Incpector Thakorni Dairy - 20 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૦

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૦

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું વીસમું

ઇન્સ્પેક્ટર ઠાકોર વૃધ્ધની લટકતી લાશ જોઇ રહ્યા હતા. શહેરના એક મધ્યમવર્ગીય લોકોના વિસ્તારમાં ત્રણ માળની લિફ્ટ વગરની જૂની બિલ્ડિંગમાં બીજા માળે રહેતા ૬૮ વર્ષીય સુકલકડી અનિલભાઇની પંખામાં દોરડાથી લટકતી લાશને ભારે હવામાં સહેજ ઝૂલતી જોઇ આશ્ચર્ય પણ પામ્યા. અનિલભાઇએ પંખા નીચેનો લાકડાનો મોટો બેડ બાજુમાં હટાવી ગળે દોરડું બાંધી ખુરશી પર ઊભા રહીને પછી ખુરશીને લાત મારી પાડી દીધી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. દેખીતી રીતે આ આત્મહત્યાનો બનાવ લાગતો હતો. પરંતુ અનિલભાઇની આત્મહત્યા પાછળ કોઇ નક્કર કારણ દેખાતું ન હતું. દસ વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી પિયુન તરીકે નિવૃત્ત થનાર અનિલભાઇ એકલા જ આ ભાડાના મકાનમાં રહેતા હતા અને કોઇ બીજી જવાબદારી ન હોવાથી પેન્શન પર ગુજારો થઇ જતો હોવો જોઇએ. એમ વિચારીને ઇન્સ્પેક્ટર ઠાકોરે રૂમમાં રહેલું લોખંડનું કબાટ ખોલી નજર નાખી તો એમાં એક ખાનામાં કાગળો વિખરાયેલા માલમ પડ્યા. કોઇ કંઇક ચોરી ગયાની આશંકા થઇ. એક ખાનામાં દસ હજાર રૂપિયા રોકડા જોયા પછી થયું કે કાગળ ચોરનારને રૂપિયામાં રસ ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોર આખા ઘરમાં નજર નાખી રહ્યા હતા ત્યારે એ બિલ્ડિંગનો માલિક સારનાથ ત્યાં આવી પહોંચ્યો. ત્રણ માળની બિલ્ડિંગમાં ત્રણ જ ફ્લેટ હતા. ઉપર એક મૂળ બિહારનો પરિવાર અને નીચે એક મદ્રાસી દંપતિ અનિલભાઇની જેમ જ ભાડેથી રહેતું હતું. અનિલભાઇ દસથી વધુ વર્ષથી રહેતા હતા જ્યારે બીજા ભાડૂઆત બે મહિના પહેલાં જ રહેવા આવ્યા હતા. બીજા માળે રહેતા બિહારી રાજસિંહે જ્યારે કહ્યું કે બપોરે તેણે અનિલભાઇના પુત્રને બિલ્ડિંગ પાસે આંટા મારતો જોયો હતો ત્યારે સારનાથે કલ્પના કરી લીધી કે તેની સાથેના ઝઘડા પછી અનિલભાઇએ આત્મહત્યા કરી લીધી હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરે તરત જ અનિલભાઇના મોબાઇલમાંથી તેમના પુત્ર ગણેશનો નંબર શોધી ફોન લગાવ્યો પણ સ્વીચ ઓફ આવતો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે તરત જ આ નંબરનું લોકેશન તપાસવા જણાવી દીધું. રાજસિંહે કહ્યું કે તે થોડીવાર પહેલાં નીચે આંટો મારવા ઉતર્યો ત્યારે અનિલભાઇનું બારણું અધખુલ્લું જોયું. આમ તો વધારે પરિચય ન હતો. પણ અંદર અંધારું હતું. પાવર હતો છતાં કેમ અંધારું છે એ જાણવા મોબાઇલની ટોર્ચલાઇટ ચાલુ કરી અંદર નજર નાખી તો અનિલભાઇની લાશ લટકતી હતી. ગભરાઇને સારનાથને ફોન લગાવી જાણ કરી. સારનાથે પોલીસને ફોન કરી દીધો અને દોડતો આવી પહોંચ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરે અનિલભાઇનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી આગળ તપાસ કરવાનું વિચાર્યું.

અનિલભાઇનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ જોઇ ઇન્સ્પેક્ટર ઠાકોર થોડા નિરાશ થયા. એમાં સ્પષ્ટ લખ્યું હતું કે ગળે ફાંસો ખાવાથી મોત નિપજ્યું છે. ઇન્સ્પેક્ટર ઠાકોરને ચિંતામાં- વિચારમાં ગરકાવ જોઇ ધીરાજી બોલ્યા:"સાહેબ, શું વાત છે? બહુ પેચીદો કેસ છે?"

"ધીરાજી, આત્મહત્યાનો કેસ જાહેર થયો છે. પણ કેટલાક કારણો મને એમ માનવા દે એમ નથી. પહેલી વાત એ કે અનિલભાઇને જિંદગીથી કંટાળવાનું કોઇ મોટું કારણ નથી. બીજી વાત કે તેમનો લાકડાનો બેડ ખસેડવાનું તેમના જેવા સુકલકડી માણસનું ગજું નહીં. અને ત્રીજી વાત.. તેમના કબાટમાં કોઇ એવા અગત્યના કાગળ હતા જેની ચોરી થઇ છે...."

"સાહેબ, એના છોકરાનું આ પરાક્રમ હોય શકે ને? પિતા પૈસા આપતા ન હોય એટલે વારસદાર તરીકે બધી સંપત્તિ મળી જાય એમ માની તેમને લટકાવી દીધા હોય. અને તમામ શંકા એના તરફ જ જાય છે. એ દિવસે તે ત્યાં આવ્યો હતો. અને હજુ તેનો ફોન બંધ જ આવે છે...આપણે તપાસ કરાવી તો એમાં પણ હત્યાના સમયની આસપાસમાં તેના મોબાઇલનું લોકેશન સારનાથની બિલ્ડિંગ આસપાસનું જ હતું."

"ચાલો, આપણે એના ઘરે જઇ આવીએ." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર ઊભા થઇ ગયા.

ઇન્સ્પેક્ટર ઠાકોર શહેરના છેડે આવેલી એક ગીચ વસ્તીમાં પહોંચ્યા. કેટલાય જણને પૂછ્યું ત્યારે તે જે ચાલીમાં રહેતો હતો તેનો પત્તો લાગ્યો.

પોલીસને જોઇને ગણેશ ચોંકી ગયો. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને પિતાની લાશનો કબ્જો લેવા કહ્યું અને એમના મોત વિશે પૂછપરછ કરી. એણે જે વિગત કહી એ આવી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી તેની ખરાબ ચાલચલગતને કારણે અનિલભાઇએ ઘર બહાર કાઢી મૂક્યો હતો. માતા ગુજરી ગયા હતા. અને કોઇ કામધંધો હતો નહીં. એક મિત્રની ઓળખાણથી ચાલીમાં સસ્તી રૂમમાં રહેતો હતો. જેમતેમ પેટિયું રળતો હતો. તે ઘણી વખત પિતા પાસે પૈસા માગવા ગયો હતો. પણ અનિલભાઇએ તેને દાદ આપી ન હતી. આમ પણ તેમની પાસે કોઇ ખાસ સંપત્તિ ન હતી. નિવૃત્તિ પછીની મૂડી તેમણે બાકીના જીવન માટે સાચવી રાખી હતી. આટલા વર્ષોમાં તે પોતાનું મકાન ખરીદી શક્યા ન હતા. સસ્તા ભાડાવાળું સારનાથનું મકાન તેમને ફાવી ગયું હતું. એ દિવસે ગણેશ એમને ત્યાં ગયો હતો. પણ એમને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઇ ગભરાઇને ઘરે ભાગી આવ્યો હતો. ત્યારથી મોબાઇલ બંધ કરી દીધો હતો.

તેની આ વાત સાંભળી ઇન્સ્પેક્ટર ઠાકોરની આંખ ચમકી. ધીરાજીએ તો કહી જ દીધું:"ગણેશ, ખરેખર તો તું જ એમને ફાંસો આપી એમની વસિયત મેળવી ભાગી આવ્યો હતો..."

