આટલું કહી એ ઉભી થઇ, મને ખ્યાલ આવ્યો કે બસ અહીં જ અમારી મુલાકાત પૂરી તું થઇ. હવે આ કોફી પણ મને ઝેર જેવી લાગશે. અમે બંને કોફી શોપની બહાર આવ્યા અને કઈ પણ બોલ્યા વિના અમે રિક્ષા સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. મે એણે કહ્યું હું તને ઘરે મૂકી જાઉં પણ એણે તરત જ ના કહી અને રિક્ષા તરફ ચાલવા લાગી.
રિક્ષામાં બેઠા પછી મારી તરફ ફરી આવજો કહેવા ત્યારે મારાથી અનાયાસે પુછાઇ ગયું કે તારું નામ તો જણાવતી જા.
આ સાંભળી એના ચહેરા પર આછું સ્મિત આવી ગયું અને સ્મિતમાં પણ દર્દ છુપાયેલ હતુ. આખરે જતા પહેલા એણે એનું નામ જણાવ્યું "નીતિ".
બસ એ આટલું જ બોલી શકી, તરત જ રિક્ષા ચાલી થઇ અને આગળ ચાલવા લાગી. હું ક્યાંય સુધી આમ ને આમ ત્યાં જ ઊભો રહ્યો અને એ કે રસ્તે ગઈ હતી એ જે રસ્તે ગઈ હતી એ રસ્તાને ઘણા સમય સુધી તાકતો રહ્યો. એમ લાગતું હતું જાણે મારી દુનિયા અહી જ ખતમ થઇ ગઇ હવે આ ક્ષણની આગળ જીવનમા કઈ બચ્યું જ નથી. કઈ જ ખબર નહોતી પડતી કે માટે આગળ શું કરવું અને આખરે મે એ કરવાનો નિર્ણય લીધો જે એણે મારી પાસે માંગ્યું હતું.
એક એ દિવસ હતો અને એક આજનો દિવસ, બન્નેમાં કોઈ જ ફરક નથી. જ્યારે એ મને છોડીને ગઈ હતી એ દિવસ હજીએ મને યાદ છે જાણે કાલે જ એ ઘટનાને મે અનુભવી હોય. એ દિવસની એક એક ક્ષણ મને યાદ છે, એણે મારી પાસેથી કોઈ જ વચન નહોતું લીધું કે હું એને યાદ રાખીશ કે ભૂલી જઈશ. એણે મને બાંધ્યો નહોતો, મુક્ત રાખ્યો હતો. મે ઘણા પ્રયત્ન કર્યા કે એણે ભૂલી જાઉં પણ એની દરેક યાદ મારા મન પર કંડારાઈ ગઈ હતી.
હું ચાહી ને પણ એણે ભૂલી શકું એ સ્થિતિમાં નહોતો, એ મારા અસ્તિત્વનો એક. ભાગ બની ગઈ હતી. એના ગયા પછી હું જીવી તો રહ્યો હતો પણ મારું જીવનાર યંત્રવત બની ગયું હતું. મને તો એ પણ ખબર નહોતી કે એ ક્યાં ચાલી ગઈ હતી એટલે એણે શોધવાનો તો પ્રશ્ન જ ઉભો નહોતો થતો.
આવી જ રીતે દિવસો વીતી રહ્યા હતા. કોલેજ પૂરી થયા પછી પપ્પાની ઈચ્છા પ્રમાણે આગળ ભણવા અમેરિકા જવાનો નિર્ણય કર્યો. ત્યાં પણ નીતિની યાદો મારી સાથે જ હતી, એ મારા જીવવાનો આધાર હતી. ભણવાનુ પૂરું કરી જ્યારે પાછો આવ્યો ત્યારે અહી ઘણું બદલાઈ ગયુ હતું. આવતાની સાથે જ પપ્પાએ બધી જ જવાબદારીઓ મને આપી આરામ કરવાનો નિર્ણય કર્યો.
બધી જવાબદારીઓ માથે આવતા દિવસ તો આરામથી નીકળી જતો પણ રાત કોઈ કરતા નહોતી પસાર થતી. આંખ બંધ કરતા જ એનો ચહેરો મારી આંખો સામે આવી જતો. જ્યારે પણ મારા લગ્નની વાત આવતી ત્યારે હું એમ કહી તળી દેતો કે હાલ મારી ઈચ્છા નથી. પણ મારા મનની સ્થિતિ હું કોઈને કહી શકું એમ નહોતો.
જ્યારે હું આ બધી મુશ્કેલીઓ સાથે લડી લડીને થાકી ગયો હતો ત્યારે મારા જીવનમાં એ દિવસ આવ્યો જ્યારે એ મળ્યો મને અને મારું જીવન બદલાઈ ગયું અને દિવસ હતો જ્યારે નીતીશ મારા જીવનમાં આવ્યો. એણે જોઈ મારા સળગતા હૃદયને શાતા મળી, મારા મનને એક શીતળ લહેરખી એ આરામ આપ્યો.
નીતીશના આવ્યા પછી મને જીવવાનો ધ્યેય મળી ગયો, હવે હું ફક્ત અને ફક્ત નીતીશ માટે જીવવા માંગતો હતો. નીતીશ મારા જીવનમાં પ્રકાશની નવી કિરણ લઈને આવ્યો હતો ત્યારબાદ મે મારા જીવનના પાછળ વળી ને જોયુ નથી. બસ એક વ્યક્તિ માટે ક્યારેક ક્યારેક ભૂતકાળમાં જઇ આવું છું પણ એ ક્ષણો ફરી જીવવાથી હવે તકલીફ નથી થતી. એ ખુશી ની પળો યાદ કરી ક્યારેક હસી લઉં છું અને દુઃખદ યાદો યાદ કરી એણે દુઃખી કરવા નથી માંગતો એટલે એ યાદો ને મારા હદયના એક ખૂણા માં છુપાવી દીધી છે.
- કિંજલ પટેલ (કિરા)