અંતિમ વળાંક
પ્રકરણ ૬
તે દિવસે રવિવાર હતો. ઇશાનને રજા હતી. તે કેમેરો ખભે લટકાવીને ફોટોગ્રાફી માટે ઘરની બહાર નીકળી જ રહ્યો હતો ત્યાં અચાનક તેનું ધ્યાન ટીવીમાં પ્રસારિત થઇ રહેલાં બ્રેકીંગ ન્યુઝ પર પડયું હતું. ઇશાનની નજર ટીવીના સ્ક્રીન પર ચોંટી ગઈ હતી. બીબીસી ન્યુઝ પર ગઈકાલે મોડી રાત્રે હિથ્રો એરપોર્ટ પરથી દુબઈ માટે ઉપડેલા પ્લેન ક્રેશ થઇ ગયાના સમાચાર દર્શાવાઈ રહ્યા હતા. ઇશાનનું હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું કારણકે આ એજ ફ્લાઈટ હતી જેમાં ઉર્વશીની ડયુટીનો છેલ્લો દિવસ હતો. ઇશાન ફાટી આંખે ટીવી પર પ્રસારિત થઇ રહેલા દ્રશ્યો નિહાળી રહ્યો. પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ દોઢસો પેસેન્જર્સ અને સમગ્ર સ્ટાફ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. એક પણ વ્યક્તિ બચી નહોતી. ન્યુઝમાં રજે રજ માહિતી આપવામાં આવી રહી હતી. એરક્રેશનું સાચું કારણ જાણવા મળે તે હેતુથી પ્લેનના બ્લેક બોક્સની શોધખોળ ચાલી રહી હતી. યાત્રીઓના લીસ્ટની સાથે સ્ટાફના નામ પણ ટીવીના સ્ક્રીન પર ઝળકી રહ્યા હતા. સ્ક્રીન પર “ઉર્વશી ઇશાન ચોક્સી”નું નામ જોઇને ઇશાનની આંખ સામે અંધારું છવાઈ ગયું હતું. તે છાતી પર હાથ રાખીને સોફા પર ફસડાઈ પડયો હતો. નજીકમાં જ રહેતો મૌલિક ટીવી ન્યુઝ જોઈને ઇશાન પાસે દોડી આવ્યો હતો. મૌલિકને વળગીને ઇશાન ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો. ઇશાનને આશ્વસ્ત કરવા માટે મૌલિક પાસે શબ્દો જ નહોતા. તેની આંખો પણ વરસી રહી હતી.
ઇશાનને હજૂ ગઈકાલે સાંજે ડયુટી પર જતાં પહેલાંના ઉર્વશીના શબ્દો યાદ આવી ગયા. ”ઇશાન, હાશ આજે છેલ્લી વારની ડયુટી છે. પ્લેનમાં ઉડી ઉડીને હવે એટલી હદે કંટાળી ગઈ છું કે પાંચેક વર્ષ સુધી તો એરપોર્ટ પર પણ નથી જવું”. ઇશાન રડતી આંખે બોલ્યો “મૌલિક, જે ઉર્વશી એરપોર્ટ સુધી પણ જવાની ના પાડતી હતી તે એકાએક અનંતની યાત્રાએ ઉપડી ગઈ... જયારે જયારે હું બાળક દત્તક લેવાની વાત કરતો ત્યારે પણ તે તેમ જ કહેતી. ”ઇશાન, હું તને છોડીને ક્યાંય જવાની નથી ઢળતી ઉમરમાં પણ તારો સહારો બનીને જ રહેવાની છું... આપણો પ્રેમ તો અમર પ્રેમ છે”.