"વસિયત? મારા ખ્યાલથી તો એમણે વસિયત બનાવી નથી. પણ બનાવવાનું કહેતા હતા. અને એમાં મને કાણી પાઇ આપવાના નથી એમ પણ કહેતા હતા..."

"મતલબ કે એ વસિયત બનાવે એ પહેલાં જ તેં એમને પરલોક પહોંચાડી દીધા. જેથી એમની તમામ સંપત્તિ પર તારો હક આવી જાય.."

"ના સાહેબ, એવું હોત તો હું આ રીતે અહીં બેઠો ના હોત..."

"એટલે જ તું આ રીતે બેફિકર થઇને બેઠો છે. તને ખબર છે કે તું એકમાત્ર વારસદાર છે એટલે કાયદાકીય રીતે તને જ બધું મળવાનું છે."

ઇન્સ્પેક્ટર ઠાકોર ગણેશ અને ધીરાજીનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે ધીરાજી બરાબર પૂછપરછ કરી રહ્યા છે. દરમ્યાનમાં ઇન્સ્પેક્ટર ઠાકોરે કંઇક વિચારીને પોતાની પાસે રહેલા અનિલભાઇના સાદા મોબાઇલમાં 'એડવોકેટ' નામથી સેવ થયેલા મોબાઇલ નંબરો ડાયરીમાં નોંધી લીધા. ઇન્સ્પેક્ટર ઠાકોરે પહેલો જ નંબર ડાયલ કર્યો અને સામેથી એડવોકેટ હિરાણીનો અવાજ આવ્યો:"બોલો અનિલભાઇ, ક્યારે આવું?"

"શા માટે?" સામે ઇન્સ્પેક્ટર ઠાકોરનો સવાલ સાંભળી એડવોકેટ હિરાણી સહેજ ખચકાતા બોલ્યા:"કેમ, તમે વસિયત માટે કહેતા હતા ને?"

"હિરાણી સાહેબ, હું ઇન્સ્પેક્ટર ઠાકોર બોલું છું. અનિલભાઇએ ગયા સપ્તાહે આત્મહત્યા કરી લીધી છે. તમે એમના આ પગલા વિશે કોઇ માહિતી પૂરી પાડી શકો...?"

"જી, જી એ વારસદાર કોને રાખવો એ બાબતે અવઢવમાં હતા. બે દિવસ પહેલાં જ એમણે મને એમના નાલાયક પુત્ર માટે ગાળો આપી હતી. પણ વસિયત વિશે પછીથી નક્કી કરીને કહેવાના હતા..."

"આભાર." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે ફોન કાપી નાખ્યો.

ગણેશને શહેર ન છોડવાની અને મોબાઇલ ચાલુ રાખવાની સૂચના આપીને ઇન્સ્પેક્ટર ઠાકોર પોલીસ મથક પર આવી ગયા. પછી અનિલભાઇના મોબાઇલના કેટલાક સંપર્ક નંબરો પર ફોન કરી માહિતી મેળવી લીધી.

"સાહેબ, ગણેશે જ તેમની હત્યા કરી હશે અથવા તેને કારણે આત્મહત્યા કરી હશે એવું લાગે છે."

"ધીરાજી, લાગે છે તો એવું જ પણ એ માટેનો એકપણ પુરાવો આપણી પાસે નથી. આપણે ગણેશને કાતિલ માનીને કેસ કરીએ તો કોર્ટમાં પુરાવાના આધારે એ છૂટી જ જાય. એણે હત્યા કરી હોય તો પણ પુરાવા છોડ્યા નથી. અને પુરાવા જેને માનું છે એ બીજા કોઇના હોય શકે."

ઇન્સ્પેક્ટર ઠાકોર થોડીવાર આંખો બંધ કરીને વિચારવા લાગ્યા. બિલ્ડિંગના ભાડૂઆતો સાથેની અની ગણેશની વાતો પછી આખા કેસ દરમ્યાન ધ્યાને આવેલી બાબતો પર મનન-મંથન કરીને તેમણે ધીરાજીને કેટલીક સૂચનાઓ આપી.

