Lagniyo Nu Shityuddh - Chapter 2 in Gujarati Fiction Stories by Aadit Shah books and stories PDF | લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 2

Featured Books
Categories
Share

લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 2

પ્રકરણ - 2

જિંંદગી જ્યારે પણ

કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ સાથે

તમને મળાવે ત્યારે,

સમજી લો ....

એ વ્યક્તિ સાથે તમારો એવો

સંબંધ જોડાવા જઈ રહ્યો છે જે આજીવન

તમારા માટે યાદગાર બની રહેશે....

નુપૂરના વિક્ષેપ બાદ, અનંતે અનુભવ્યું કે તે થાકી ગયો હતો કારણ કે તે છેલ્લા પોણા કલાકથી બારી આગળ ઊભો હતો. તે આવીને પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠો અને સામેના ટેબલ પર પડેલા બેલની સ્વિચ દબાવીને લાલજીને બૂમ પાડી. લાલજીએ ઘંટડીનો અવાજ સાંભળ્યા પછી કેબિનનો દરવાજો ખખડાવ્યો અને અનંતનો કમ ઈનનો ઓર્ડર સાંભળ્યા પછી અંદર પ્રવેશ્યો.

જે રીતે લાલજી અનંતની પસંદગી અને એના ડેઈલી રૂટિન બંનેથી પરિચિત હતો, એ કેબિનમાં ફ્રેશ સ્ટ્રોબેરીની ડિઝાઇન કરેલી એક્રેલિક ટ્રેમાં કેપુચિનોના મગ સાથે પ્રવેશ્યો. કોફી પીતી વખતે, અનંતનો અંગૂઠો તેની વૈભવી સાથે આગલી રાતે થયેલી ચેટ શોધવાનો પ્રયત્ન કરતો હતો અને તે ચેટ્સને સ્ક્રોલ કરતી વખતે, તેનો ચહેરો ભૂતકાળની યાદોમાં સરી પડવાને લીધે ગુસ્સો અને પ્રેમના હાવભાવનો મિશ્રણ બની ગયો.

લગભગ દસ મિનિટની મથામણ પછી જ્યારે ત્યારે તેણે VIVO NEX ની Whatsapp સ્ક્રીન પર વિવિધ કંપનીઓ સાથેની બિઝનેસ ડીલ્સ અને એગ્રીમેન્ટ સાથે સંકળાયેલા તમામ ચેટ્સમાં વૈભવીનું ચેટ બૉક્સ શોધ્યું, ત્યારે રાહતનો શ્વાસ લીધો. અનંતે જાણે રેગિસ્તાનમાં કોઈ ભૂલા પડેલાં રાહીને માત્ર મરીચિકા જોઈને જે આનંદની પ્રાપ્તિ થાય એવી અનુભૂતિ મેળવી.

# # #

"વૈભવી, - વાર્તાનું મુખ્ય પાત્ર, જેને આપણે અનંતના શાંત જીવનમાં ફેરફાર લાવવા માટે મજબૂત કારણ તેમજ કડવા પરિબળ તરીકે વિચારી શકીએ છીએ. અનંત થોડા વર્ષો પહેલાની યાદો યાદ કરતાં કરતાં છેલ્લા રાતની ચેટ વાંચી રહ્યો હતો. કેટલો સુંદર પણ ગોઝારો (!?!) દિવસ હતો જ્યારે એ સુરતમાં વૈભવીને પહેલી વાર મળ્યો હતો.

