આર્યાને દોડી જતા અનિરુદ્ધના પિતાજીએ જોઈ, એમને પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી.
આર્યા માટે અનિરુદ્ધ નું ઘર એકદમ અજાણ્યું હતું, એણે અગાઉ રસોડું જોયું હતું. એ રસોડામાં પહોંચી, અનાથાશ્રમમાં એ રહેતી અને જ્યારે પણ કોઈ બાબતે મૂંઝવણ અનુભવતી ત્યારે સીધી રસોડામાં જ પહોંચી જતી. ત્યાં જઈને એ કંઈપણ રસોઈ બનાવવા લાગી જતી, એની નિરાશા અને દુઃખ દૂર કરવાની આ એક રીત હતી.
એણે વિચારમાં ને વિચારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું, અનિરુદ્ધના ઘેર રોજ આવતા રસોઈયા મહારાજ આર્યા સામે તાકી રહ્યા, અનિરુદ્ધના પિતાજીએ એમને ચૂપ રહેવા ઈશારો કર્યો.
આર્યાને ખ્યાલ ન હતો કે એ કોની પાસે વસ્તુઓ માગી રહી છે,
"બટાકા લાવો... ચણાનો લોટ લાવો... તેલ લાવો...." એ માગતી ગઈ અને મહારાજ અને પપ્પાજી વસ્તુઓને હાજર કરતા ગયા.
ભજીયા બની બનીને ઢગલો થઈ રહ્યો હતો. પપ્પાજી અનિરુદ્ધના રૂમમાં જઈને એને બોલાવી લાવ્યા. અનિરુદ્ધને આવો ભારે ખોરાક ખાવાની બિલકુલ મનાઈ હતી, પરંતુ આ તો આર્યા એ બનાવેલી રસોઈ હતી, મહારાજ ચૂપચાપ ભજીયા લઈ આવ્યા, ત્રણેય ટેબલ પર બેઠા.
"વાહ!! મહારાજ... મારી જિંદગીમાં મેં પહેલી વાર આટલા ટેસ્ટી ભજીયા ખાધા, ખૂબ સરસ... મહારાજ..."
પપ્પાજી અને મહારાજ ખાતાં ખાતાં અનિરુદ્ધ સામે મરક મરક હસી રહ્યા હતા, અનિરુદ્ધની નજર આમતેમ ફરી રહી હતી. આર્યાને કશે ન જોતાં એ ઊભો થયો.
"તું જેને શોધે છે એ રસોડામાં છે, અને એણે જ આ ભજીયા બનાવ્યા છે, મહારાજે નહીં." કહીને ફરી પપ્પાજી હસવા લાગ્યા.
"હું કોઈને શોધતો નથી, મારે તો પાણી પીવું છે."
મહારાજ અનિરુદ્ધ માટે પીવાનું પાણી લેવા જતા હતા ત્યાં પપ્પાજીએ એમનો હાથ પકડી રાખ્યો.
"બસ કરો મેડમ... મારે આખા ગામ ને નોતરૂ આપવાનું નથી તે તમે મંડી પડ્યા છો."
અનિરુદ્ધે કહ્યું ત્યારે આર્યાની તંદ્રા તૂટી, ભજીયાના ઢગલા તરફ જોઈને એ ગભરાઈ,
"ઓહ... મારું ધ્યાન બિલકુલ ન હતું, આ મેં શું કર્યું??"
ફરી અનિરુદ્ધ આર્યાની નજીક ગયો, ફરી આર્યાને ધકધક થવા લાગ્યું, આર્યાએ પોતાના બંને હાથ આગળ કર્યા, અનિરુદ્ધ થોભ્યો નહીં, આર્યાએ એના બંને હાથ અનિરુદ્ધના શર્ટ પર અડાડી દીધા.
"હાઉ ડેર યુ?...."
અનિરૂદ્ધ શું બોલે છે એ સાંભળ્યા વગર જ એ દોડી ગઈ,
"આ તે છોકરી છે કે વાવાઝોડું? જ્યારે જુઓ ત્યારે ભાગમભાગ જ કરતી હોય છે."
