*મર્યાદા*
વિદુર અને નીતિ પુત્ર કરણની સ્કુલમાં વાલીઓની મિટિંગ હતી. કરણના મિત્રોના મમ્મી,પપ્પા આવ્યા હતા. કરણની મમ્મી જ આવી હતી. પપ્પા નહોતા તેનો અફસોસ હતો. ૧૨ વર્ષીય પુત્ર કરણના મગજમાં ઘણા સવાલો હતાં જેના જવાબો તે શોધતો હતો. આટલી નાની ઉંમરમાં આટલા અઘરા સવાલો તેના મનમાં ઘર કરી ગયા હતા. પિતા વિષે તેની જાણવાની ઉત્સુકતા જાગી હતી. બે ત્રણ વાર એને મમ્મીને પૂછવાની કોશિશ કરી હતી પણ નીતિ કોઈક ને કોઈ બહાને ટાળતી હતી. આજે કોઈ પણ હિસાબે મમ્મીને પૂછીશ એવો નિર્ધાર એણે કર્યો.
"મમ્મી, પપ્પા વિશે મને પૂછવું છે.આજે ટાળતી નહી." રાતે પરવારી બેડરૂમમાં બંને મા દીકરા બેડ પર સુતા સુતા કરણે મમ્મીને સવાલ કર્યો"
આજે કરણના માસૂમ સવાલોને જવાબ આપવો જ પડશે એમ સમજી એણે કરણના દરેક સવાલોના જવાબ આપવાનું શરૂ કર્યું.
દીકરા, તારા પપ્પા, તેમના માતા પિતાનો એકના એક દીકરો. અને બે નાની બહેનો.,હેલી અને જેલી એમ ત્રણ સંતાનો હતા. તારા પપ્પા સમજુ, નીતિવાળા, માતા પિતાના આજ્ઞાંકિત અને ખાનદાનની મર્યાદાને આંચ નહીં આવવા દે એવા સ્વભાવના હતાં. તારા દાદાની આર્થિક પરિસ્થિતિ જેમ તેમ હતી
તારા પપ્પા આ વાતથી વાકેફ હતાં. એમણે નિર્ણય કરી લીધો કે ભણતર પૂરું થઈ જાય એટલે પિતાને આર્થિક સહયોગ આપવા તરત જે નોકરી મળે તે માટે કે નાનો વ્યવસાય કે નોકરી કરીશ.
૨૦ વર્ષની ઉંમરે વિદુરને કાપડના કારખાનામાં નોકરી મળી ગઈ. દલપતભાઈને રાહત થઇ. કમલાબહેનના રસોઈના કામો હવે બંદ કરાવી દીધા. વિદુરે ઘરની આર્થિક જવાબદારી ઉઠાવી લીધી હતી. બે બહેનો હેલી અને જેલી.કોલેજમાં ભણતી હતી. તેમનો ભણતરનો ખર્ચ પણ વિધુરે ઉઠાવી લીધો.
હેલી અને જેલી વચ્ચે એક જ વર્ષનું અંતર. હેલી પ્રથમ વર્ષમાં અને જેલી બીજા વર્ષમાં ભણતી હતી. તેમની બહેનપણીઓ ધનિક પરિવારોની દીકરીઓ હતી. બેફામ પૈસા ખર્ચ કરતી હતી. ગાડીમાં આવવું,જવું, મોંઘી હોટેલમાં જવું, બર્થ ડે પાર્ટીમાં ઉજવવી, ડિસ્કો થેકમા જવું. રાતના મોડેથી ઘરે આવવું. અમુક ધનિક બહેનપણીઓના તો બોય ફ્રેન્ડ પણ આવતા. બંને બહેનોની લગભગ બધીજ બહેનપણીઓના બોય ફ્રેન્ડ્ઝ હતાં. તેમની સાથે બહેનપણીઓ ગુલછરા ઉડાવે. વેલેન્ટાઈન ડે ધૂમથી ઉજવે. મોંઘી દાટ વસ્તુઓ ભેટમાં આપે. આવા માહોલમાં રાચતી બહેનપણીઓનો ઠાઠમાઠ જોઈ હેલી અને જેલી માયુસ થઈ જતી.