# # #

સુરતમાં તે અત્યાર સુધીની સૌથી ખરાબ અને સૌથી કાળી વરસાદી સાંજ હતી. એસ.એસ. ગાંધી કોલેજના મેઈન ગેટ આગળ કોઈ બરફથી થીજેલા થાંભલાની જેમ અનંત ઊભો રહ્યો હતો. પોતાને બી.ઇ. ની ડિગ્રી પ્રાપ્ત કરતો જોવાના એની મા ના એકમાત્ર સ્વપ્ન પૂરું કરવાના ઉદ્દેશ સાથે અનંત હંમેશ માટે અમદાવાદને છોડી ચૂક્યો હતો. એડમિશનની કંટાળાજનક અને લાંબી પ્રક્રિયાને પૂરી કર્યા પછી, જ્યારે તે પાછો પોતાના હોસ્ટેલ તરફ આવી રહ્યો હતો ત્યારે એકાએક જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

વરસાદને લીધે અનંત નખશિખ ભીંજાયેલો હતો. રસ્તા પર એક પણ વાહન રોકાવા માટે તૈયાર નહોતું અને થોડી જ પળોમાં ભીડ ભરેલો આખો વિસ્તાર ખુલ્લા પ્લોટમાં ફેરવાઈ ગયો. ખૂબ જ વિચિત્ર વાતાવરણ હતું એ દિવસે !!! મનમાં હતાશા અને થોડા ગુસ્સાને લીધે એણે ચિડાઈને એક ખાલી નારિયેળને જોરથી લાત મારી અને એ નાળિયેર ગબડતાં ગબડતાં આ વિચિત્ર હવામાનને લીધે સામેથી આવી રહેલી છોકરીને જઈ ભટકાયું.

વરસાદને લીધે જમીન તો કાદવવાળી હતી જ અને હવે એ છોકરીના કપડાં પણ. જ્યારે અનંતે તેના ગુસ્સાવાળા હાવભાવ અને ચહેરાની અભિવ્યક્તિઓ જોઈ, તે તરત જ તેની તરફ ધસી ગયો અને પોતાની પર્પઝલેસ ભૂલ માટે માફી માંગી. વાતાવરણની ઠંડકના લીધે એનો અવાજ ધ્રૂજી રહ્યો હતો. એના શબ્દો થોથવાઈ રહ્યાં હતા. એ છોકરીએ ત્રાંસી આંખે અનંતની સામે જોયું અને પોતાનું મોઢું મચકોડ્યું. અનંતની માફી અને એની ફોર્માલિટીને અવગણીને, તેણે કાદવ ઉછાળતી પૂરપાટ જતી એકલદોકલ રિક્ષાને રોકવાનો પ્રયાસ કરવાનું શરૂ કર્યું. કેટલીક ક્ષણો પછી, તેણે અનંતને સમય પૂછ્યો. અનંતે પણ એનાં હાવભાવ જોયા પછી ટૂંકો જવાબ આપવાનું પસંદ કર્યું, “સાડા આઠ”.

એડમિશનની કંટાળાજનક પ્રક્રિયાને લીધે, તે કંટાળી ગયો હતો તેથી તેણે પેલી અજાણી છોકરીની સાથે વાત કરવાનો અને ચાલવાનો નિર્ણય કર્યો અને તેણે તે માટે તેને પૂછવાની હિંમત પણ કરી. એ છોકરી પણ જાણતી હતી કે ખૂબ મોડું થઈ ગયું છે અને એમ પણ કોઈ વાહન રોકાવા કે મળવાના એંધાણા ન હતા, તેથી એ નિર્જન માર્ગ પર ઓટો કે કોઈ વાહનની રાહ જોવાને બદલે તેણીએ અજાણી વ્યક્તિ સાથે ચાલવામાં જ પોતાનું ભલું સમજ્યું. છોકરીને પણ ઉધના સુધી જ જવાનું હતું તેથી તે અંતે સંમત થઈ. બન્ને કેટલીક પળો માટે શાંત રહ્યા પણ પછી ધીમે રહીને અનંતે વાત કરવાનું શરૂ કર્યું.

"બારમા માં કેટલા ટકા આવ્યા ?"

"82.15%"

"હમ્મ ..."

"ને તમારે ?, તેણીએ અનંતને પૂછ્યું.

