Upload - Web Series Review in Gujarati Film Reviews by Akash Kadia books and stories PDF | અપલોડ - વેબ સિરીઝ રિવ્યુ

Featured Books
Categories
Share

અપલોડ - વેબ સિરીઝ રિવ્યુ

કોઈ ટુર ઓપરેટર ની ૧૦ કે ૧૫ દિવસ ના પ્રવાસ અને પોતાનું ખુદ નું વાહન લઈને પ્રવાસે નીકળો એમાં તફાવત કેટલો ? તો ટુર ઓપરેટર માં સમય એ લોકો નક્કી કરે જ્યારે ખુદ ના વાહન માં આપડે ઈચ્છા મુજબ ફરી શકાય બસ એવું જ કંઇક વેબ સિરીઝ અને ટેલિવિઝન માં પ્રસારિત કરવામાં આવતી સિરિયલો નું છે. વેબ સિરીઝ ની ખૂબી એ જ કે સિરિયલ ની જેમ કોઈ ફિક્સ સમયે જ જોવા મળે એવું નહિ એક વાર જે તે ઓનલાઇન પ્લેટફોર્મ પર આવી ગયા બાદ તમે ઈચ્છો ત્યારે તમારી ફુરસદ ના સમયે જોઈ શકો અને દરેક સીઝન ના લિમિટેડ નંબર માં એપિસોડ, જે આજની જનરેશન કે જેઓ લાંબા લચક ૫૦૦ – ૭૦૦ એપિસોડ વાળા શો માં સમય ફાળવવા નથી માંગતા તેમને વધુ માફક આવી ગઈ છે.


આજે જે વેબ સિરીઝ ની વાત કરવી છે એના પહેલા એ સિરીઝ નો કન્સેપ્ટ જ્યાંથી ઉદભવ્યો છે તેના વિશે ટૂંક માં વાત કરીએ તો આજના જમાના ની નવી પાયા ની જરૂરિયાતો (ટેસ્ટી રોટી, બ્રાન્ડેડ કપડાં ઓર આલીશાન મકાન) પૂરી કર્યા બાદ પણ માનવી ના મગજ માં અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ માની એક ઈચ્છા, એટલે અમરત્વ કે પછી મૃત્યુ ને માત આપવી કે કંટાળી ના જાવ ત્યાં સુધી ની મોજ મજા વાળી જિંદગી અર્થાત્ દીર્ઘાયુ. કુદરત ના નિયમો મુજબ જે આવ્યું છે તે તેના નિયત સમયે જવાનું જ છે સજીવ હોય કે નિર્જીવ. પરંતુ બુદ્ધિશાળી માનવી પોતાના સ્વભાવ મુજબ અંતિમ સમય આવે ત્યારે પણ ટકી રહેવા કુદરત ના નિયમો ને બદલવાની ઈચ્છાઓ રાખે છે અને અમરત્વ એવી જ એક ઈચ્છા છે જેના વિશે આપણે પૌરાણિક કથાઓ માં પણ વાંચતા રહ્યા છે જ્યાં અમૃત અને સંજીવની વડે મૃત્યુ ને પરાસ્ત કરાયું છે. અને આજે હું જે વેબ સિરીઝ ની વાત કરવાનો છું તેમાં પણ મૃત્યુ ને પરાસ્ત કરાયું છે પણ અમૃત કે સંજીવની જેવી કોઈ ઔષધિ દ્વારા નહિ. આધુનિક ટેકનોલોજી વાળા યુગ માં કોઈ પણ માહિતી ફોટો,વિડિયો,ઓડિયો કે કોઈ ડોક્યુમેન્ટ ને લાંબા સમય સુધી જાળવી રાખવા માટેનો ઉપાય એટલે કે બેકઅપ લઈ ને કોઈ કલાઉડ સર્વર પર અપલોડ કરી નાખવું અને બસ આ વિષય પર આધારિત છે આજની ઇંગ્લિશ વેબ સિરીઝ “અપલોડ”.