***
"આ તમારી દવા અને હળદરવાળું દૂધ." આર્યા પ્લેટ લઈને ઉભી હતી.
"તારે તકલીફ કરવાની કોઈ જરૂર નથી, વિનુ ક્યાં છે?"
"પપ્પાજીએ એને રજા આપી દીધી છે, અને કહ્યું છે કે હવે તમારું બધું કામ મારે કરવું."
"ઓહ... આ સારું છે, પપ્પાજીને સાધી લો એટલે તમારું કામ થઈ ગયું."
"મારે તમારી સાથે કોઇ ચર્ચા કરવી નથી, હું સામે ત્યાં સોફા પર સુતી છું કશું કામ હોય તો કહેજો."
આર્યાએ લોટ વાળો લગાડેલો શર્ટ અનિરુદ્ધ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ વાગ્યું હતું એ હાથ બિલકુલ હલતો ન હતો, આર્યા સુતા સુતા જોઈ રહી હતી પરંતુ અનિરુદ્ધ એને મદદ માટે બોલાવી રહ્યો ન હતો. છતાં પણ આર્યા ઉભી થઇ અને ત્યાં પહોંચી,
"ઘણી વખત માણસ મુસીબતમાં હોવા છતાં અહંકાર છોડી શકતો નથી, કોઈની મદદ માંગવાથી નાના બની જવાતું નથી."કહીને આર્યાએ એની મદદ કરી. પછી પોતાની જગ્યાએ જઈને સુઈ ગઈ.
અનિરુદ્ધ એની સામે જોઈ રહ્યો, સામાન્ય સંજોગોમાં પોતાને આવું કોઈ કહી જાય તો એને ગુસ્સો આવ્યા વગર રહે જ નહીં પરંતુ એને આર્યા પર ગુસ્સો આવ્યો નહીં, આર્યાની આંખો બંધ હતી, એના મોં પર શાંતિ પથરાયેલી હતી.લગ્ન થયા પછી એના મોં પર કંઈક અલગ જ આભા આવી ગઈ હતી. અનિરુદ્ધ એકીટશે એની સામે જોઈ રહ્યો.
***
"આમ તો મેં નક્કી કર્યું હતું કે હવે કોઈ દિવસ તારા ઘરનું પગથિયું નહીં ચડું."
"તો કેમ આવી અનન્યા."
"યુ આર સો રુડ અનિરુદ્ધ, એક તો હું તારી ખબર પૂછવા આવી છું તે મારી સાથે આવું કર્યું છતાં પણ, અને તું આવુ બોલી રહ્યો છે? મને દગો આપતા તારો જરા પણ જીવ બળ્યો નહીં?"
"મેં તને દગો આપ્યો નથી, દગો કોને આપ્યો કહેવાય? મેં તને કશું પ્રોમિસ આપ્યું હતું? સમય અને સંજોગોને કારણે આ બધું થઈ ગયું, આ બધામાં મારી તો જરા પણ ઈચ્છાશક્તિ ન હતી."
"તને ખબર છે અનિરુદ્ધ, આપણે લગ્ન કરી ને ક્યાં ફરવા જઈશું, આપણા નવા ઘરને હું કેવી રીતે સજાવીશ, એ બધું જ મેં વિચારીને રાખ્યું હતું, અને તે શું કર્યું, અનિ પ્લીઝ, કેવી રીતે તારી શું મજબૂરી છે, હું જાણું છું કે તું એને ઝડપથી છૂટા-છેડા દઈ દઈશ, પણ ત્યાં સુધી તું એ બહેનજી સાથે કઈ રીતે રહી શકીશ?"
"તું છે ને!" કહીને અનિરુદ્ધ એ અનન્યાના ગાલે ટપલી મારી, અને નોંધ્યું કે દૂર ઊભેલી આર્યાના મોં પરના હાવભાવ કેવા પરિવર્તિત થાય છે. અનિરુદ્ધ ને જાણે મજા આવી રહી હતી.
