રાઈટ એંગલ
પ્રકરણ–૨૪
સાંજે છ વાગે કશિશ મોલમાંથી બહાર નીકળી ત્યારે એના અને ધ્યેયના હાથમાં ચાર–પાંચ શોંપિંગ બેગ્સ હતી.
‘મારી મા...હવે કશું બાકી રહી નથી ગયું ને? ઓહ ગોડ આઇમ ડેડલી ટાયર્ડ!‘ ધ્યેય બોલ્યો એટલે કશિશે પોતાનું લિસ્ટ ચેક કર્યું,
‘મેંચિગ એસેસરીઝ ડન...મેંચિંટ શૂઝ ડન....પરફ્યુમ પણ લેવાઇ ગયુ. ઓહ! નેઇલપોશિલ રહી ગઇ છે...મારે આ ઇન્ડો–વેસ્ટર્ન ગાઉન સાથે એ જોઇશે ને!‘
ધ્યેયે મોલની બાજુના કાફેમાં ઘુસતા બોલ્યો,
‘નો મોર શોપિંગ...બહુ ભૂખ લગી છે...પેટપૂજા કરાવ...ચલાવી ચલાવીને મારું તેલ કાઢી નાંખ્યુ.‘
‘હા...તો તારે કહેવું જોઇએ ને ભૂખ લાગી છે!‘
‘મને એમ કે તને ભૂખ લાગશે...બટ યુ નો...તમને લેઝિડને શોંપિગ સમયે તે પણ યાદ નથી આવતું.‘
ધ્યેયની વાત સાંભળીને કશિશ હસી પડી. એણે મેન્યુ જોઇને ઓર્ડર આપ્યો.
‘તારે ઘરે જવાની ઉતાવળ ન હોય તો આપણે કોફી હાઉસ લટાર મારી આવીએ?‘ નાસ્તો કરતાં કશિશે પૂછયું,
‘ચોક્કસ!‘ ધ્યેય એકક્ષણ એની સામે જોઇ રહ્યો પછી બોલ્યો,
‘કિશું તે ઉદય અને અંકલને કોફી હાઉસના ઓપનિંગનું ઇન્વિટેશન આપ્યું?‘ ધ્યેયએ પૂછયું એ સાથે જ કશિશને અહેસાસ થયો કે કેસ લડવામાં એ એ વાત ભૂલી ગઇ છે કે ઉદય એનો ભાઇ છે અન મહેન્દ્રભાઇ એના પપ્પા છે. એમને તો ઇન્વાઈટ કરવા જ જોઇએ! પછી ભલે એ આવે કે નહીં! એમની સામે વેર તો નથી જ ને. બસ જે છે તે હક્કની લડાઇ છે.
‘તું મારી સાથે આવે છે? તો આપણે જઇ આવીએ... યુ નો....!‘ કશિશ આગળ કશું કહે તે પહેલાં જ ધ્યેયએ એનો હાથ પર હાથ મૂકીને થપથપાવ્યો,
‘યસ...આઇ કેન અન્ડરસ્ટેન્ડ!
પપ્પાના ઘરની ડોરબેલ પર આંગળી દબાવતા એક ક્ષણ માટે કશિશનો હાથ ધ્રુજયો. છેલ્લે પપ્પાના ઘરે આવી ત્યારે જ એને બધી ખબર પડી હતી કે એની સાથે વિશ્વાસઘાત થયો છે. એટલે જ રાતોરાત સંબંધોના બધાં સમીકરણ બદલાય ગયા હતા. જે પપ્પા અને ભાઇ પર આંધળો વિશ્વાસ કરતી હતી તે જ પપ્પા અને ભાઈ આજે શંકાની સોયે કોર્ટના દાયરામાં આવી ગયા હતા.