એક દિવસ એમણે પિતા દલપતભાઈ આગળ કહ્યું, " પપ્પા , અમને આટલા પોકેટ મનીમા પૂરતું થતું નથી. બહેનપણીઓ જોડે જવામાં અમે ક્ષોભ અનુભવીએ છીએ. પોકેટ મની વધારી આપો. "
કમલાબહેને સમજાવતા કહ્યું, "જો તમે ક્ષોભ અનુભવતા હોવ તો એવી બહેનપણીઓ જોડે મિત્રતા નહી રાખો. તમારા જેવી સામાન્ય ઘરની પણ છોકરીઓ હોય જ એમની જોડે દોસ્તી રાખો."
"મમ્મી તમને કઈ સમજ નહી પડે. તમે કોઈ દિન કોલેજના પગથિયા નહી ચઢયા હોય એટલે તમને આ વાત નહી સમજાય " હેલીએ મમ્મીને ઉતારી પાડતા કહ્યું. કમલાબહેન રડમસ થતાં ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા.
" ઓકે બહેનો..મળી જશે તમને વધારે પોકેટ મની. પણ તમે જેટલી આશા રાખો તેટલા નહી મળે પણ અત્યારે જેટલા મળે છે તે કરતા થોડા વધારે જ મળશે.ચાલશે બંનેને? " વિદુર મામલો શાંત પાડતા બોલ્યો.
" ઓકે" ચાલશે.
પરીક્ષાઓ માથે હતી.ઘરે વાંચવાને બદલે બંને દીકરીઓ બોય ફ્રેન્ડની સાથે વાંચવા વાંચનાલયમાં જતી હતી. બંનેના બોય ફ્રેન્ડ ધનિક પરિવારના નબીરા હતાં. બંને બોય ફ્રેન્ડ્સ હેલી અને જેલીને પૈસાની મદદ કરતા, મોંઘી ભેટો આપતા. મોંઘા કપડાં,મોંઘા પરફુયમ, પોકેટ મની આપતાં. ધીરે ધીરે એમના બોય ફ્રેન્ડઝે જાદુ ફેલાવવા માંડ્યો. બંને બહેનો બોય ફ્રેન્ડસની જાળમાં ફસાઈ ચૂકી હતી. બોય ફ્રેન્ડસનો જાદુ કામ કરી ગયો હતો. રાતના પણ ઘરે મોડેથી આવતી. બે વર્ષ સુધી એમના એમ ચાલ્યું. બંને બહેનો ભવિષ્યના રંગીન સપના જોતી થઈ ગઈ હતી. તેમને પૂરેપૂરી આશા હતી કે તેમના બોય ફ્રેન્ડસ તેમને અપનાવી લેશે.
વિદુરની નોકરીને ૫ વર્ષનો સમય થઈ ગયો હતો. હવે એને પરણાવવાની ઈચ્છા દલપતભાઈને થઈ હતી. યોગ્ય કન્યાની શોધખોળ ચાલુ થઈ અને ભગવાને દલપતભાઈ ઉપર દયા ખાઈને એક સામાન્ય માતા પિતાની દીકરી જોડે સગપણ નક્કી કર્યું.
નીતિ નામ પ્રમાણે જ નીતિ વાન હતી. ગુણિયલ છોકરી હતી. તેના ગુણોમાં માતા પિતાના સંસ્કાર છલકાતા હતાં. એવી નીતિવાન,ગુણવાન,સંસ્કારી છોકરી વહુ તરીકે મળવાથી દલપતભાઈ મનોમન ઈશ્વરનો પાડ માનતા હતા.
ઉમરની ૨૭મા વર્ષે વિદુરનાં સાદાઈથી લગ્ન થયા. નીતિ વહુ તરીકે ઘરમાં આવી. ધીમે ધીમે એને બધાનો વિશ્વાસ હાંસિલ કરી લીધો હતો. લગ્નના એક વર્ષ બાદ દલપતભાઈના ઘરે પારણું ઝૂલતું થયું. ઘરમાં ચિચિયારી સંભળાતી થઈ. નીતિએ એક સરસ મજાનો દીકરો જન્મ્યો . પૌત્ર કરણને રમાડવામાં જ દલપતભાઈ અને કમલાબહેનનો સમય પસાર થતો હતો.