એમેઝોન પ્રાઈમ પર થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવેલ વેબ સિરીઝ અપલોડ, નામ પરથી કોઈ પણ સમજી જાય કે આ સિરીઝ માં ટેકનોલોજી અને ડેટા ને રિલેટેડ સ્ટોરી હશે. જે રીતે આપણે મોબાઇલ માં પાડેલા ફોટોસ કે વિડિયો ને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે ગૂગલ ડ્રાઈવ કે તેના જેવા જ અન્ય કોઈ કલાઉડ સર્વર પર તેની નકલ બનાવી રાખીએ તેવી રીતે આ સિરીઝ માં પણ એક હોરાઇજન નામની પ્રાઈવેટ કંપની ના સર્વર પર ડેટા અપલોડ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ડેટા માત્ર કોઈ ફોટો કે વિડીયો અથવા ડોક્યુમેન્ટ નથી, એ ડેટા એટલે માનવી ની મેમરી(યાદો) જેમાં જન્મ ના અમુક વર્ષ પછીનો કોઈ પહેલો પ્રસંગ જે તમને હજુ પણ યાદ હોય ત્યાંથી લઈ હોરાઈજન ના સેન્ટર પર તમારી મેમરી ને સર્વર પર કોપી કરવામાં આવે એ છેલ્લો પ્રસંગ અને સાથે તમારી ચેતના. ચેતના એટલે પોતાના અસ્તિત્વની અનુભતી કે જે સજીવ ને નિર્જીવ થી છૂટા પાડે. એટલે એવું સમજી લો કે તમે નવો મોબાઈલ ખરીદતા પહેલા જૂના મોબાઈલ માંથી બધો ડેટા બેકઅપ લઈ રાખો જેથી નવા મોબાઇલ આવતા વેંત જ તેમાં ફરી બધું કોપી કરી ને ફરી વાપરી શકાય બસ અંતર એજ કે અહી મોબાઇલ ની જગ્યાએ તમારું શરીર છે અને ડેટા ની જગ્યાએ તમારી યાદો. સ્ટોરી નો આ કનસેપ્ટ યુનિક કહી શકાય. માણસ ના કલોનિંગ કે મરી ને ફરી જીવતા થવાની વાતો પર ઘણી મૂવી અને સિરીઝ હશે પરંતુ મૃત્યુ બાદ વર્ચ્યુઅલ દુનિયામાં તેમનું અસ્તિત્વ અને એ મૃતક વ્યક્તિઓ નું સાચી દુનિયામાં જીવતા લોકો સાથે કોમ્યુનિકેશન શક્યતઃ ભવિષ્ય ની ઝાંખી કરાવે છે.


ભવિષ્ય ના આ કન્સેપ્ટ ને જો તમે ૧૦૦% કાલ્પનિક જ સમજતા હોવ તો જાણવાનું કે માનવ ના મગજ ને કમ્પ્યુટર સાથે જોડવા ના પ્રયાસો ઘણા પહેલેથી કાર્યરત છે. એલન મસ્ક (એજ જેણે તેના હમણાં જ પોતાના જન્મેલા બાળક નું નામ X Æ A-12 રાખ્યું કે જે બોલવા માં તો ઠીક લખવા માં પણ એવું અઘરું કે કોપી જ કરવું પડે) નામના ઉદ્યોગ સાહસિક એ થોડા વર્ષો પહેલા જ ન્યુરોલિંક નામની કંપની સ્થાપી જેનો ઉદ્દેશ માનવીય વિચારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને કનેક્ટ કરવાનો છે. વિશ્વ ના કેટલાક દેશો તો તમારા મૃત્યુ બાદ તમારા શરીર ને ઘણા લાંબા ગાળા સુધી સાચવી રાખવા ની સુવિધાઓ પણ પૂરી પાડે છે જેથી ભવિષ્ય માં કોઈ રીતે મૃત વ્યક્તિ ને જીવિત કરવા નો ઉપાય મળે તો આજ શરીર ઉપયોગ માં લઇ શકાય. (સુવિધા માટે સારા એવા રૂપિયા જે તે વ્યક્તિ એ જીવતા જીવત આપી દેવા ની શરતે !!)