દરવાજો ખૂલ્યો તો સામે ઉદયની પત્ની હેતલ હતી,
‘અમારી ઇજ્જત ઉછાળવામાં હવે શું બાકી રહી ગયું છે તે આમ ઘરે દોડી આવ્યા?‘ હેતલે સીધો શાબ્દિક હુમલો જ કર્યો. ભાભીનો કટાક્ષ કશિશના દિલની આરપાર નીકળી ગયો પણ એણે સંયમ રાખ્યો.
‘ભાભી...હું એક કોફી હાઉસ ખોલી રહી છું. એનું કાલે ઓપનિંગ છે તેનું ઇન્વિટેશન આપવા આવી છું.‘ કશિશને હતું કે પોતે સંયમથી વર્તન કરશે તો ભાભીની નારાજગી ઓછી થશે. પણ ઘણીવાર માણસની સમજદારીને નબળાઇ ગણી લેવામાં આવે છે.
‘શું મોઢું લઇને અમે આવીએ ત્યાં? અમે કેટલાં ખરાબ છીએ તે તમે ગામ આખાને જણાવી દીધું છે...હવે બાકી રહી ગયું હોય તે તમારા કોફી હાઉસમાં આવીને અમારે તો ઇજ્જ્તના ધજાગરા જ કરવાના ને! તમારે નાક નથી, પણ અમારું તો રહેવા દો.‘
કશિશની પરિસ્થિતિ કાપો તો લોહીના નીકળે તેવી હતી. મોટા ઉપાડે પોતે આમંત્રણ આપવા આવી ત્યારે આવો આવકાર મળ્યો ને! ન આવી હોત તો સારું હતું.
કશિશને જડબાતોડ જવાબ આપવાનું મન થયું પણ તે પહેલાં ધ્યેય બોલ્યો,
‘ભાભી...કશિશના કોફી હાઉસ સાથે કેસને શી લેવા દેવા? આટલું થયા પછી પણ એ તમારી સાથે સંબંધ રાખે છે તે જ મોટી વાત છે!‘ ધ્યેયની સમજાવટની અસર થઇ હોય તેમ હેતલ કશું તરત બોલી નહીં ત્યાં અંદરથી મહેન્દ્રભાઇનો અવાજ આવ્યો
‘કોણ છે? હેતલ કેમ બૂમાબૂમ કરે છે?‘
આટલું બોલતાં મહેન્દ્રભાઇ ડ્રોઇંગરુમમાં આવ્યા અને ત્યાં કશિશને જોઇને એમને અંદાઝ આવી ગયો કે શું કામ મોટે મોટેથી હેતલ બોલતી હશે.
‘પપ્પા મારી કોફી હાઉસનું કાલે ઉદ્દધાટન છે...તમે બધાં આવજો.‘ કશિશે કાર્ડ આપતાં કહ્યું.
‘વાહ...વાહ...મારો દીકરો કંઈ કામ કરે તો ચોક્કસ હું આવીશ. હેતલ આ બેઉને પાણી આપ્યું? બેસને બેટા!‘ મહેન્દ્રભાઇની સાહજિક વર્તનથી હેતલનો ગુસ્સો બેવડાયો,
‘કરો તમારે જે આગતા સ્વાગતા કરવી હોય તેની! તમારી દીકરી છે...અમારે શું લેવા દેવા!‘
આટલું બોલીને એ પગ પછાડતી અંદર જતી રહી. દીકરીની હાજરીમાં વહુએ એમનું અપમાન કર્યું તેથી મહેન્દ્રભાઇ છોભીલા પડી ગયા.
કશિશ પોતાના પપ્પાને વધુ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂક્વા માંગતી નહતી. હેતલનો ભરોસો નહીં કદાચ પાછી આવે અને ફરી ગમે તેમ બોલે. એટલે અહીંથી જલદી નીકળી જવું સારું.