એક દિવસ હેલી અને જેલી તેમની બહેનપણીઓ તેઓના બોય ફ્રેન્ડસ જોડે બે દિવસ માટે હિલ સ્ટેશને ફરવા ગયા હતા. છોકરાઓએ પોતપોતાની ગર્લ ફ્રેન્ડ જોડે એક એક સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો.
તે દિવસે રાત્રે હેલી અને જેલી પોતપોતાના બોય ફ્રેન્ડઝ જોડે રૂમમાં હતી. રોમેન્ટિક ચેન ચાળા ચાલુ થયા. બંનેના બોય ફ્રેન્ડઝના દિલો દિમાગમાં વાસનાનો શેતાન સળવળતો હતો. તેમને હેલી અને જેલી આગળ વાસના સંતોષવાની માગણી કરી. બંને બહેનો અવાક પામી. તેમને ધરાર ના પાડી હતી પણ પૈસાની અને પરણવાની લાલચે બંનેના મિત્રોએ વિશ્વાસમાં લઈ આખરે માનવી લીધા. બંને બહેનો આખરે પોતાના બોય ફ્રેન્ડ આગળ વશ થઈ પોતાનું શરીર સોંપી દીધું. મન સરખું મળી જવાથી બંનેના મિત્રો ખુશ થઈ ગયા હતા. આખરે જે ન થવું જોઈએ તે થઈને રહ્યું. બંને બહેનોનું શીલ ભ્રષ્ટ થઈ ગયું.
બંને બહેનો પોતાના મિત્રના ભરોસે ઘરમાં માતા પિતા જોડે દલીલ બાજી પર ઉતરી આવે. રોજ રોજ કંકાસ થવા લાગ્યો. બંને બહેનોની ભૂખ મટતી નહોતી. પૈસા સિવાય બીજી કોઈ વાતજ કરતી નહોતી. દલપતભાઈ બંને દીકરીઓના ચાલ ચલગતથી પરેશાન થઈ ગયા હતા.
પત્ની કમલા પતિ જોડે આ બાબત ચર્ચા કરતા કરતા બોલ્યાં," હવે બેઉને સારો મુરતીયો જોઈ પરણાવી દો. પાણી ઉપરથી વહે તે પહેલાજ પાળ બાંધી દો."
પત્ની કમલાની સલાહ દલપતભાઈને ગમી. અને તુરંત તે દિશામાં શોધખોળ આદરી.
"જો સાંભળો તમે બેઉ બહેનો..હવે તમારા માટે સારા મુરતિયાની શોધ ખોળ શરૂ કરી દીધી છે.હવે તમારું બહાર આવવા જવાનું મોજશોખ ઓછા કરી દો. સારું નહીં દેખાતું. "
"પપ્પા," હેલી અકળાઈ બોલી ઉઠી,
" અમે હવે નાદાન નથી રહ્યા. તમે નક્કી કરતા પહેલા કમ સે કમ અમને તો પૂછવું જોઈતું હતું. અમારી પસંદગી, નાપસંદગી જાણવી જોઈતી હતી. અને હા..અમે અમારી પસંદગી કરી લીધી છે.તમારે કષ્ટ લેવાની જરૂર નથી."
"હા પપ્પા હેલી સાચું કહે છે." જેલી બોલી.
દલપતભાઈ નિરુત્તર રહ્યા.
અમને હજુ આગળ ભણવું છે. અમારી ઉંમર નથી થઈ હજુ પરણવાની." હેલી બોલી.
હેલી અને જેલીના એક એક શબ્દબાણ દલપતભાઈના છાતીને વિંધતા હતાં.
દલપતભાઈ શૂન્યમાં ધકેલાઈ ગયા હતા.
દલપતભાઈએ પરણવાની વાત કરતા બંને બહેનો છંછેડાઈ હતી. ધુઆપુઆં થઈ ગઈ હતી.પણ મામલો વધુ આગળ વધે અને બાજી વધુ બગડે તે પહેલાં જ વિદુરે સમય સૂચકતા વાપરી બાજીને સંભાળી લીધી. મામલો જેમ તેમ શાંત પાડયો.
