manoranjan ni mayajaal in Gujarati Moral Stories by Gunjan Desai books and stories PDF | મનોરંજન ની માયાજાળ

Featured Books
Categories
Share

મનોરંજન ની માયાજાળ


આપણાં આ દોડતાં ભાગતાં જીવનમાં મનોરંજન વિનાં જીવન વિતાવવું શક્ય નથી. આખો દિવસ નોકરી ધંધાનું ટેન્શન, હજારો લોકો સાથેની ગમતી અણગમતી વાતો સાંભળીને કંટાળેલા લોકો થોડું મનોરંજન મેળવવા ની ઈચ્છાઓ રાખે એ સ્વાભાવિક છે. મનોરંજન વિનાં માનવી પોતાનું મન પ્રફુલ્લિત કરી શકતો નથી એ વાત કહેવી અતિશયોક્તિ ના કહી શકાય. મનોરંજન એટલે મગજને પ્રફુલ્લિત કરવાનું સાધન.
મનોરંજન આજે ટેકનોલોજી અને વિવિધ યંત્રો દ્વારા જ થાય છે એવું નથી, મનોરંજન ની શરૂઆત માનવજીવન ની ઉત્પત્તિ સાથે જ થઈ ગઈ હતી. રાજા મહારાજાઓ મનોરંજન માટે હાસ્ય, નૃત્ય અને કલાકારીગરોની કરામતોનાં કાર્યક્રમો યોજતાં એ વાત આપણાં માટે નવી નથી. પહેલાં નાં જમાનામાં લોકો પાસે અન્ય મનોરંજન નાં સાધનો ન હતાં ત્યારે ઘરનાં લોકો સાથે બેસીને એકબીજાની વાતો કરીને, ચોરે બેસીને ગામ ગપાટા કરીને, ભજનો ગાઈને જેવી પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજન કરતાં. અઠવાડિયે બે અઠવાડિયે એકાદ શેરી નાટક કે ભવાઈનો કાર્યક્રમ આખા ગામ કે નગરને મનોરંજક વાતાવરણ પુરું પાડતાં અને ત્યારે કહેવાની જરૂર નથી કે આખું ગામ કે નગર એની આતુરતાથી રાહ જોતું. પહેલાં નાં જીવનમાં મનોરંજન નાં સાધનો પણ સીમિત હતાં ત્યારે પણ મનોરંજન થતું જ હતું. અને આજે આટ આટલાં સાધનો છે ત્યારે શામાથી મનોરંજન મેળવવું એ વિકટ ‘સમસ્યા ‘ છે. મેળાઓ પહેલા મનોરંજન નું સૌથી મોટું માધ્યમ ગણવામાં આવતું અને આજે મેળાઓ ગણ્યાં ગાંઠ્યા જ રહ્યાં છે. ભવાઈ અને શેરી નાટકો તો બદલાતાં જમાનામાં નામશેષ થઈ ગયાં છે. આ મેળાઓ, ભવાઇ,શેરી નાટકો મનોરંજન ની સાથે સાથે આપણી સંસ્કૃતિ અને કલાને પણ પ્રદર્શિત કરતાં..
પહેલાં નાં જમાનાનું મનોરંજન અને આજનાં જમાનાનું ‘લેટેસ્ટ’ મનોરંજન માં આસમાન જમીન નો ફરક છે. પહેલાં આપણી ભાતીગળ સંસ્કૃતિ ની ઝાંખી જોવાં મળતી આજે પશ્ચિમી સંસ્કૃતિ ની બિભત્સતા જોવાં મળે છે. આજે એક ફિલ્મ કે સિરિયલ પરિવાર સાથે બેસીને જોઈ શકાતી નથી. સિરિયલો ની રાફડો ફાટ્યો છે, પરંતુ દરેક સિરિયલો માં કજિયા કંકાસ સિવાય બીજું કાંઈ હોતું નથી. ફિલ્મો ગમે એ હોય એમાં પ્રેમાલાપ સિવાય કોઈ ફિલ્મ ‘હીટ’ જતી નથી. જે ફિલ્મો દેશની વાસ્તવિક પરિસ્થિતિ ને રજુ કરતી હોય એનો રાજકીય બાબુઓ દેશ જાગૃત થઈ જશે એવાં ડરથી આવવાં પહેલાં જ કોઈને કોઈ બહાને વિરોધ કરી મંજુર થવાં દેતાં નથી. અથવા આવી ફિલ્મો લોકોનાં મગજ ઉપર પ્રભાવ પાડી શકતી નથી. ભલાં નિર્માતા ઓ પણ શું કરે? લોકોને જે જોઈએ એ જ એમણે પણ બતાવવું પડે! દરેક ફિલ્મમાં કોઈને કોઈ સંદેશો હોય છે. પરંતુ વાત છે એ સંદેશો ગ્રહણ કરવાની. આજની ફિલ્મો એની કથાવસ્તુ કરતાં હિરો હિરોઈન નાં નામો એને સફળતા અપાવે છે. પરિણામે સુંદરતા નાં જમાનામાં કલાકારોની મુળ કલા બહાર આવી શકતી નથી. બે ચાર સારાં દેખાતા હીરો હીરોઈન થી જ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચાલે છે.