***
અનિરુદ્ધના પિતાજીએ અનાથાશ્રમના બધા બાળકો અને યુવતીઓ માટે પાર્ટી રાખી હતી, અનિરુદ્ધ પોતાના હાથને લઈને ક્યાંય જઈ શકે એમ ન હતો એટલે એણે પાર્ટીમાં રહેવા સિવાય છૂટકો ન હતો. આર્યાની ખુશીનો પાર ન હતો, અનિરુદ્ધ વારંવાર એના મોં પર આવી જતા હાસ્યને જોતો હતો.
યુવતીઓ માટે તો આ જાણે સ્વપ્ન હતું, અનિરુદ્ધને આટલી નજીકથી જોવા, એની સાથે વાતો કરવા મળશે એ તો એ લોકોએ વિચાર્યું પણ નહોતું.
અનિરુદ્ધના હાથની તકલીફના કારણે જાણે એ વધારે દેખાવડો થયો હતો.
"જીજાજી સાહેબ, આપશ્રીને તો સખત પરિશ્રમ કરવાની આદત છે એટલે ઘેર રુચતું નહીં હોય, કિન્તુ મારી સખી ના મુખમંડળ સામે જોયા કરશો તો પણ તમારો ઘણો સમય વ્યતીત થશે. એને પરેશાન કરશો નહીં, નહીં તો એ એની પાકકળાનો પરચો પૂરશે અને આપનું ઘર ભિન્ન ભિન્ન વ્યંજનો વડે ભરી આપશે. એની આ ટેવ છે, પરેશાન હોય તો કોઈને કશું કહેવું નહીં અને રસોઈ બનાવતા રહેવું."
રેખાનું શુદ્ધ ગુજરાતી અનિરુદ્ધને ગલગલિયાં કરાવી રહ્યું હતું પરંતુ એ તો એક બુદ્ધિશાળી માણસ હતો એટલે એણે પણ ચલાવ્યું,
"હે સાળીજી, આપ આપની સખીની જે પાકકળાની ચર્ચા કરી રહ્યા છો એનો પરચો મને ગઈકાલે રાત્રે જ મળી ચૂક્યો છે. એણે બનાવેલા ભજીયાની સુગંધ વડે હજુપણ ભજીયાની દુકાનની જેમ મારું ઘર મઘમઘે છે."
બધા હસી પડ્યા અને નાના બાળકો સાથે રમી રહેલી આર્યા સામે અનિરુદ્ધ જોઈ રહ્યો.
"આર્યા, બેટા... અનિરુદ્ધને જોઈને લાગતું જ નથી કે એ કલેક્ટર છે, બંધ સાથે કેટલી સરળતાથી વાતો કરી રહ્યો છે. એનો ખ્યાલ રાખજે, બેટા! મારા તો માન્યામાં જ નથી આવતું કે કલેક્ટર સાથે તારા લગ્ન થઈ શકે. એનો સ્વભાવ કેટલો સરળ છે."
"અને ગુસ્સો ભયંકર છે."
આર્યા મનમાં જ બોલી.
અનિરુદ્ધ પોતાનો ફોન લઈને બાજુ પર ઊભો હતો, જયંત મંકોડી પાછળ એણે લગાડેલા માણસો એમનું કામ પૂરું કરવાની તૈયારીમાં જ હતા. ત્યાં અચાનક અનન્યા આવી ચડી.
"અનિરુદ્ધ, આ બધું શું છે? તેં બહેનજી ની સાથે સાથે આખા અનાથાશ્રમને અહીં તેડાવી લીધો?"
"એવું કશું નથી, પપ્પાએ આ લોકો માટે પાર્ટી યોજી છે."
"પણ ત્યારે અહીં શું જરૂર હતી આવવાની? આરામ કરવો હતો ને! આ ગોબરી પ્રજાને જોઈને તો તું વધારે માંદો પડી જઈશ!"
"શટ અપ અનન્યા, એ પણ આપણા જેમ માણસો જ છે, તને આવું બોલવાનો કોઈ હક નથી."
"અંકલ પ્લીઝ... ત્યાં ચાલો ને!" કહીને એક બાળક અનિરુદ્ધને ખેચવા લાગ્યો. "આ તમારી દીદીને પણ કહોને ત્યાં આવવા માટે."
એ બાળકની વાત સાંભળીને અનન્યા એકદમ ખીજાઈ ગઈ.
ક્રમશઃ