ભાગ - 4 મા આપણે જોયું કે જૈનીષના જન્મથી બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં નવું પરિવર્તન આવે છે. બંને પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને નવું જીવન મળે છે. જૈનીષને મંદિરે ભગવાનના દર્શન કરવા લઈ જવામાં આવ્યો હોય છે. જ્યાંથી મંદિરના પૂજારી દ્વારા બીનીતભાઈને તેમના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ અપાવવા માટે કહેવામાં આવે છે. તરત જ બીનીતભાઈ અને રમીલાબેન પોતાના ગામ જવાની તૈયારી કરે છે. ગામમાં ઈશ્વરભાઈ અને શાંતાબેન બંને પોતાના પૌત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પુત્ર બીનીતભાઈ અને પુત્રવધૂ રમીલાબેનના આગમન બાદ તેઓ પોતાના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ જૈનીષને અપાવવા લઈ જાય છે. જૈનીષને મુખ્ય પૂજારી દ્વારા આશીર્વાદ રૂપે રુદ્રાક્ષની માળા પેહરાવામાં આવે છે. જૈનીષને રુદ્રાક્ષની માળાથી અનોખો લગાવ થતો જાય છે, જે એને આગળ જતા લઈ જશે તેની નિયતી દ્વારા નિર્ધારિત કરેલ દિશા તરફ. હવે આગળ,
બીનીતભાઈ અને રમીલાબેન આખા દિવસના કામકાજ ને અંતે તેમના લાડકવાયા જૈનીષ સાથે રોજ સમય વિતાવે છે. તથા તેના બાળપણને ખૂબ મન ભરીને માણે છે. દિવસ દરમિયાન બીનીતભાઈ પોતાની નોકરીમાં તથા રમીલાબેન ઘરના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. આ કારણે દિવસમાં નાનો સમ્રાટ જૈનીષ હંમેશા પડોશીઓની દેખરેખમાં જ રમતો હતો. આ પડોશીઓમાં અમુક બીનીતભાઈના શેઠના સંબંધીઓ તો અમુક એમની સાથે કામ કરતા લોકોનો પરિવાર હોય છે.
આ જ સમયગાળામાં બીનીતભાઈની બાજુમાં એક નાનો પરિવાર બીજા ગામથી રહેવા માટે આવે છે. પરિવારના ત્રણ સભ્યોમાં પતિ, પત્ની અને તેમની એક નાની છોકરીનો સમાવેશ થાય છે. પરિવારના મુખ્ય સભ્યનું નામ દિનેશભાઈ અને તેમની પત્નીનું નામ શાલિનીબેન હોય છે. દિનેશભાઈ અને શાલિનીબેનની પુત્રીનું નામ દિશા હોય છે. જે લગભગ નાના જૈનીષની જ ઉંમર જેટલી હોય છે.
બીનીતભાઈની જેમ દિનેશભાઈ પણ આખો દિવસ નોકરીમાં રચ્યાપચ્યા રહેતા હતા. તથા રમીલાબેન અને શાલિનીબેન ઘરના કામકાજમાં રોકાય રહેતા. આથી બંને ઘરના નાના બાળકો એટલે કે જૈનીષ અને દિશા હંમેશા પડોશીઓ સાથે જ રમતા હોય. નાનપણથી જ બંને સાથે રમીને મોટા થાય છે અને બંને પરિવારો વચ્ચે ઓળખાણનું કારણ પણ બંને નાના બાળકો જ બને છે. જૈનીષ અને દિશાની નાનપણમાં મુલાકાત અને દોસ્તી અનાયાસે જ થઈ કે એમાં પણ નિયતિની કોઈ યોજના સામેલ છે એ તો આવનારો સમય જ કહેશે. પણ એટલું જરૂર કહીશ કે ભવિષ્યમાં જૈનીષના જીવનમાં દિશાનું સ્થાન મહત્વપૂર્ણ હશે.
ધીરે ધીરે સમય જતાં જૈનીષ મોટો થઈ ગયો અને જોતજોતામાં એને સ્કુલમાં અભ્યાસ માટે દાખલ કરવાનો સમય પણ આવી ગયો. બીનીતભાઈ અને દિનેશભાઈ બંને પોતાના પુત્ર અને પુત્રીને એક જ સ્કુલમાં મુકવાનું નક્કી કરે છે. નાનપણની મિત્રતા અને એકબીજાને ઓળખતા હોવાથી જૈનીષ અને દિશા સ્કુલમાં બહુ જલદીથી એડજેસ્ટ થઈ જાય છે. સ્કુલમાં બંને હંમેશા સાથે જતાં આવતા અને કલાસમાં બંનેની બેઠક પણ આજુબાજુમાં જ રહેતી. ઘરે આવીને સ્કુલનું હોમવર્ક પણ સાથે કરતા અને એકબીજાને ભણવામાં સહાય પણ કરતા. બંનેને જોઈને પડોશીઓ અને બીજા તેઓને જોનારા બંનેને હંમેશા રાધાકૃષ્ણની જ જોડી જ કહેતા.
બંને પરિવારો સારા પ્રસંગ અને તહેવારો સાથે ઉજવતા સાથે સાથે બંને પરિવારો વચ્ચે પ્રસંગોપાત બનતા ભોજનની પણ આપ લે થઈ જતી. વર્ષના મોટાભાગના તહેવારો હોય કે પછી એક બીજાના જન્મદિવસની શુભકામનાઓ, જૈનીષ અને દિશા પહેલાં એકબીજાને જ આપતા, ત્યારબાદ જ એકબીજાના ઘરે જઈને વડીલોના આશીર્વાદ લેતા. હવે તો બંને પરિવારો પણ બીજા રહીશો અને પડોશીઓની જેમ જૈનીષ અને દિશાને રાધાકૃષ્ણના હુલામણા નામથી જ બોલવતા. નાનપણમાં સાંભળેલી વાતોની જૈનીષ અને દિશાને અસર જરૂર થાય છે. રાધાકૃષ્ણની જેમ બંને એકબીજા વગર અધૂરા જ લાગતા.
આગળ જતાં શું થશે જૈનીષ અને દિશાના જીવનમાં ?
કેવી રીતે શરૂ થશે જૈનીષની સમ્રાટ બનવાની સફર ?
એના માટે વાંચતા રહો આગળના ભાગ....
🕉️ હર હર મહાદેવ 🕉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