‘પપ્પા...બહુ મોડું થઇ ગયું છે. કૌશલ રાહ જોતો હશે...હું જાઉ...તમે કાલે આવજો.‘
‘ચોક્કસ આવીશ દીકરાં!‘ મહેન્દ્રભાઇ બોલ્યા એટલે તરત ધ્યેય સાથે એ બહાર નીકળી ગઇ.
ગાડીમાં બેસીને કશિશ બોલી,
‘આઇ ડોન્ટ નો કૌશલ કેવી રીતે રિએક્ટ કરશે? જ્યારે એને ખબર પડશે કે મેં પપ્પા અને ઉદયને ઇન્વાઇટ કર્યા છે!‘
‘કિશુ, કેટલીક વસ્તુ આપણાં હાથમાં નથી હોતી. એટલે ભવિષ્ય પર છોડી દેવી સારી...જો હોગા વો દેખા જાયેગા, અને તે એમને ઇન્વાઇટ કરીને કશું ખોટું નથી કર્યુ!‘ હાલ પૂરતું કશિશને પણ એ જ યોગ્ય લાગ્યું. કારણ કે એની ભાભીએ જે રીતે એને ભલું બુરું સંભળાવ્યું હતું તેનાથી મન ક્ષુબ્ધ હતું. હવે વધુ વિચારીને મૂડ ખરાબ કરવો પોસાય તેમ ન હતો. આખર કાલે એના ડ્રિમ સમાન કોફી હાઉસનું ઓપનિંગ છે. એટલે બધું છોડીને એ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરુર છે.
******
‘રેડી ડિયર?‘ કૌશલે પાંચ જુલાઇએ સવારે આઠ વાગે તૈયાર થઇને કશિશના બેરુમના દરવાજા પર નોક કરીને પૂછયું. કશિશ કલાકથી ડોર બંધ કરીને તૈયાર થતી હતી.
‘જસ્ટ વન મિનિટ!‘ અને એકઝેટ એક મિનિટ પછી ડોર ખૂલ્યું, ઇન્ડો વેસ્ટર્ન ગાઉનમાં કશિશ ખૂબ સુંદર લાગતી હતી. કૌશલ એકિટશે એને જોઇ રહ્યો,
‘મિસિસ કશિશ નાણાવટી! તમે ગોર્જિયસ લાગી રહ્યાં છો.‘ જવાબમાં કશિશ હસી પડી. એણે કૌશલના લુક પર એક નજર ફરેવી. ફેશનેબલ બ્લેક બ્લેઝરમાં એ હેન્ડસમ દેખાતો હતો.
‘મિસ્ટર કૌશલ નાણાવટી તમે પણ હેન્ડસમ લાગી રહ્યાં છો!‘ કૌશલ એના વખાણ સાંભળી હસી પડ્યો. એણે કશિશની કમર ફરતે હાથ વિટાળ્યોં.
‘લેટસ ગો!‘
બન્ને કોફી હાઉસ પહોચ્યા ત્યારે એમનો સ્ટાફ આવી ગયો હતો. નાણાવટી ફેમિલિનું ફંકશન છે એટલે વી.આઇ.પી. ગેસ્ટને આવકારવા માટેની બધી સવલત હતી. વેલે પાર્કિંગ માટે કોફી હાઉસના એન્ટ્રસ પર જ બે ગાર્ડ કમ ડ્રાઈવર હતા. બે ચાર બાઉન્સર્સ પણ સિક્યુરિટિ માટે ઊભા હતા.. ફોકી હાઉસની આસપાસ ફ્રેશ ફૂલોથી સજાવટ થઇ હતી. હાઈ ટી સાથે બ્રેક ફાસ્ટની પણ સગવડ હતી. અમુક સ્પેશ્યલ ગેસ્ટને માટે લંચનું પણ આયોજન હતું.
