Ek Adhuri dasta - 3 in Gujarati Love Stories by Hukamsinh Jadeja books and stories PDF | એક અધૂરી દાસ્તાં... - 3

Featured Books
Categories
Share

એક અધૂરી દાસ્તાં... - 3

3.
અમે ઘણી વાર માંડવીના દરિયા કિનારે ચાલ્યા હોઈશું. અવિ મારો હાથ પકડતો અને હું પાછળ પાછળ ચાલી નીકળતી. સંધ્યાના રંગો આધુનિક ચિત્રકલાની જેમ આમ તેમ ફેલાઈ જતા. આથમવા આવેલો સૂર્ય ઝીણું મલકી રહેતો. અમે કિનારે કિનારે ચાલ્યા કરતા.

અવિ મને દરિયામાં ખૂબ દૂર સુધી લઇ જતો. દરિયાનું ભીનું ગીત સાંભળતા અમે તરી રહેતા. એવી કેટલીયે સાંજ આજે પણ હૈયામાં અકબંધ સચવાઈ રહી છે.

‘અનુ, ચાલ તને કંઈક સંભળાવું.’ અને અમે દરિયાકિનારે આંખો બંધ કરી સૂઈ રહેતા.

‘સાંભળ, દરિયો ગાય છે.’

‘પણ... હું એ નથી સમજતી.’

‘બધી વસ્તુ સમજવાની નથી હોતી અનુ. કુછ અહેસાસ સિર્ફ જીને હોતે હૈ મય ડીયર.’

એની દ્રષ્ટિ અલગ હતી બધું જોવાની. સમજવાની. એની પ્રેમની રીત પણ અલગ હતી. અને મને એ બધું ગમતું. ક્યારેક વિચારતી તો આંખો છલકાઈ આવતી. એણે મને ખૂલ્લું આકાશ આપ્યું હતું. અને ઉડવા માટે પાંખો. એક જનમમાં ઘણું બધું પામી લીધું હોય એવું લાગતું.

એની સાથે રહીને મારી પ્રેમ વિશેની સમજ બદલાઈ હતી. ક્યારેક લાગતું કે પ્રેમ વિશે કોઈ કંઈ જાણતું જ નથી. પ્રેમ વિશેના પુસ્તકો માત્ર આભાસ કે છલ જેવા લાગતા હતા. પ્રેમ તમને તમારા સત્વ સુધી લઇ જાય છે. અને તમે સ્વને પામી લો છો. અને સ્વને પામી લીધા પછી બધું જ આપોઆપ પમાઈ જાય છે.

ન જાણે કેટકેટલીયે રાતો અમે એમ ને એમ સાથે બેસીને વિતાવી હતી.

‘અવિ જો, ચંદ્રમાં. આજે પૂનમ લાગે છે. અવિ ચંદ્રને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.’

‘હા, કારણ કે એમાં પણ પ્રેમ જેવી જ શીતળતા ભરેલી છે.’

‘પણ એમાં દાગ છે.’

‘એ દાગ નથી અનુ, અધૂરપની નિશાની છે.’

‘એટલે ?’

‘એટલે એમ કે કંઈ જ સંપૂર્ણ નથી હોતું.’

‘તો શું આપણો પ્રેમ પણ...અધુરો...’

‘ના. હું છું ને. હું એવું નહીં થવા દઉં.’

‘એટલું બધું ચાહે છે મને ?’

અને એ પોતાના હાથ પહોળા કરીને, ખૂબ પહોળા કરીને કહેતો...’આટલું.’

અને હું આંખોથી આખેઆખી છલકાઈ જતી...ધીમે ધીમે રાતો સરકતી જતી. સમ્બન્ધ નદીની જેમ વહ્યા કરતો...
એક વખત અમે બેઠા હતા ત્યારે તેણે કહ્યું હતું: ‘મારે તને કહેવું જોઈએ અનુ કે મારી જિંદગીમાં...કોઈ હતી...તારાથીયે પહેલા...’

એવું હું નહીં કહી શકું કે મને ખરાબ નહોતું લાગ્યું. એ જુઠ કહેવાશે. મને લાગ્યું હતું. હું રડી હતી કદાચ...પછીથી... પણ એમાં ખોટું શું હતું ? દરેકને પોતાનો એક ભૂતકાળ હોય છે. અને ભૂતકાળને લીધે કોઈનું વર્તમાન કેવી રીતે જજ કરી શકાય ?

અવિ બારી પાસે ઉભો હતો.જાણે દૂર દૂર કંઈક જોતો હોય તેમ...

‘અનુ, મારે તને બીજું પણ કહેવું જોઈએ કે-’

‘પણ મારે કંઇજ નથી જાણવું અવિ. અને એ જાણવાની જરૂર પણ નથી લાગતી. એનાથી કંઈ જ ફરક નહીં પડે. કંઈ જ નહીં...’

એમાં ખોટું ક્યાં હતું ? એ વાતો મારા આવ્યા પહેલાની હતી. તો મને શા માટે અસર થવી જોઈએ ? અને કોઈ કોઈને ચાહે એમાં ક્યાં ખોટું હોય છે. ખોટું તો એ છે જેમાં કોઈ એકબીજાને નફરત કરતું હોય. ચાહવું એ તો સારી વાત કહેવાય...

