Mark-sheetni vedna - 1 in Gujarati Moral Stories by SHILPA PARMAR...SHILU books and stories PDF | માર્કશીટની વેદના - 1

Featured Books
Categories
Share

માર્કશીટની વેદના - 1

માર્કશીટની વેદના.....ભાગ 1

હાશ....આખરે હવે મારા ઉપર પેલા અમુક આંકડા છપાઈ ગયા હતા. આંકડાની સાથે સાથે વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ છપાઈ ગયા હતા .મારા ઉપર મસ્ત લેમીનેશન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત બોર્ડના માર્કશીટ બનાવનાર ભાઈએ મને મસ્ત શણગાર આપી દીધો હતો. હવે તો બસ એ જ જોવાનું હતું કે, " હું જેના હાથમાં જઈશ એ બાળક મને જોઈ ને....ના ના...કદાચ મારા ઉપર છપાયેલા આ આંકડાઓ જોઈને ખુશ થશે કે દુઃખી થશે......!"

આખરે હવે એ દિવસ પણ આવી જ ગયો હતો .પરિણામનો દિવસ. મને મારા જેવી જ બીજી માર્કશીટની થપ્પીની વચ્ચે મુકવામાં આવી હતી.મારા અને આ બીજી માર્કશીટની વચ્ચે વધારે ફર્ક ન હતો .માત્ર આંકડાઓ જ જુદા હતા.એ જ આંકડાઓ જેને જોઈને બાળકના માતા-પિતા ધોરણ 10 પછી બાળકને સાયન્સ,કોમર્સ કે આર્ટસ લેવું એ નક્કી કરતા હોય છે.એ જ આંકડાઓ જે બાળકનું ભવિષ્ય નક્કી કરતા હોય છે .હું કયારેક કયારેક વિચારું કે , " આખરે હું છું તો એક કાગળ જ ને....!! મારા ઉપર લખેલા અમુક આંકડાઓથી આ માસુમ બાળકની આવડત કઈ રીતે મપાતી હશે.......?"

આ બધા વિચારોમાં અચાનક જ હું પેલી માર્કશીટની થપ્પીમાંથી અલગ કરવામાં આવી.મને એક 15 વર્ષની છોકરીના હાથમાં સોંપવામાં આવી.પેહલા તો એ છોકરી થોડી ડરેલી હતી.પછી એણે હિંમત કરીને મારા ઉપર લખેલા પેલા આંકડાઓ પર નજર નાખી.એ આંકડાઓ જોઈને એ છોકરી રાજી રાજી થઈ ગઈ.એના મોંઢા પર ખુશી સાફ સાફ વંચાતી હતી.એનો ડર પણ ગાયબ થઈ ગયો હતો.એ મસ્ત બનીને મને લઈને ફરતી હતી.બધાને બતાવતી હતી મારા ઉપર લખેલા પેલા આંકડા.આખરે એ આંકડા હતા જ એવા.એ આંકડા હતા 92%. મને થોડીક ખુશી થઈ કે હાશ મારા પર લખેલા આંકડાથી આ છોકરી ખુશ તો થઈ.
થોડી વાર પછી મને મારી સાથે થપ્પીમાં રહેલી બીજી માર્કશીટો યાદ આવી.મને થયું કે મારા ઉપર તો વધારે આંકડા છપાયેલા છે એટલે આ છોકરી ખુશ છે.પેલી થપ્પીમાં તો કેટલીય એવી માર્કશીટો હશે જેના પર ઓછા આંકડા છપાયેલા હશે.એને જોઈને ઘણા દુઃખી થતા હશે.મને પાછો વિચાર આવ્યો કે, "આ આંકડાઓની કિંમત આટલી બધી છે કે આખે આખા માણસને એક પળમાં જ ખુશ ને એક પળમાં જ દુઃખી કરી નાખે..."

હું વિચારતી જ હતી ત્યાં જ પેલી છોકરી મને હાથ માં લઈને મારી સાથે કપલ ડાન્સ કરી રહી હતી.એ તો એટલી ખુશ હતી કે ,માત્ર મને જોયા જ રાખતી હતી.એની આંખોમાં કેટકેટલાય સપનાઓ હતા.જે મને સાફ સાફ વંચાય રહ્યા હતા.પરિણામનો દિવસ પૂરો થઈ ગયો હતો.એ છોકરી હજી પણ મને હાથમાં લઈને જ ફરતી હતી.અરે ,એ તો મને સાથે લઈને જ સુઈ ગઈ હતી .સવારે ઉઠીને એણે સૌથી પહેલા મારા ઉપર જ નજર નાખી હતી .મને જોઈ ને એક મોટી SMILE પણ આપી હતી .હું પણ એ છોકરીને જોઈ ને ખુશ થઈ.