કશિશ અને કૌશલ પહોચ્યાં પછી થોડીવારમાં જ ધ્યેય આવી ગયો. એણે બેવને ભેંટીને શુભેચ્છા આપી. થોડીવારમાં કૌશલના મમ્મી–પપ્પા આવ્યા. કૌશલ અને કશિશ બન્નેને ભેંટીને એમણે શુભેચ્છા આપી. ખાસ તો કશિશને ખૂબ શાબાશી આપી કે એ નવા બિઝનેસમાં પગ મૂકી રહી છે. ભવિષ્યમાં આવા કોફી હાઉસની ચેઇન પૂરા ગુજરાતના શહેરોમાં તેઓ ઊભી કરશે તેમ કહીને કશિશના સસરાએ એને પ્રોત્સાહન આપ્યું.
ઉદ્દધાટનનો ઓફિશિયલ સમય દસ વાગ્યાનો હતો એ સમયે જ વિધિસર કશિશે પોતાના સાસુ–સસરાના હાથે રિબિન કપાવવાનું નક્ક્ કર્યું હતુ. બસ એ રાહ જોઇ રહી હતી એના પપ્પાની. અને બરાબર પોણાદસે મહેન્દ્રભાઇ આવ્યા અને એમની પાછળ ઉદય પણ દેખાયો. કશિશને એને જોઇને આશ્ચર્ય થયું. આ કેમ આવ્યો હશે? ખરેખર મને સમજીને માફ કરી હશે કે પછી એની કોઇ ચાલ હશે? કશિશ કશું રિએકશન આપે તે પહેલાં તો કૌશલ અને એના પેરેન્ટસે બન્નેને આવકાર્યા. મહેન્દ્રભાઇને પગે લાગીને કશિશે હાથ મિલાવી ઉદયને પણ જય શ્રી કૃષ્ણ કહ્યું. ઉદયે સ્મિત સાથે એને જવાબ આપ્યો તેથી કશિશનો રહ્યોં સહ્યોં શક પણ જતો રહ્યો. એ ખુશ થઇ ગઇ. ભલે એણે ઉદય પર કેસ કર્યો પણ એ સમયે સંબંધ સાચવી જાણે છે. તેથી જ કુટંબની આબરુ જળવાઇ રહે છે.
દસ વાગે ઓફિશિયલ રીતે કોફી હાઉસની રિબિન કાપીને એને ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે શહેરના મોટાભાગના વી.આઇ.પી. ગેસ્ટ હારજ હતા. કશિશ અને કૌશલ બધાંને પર્સનલી આવકારતા હતા. વાતાવરણમાં ઇમ્પોર્ટેડ પરફ્યુમ અને મોંધાદાટ વસ્ત્રોની ચમકદમક હતી. લોકો હાઇ ટી અને બ્રેક ફાસ્ટની મજા માણી રહ્યાં હતા. કશિશના ચહેરો પર ખુશીનું તેજ ઝગારા મારતું હતું.
ત્યાં એની નજર ઉદય પર પડી. કૌશલના પપ્પા સાથે ઉદય આજનું ન્યુઝપેપર લઇને કોઇ વાતચીત કરતો હતો. કશિશને નવાઇ લાગી. અત્યારે આ લોકો ન્યુઝપેપર કેમ જોઇ રહ્યાં છે. ત્યાં તો કૌશલના પપ્પા કૌશલ તરફ ગયા અને એને ન્યુઝપેપરમાં કશું દેખડાવા લાગ્યા. એ જોઇને માથે વીજળી પડી હોય તેમ કૌશલના ચહેરાના હોશ ઊડી ગયા હતા. કૌશલના પપ્પા તરત એની મમ્મીને લઇને કશિશ સામે નજર નાંખ્યા વિના ચાલતા થઇ ગયા. કશિશને સમજ ન હતી પડતી કે આખરે શું થઇ રહ્યું છે? આ લોકો કેમ અચાનક પાર્ટી છોડીને જઇ રહ્યાં છે?