પ્રથમ વેલેન્ટાઇન ડે અમે એટલા જ પ્રેમથી ઉજવ્યો હતો. અમે દૂર સુધી મુસાફરી કરી હતી. ‘તેરા સાથ હૈ તો, મુઝે ક્યા કમી હૈ...’ એ જૂની હિન્દી ફિલ્મી ગીત ધીમું ધીમું વાગતું હતું. ગાડી ચલાવતા ચલાવતા અવિ સાથે સાથે ગાઈ રહ્યો હતો.
તેણે મને એક ઘડિયાળ ગીફ્ટમાં આપી હતી.
તેણે મને કહ્યું: ‘હું તને મારા સપનાની દુનિયામાં લઇ જાઉં તો તું ચાલે ?’

‘હા.’ મેં હસતા કહ્યું.

‘હું તને અનહદ ચાહું તો તને ગમે ?’

‘બહુ જ.’

‘હું સાથ માંગું તો તું આપે ?’

‘જિંદગી ભર આપું. અવિ હું કહું કે મારી જિંદગી અધુરી છે...’

‘તો હું તેને ભરી દઉં...’

અને એણે એવું કર્યું હતું. એક સપના જેવી દુનિયા મને આપી હતી. જે હકીકતમાં હતી. જેમાં સ્મિત હતું. આંસુ હતા. સાથ હતો. સૌથી વધારે પ્રેમ હતો.... એણે મને ચાહી હતી...મા બાળકને ચાહે છે એમ... આંસુ સ્મિતને ચાહે છે એમ... રણ વરસાદને ચાહે છે એમ... સુનકાર શબ્દોને ચાહે છે
એમ...અંધકાર પૂનમને ચાહે છે એમ...ગીત સંગીતને ચાહે છે એમ... હુંફ હૃદયને ચાહે છે એમ... રસ્તા પગરવને ચાહે છે એમ...ખંડેર પડઘાને ચાહે છે એમ...

આમ જોઈએ તો બધું જ કહેવાઈ ગયું હતું. એવું કંઈ બાકી રાખ્યું ન હતું. કોઈ અંગત પાસે આમ ઉલેચાઇ જવુંય આનંદદાયક હોય છે.

તે ઘણી વાર મને પૂછતો. ‘તને કંઈ જોઈએ છે અનુ ?’
અને હું માથું હલાવી હા કહેતી.

‘શું જોઈએ છે કહેને ?’

અને હું તેના પર આંગળી રાખી દેતી. તે પોતાની છાતી સરખી ચાંપી દેતો મને. અને હું તેનામાં ઓગળી જતી.

અમે ક્યારેક ઢળતી સાંજે તળાવના કિનારે પાણીમાં પથ્થર ફેંકતા બેસી રહેતા.

‘હું ન હોઉં તો તું શું કરે અનુ ?’

‘મેં વિચાર્યું નથી અવિનાશ.’

‘કેમ ?’

‘જે થવાનું જ નથી એના વિશે શું વિચારવું ?’

‘માન કે એવું થાય તો ?’

‘તું ના હોય તો હું કેવી રીતે હોઈ શકું ?’

અવિનાશનો એ પ્રશ્ન પડઘાયો હતો પાછળથી. પણ મેં એ સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બનવાનું જ નથી એના વિશે વિચારીને શા માટે દુઃખી થવું ? મેં મનને મનાવ્યું હતું.

‘હા, અનુરાધા તું કંઈક કહેવા માંગે છે ?’

‘તને કેવી રીતે ખબર પડી જાય છે ?’

‘કારણ કે હું તને ચાહું છું એટલે.’

અવિનાશ જાણી જતો, મેં કહ્યું હોય એ બધું જ અને હું મૌન રહી હોઉં એ બધું જ. ક્યારેક મને લાગતું કે એ મને મારાથી વધારે સમજે છે. અમુક અંશે એ સાચું પણ હતું.

એનો અહેસાસ જ મનને ભરી દેતો. એના હોવાના ખ્યાલથી જ હૃદય છલકાઈ જતું. ક્યાંક અધુરપ લાગતી નહીં. મેં એને પૂછ્યું હતું કે એને પણ એવું થતું હતું કે કેમ...અને હું હસી હતી...એના જવાબથી...

વરસાદની મોસમ એ અમારી મનગમતી મોસમ. વરસાદમાં ભીંજાવું ગમતું. હાથ પકડીને અમે સડક પર ચાલતા રહેતા... ભીંજાતા...ભીંજાતા.

‘અનુરાધા, મેં કહ્યું છે ક્યારેય તને કે તું મારા માટે કેટલી મહત્વની છો ?’

‘નહીં તો...’

‘મેં કહ્યું છે ક્યારેય કે તારું મારી જિંદગીમાં શું સ્થાન છે ?’
‘ના.’
‘મેં કહ્યું છે ક્યારેય કે મને તારી પાસેથી શું જોઈએ છે ?’

‘નહીં.’

‘તો કહું ?’

‘હા કહે ને.’

અને તે મને બાઝી પડ્યો હતો. આ અશબ્દ જવાબમાં હું બધું જ સમજી ગઈ હતી...
(ક્રમશઃ)