જોત જોતમાં કરણ હવે સ્કૂલે જતો થયો હતો. બાલમંદિર,સિનિયર કેજી,પહેલું ધોરણ... એમ પા પા પગલી માંડતો થયો.
વિદુર તે દિવસે રાત પાળીમાં કામ ચઢ્યો હતો. કલાક થયો હશે અને અચાનક વિદૂરને ચક્કર આવવા માંડ્યા. અને નીચે પણ પડી ગયો. આજુબાજુના કારીગરોએ બેઠો કર્યો. પાણી પીવડાવ્યું. ઠંડી હવામાં લઈ ગયા. ચા પણ પીવડાવી. વિદુરને સારું લાગવા લાગ્યું. મેનેજરે સવારે ડોકટરને બતાવી આવવા કહ્યું.
સવારે વિદુર પત્નીને લઈ ડોકટરની ત્યાં ગયો. ડોક્ટરે કહ્યું, " વિટામીનની સી. અને ડી ની ઉણપ છે. દવા અને ઇન્જેક્શનનો ત્રણ મહિનાનો કોર્ષ છે તે કરશો તો સારું થઈ કશે. વિદુરે ત્રણ મહિનાનો કોર્સ પણ કર્યો.
દલપતભાઈએ વિદુર જોડે હેલી અને જેલીને પરણાવવાની વાત કરી. બંને બહેનોને હજુ આગળ ભણવું છે તેની જાણ કરી. હેલી અને જેલીએ હજુ પરણવાની ઉંમર નથી તેમ પણ કહ્યું.
" પપ્પા, એમને હજુ ભણવાની ઈચ્છા હોય તો ભણવા દો. ભણેલું નકામું નથી જવાનું. એમને જ આગળ જતાં કામ આવશે. અત્યારે કઈ પરણાવવાની જરૂર નથી" બહેનોનો પક્ષ લેતા વિદુર બોલ્યો. આ જ ઉંમર છે પપ્પા મોજ શોખ કરવાની. પરણ્યા પછી કઈ મોજશોખ કરવા નહી મળશે. હું છું ને બેઠો. તમે ચિંતા નહિ કરો. તમારી જવાબદારી અને ચિંતા મે લઈ લીધી. તમે નચિંત રહો.
દલપતભાઈએ બંને પુત્રીઓની ચાલ ચલગત વિશે વીદુરને જાણ નહોતી કરી.
છ મહિના પછી પાછા વિદુરને ચક્કર આવ્યાં. ઉલ્ટીઓ પણ થઈ હતી. ડોકટરને બતાવ્યું. હોસ્પિટલમાં દાખલ કર્યા. હોસ્પિટલમાં લોહીની ઉલ્ટી થઈ હતી. લોહી,પેશાબના નમૂના લીધા. તેનો રિપોર્ટ આવી ગયો હતો. શરીરમાં લોહી પૂર્ણ માત્રામાં નથી એવું ડોક્ટરોનું કહેવું હતું. આરામની અને કોઈ પણ ટેન્શન લેવાની ના પાડી હતી. કંપનીવાળાઓએ વિદુરને એક મહિનાની રજા લઈ આરામ કરવાનું કહ્યું હતું. તેની રજા પણ મંજૂર થઈ ગઈ હતી.
એક મહિનો ઘરે આરામ કર્યો પણ ઘરે પણ શાંતિ નહોતી. બંને બહેનો રોજની કચકચ કરવા લાગી..
જેમ તેમ મહિનો નીકળ્યો. વિદુર પાછો ડયુટી પર હાજર થઈ ગયો. આ વખતે પહેલાં કરતા બહુ અશક્ત થઈ ગયો હતો. બધાએ સહાનુભૂતિ પૂર્વક પૂછપરછ કરી હતી.