ગીતો ને મનોરંજન નું સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે. સંગીત માં એવો જાદુ છે જે તમારું મન શાંત પાડવા માટે પુરતું છે. પણ આજકાલનાં ગીતકારો એક ઢંગનુ ગીત પણ બનાવી શકતાં નથી. યાદ કરો રફી લતા નાં ગીતો. કેટલાયે દશકા ઓ વીત્યાં હોવાં છતાં આજે પણ લોકોનાં માનસ પર એક ઊંડી છાપ પાડી ને બેઠાં છે. અને આજકાલનાં ગીતો ક્યારે આવે ને ક્યારે નીકળી જાય એ જ સમજ નથી પડતી. હવે નવું ગતકડું આવ્યું છે જુના ગીતો રીમેક બનાવવાનું. ગીત જુનું હોય અને સંગીત નવું એટલે ગીત બની ગયું. આજકાલનાં ગીતકારો એ પણ મહેનત નથી કરવી.ફિલ્મો માટે પણ આ જ નિયમ એકાદ ફિલ્મ ની કોપી કરી દેવાની અથવાતો રીમેક બનાવવાની. ભલાં કોપી કરેલી કેટલાં દિવસ ચાલે? જે મજા મુખ્ય ગીત માં છે એ રીમેક માં કયાંથી હોય?
સિરિયલો, ફિલ્મો સુધી ઠીક હતું આ બધું હવે રિયાલીટી શો માં પણ થવાં લાગ્યું છે. કહેવા માટે રિયાલીટી શો પણ હોય બધું પહેલાથી નકકી. કોને પ્રવેશ આપવો કોને બહાર કાઢવા કોને જીતાડવા બધું જ નક્કી હોય છે. બે કલાકનાં સંગીત કે નૃત્ય નાં કાર્યક્રમ માં માંડ અડધો કલાક મુખ્ય બાબત ચાલે બાકીનાં સમયમાં જજોની હસી મજાક અને નિત નવાં નાટકો જ જોવાનાં. જજો પણ કહેવાના, દરેક માટે એક જ વાત ખુબ સરસ કર્યું અથવાતો અમુક જગ્યાએ તમે ભુલ કરી, પણ એ જગ્યા કઈ હતી કેવી ભુલ કરી એ કહેવાનો સમય જજ પાસે હોતો નથી. જજ એટલે ન્યાયાધીશ એણે તમામ પાસાઓ ને ધ્યાનમાં રાખી કોઈને અન્યાય ના થાય એ રીતે કારણો દર્શાવી ન્યાય કરવાનો હોય છે. પરંતુ આજે આપણે એવાં જજોને જોઈએ છીએ જેમને જે તે કલા સાથે કોઈ લેવા દેવા હોતી નથી. હોય પણ ક્યાંથી? પ્રસિદ્ધિ માટે જે બેઠાં હોય! પરિણામે ભુલો કાઢવાનો સવાલ ઉપસ્થિત થતો નથી કેમ કે ભુલો કાઢે તો કારણ રજુ કરવું પડે, એટલાં માટે બધું જ સરસ છે કરીને આગળ વધારી દેવું સારું. લોકોને ક્યાં કઈ સમજ પડવાની છે? અને આવાં જજોના પરિણામે જે તે કાર્યક્રમનો ન્યાય કરવાની જવાબદારી દેશ ને સોંપવામાં આવે છે. અને આપણાં દેશના ભોળા લોકો અહીં પણ પોતાનો ‘મતાધિકાર ‘ નો ઉપયોગ કરી ન્યાય કરે છે! જો લોકોને આટલી બધી સમજ પડતી હોત તો દરેક ગાયક અને નૃત્યકાર હોત. પરંતુ અહીં વાત આવે છે ટેલિકોમ કંપની નાં ખીસ્સા ભરવાની. જેથી કરીને કલાને યોગ્ય ન્યાય મળતો નથી. અને આવાં વિજેતાઓ જે તે કાર્યક્રમ પુરતા જ વિજેતા બનીને રહી જાય છે. આપણે ઘણાં કલાકારોને જોયાં છે જેઓ વિજેતા ન હતાં છતાં આજે કરોડો લોકોનાં હ્રદય પર રાજ કરે છે. અહીં વાત આવે કલાની.