આખરે હવે પરિણામ આવ્યું એના પુરા 5 દિવસ થઈ ચૂક્યા હતા.હવે એ છોકરીને આગળ શું કરવું એ બાબતે એના ઘરમાં ચર્ચા ચાલી રહી હતી.ઘરના બધા પુરા વિશ્વાસ સાથે બોલ્યા કે આખરે 92% આવ્યા છે તો સાયન્સ જ લેવડાવવાનું હોઈ ને....!!હવે તો ડોકટર જ બનવાનું છે.આ સાંભળીને પેલી છોકરી થોડી ઉદાસ થઈ ગઈ.એ હજી પણ મને હાથમાં જ પકડીને બેઠી હતી.કદાચ એ કઈંક કેહવા માંગતી હતી.મારા મત મુજબ તો એને સાયન્સ લેવું જ ન્હોતું.એણે તો આર્ટસ લેવું હતું.

મને આજે આ આંકડાઓનો ખેલ સમજાયો કે,જેટલા વધારે આંકડા એટલી જ વધારે ખુશી ને એટલી જ વધારે અપેક્ષાઓ.અપેક્ષાઓ પણ કેવી....? આ આંકડા સાથે જેનું નામ છપાયેલું છે એને તો એક પણ વાર પૂછવામાં નથી આવતું કે એણે આગળ શું કરવું છે..??એને કઈ વસ્તુમાં વધારે રસ છે..??

હું પાછી આ આંકડાઓ વિશે વિચારતી હતી ત્યાં જ પેલી છોકરી ટગર ટગર મારી સામે જોઈ રહી હતી.એની આંખો મને થોડી ઉદાસ લાગતી હતી.જાણે પેલા કેટકેટલાય જોયેલા સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું.મને એને જોઈને ખૂબ દુઃખ થતું હતું કે, માંડ 15 વર્ષની છોકરી છે.હજી તો કેટલુંય જીવવાનું બાકી છે.બિચારી માસુમ ફૂલ જેવી છોકરીને આખા ઘરના બધા સભ્યોએ કેટલી બધી અપેક્ષાઓનો બોજ સોંપી દીધો હતો.એક સપનું આપી દીધું હતું કે, ડોક્ટર જ બનવાનું છે.

હું તો એ છોકરીને જોતી જ રહી .એ હજી પણ રોજ એકવાર તો મારા ઉપર નજર નાખતી જ હતી.એણે મને સાચવીને એક ફાઈલમાં મૂકી દીધી હતી.મારી કેટલીય ઝેરોક્ષ કોપી કઢાવીને રાખી હતી.મને કયારેક વિચાર આવતો કે, " આ છોકરી મને આટલું બધું કેમ સાચવે છે.આખરે હું છું તો એક કાગળ જ ને....!!પછી યાદ આવ્યું કે આ છોકરી મને નહીં પણ મારા ઉપર છપાયેલા આ આંકડાઓને સાચવે છે.એ માત્ર આ આંકડાઓને જોઈ ને જ ખુશ થાય છે.જે હોય તે પણ આ છોકરી મને હાથમાં લઈને ખુશ તો થાય છે .એ જ ઘણું છે...."

હવે તો એ છોકરીએ સાયન્સ લઈ લીધું હતું.એનું વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.એ સ્કૂલે જવા લાગી હતી. હવે એ મારા ઉપર ક્યારેક ક્યારેક જ નજર નાખતી હતી.હા એણે મને હજુ સાચવીને રાખી હતી.એ જ પેલી ફાઈલમાં...મારી બીજી ઝેરોક્ષ કોપીની સાથે જ.......

વધુ આવતા અંકે......

---------------------------------------------
હવે આગળ શું થશે મારુ...?પેલી છોકરી મને આવી જ રીતે સાચવશે કે નહીં...??જાણવા માટે વાંચતા રહો.....
"માર્કશીટની વેદના.........."

SHILU ઉર્ફે SHILPA PARMAR તરફથી........
આભાર घन्यवाद THANK YOU........🙏😇