duaa-badduaa in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | દુઆ-બદદુઆ

Featured Books
Categories
Share

દુઆ-બદદુઆ

દુઆ-બદદુઆ

- મિતલ ઠક્કર

હોટેલમાં પ્રવેશતાં જ ગાર્ગીની નજર એ માણસ પર ચોંટી ગઇ. દૂરથી તો એ જ લાગતો હતો. પોતે ટેબલ બુક કરાવ્યું હતું. એ એની પાસેનું જ હતું. ગાર્ગી મૂંઝવણમાં મુકાઇ ગઇ. એ એકલો જ લાગતો હતો. હમણાં જ વેઇટર તેને મળીને ગયો હતો. હોટેલના માણસે તેને એની બાજુના ટેબલ પર જ જવાનો ઇશારો કર્યો હતો. શું કરવું એ જ સમજાતું ન હતું. તે મોબાઇલ હાથમાં લઇ અચાનક હોટેલના મુખ્ય દ્વાર પર આવી ગઇ. તે કોઇ નિર્ણય લઇ શકતી ન હતી. આજે હસમુખ રાત્રે જમવાનો ન હતો. ગાર્ગીને થયું કે આજે તે કોઇ હોટેલમાં જમવા જાય. તેણે હસમુખને આ બાબતની જાણ કરી દીધી હતી. તેને હોટેલનું જમવામાં ક્યારેય રસ પડ્યો ન હતો. ગાર્ગીને સમજાતું ન હતું કે આ હોટેલમાં જમવું કે નહીં. આટલા વર્ષો પછી જયંતને તેણે જોયો હતો. દૂરથી આછા પ્રકાશમાં તેને ઓળખવાનું એટલું સરળ ન હતું. પણ તેણે કપાળ પર આગળ આવતા વાળ જે અદાથી ખસેડ્યા એ પરથી તેને ખાતરી થઇ ચૂકી હતી કે એ તેનો કોલેજકાળનો પહેલો પ્રેમી જયંત...ના-ના... એ એક મિત્ર હતો.

ગાર્ગી થોડી મિનિટો માટે અતીતમાં સરી પડી.

કોલેજના છેલ્લા વર્ષમાં તેની મુલાકાત જયંત સાથે થઇ હતી. સત્તર વર્ષ પહેલાનો સમય તેની સામે ખીલતા કમળના ફૂલની જેમ ઉઘડી રહ્યો હતો. પહેલી મુલાકાતમાં બંને એકબીજાના સારા મિત્રો બની ગયા હતા. મુલાકાતો જેમ વધતી ગઇ એમ મિત્રતા પર લાગણીનું પડ ચડતું ગયું. બંનેને ખ્યાલ જ ના રહ્યો અને એકબીજાના પ્રેમી બની રહ્યા. સમય બહુ ઝડપથી સરકી રહ્યો હતો. કોલેજની પરીક્ષાઓ પૂરી થઇ અને વેકેશન પડ્યું. પોતે હવે જયંત વગર રહી શકે એમ ન હતી. જીવન વીતાવવું તો જયંતની બાંહોમાં જ એવો મનોમન નિર્ધાર કરી ચૂકી હતી. જયંત પણ ચાહતો હતો કે ગાર્ગી તેની અર્ધાંગિની બને. તે ઇચ્છતો હતો કે કોઇ સારી નોકરી મળી જાય અને ગાર્ગીને સારી રીતે રાખી શકવાની સ્થિતિમાં આવે પછી લગ્ન કરે. ગાર્ગીને એની વાત સાચી લાગી. ગાર્ગીએ તેને છ મહિનાનો સમય આપ્યો. સદનસીબે જયંતને એક કંપનીમાં પહેલા જ ઇન્ટરવ્યુમાં એકાઉન્ટન્ટની નોકરી મળી ગઇ. ત્યારે ગાર્ગીને ખબર ન હતી કે તેના નસીબમાં કંઇક અલગ જ લખાયું છે. પોતે વડોદરા હતી અને જયંત અમદાવાદ નજીકના એક નાના શહેરમાં હતો. બંનેએ છ માસ મળવાની અપેક્ષા રાખી ન હતી. ગાર્ગીને ખબર ન હતી કે આ જુદાઇ જીવનભરની બની જવાની હતી.