હવે જમાનો ‘વેબ સિરિઝ’ નો આવ્યો છે એક કથાને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરનારી વેબ સિરિઝ લોકોને મનોરંજન આપવામાં સફળ થઈ છે. એનાં માટે નાણાં ખર્ચવાની હિંમત જોઈએ. અમુક ભાગો ફ્રી માં જોઈને આગળનું રહસ્ય જાણવા તલપાપડ બનેલાં યુવા વર્ગ નાણાં ખર્ચ કરતાં અચકાતો નથી.
આજકાલ એક જાહેરાત આવે છે ગેમ રમવાથી કોઈએ પચાસ હજાર જીત્યા તો કોઈએ પાંચ લાખ. ભારત જેવાં વિશાળ વસ્તી ધરાવતાં દેશમાં બેરોજગારોની સ્થિતિ નો ગેરલાભ ઉઠાવવા કોઈ કસર છોડવામાં આવતી નથી. અને મનોરંજન નાં નામે પોતાનાં ખિસ્સા ભરવાં અવનવાં ગતકડાં કરી છેતરવામાં આવી રહ્યા છે.
આજકાલ ન્યુઝ ચેનલો નું પ્રમાણ વધ્યું છે અને એ પણ ચોવીસ કલાક ન્યુઝ દર્શાવે છે. પણ એક વસ્તુ વિચારવા જેવું છે કે જેટલા પણ સમાચારો જોઈએ એમાંથી મોટાં ભાગની ચેનલો પર ફક્ત બે ત્રણ રાજ્યો અને બે ત્રણ શહેરો સિવાય કોઈ સમાચાર આવતાં નથી. અને એમાં પણ મોટાં ભાગનાં સમાચારો ગુના અંગે નાં હોય. આવડા મોટાં દેશમાં ફક્ત બે ત્રણ રાજયો માં જ આખા દેશની તમામ ઘટનાઓ બને અને બાકીનો દેશ શાંતિ થી ખાઈને ઉંઘે એવી અનુભૂતિ થાય! દૂરદર્શન પર વીસ મિનીટ નાં સમાચાર માં દેશની તમામ વાતો રજુ થતી અને આજે એ જ દેશમાં ચોવીસ કલાક પણ સમાચારો માટે ઓછાં પડે! બે થી ત્રણ સમાચારો આખા દિવસ દરમ્યાન આવે અને બાકીનો સમય બે ચાર ‘મહાનુભાવો’ ને સાથે રાખીને કહેવાની ‘ચર્ચા ‘ ચાલતી હોય! અને આ ચર્ચા માં એન્કર ઉછળી ઉછળી ને સવાલો પૂછે, આક્ષેપો લગાવે અને બાકીનાં મહાનુભાવો એની પર શાબ્દિક ‘લડાઈ’ કરે. આમાં એવી ચર્ચા ચાલતી હોય કે લોકોને સમજ જ ના પડે શું ચાલી રહ્યું છે.અને બધાંના એકસાથે એટલો અવાજ થાય કે કોણ શું બોલે એ પણ સાંભળવું મુશ્કેલ બની જાય છે. અને એક કલાકની મોટી ચર્ચા પછી પણ મુદ્દા નો કોઈ નિર્ણય આવતો નથી. સમય પતે એટલે ચર્ચા બંધ કરી દેવામાં આવે છે. અને આ ચર્ચામાં આક્ષેપો સિવાય બીજું કાંઈ હોતું નથી. અને એક વિચારવા જેવી વાત એ છે કે મુદ્દાઓ કોઈપણ હોય મહાનુભાવો એનાં એ જ! આવી ન્યુઝ ચેનલો સમાચારની જગ્યાએ લોકોનું મનોરંજન કરતી હોય એવું લાગે. દેશની પરિસ્થિતિ ને રજુ કરવાં કરતાં આવો ‘ટાઈમપાસ ‘ કરવામાં એમને મઝા આવે. આવા મહાનુભાવો આપણને ગલીએ ગલીએ જોવાનાં મળશે એમાં નવાઈ નથી. સ્પીડ ન્યુઝ નાં નામે એકની એક ન્યુઝ માં અડધી અડધી વાતો કરીને ‘શતક’ બનાવવામાં આવે છે. ન્યુઝ ચેનલોને દેશની તાકાત માનવામાં આવે છે જે દેશની સમસ્યા રજુ કરતી હોય પરંતુ એમાં પણ આ જ રીતનું મનોરંજન હોય તો એમાં પણ વિશ્વાસ કેવી રીતે બેસે?
ખેર જે હોય એ આ બધી વાતો માં દરેક ના મતમતાંતર અલગ હોય શકે જેથી તમને જે મનોરંજન નું હાથવગું સાધન મળે એ લઈને મનોરંજન લઈ લેવું. આજે મનોરંજન શોધવાની કોઈ જરુર નથી. મનોરંજન તમને શોધતું આવશે એમાં બે મત નથી.!