જો તમે સેકન્ડ લાઇફ નામની વિડિયો ગેમ વિશે જાણતા હોવ તો આ વેબ સિરીઝ માં એજ વાત પણ માનવ ના મૃત્યુ પછી ના એક ભાગ રૂપે દર્શાવાઈ છે. સિરીઝ ની શરૂઆત માં એક મેટ્રો માં અંદર ની તરફ લાગેલા એલ સી ડી માં એક અતિ સુંદર સેવન સ્ટાર હોટેલ જેની એક તરફ મોટું તળાવ અને બીજી તરફ લીલીછમ હરિયાળી પથરાયેલી છે તેવી જાહેરાત બતાવવામાં આવે છે. તમને લાગે કે કોઈ ટુરિઝમ કે હોટેલ ને રીલેટેડ જાહેરાત હશે પણ તે આફ્ટર લાઇફ એટલે કે મૃત્યુ પછી ની દુનિયામાં રહેવા માટેની સગવડો દર્શાવાઈ છે. આ સિરીઝ માં નાયક અને એના જેવા બીજા ઘણા જે આપણી દુનિયા માં નહિ પણ એક વર્ચ્યુઅલ દુનિયા માં રહે છે જેને માણસો એ જ કમ્પ્યુટર માં એક સોફ્ટવેર પ્રોગ્રામ તરીકે ઊભી કરી છે. જેમ નેટફલીક્સ કે એમેઝોન પ્રાઈમ કે અન્ય કોઈ ઓનલાઇન પ્લેટફોર્મ માં વાર્ષિક સબ્સ્ક્રીપ્શન હોય તે જ રીતે આ મૃત્યુ પછી ની દુનિયામાં પણ સબ્સ્ક્રીપ્શન લેવું પડે અને જો એ સબ્સ્ક્રીપ્શન ને રીન્યુ ના કરાવો તો અંત માં તમારો ડેટા એટલે કે મેમરી અને ચેતના ને ત્યાંથી પણ ડિલીટ કરી નાખવામાં આવે એટલે આ દુનિયા (આપણી) અને એ વર્ચ્યુઅલ દુનિયા બધે થી તમારું અસ્તિત્વ નીકળી જાય. કેવું કહેવાય મૃત્યુ પછી પણ મૃત્યુ..!


કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ કે સમાન્ય મોબાઇલ ના રિચાર્જ અંગે ની જાણકારી માટે આપણે કસ્ટમર કેર માં ફોન કરી ને મદદ માંગીએ તેવી જ રીતે અહી પણ મૃત્યુ બાદ વર્ચ્યુઅલ દુનિયા માં કોઈ પણ સહાય જોઈએ તો કસ્ટમર કેર નો એક માણસ જે તમારા એંજલ(ફરિશ્તા) તરીકે ફરજ બજાવે તેને યાદ કરો અને એ એંજલ તમારી સામે હાજર થઈ તમને મદદ કરશે સાથે સાથે કસ્ટમર કેર ની જેમ તમને તેમની સર્વિસ કેવી લાગે એ માટે રેટિંગ પણ આપવાના.

વેબ સિરીઝ સાઈ ફાઇ ની સાથે કોમિક પણ છે જેના ભાગરૂપે એક સીન માં સિરીઝ ના નાયક વોશરૂમ માં કૂદકા મારતો દેખાય કારણ તે જાણે છે કે તમે ગમે તેવા કૂદકા મારો કે નાચો પેશાબ માત્ર યુરીનલ માં જ જશે આ વર્ચ્યુઅલ દુનિયા માં એ પ્રકાર નું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે તો મૃત વ્યક્તિ પોતાની જ શોક શભા માં હાજરી આપે અને યુટ્યુબ માં વિડિયો જોતા હોવ અને વચ્ચે એકાએક કોઈ જાહેરાત આવતા તમારે સ્કીપ કરવું પડે તેવી રીતે અહી પણ હોરાઇજન કંપની એ કેટલીક સ્પોનસર્સ કંપની ની પ્રોડક્ટ નું માર્કેટિંગ વર્ચ્યુઅલ દુનિયા કરે અને એટલે ત્યાં રહેતા લોકો સામે ક્યારેક કોઈ પણ પ્રોડક્ટ નું લીસ્ટ આવી જાય જે તેમણે સ્કિપ કરવું રહ્યું. લાઈટ કોમેડી વાળા આવા અનેક પ્રસંગો સિરીઝ માં જોવા મળશે.