મૌલિકે અસ્વસ્થ થઇ ગયેલા ઇશાનને ધીમેથી સોફા પર ઓશિકાના ટેકે બેસાડયો. ઈશાને રીમોટ વડે ટીવી ઓફ કરી દીધું. મૌલિકે ઇશાનને બોટલમાંથી ગ્લાસમાં પાણી કાઢીને આપ્યું. બંને વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું હતું ત્યાં જ તે મૌનને ચીરતી ડોરબેલ ઉપરા ઉપર રણકી. મૌલિકે દરવાજો ખોલ્યો. સામે ઉભેલી વ્યક્તિને જોઇને મૌલિક ખુશીથી ઉછળી પડયો. તેણે ચીસ પાડી... ”ઇશાન, જો તો ખરો કોણ આવ્યું છે?” ઈશાને અશ્રુભીની આંખે સોફા પર બેઠા બેઠા જ પાછળ ફરીને તે તરફ નજર કરી. ઇશાનની આંખમાં એકદમ ચમક આવી ગઈ. તેને તેની આંખ પર વિશ્વાસ ના બેઠો હોય તેમ તેણે બંને હાથ વડે ખુદની આંખો ચોળી. સામે ઉભેલી વ્યક્તિ મૌલિકને હળવેથી હગ કરીને અંદર પ્રવેશી. ઈશાને સોફા પરથી કુદીને ચીસ પાડી. ”ઉર્વશી” ઇશાનના અવાજના પડઘા ડ્રોઈંગ રૂમની દીવાલોમાં અથડાયા. ઈશાન લગભગ દોડીને ઉર્વશીને વળગી પડયો. હા... તે ઉર્વશી જ હતી. ઇશાન અને ઉર્વશીના ગાઢ આલિંગનનો મૌલિક ક્યાંય સુધી મૂક સાક્ષી બની રહ્યો. ઇશાનને તો જાણે કે તેની લુંટાયેલી દુનિયા પરત મળી ગઈ હતી. મૌલિકે પાણીનો બીજો ગ્લાસ ભર્યો. હજૂ પણ ઇશાન અને ઉર્વશી એક બીજાને વળગીને જ ઉભા હતા. “ઓ.. અમર પ્રેમીઓ હવે તો છૂટા પડો .. થોડુંક તો રાત માટે બાકી રાખો અને કમ સે કમ મારી હાજરીનો તો વિચાર કરો”. મૌલિકે હસતાં હસતાં મોટેથી મજાકના સૂરમાં કહ્યું. આખરે ઇશાન અને ઉર્વશી એક બીજાની પક્કડમાંથી અલગ થયા હતા. આખરે ત્રણેય સોફા પર બેઠાં એટલે ઉર્વશીએ વાતની શરૂઆત કરી. “ ઇશાન, મારી ફ્લાઈટ ઉપડવાને માત્ર ચાર કલાકની જ વાર હતી. અચાનક મને ચક્કર આવવા લાગ્યા. આવું પહેલાં ક્યારેય થયું નહોતું. હું ગભરાઈ ગઈ હતી. ઈમરજન્સીમાં ડોક્ટરને વિઝીટમાં બોલાવવામાં આવ્યા. ડોકટરે મારું બી. પી. માપીને મને આરામ કરવા માટે જણાવ્યું. તેમણે જે દવા પ્રીસ્ક્રાઈબ કરી તે સદનસીબે સ્ટાફ બોયને એરપોર્ટના જ મેડીકલ સ્ટોરમાંથી મળી ગઈ. મારી નાદુરસ્ત તબિયતને કારણે મારી ડયુટી કેન્સલ કરીને રજા પાસ કરવામાં આવી. મેં ઘરે પરત આવવાનો વિચાર કર્યો પણ બહાર સ્નોફોલ ચાલુ થઇ ગયો હતો વળી આમ પણ ડોક્ટરની સલાહ મુજબ મારે તાત્કાલિક આરામ કરવાની જરૂર હતી. હું એરપોર્ટના ગેસ્ટ હાઉસમાં જ રોકાઈ પડી. ઉર્વશી, કમ સે કમ તારે મને ફોન કરીને જાણ તો કરવી જોઈએને? હું તને ત્યાં આવીને લઇ જાત ને?” “ઇશાન, અ બધી ધમાલમાં મને જયારે તને ફોન કરવાનો વિચાર આવ્યો ત્યારે બહુ મોડું થઇ ગયું હતું. હેવી સ્નોફોલને કારણે તું એટલે દૂર એરપોર્ટ પર કઈ રીતે પહોંચે તે પણ એક સવાલ હતો. વળી ડોકટરે આપેલી દવામાં એવું ઘેન હતું કે મને ક્યારે ઊંઘ ચડી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. સવારે મોડી મોડી જાગી અને એરક્રેશના ન્યુઝ મળ્યા એટલે તરત ટેક્ષી પકડીને સીધી ઘરે આવી ગઈ... સોરી ઇશાન” ઉર્વશીએ બંને હાથ વડે કાન પકડીને કહ્યું.
“ઉર્વશી, ટીવી પર જે લીસ્ટ બતાવી રહ્યા છે તેમાં તારું નામ પણ છે”.