ઇન્સ્પેક્ટર ઠાકોર ત્રણ માળની બિલ્ડિંગ પર પહોંચ્યા. ધીરાજીએ સારનાથ, તેના બંને ભાડૂઆત અને ગણેશને બોલાવી લીધા હતા.

હાજર બધાં ઇન્સ્પેક્ટર ઠાકોર પર નજર રાખીને બેઠા હતા. ગણેશનો ચહેરો ભયથી લીંપાયેલો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"ગણેશ, તેં પિતાની હત્યા કરીને એને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જે સંપત્તિ માટે તેં હત્યા કરી એ એટલી મામૂલી છે કે તારો ખર્ચ એક વર્ષ સુધી જ ચાલી શકે એમ હતી. એની સામે હવે આખી જિંદગી જેલમાં સબડવું પડશે...."

"મને તો વિશ્વાસ જ હતો કે આ કૃત્ય લાલચી ગણેશનું જ હશે. હું તમને કહેતો હતો ને સાહેબ.. કે ગણેશના આંટાફેરા વધી ગયા છે..." ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળીને સારનાથ પોતાની ખુશી છુપાવતા બોલતો હોય એમ બધાંને લાગ્યું.

"સારનાથ, અનિલભાઇના મૃત્યુથી ગણેશ કરતાં તને વધારે લાભ થવાનો હતો. એટલે તેં જ હત્યા કરી હશે...." ઇન્સ્પેક્ટર ઠાકોરની આવી વાતથી સારનાથના ચહેરા પરથી જાણે લોહી ઊડી ગયું.

ગણેશ તરફ તકાયેલી રિવોલ્વર પોતાના તરફ અચાનક ફેરવાઇ ગઇ હોય એમ એને લાગ્યું.

હું? હું શા માટે હત્યા કરું? મને તો ભાડું આપી દેતા હતા. મને બીજો શો લાભ થવાનો હતો?" સારનાથનો સ્વર ફાટવા લાગ્યો હતો. ધીરાજીએ તેની ધરપકડ કરી લીધી.

"સારનાથ, અનિલભાઇની હત્યા ગણેશે નહીં તેં જ કરી હોવાનું સાબિત થયું છે. મેં એ જોવા ગણેશનું નામ લીધું કે તું મારી વાતમાં સૂર પુરાવે છે કે નહીં? ગણેશનું નામ લીધા પછી તને એમ થયું કે હું બચી ગયો છું..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે ગણેશને અનિલભાઇનો મોબાઇલ આપતાં કહ્યું:"આ મોબાઇલમાં એડવોકેટ વિરેશનો નંબર પણ હતો. મેં મોબાઇલમાં 'એડવોકેટ'ના નામથી સેવ થયેલા નંબરો પર ફોન કર્યા ત્યારે વિરેશ પાસેથી જાણવા મળ્યું કે તેમની પાસે અનિલભાઇ અને સારનાથનો ભાડૂઆત-માલિક વચ્ચેનો ઝઘડાનો કેસ હતો. સારનાથે બિલ્ડિંગ તોડીને નવી બનાવવા અનિલભાઇને ઘર ખાલી કરવા કાનૂની નોટીસ આપી હતી. તેની સામે અનિલભાઇએ સ્ટે લીધો હતો. તે દસથી વધુ વર્ષથી રહેતા હોવાથી તેમનો કેસ મજબૂત હતો. અને વર્ષો સુધી તેનો નિકાલ થાય એમ ન હતો. અનિલભાઇને ઘરમાંથી કાઢવાની યોજના સાકાર થવાની ન હોવાથી સારનાથે તેમને આ દુનિયામાંથી જ કાઢી મૂકવાનો પ્લાન બનાવ્યો. બીજા બંને ભાડૂઆત પણ અગિયાર મહિનાના જ છે. દર વર્ષે નવા ભાડૂઆત લાવે છે જેથી અનિલભાઇની જેમ કોઇ છોડવાની ના પાડી ના શકે. અને સુકલકડી અનિલભાઇ જેવા ચાર માણસ ખસેડી શકે એવો લાકડાનો બેડ એકલો સારનાથ જેવો તંદુરસ્ત માણસ જ ખસેડી શકે. કબાટમાંથી જે કાગળ ચોરી થયા હતા એ તેમના કેસના જ હતા. સારનાથ, એ દિવસે તું મોબાઇલ ઘરે મૂકીને અહીં આવ્યો હતો. પણ નજીકની બે જાહેર જગ્યાએ તું સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. તેં દોરડું ખરીદ્યું એ દુકાનનો પણ એ કેમેરામાં તારી પાસેની બાઇક પરની દોરડાની પ્લાસ્ટીકની બેગ પરથી જ અમે પત્તો મેળવ્યો હતો. સારનાથ, હવે તું જ તારા સ્વાર્થની આખી કહાણી બતાવ..."