થોડાક મહિના બાદ પાછી ઉલ્ટીઓ થવા લાગી. હોસ્પિટલ દાખલ કર્યો. પાછું લોહી તપાસ્યું, પેશાબ તપાસ્યું પણ રિપોર્ટમાં કઈ જ આવ્યું નહી. ડોકટર રિપોર્ટ જોઈ મુંઝાયા. દિવસે દિવસ વિદુરની તબિયત લથડતી હતી. શરીર ગળાતું જતું હતું. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા. ડાચું બેસી ગયું હતું. કમજોરી આવી ગઈ હતી. શરીર સોટી જેવું થઈ ગયું હતું. ડોક્ટરોએ રિપોર્ટ અને લોહીના સેમ્પલ મુંબઈ મોકલ્યા હતાં. ૧૦ દિવસ બાદ રિપોર્ટ આવ્યો. રિપોર્ટ જોઈ ડોક્ટર હેરત પામ્યા. ઓહ માય ગોડ..બ્લડ કેન્સર!!!!!!!
ડોકટરો આગળ મોટું સંકટ ઉભુ થયું. મોટો પ્રશ્ન ઊભો થયો. આ રીપોર્ટની જાણ હવે વિદુરની કરવી કેવી રીતે?
એના પિતાને કહીએ તો ઉપાધિ.કમજોર દિલના છે. એમનાથી આ સહન નહિ થશે. મમ્મીને કહીએ તો પાગલ થઈ જવાની ભીતિ. પત્ની નીતિને કહીએ તો બેભાન થઈ જશે. તેમને સંભાળવી મુશ્કેલ થશે.
ડોકટરે વાતને એમની એમ જ દબાવી રાખી. પછી સમય જોઈને વાત કરીશ એમ સમજી ડોક્ટર ઈલાજ કરતા રહ્યા.
એક દિવસ હોસ્પિટલના બિછાને વિદુર વિચારોના વમળમાં ઘેરાયેલો હતો. અચાનક નર્સ ચેક અપ કરવા રૂમમાં દાખલ થઈ. એણે ચેક અપ કર્યું. દવાની ટ્રેમાં દવાઓ હતી તેમાંથી અમુક દવાઓનો ડોઝ આપ્યો અને જતી રહી.
દવાઓની ટ્રેમા વિદૂરના રિપોર્ટ પણ હતા. એણે એ રિપોર્ટ જોયા અને હેબતાઈ જ ગયો!! એની આંખોની સામે માતા પિતા.પત્ની નીતિ અને પુત્ર કરણના ભવિષ્યની ચિંતાઓ ઘેરાઈ ગઈ. ચૂપચાપ મોં છુપાવી આંસુઓ વહેવડાવતો હતો. થોડીવાર પછી એણે રિપોર્ટ વિશે કશુજ ખબર નથી તેવું વર્તન કરી ડોક્ટર અને નર્સ જોડે વાતચીત હસી મજાક કરતો હતો. એના માતા પિતા, પત્ની નીતિ અને પુત્ર કરણ જોડે હસી મજાક કરતો. હિન્દી મૂવી આનંદમા જેમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કેન્સર ગ્રસ્ત દર્દીનો ગ્રેટ અભિનય કર્યો તેવો જ અભિનય વિદૂરે પણ કરવાનું શરૂ કરી દીધુ. ઘરના બધાને હાશકારો થયો. વિદુરની તબિયત સુધારા પર છે એમ તેમને લાગ્યું. પણ હકીકત કઈ જુદી જ હતી.એ હકીકતથી બધા અજાણ હતાં.
એક દિવસે ડોક્ટરોએ વિદુરને તપાસ્યા પછી કહ્યું, " જો તમારી આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોય અથવા કોઈ આર્થિક મદદ કરે એવું હોય તો મુંબઈ ઈલાજ માટે જવું પડે. અને ત્યાં પણ ફરક નહી પડે તો કદાચ વિદેશ અમેરિકા પણ જવું પડે. કીમિયો થેરાપી કરવી પડશે. તો બીમારી સારી થઈ જશે."
" કેમ ડોકટર સાહેબ? મને કોઈ જીવલેણ બીમારી છે? જે અહી નહી સારી થાય? છેક અમેરિકા જવું પડશે? કઈ બીમારી છે? બ્લડ કેન્સર છે?"
" વિદુરની વાત સાંભળી ડોકટરની આંખો પહોળી થઇ ગઈ. ડોકટર હેરત પામી ગયા. વિદુરને કેવી રીતે ખબર પડી માંદગીની?