મુખ્ય નાયક નું મૃત્યુ અને મૃત્યુ બાદ કેટલીક ખરાબ મેમરી ના કારણે પોતે શું કામ કરતો તે જ યાદ ન કરી શકે જેવા પ્રસંગ સ્ટોરી ને થોડા અંશે રહસ્યમય પણ બનાવે છે. એક તરફ નાયક ની એંજલ નું કામ કરતી મધ્યમવર્ગીય નાયિકા અને મૃત નાયક વચ્ચે ના રિલેશન તો બીજી તરફ નાયક ને હોરાઇજન માં સહુ થી સારી સુવિધાઓ માટે ખર્ચ કરનારી નાયક ની પ્રેમિકા અને તેનો નાયક પર હક જતાવવાની આદત અને આવી બીજી અનેક વાતો સ્ટોરી માં ડ્રામા પૂરો પાડે છે. કેરેક્ટર ડેવલોપમેન્ટ ની વાત કરીએ તો નાયક ની પ્રેમિકા જે શરૂઆત માં કભી ખુશી કભી ગમ ની કરીના કપૂર જેવા માત્ર ગ્લેમર પૂરું પાડતા રોલ માં દર્શાવાઈ છે તેનું પાત્ર પ્રથમ સીઝન ના અંત માં અલગ જ ઉભરી આવે છે. મુખ્ય નાયક ના સ્વભાવનું અલગ જ પાસું સીઝન ના છેલ્લા એપિસોડ માં દર્શાવાયું છે.


આ સાથે નોર્મલી કોર્પોરેટ સેકટર માં હોય તેવી વર્ચ્યુઅલ દુનિયા માટે મોનોપોલી જમાવવાની હોડ અને અમીરો ગરીબો વચ્ચે મૃત્યુ બાદ વર્ચ્યુઅલ દુનિયા માં મળતી સુવિધાઓ માં જોવા મળતો ભેદભાવ જેમાં મોબાઇલ ના ડેટા પ્લાન ની જેમ ગરીબો ને મહિના ના ૨ જીબી તો અમીર ને અનલિમિટેડ ડેટા પ્લાન જેવી વાતો સ્ટોરી લાઈન માં દર્શાવાઈ છે. અપલોડ કે જેમાં મૃતક વ્યક્તિ ને વર્ચ્યુઅલ દુનિયામાં મોકલવામાં આવે છે એજ રીતે સિરીઝ માં એક ડાઉનલોડ નામના પ્રયોગ દર્શાવાયો છે જેમાં મૃતક ને વર્ચ્યુઅલ દુનિયા માંથી આપણી દુનિયા માં લેબ માં તૈયાર કરવામાં આવેલ માનવ શરીર માં દાખલ કરવાનો પ્રયાસ દર્શાવાયો છે. કોઈ પણ વેબ સિરીઝ ના સીઝન ફીનાલે (એ સીઝન ના અંતિમ એપિસોડ) ની જેમ અહીં પણ કેટલાક નાયક ને અણધારી પરિસ્થિતિ માં બતાવાયો છે જેમાંથી તે બહાર કઈ રીતે આવે તે માટે સીઝન ૨ માટે રાહ જોવી રહી.


લોક ડાઉન માં માત્ર સસ્પેન્સ, એક્શન અને કોર્ટ રૂપ ડ્રામા વાળી સિરીઝ જોઈ ને કંટાળ્યા હોવ તો આ લાઈટ કોમેડી અને ડ્રામા વાળી ફ્યુચર લાઇફ અને વર્ચ્યુઅલ દુનિયા પર આધારિત વેબ સિરીઝ જોવા જેવી ખરી.