એક દિવસ અચાનક જયંત એને મળવા આવ્યો. તેના કપડાં જોઇને ગાર્ગીને થયું કે તે બહુ મોટા હોદ્દા પર આવી ગયો છે. ચાર જ માસમાં તેણે ઘણી પ્રગતિ કરી છે. પણ જયંત ઉદાસ હતો. તેણે જ્યારે કહ્યું કે તેની સાથે લગ્ન કરી શકે એમ નથી ત્યારે ગાર્ગીને થયું કે જયંત મજાક કરી રહ્યો છે.

થોડી ક્ષણો મૌન રહ્યા પછી જયંત બોલ્યો:"ગાર્ગી, મને માફ કરી દેજે. હું તારી સાથે લગ્ન કરી શકું એમ નથી....મારી કંપનીના માલિકની પુત્રી વિમલા સાથે હું આવતા સપ્તાહે લગ્ન કરી રહ્યો છું...."

ગાર્ગીને થયું કે તેના પર વીજળી પડી છે. તે પથ્થરનું પુતળું બની ગઇ. પછી એકાએક વીફરી:"જયંત, મને એમ કે તું મારા પ્રેમનો ભૂખ્યો છે. પૈસાનો ભૂખ્યો હશે એવી મને કલ્પના ન હતી. માલિકની છોકરી સાથે લગ્ન કરીને માલિક બનવા માગે છે. મારા જેવી સામાન્ય છોકરીની તને શું કિંમત? તેં મારી સાથે દગો કર્યો છે..બોલ... કેમ તેં આવું કર્યું?"

જયંત કંઇ બોલ્યો નહીં. ગાર્ગીએ તેને ઘણું સંભળાવ્યું. પ્રેમના વાયદાઓ અને વચન યાદ કરાવ્યા. જયંતનો કોઇ પ્રત્યુત્તર ન હતો. તેનું મૌન અકળાવનારું હતું.

ગાર્ગીએ જતાં જતાં કહ્યું:"જયંત, મારી બદદુઆ છે કે તું એની સાથે સુખી થઇ શકશે નહીં...."

ગાર્ગીને પીઠ પાછળ જયંતના શબ્દો સંભળાયા:"ભગવાન કરે તું સુખી રહે. મારી અંતરની દુઆ છે..."

અચાનક રસ્તા પર જતા ફાયરબ્રિગેડના બંબાની સાઇરન વાગી અને સત્તર વર્ષ પહેલાના એ સમયમાંથી તે પાછી ફરી. ત્યાં હોટેલનો માણસ તેની પાસે આવ્યો અને બોલ્યો:"મેમ, તમારું ટેબલ ખાલી જ છે..."

ગાર્ગીએ હાથનો મોબાઇલ બતાવ્યો અને કોઇની સાથે વાત કરવા આવી હોવાનો ઇશારો કરી હોટેલમાં આવું છું એમ કહ્યું. ગાર્ગીને થયું કે જયંતને મળવું જ જોઇએ. એની દુઆ ફળી છે તો મારી બદદુઆ લાગી છે કે નહીં એ જાણવું જોઇએ!

ગાર્ગી ધીમા પગલે પોતાના ટેબલ પર જઇને બેઠી. વેઇટરે આપેલું પાણી પીધું અને જયંત તરફ એક નજર નાખી. એ તેની તરફ જ જોઇ રહ્યો હતો. ગાર્ગી ઊભી થઇ અને જયંતના ટેબલ પર ગઇ. પછી કટાક્ષ કરતી હોય એમ બોલી:"ઓળખાણ પડી કે નહીં?"

"બેસ, કેટલાક ચહેરા જીવનભર ભૂલાતા નથી..." બોલી જયંતે તેને બેસવા ઇશારો કર્યો.

"તું તો હવે કંપનીનો બહુ મોટો માલિક હશે. સસરાજીએ બધું તારા નામ પર કરી દીધું હશે નહીં?" ગાર્ગીનો સત્તર વર્ષ પહેલાંનો ગુસ્સો એવો જ હતો. જયંત પ્રત્યેની નારાજગી શબ્દે શબ્દે તણખા વેરતી હતી.

તેની વાતોને અવગણીને જયંત બોલ્યો:"તું સુખી છે ને?"

"આટલી જ ચિંતા હતી તો મને છોડીને પૈસાદારની છોકરીનો હાથ શું કામ પકડ્યો હતો? મારાથી વધારે સુંદર પણ હશે ને?" ગાર્ગી તીર છોડવાનું ચૂકી નહીં.

જયંત મૌન થઇ ગયો.

"મને ખબર જ છે કે તું કંઇ કહેવાનો નથી. સત્તર વર્ષ પહેલાં પણ તેં ક્યાં કોઇ જવાબ આપ્યો હતો." ગાર્ગીનો ગુસ્સો લાવા બનવા જઇ રહ્યો હતો.

