત્ર કૃષ્ણ સમાવેલાં.. કૃષ્ણની સ્મૃતિ છબી અનેક વિરહની પીડાઓ વચ્ચે આંસુથી પણ બહાર ના વહાવ્યાં.
સીતારામનો પ્રણય કેવો ? પ્રણય સાથ માટે માં સીતાએ રાજ ઘરાનાંના બધાં સુખ છોડ્યાં. મોંઘા રાજવી પોષાકો, શૃંગાર આભૂષણ બધું જ ત્યાગીને રામ સાથે વનવાસ ચાલી નીકળ્યા એક એક પગલે રામનાં પગલાંમાં પગલાં પાડ્યાં.. ક્યાંય સાથ ના છોડ્યો. રામજીનો પ્રેમ અનેક ગણો ચઢીયાતો હતો માતા સીતાનું રાવણ હરણ કરી ગયો પછી.. સીતાજીની શોધમાં વન વન રખડ્યાં છે શોધ્યાં છે.
સીતાજીનાં વિરહમાં એટલી અસહ્ય પીડા થયેલી કે નારાયણ ખુદ નર બનેલાં એમનાં હૃદયમાંથી ચીખ નીકળી હતી. વનમાં શોધ કરતાં વૃક્ષે વૃક્ષે બૂમો પાડી પૂછતાં કે તમે મારી સીતાને જોઇ છે ? કોયલ, મોર, પછી, પ્રાણી બધાને ચોધાર આંસુએ રડતાં રડતાં પૂછી રહેલાં તમે મારી સીતાને જોઇ છે ? ક્યાંય ભાળ નહોતી મળી ત્યારે..
રામજીનું એ અરણ્ય રુદન, વૃક્ષો કાંપી ગયેલાં રામજી સતત બોલ્યાં કરતાં. સીતે, સીતે હે મારી સીતે તમે ક્યાં છો ? સાક્ષાત નારાયણની આંખોમાંથી અવિરત આંસુની ધાર વહી રહી હતી સીતાનાં વિયોગમાં ના ખાવાનું પીવાનું ભાન રહ્યું હે સીતે હે સીતે કરતાં મૂર્છા પામી ગયેલાં.
લક્ષ્મણજીએ કહેલું "આપ એક રાજકુમાર, શુરવીર, લડવૈયા, સાક્ષાત નારાયણ આપનું આટલું રુદન ? તમે આટલાં બળવિહીન વિવશ નિર્બળ વર્તન કેમ કરો છો ? સ્વસ્થ થાઓ પ્રભુ.
રામનાં મુખેથી એટલુ જ નીકળ્યુ હું જે કંઇ હોઊ સર્વ પ્રથમ મારી સીતાનો છું સીતા વિના મારું જીવવું શક્ય નથી.. હે સીતે સીતે કરતાં વિલાપ કરી રહેલાં રામવિલાપથી આખું વન ધ્રુજી ઉઠેલું પક્ષીઓ આક્રંદ કરી રહેલાં ગાયોનાં ઘણ એટલાં ઉદાસ હતાં કે દૂધ આપવાનું બંધ કરી દીધેલું. વૃક્ષોમાં ફળ નહોતાં આવતાં. ફૂલોનું ખીલવાનું બંધ થઇ ગયું રામ વિલાપની સાથે જાણે આખી સૃષ્ટિ શોકમાં ડૂબી ગયેલી. પ્રેમ વિરહની વેદના રામ ચરિત્રમાં ત્રાદશ્ય દર્શાવેલી છે.
પેટની ભૂખ સહી લેવાય, પાણી ઉપર ચલાવી લેવાય અન્નનો દાણો ભલે પેટમાં ના જાય પણ સાચો પ્રેમી કદી પ્રેમ વિના નથી રહી શકતો. પ્રેમ પરમાત્માનું સ્વરૂપ એજ જીવવાનુ કારણ છે.
માતાનો પુત્ર પ્રેમ, દરેક સંબંધમાં એને અનુરૂપ નિશ્વાર્થ પ્રેમ જીવન ચલાવે છે. પ્રેમ જ જીવન છે.
મીરાંબાઇનાં સમર્પિત પ્રેમે અંતે તેઓ શ્યામમાં વિલીન થઇ જાય છે. પ્રેમ જોરે શ્યામ એમને પોતાનામાં સમાવી લે છે.
સતિ વિના મહાદેવ એક ક્ષણ ના રહી શક્યા એમણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સતિનાં પિતાનો વધ કર્યો અને સતિનાં નિર્જીવ શરીરને ઉચકીને ભ્રમણ કરી રહેલાં. ક્રોધ સાથે આંસુનો સમન્વય હતો. અવિરાગી મારાં મહાદેવ સતિનો વિરહ ના સહી શક્યાં.
સતિ-મહાદેવનાં પ્રણયને કારણે બીજા જન્મે પાર્વતીજી મળ્યાં. ઉમાશિવનો પ્રણય પુરાણોમાં ઉચ્ચ સ્થાને છે. એકમેકમાં પરોવાયેલા પવિત્ર પ્રણય.
પ્રણય એજ મોક્ષ છે. એકમેકમાં સંપૂર્ણ પાત્રતા સાથે જોડાયેલાં જીવ ક્યારેય જુદા પડતાં નથી એમને ક્યારેય ભવ-જન્મ કે કર્મ પણ જુદા કરી શકતાં નથી બે જીવનો એકજીવ થયેલો ઓરા ઇશ્વરનાં ઓરામાં ભળી જાય છે અને એક પ્રેમતેજ બનીને ઝળહળી રહે છે...
પ્રેમ સાથે આસ્થા જોડાયેલી છે... આસ્થા વિનાનો પ્રેમ ટકી શકતો નથી એ પ્રેમની બીજી બાજુ છે પ્રેમ આસ્થાનાં સંગમથી પ્રેમ અમર બને છે.
મીરાંને પ્રેમ લક્ષણાં ભક્તિમાં આસ્થા હતી અંતે કૃષ્ણને પામી જાય છે. આસ્થા વિના પ્રેમ અધૂરો છે...
દક્ષેશ ઇનામદાર. “દિલ”..