સારનાથ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. અનિલભાઇને ગળેફાંસો આપવાનો જડબેસલાક પ્લાન પોતાના ગળામાં ફાંસીનો ગાળિયો લઇ આવશે એવી સપનામાં પણ શક્યતા તેણે જોઇ ન હતી. તે રડમસ અવાજે બોલ્યો:"મારાથી મોટી ભૂલ થઇ ગઇ. અનિલભાઇ ઘણા વર્ષોથી રહેતા હોવાથી એમને કાઢીને આ બિલ્ડિંગ તોડી જમીન મોંઘા ભાવથી વેચવા માગતો હતો. મેં એડવોકેટ વિરેશને પણ મોટી રકમની લાલચ આપી જોઇ કે અનિલભાઇનો કેસ છોડી દે અથવા મારા તરફી ચુકાદો લાવે. તે માન્યો નહીં. છેલ્લે મારે અનિલભાઇને હટાવવાનો ઉપાય કરવો પડ્યો. મને એમ કે મોટી ઉંમર છે અને દીકરો એના પૈસાનો ભૂખ્યો છે એટલે મારું નામ તો આવશે જ નહીં. મેં કબાટમાંથી કેસના કાગળો પણ ચોરી લીધા હતા. કોઇને આ વાતની જાણ થવાની ન હતી. એ દિવસે હું અનિલભાઇને સમજાવવાના બહાને બપોરે કોઇ આવતું-જતું ના હોય એવા સમય પર ગયો હતો. હું હાથ-પગમાં મોજાં પહેરીને જ ગયો હતો. મને જોઇને અનિલભાઇએ મોં ફેરવી લીધું. મને મોકો મળી ગયો. મેં હાથમાં રહેલી કાપડની થેલીમાંથી દોરડું કાઢ્યું અને ગળે ફાંસો આપી લટકાવી દીધા. પછી આત્મહત્યા દેખાય એ માટે બેડ મહામહેનતે ખસેડ્યો અને તેમની નીચે ખુરશી આડી પાડી દીધી. મને ખબર ન હતી કે તમે મારો આખો પ્લાન ઊંધો પાડી દેશો...મારું નસીબ મને એટલે સારું લાગતું હતું કે ગણેશ એ દિવસે બિલ્ડિંગમાં આવ્યો હતો...."

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"નસીબ તો ગણેશનું સારું હતું. મને આ બેડ પરથી જ પાકી ખાતરી થઇ ગઇ હતી કે તેને અનિલભાઇ જેવા પાતળા વૃધ્ધ કે ગણેશ જેવો નબળો છોકરો હટાવી ના શકે."

ગણેશ ઇન્સ્પેક્ટર ઠાકોરના પગમાં પડી ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને ઊભો કરતાં કહ્યું:"હવે તારા બધા ખોટા ધંધા છોડી દે અને આ ઘરમાં જ રહેવા આવી જા. જે બાકીની સંપત્તિ છે એનો સદુપયોગ કરીને શાંતિથી જીવન જીવી લે...."

***

વાચકમિત્રો, આપના પ્રેમને કારણે જ મને માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો હતો.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે.

અને જેના મે-૨૦૨૦ માં પહેલા પ્રકરણને ૮૮૦૦ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે એ માતૃભારતી પરની મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

***