"84.00 ટકા એસ.એસ.સીમાં અને પછી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જીનિયરિંગ" , અનંતે ખંધૂ હસતાં હસતાં જવાબ આપ્યો. એની જવાબ આપવાની રીતથી જણાતું હતું કે જાણે એણે એન્જિનિયરિંગ કરીને કોઈ મજાક કરી હતી.

"તો તમે શું વિચારો છો?", તેણીએ પૂછ્યું.

"શેના વિશે ? કોના વિશે ?"

"શું તમને લાગે છે કે તમને ગાંધી કેમ્પસમાં એડમિશન મળશે ?"

"ચોક્કસ ..!, કારણ કે ગયા વર્ષે મેરિટ લગભગ 14 CGPA હતી", અનંત જવાબ આપ્યો.

"પરંતુ ગુજરાત સરકારે જે રીતે પરિણામો જાહેર કર્યા છે, તેના પરથી પ્રવેશ મેળવવું શક્ય લાગતું નથી", તેણીએ કહ્યું.

"શા માટે ?", અનંતનો અવાજ થોડો ઢીલો પડી ગયો. એના અવાજમાં થોથપની સાથે સાથે એની મમ્મીનું સ્વપ્ન તૂટવાની પણ ભીતિ હતી. તેનો અવાજ ભીંજાવાને કારણે ધ્રૂજી રહ્યો હતો અને વરસાદ હજી પણ સતત ચાલુ જ હતો.

એ છોકરી પાસે કોઈ જવાબ ન હતો. તેઓ બંને મજૂરા ગેટ સુધી પહોંચવાના હતા. અચાનક જ થોડે દૂરથી એક ઓટો દેખાઈ અને અનંતએ તેને પોતાની નજીક આવતાવેંત જ રોકી લીધી. ઓટોમાં બન્ને ગોઠવી ગયા. બંને ઠંડી લાગવાને કારણે થથરી રહ્યા હતા. બંને એકદમ ચૂપ હતા અને શાયદ ધીમા અવાજે વાગી રહેલું ગીત માણી રહ્યા હતા. 94.3 માય એફએમ પર "રાત કે હમસફર થક કે ઘર કો ચલે..." ગીત વાગી રહ્યું હતું. હંમેશા મોડે રાત સુધી મહેફિલ માણતી સુરતની સડકો આજે સૂમસામ અને ભેંકાર ભાસતી હતી. લગાતાર ચાર કલાકની ધુઆધાર વરસાદી બેટિંગે સુરતીઓને એમના જ ઘરમાં જકડી લીધા હતા.

છેલ્લે, ઓટો ઉધના દરવાજા રોકાઈ અને છોકરી ઓટોમાંથી ઊતરીને આગળ વધી. તેણીએ ભાડું ચૂકવવા પર્સ કાઢ્યું પણ અનંતે ડ્રાઇવરને આગળ વધવા માટે ઈશારો કર્યો. અંતે જતાં જતાં તેણે એ છોકરીને એનું નામ પૂછ્યું, જે સાંભળવા માટે આખા રસ્તે ચાલતી વખતે આતુરતાથી રાહ જોયઈ રહ્યો હતો.

"વૈભવી, વૈભવી પટેલ."

"વૈભવી..., તે મનમાં કઈંક બબડ્યો.

"હા, કેમ ? કોઈ તકલીફ છે ?"

"બિલકુલ નહિ.. "., અનંતે નકારમાં માથું ધુણાવ્યું.

"ખૂબ જ સરસ નામ છે", તેમણે આછું સ્મિત ઉમેર્યું અને ડ્રાઈવરે રિક્ષા મારી મૂકી.

વૈભવી દૂર સુધી ધુમ્મસભર્યા વેપર લાઈટના અજવાળામાં અદ્રશ્ય થતી રિક્ષાને સસ્મિત, અપલક નજરે જોઈ રહી રતી તો બીજી બાજુ આખી રાત અનંત માત્ર એક જ નામ - વૈભવી જપતો જતો હતો.

# # #