કશિશ કશું સમજે તે પહેલાં તો કૌશલ વાવઝોડાની જેમ કશિશ તરફ ઘસ્યો. એણે કશિશના હાથમાં પેપર મૂકયું. એના ચહેરા પર શરમિંદગી અને ક્રોધ હતો. કશિશે જ્યાં કૌશલ આંગળી ચીંધતો હતો ત્યાં નજર કરી તો એ ફાટી આંખે જોઇ રહી, એમના શહેરના નામાંકિંત પેપરના ત્રીજા પાને એક હેડલાઇન હતી,
‘નાણાવટી પરિવારની પુત્રવધુ ન્યાય માટે પોતાના સગાં પિતા અને ભાઇ સામે કોર્ટ ચડી છે: નાણાવટી પરિવાર શંકાના દાયરામાં:‘
‘આઈ ટોલ્ડ યુ! તારો કેસ અમને બદનામ કરશે!‘ કૌશલ દાંત ભીંસીને બોલ્યો. ક્ષણવાર માટે કશિશ આ આક્ષેપથી મૂઢ થઇ ગઇ, પણ એણે પોતાની જાતને સંભાળી, પોતે જે કર્યું તે સમજી વીચારીને કર્યુ છે! સત્ય સમાજ સામે આવે તેમાં શા માટે ગભરાવવું જોઇએ? પોતે કાંઇ ખોટું તો નથી કર્યું ને! કોઇ લૂંટ નથી કરી, કોઇનું ખૂન નથી કર્યું તો પછી શા માટે કોઇએ શરમાવવું જોઇએ!
‘એક દિવસ તો એની બધાંને જાણ થવાની જ હતીને?‘ એ બોલી એ સાથે જ કૌશલનું મગજ ફાટ્યું.
‘પણ આજે? કોફી હાઉસના ઉદ્ધાટનના દિવસે? આમ આટલા બધાં માણસોની વચ્ચે ડેડની ઇજ્જતની વાટ લાગી ગઇ...એટલે જ ડેડ જતાં રહ્યાં...કાન્ટ યુ સી ઘેટ?‘ કૌશલનો ગુસ્સો હવે હદ વટાવતો હતો. કશિશ એને જોઇ રહી. આને કેમ સમજાવવો? આટલી મુશ્કેલી એને કદી અનુભવી ન હતી.
જે રીતે કૌશલના ડેડ અતુલ નાણાવટી પાર્ટી છોડીને અચાનક જતાં રહ્યાં ત્યારે જ બધાંને આશ્ચર્ય થયું હતું. પાર્ટીમાં હાજર બધાંને લાગી રહ્યું હતું કે કશુંક બન્યું છે, એ ગયા અને પછી કૌશલ અને કશિશ વચ્ચે ચાલતી વાતચીત બધાંને ઇશારો કરવા કાફી હતી કે કોઇ એવી વાત છે જેને કારણે કૌશલ અપસેટ છે. કૌશલના બે–ચાર ક્લોઝ ફ્રેન્ડસ કૌશલ અને કશિશને લડતાં જોઇ રહ્યાં હતા. કૌશલનો સૌથી ક્લોઝ ફ્રેન્ડ રોનક એ બન્નેની નજીક આવ્યો અને એને પૂછયું કે શું થયું? ત્યારે કૌશલે એના હાથમાં પેપર પકડાવ્યું અને બોલ્યો,
‘ડિસ્ગસ્ટિંગ!‘ અને એ ચાલવા લાગ્યો.
કશિશ એનો હાથ પકડીને અટકાવતા બોલી,
‘પ્લિઝ લિસન...‘ પણ કૌશલ કશું સાંભળતો જ ન હોય એનો હાથ છટકોરીને ચાલવા લાગ્યો. સીધો પોતાની કાર પાસે ગયો અને બધાં કશું સમજે તે પહેલાં એ ગાડીમાં બેસીને જતો રહ્યો.
કામિની સંઘવી
(ક્રમશ:)