વેઇટર આવ્યો એટલે જયંતે કહ્યું:"મેં ઓર્ડર આપ્યો છે એ જ એમના માટે લઇ આવ. હું એની પસંદ જાણું છું..."

વેઇટર સામે ગાર્ગી કંઇ ના બોલી. એ ગયો એટલે ફરી કહેવા લાગી:"તારી પસંદ હવે મારી પસંદ નથી. મારી પસંદ એ હસમુખની પસંદ છે. સારું થયું કે હું હસમુખને પરણી. મને તારી સાથે ન પરણવાનો બધો અફસોસ એણે ભૂલાવી દીધો..."

"ગાર્ગી, મને અફસોસ છે કે હું મારું વચન પાળી ના શક્યો. લગ્ન પછી મારી પત્ની બે માસમાં જ સ્વર્ગ સિધાવી ગઇ..." જયંતની આંખ ભીની થઇ ગઇ.

"અચ્છા, તો મારી બદદુઆ ફળી ખરી..." ગાર્ગીના ચહેરા પર એક અજીબ મુસ્કાન આવી ગઇ.

"ગાર્ગી, એને શાપ તો કદાચ ગયા જનમનો પણ હોય શકે. હું એ બધમાં માનતો નથી. હવે હું એના પિતાના વચનથી મુક્ત છું એટલે કહી શકું કે મેં મજબૂરીમાં એની સાથે લગ્ન કર્યા હતા. કાલીદાસભાઇની કંપનીમાં જોડાયાને મને બે માસ થયા હતા. તેમણે મારી સમક્ષ આજીજી કરી કે પુત્રીનું મોત સુધારી લો. એમની પુત્રી વિમલાને જીવલેણ કેન્સર હતું. એની વિમલાને ખબર ન હતી. તેને લગ્ન કરવા હતા. વિમલાની ઇચ્છાને કાલીદાસ કોઇપણ હિસાબે પૂરી કરવા માગતા હતા. તેમણે મને કહ્યું કે તે તેમની કંપનીના અડધા ભાગીદાર બનાવશે. એ માટે ફક્ત વિમલાની સાથે લગ્ન કરી તેના જીવનના અંત સુધી સાથે રહેવાનું. પછી બીજા લગ્ન કરવા માટે મુક્ત રહેશો. મેં એમની કંપનીમાં ભાગ લીધા વગર વિમલા સાથે લગ્ન કર્યા અને તેની અંતિમ ઇચ્છા પૂરી કરી. અઢી માસ પછી વિમલા ગુજરી ગઇ અને હું તને મળવા શહેરમાં આવ્યો. તારા ઘરે ગયો ત્યારે ખબર પડી કે તું તો પરણી ગઇ છે. હું મારું નામ આપ્યા વગર પાછો ફરી ગયો. બસ એ દિવસથી આમ જ જીવન જીવું છું. તું સુખી છે એ જાણી આનંદ થયો. હું જરા પણ દુખી નથી....મારી દુઆ છે કે તું હંમેશ સુખી રહે." સતત બોલીને જયંત થાકી ગયો કે તેના ગળે ડૂમો ભરાયો એ ગાર્ગી સમજી ના શકી અને એને પાણી પીતો જોઇ રહી. પોતે જયંતના લગ્નની વાત સાંભળી એક જ માસમાં હસમુખને પરણી ગઇ હતી. ગાર્ગીને પોતાની બદદુઆ પર અફસોસ થઇ રહ્યો હતો.

ગાર્ગી વિચારતી હતી ત્યારે જયંત કોઇને ફોન ડાયલ કરતો ઊભો થયો અને હોટેલના કેશ કાઉન્ટર પર જઇને કંઇક કહેવા લાગ્યો. અને ફોન પર વાત કરતો હોટેલ બહાર નીકળી ગયો. ગાર્ગી દોડીને કેશ કાઉન્ટર પર પહોંચી. ત્યારે માણસે કહ્યું કે એ બીલનું પેમેન્ટ ચૂકવીને તમારા માટે આ કાગળ મૂકી ગયા છે. ગાર્ગીએ ટીસ્યુ કાગળ પર મારેલી સ્ટેપલર ખોલી વાંચ્યું તો "મને માફ કરી દેજે... સદા સુખી રહેજે" એટલું જ લખ્યું હતું. ગાર્ગી દરવાજે દોડી. તેણે એક કારને પૂરઝડપે હોટેલના દરવાજા બહાર નીકળતી જોઇ.