“હા ઇશાન, છેલ્લી ઘડીએ મારી ડયુટી કેન્સલ થઇ એટલે મારું નામ લીસ્ટમાંથી કાઢવાનું રહી ગયું હશે. એની વે તારી સામે જીવતી જાગતી બેઠી જ છું ને?”
“હા ઉર્વશી, આ તો ચમત્કાર જ થયો કહેવાય. ભગવાને જ તને મારા માટે બચાવી લીધી છે”. ઇશાન ફરીથી ગળગળો થઇ ગયો.
“ઈશાનિયા, અબ રોના ધોના બંધ કરો. શામ કો પાર્ટી કહાં દે રહે હો વોહ જલ્દીસે બતા દો”. મૌલિકે વાતાવરણ હળવું કરવાના ઈરાદાથી કહ્યું.
“મૌલિક, આજે તો લંડનની સૌથી મોંઘી હોટેલમાં જઈશું. ઈશાને મૌલિકની પીઠ પર ધબ્બો મારીને કહ્યું હતું. સાંજે ઇશાન ઉર્વશી અને મૌલિકને લઈને ખૂબ મોંઘી હોટેલમાં ડીનર લેવા માટે લઇ ગયો. બીલ આવ્યું એટલે મૌલિકે વિવેક કર્યો.. ”દોસ્ત, આજે તું ખુશ છે તે જોઇને મારી ખુશી બેવડાઈ છે. આ બીલ તો હું જ આપીશ”. ઈશાને મૌલિકનો હાથ પકડીને તેને પેમેન્ટ કરતો રોક્યો. બંને મિત્રો બીલ ચૂકવવા માટે જીદે ચડયા હતા તે જોઇને ઉર્વશીએ જ પર્સમાંથી પાઉન્ડની થોકડી કાઢીને બીલનું પેમેન્ટ કરી દીધું હતું. બંને મિત્રો મો વકાસીને ઉર્વશીની સામે જોઈ રહ્યા. ઉર્વશીએ પર્સની ચેન બંધ કરતા કહ્યું “જીવતદાન તો મને મળ્યું છે તેથી પાર્ટી મારે જ આપવાની હોય ને ? વળી આમ પણ આજે નોકરીમાંથી મુક્ત થઇ છું તેથી આઝાદીની ખુશીમાં મારે જ પાર્ટી આપવાની હોય”.
થોડી વાર બાદ સામે ડાન્સિંગ ફલોરમાં વેસ્ટર્ન મ્યુઝીકની તાલે યુવાનો અને યુવતીઓ કપલ ડાન્સ કરવા લાગ્યા. ઈશાને ઉર્વશીને સ્ટાઈલથી પૂછયું “શેલ વી ડાન્સ?” ઉર્વશીએ ઈશારા વડે જ ના પાડી કારણકે સાથે આવેલો મૌલિક એકલો ન પડી જાય તે પણ જોવાનું હતું. મૌલિક ના ધ્યાનમાં આ વાત આવી ગઈ. તેણે આગ્રહ કરીને બંનેને ડાન્સ ફ્લોર તરફ ધકેલ્યા. ઇશાન અને ઉર્વશી પરસ્પરની બાહોમાં સમાઈને તાલબધ્ધ ડાન્સ કરતા કરતા એક બીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા. થોડે દૂર બેઠો બેઠો મૌલિક તેના જીગરી યારની ખુશીનો સાક્ષી બની રહ્યો. આમ એક યાદગાર સાંજ ત્રણેયના જીવનમાં ઉમેરાઈ ચૂકી હતી.
ઉર્વશીના અવસાનના ખોટા સમાચાર ખરેખર તો ઇશાનના જીવનમાં થોડા સમય માટે આવેલી આંધી જ હતી. જીવનમાં કેટલાંક વાવાઝોડા માણસને કિનારાની નજીક લઇ જવા માટે પણ આવતા હોય છે. ઉર્વશીને ખુદના ચમત્કારિક બચાવથી જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવી ગયો હતો. તેને લાગી રહ્યું હતું કે કદાચ ગમે ત્યારે ઈશ્વરનું તેડું આવી પણ જાય. હવે તે ઇશાનને ક્યારેય એવું નહોતી કહેતી કે હું ઘડપણમાં પણ તારી સાથે જ હોઈશ... હું જ તારો સહારો હોઈશ. ઇશાનને હમેશાં બાળક દત્તક લેવાની ના પાડતી ઉર્વશીએ એક વાર સામેથી કહ્યું હતું “ઇશાન આપણે બાળક દત્તક લઈએ તો?”
ક્રમશઃ