" ડોક્ટર સાહેબ ,મને ખબર છે કે હું કેન્સર ગ્રસ્ત દરદી છું. તમે આ વાત દબાવી રાખી. તમારા મનમાં એમ કે મારા પિતાને કહીએ તો ઉપાધિ.કમજોર દિલના છે. એમનાથી આ સહન નહિ થશે. મમ્મીને કહીએ તો પાગલ થઈ જવાની ભીતિ. પત્ની નીતિને કહીએ તો બેભાન થઈ જશે. તેમને સંભાળવી મુશ્કેલ થશે.બરાબરને હું કહું છું તે?"
" હા..પણ તમને કેવી રીતે ખબર પડી"
" સાહેબ , મે રિપોર્ટ જોઈ લીધો હતો પણ મને કશુજ ખબર નથી તેવો ડોળ કર્યો." તમે ચિંતા નહિ કરો તમારી મુંઝવણ હું સમજુ છું."
એકાદ મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ અચાનક વિદુરની તબિયત લથડી. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેના વાળ ખરતા હતાં. આંખો ઊંડી ચાલી ગઈ હતી. ગાલ બેસી ગયા. હાથ પગ સોટી જેવા થઈ ગયા. શરીર પર અને માથાપર નાની ગાંઠો દેખાતી હતી. વિદુરના માતા પિતા,પત્ની નીતિ અને પુત્ર કરણ પણ હોસ્પિટલમાં જ હતાં. બધાની સામે એણે સ્મિત કર્યું. પોતાનો જમણો હાથ ધીમેથી ઉપર કર્યો અને બધાંનું જાણે અભિવાદન કર્યું. અને બિજીજ પળે હાથ નીચે અને ડોક જમણી બાજુ નમી. ડોકટરને તુરંત બોલાવવામાં આવ્યા.ડોકટરે સ્ટેથોસ્કોપથી તપાસ્યું. નાડીના ઠોકા તપાસ્યા. પછી હૃદયના ધબકારા પણ તપાસી જોયા. . નાડીના ઠોકા અને હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા. શરીર ઠંડું પડી ગયું. શ્વાસ થંભી ગયો હતો. ડોકટર સમજી ગયા હતા. વિદુરની આંખો બંદ કરતા કહ્યું," વિદુર નથી રહ્યો".
દલપતભાઈનું હૈય્યા ફાટ રુદન, માતા કમલાબહેનનું આક્રંદ, પત્ની નીતિનું આક્રોશ વાતાવરણ એકદમ ગમગીન બની ગયું. ડોકટર, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય બધાની આંખો ભીની થઇ ગઈ.
વિદુરની લાશને ઘરે લાવ્યા.બીજે દિવસે સવારે વિદુર હંમેશની માટે અંતિમ યાત્રાએ જવાનો હતો.
વિદુરનો દીકરો નાનો હોવાથી પિતા દલપતભાઈએ અગ્નિ દાહ આપ્યો. બારમાં અને તેરમાની વિધિ પણ પિતા દલપતભાઈએ કરી.
દિવસો વિતતા ગયા,મહિનાઓ પસાર થયા. કમાવનારું માણસ જ નથી રહ્યું એટલે સ્વાભાવિક આર્થિક ખેંચ થવા લાગી.અત્યાર સુધી સગાવ્હાલા,ઓળખીતાઓ, વિદુરની કંપનીવાળા,સ્ટાફના માણસો અવાર નવાર આર્થિક સહાય કરતા હતા. વહુ નીતિ સમજુ હતી. ભણેલી હતી. તેને મનોમન નક્કી કરી લીધું કે હવે આપણે નોકરી કરવીજ પડશે. સાડીના એક શો રૂમમાં સેલ્સ ગર્લ/ વુમનની જરૂરી હતી. નીતિ શેઠને રૂબરૂ મળવા ગઈ. તેને આખી હકીકત કહી. નોકરીની જરૂરી હતી. શેઠ પણ સારા હતા. માનવતા ને કાજે તેમને નીતિને નોકરી આપી. વિશેષ એટલે બધા કરતાં સહેજ વધારે પગાર અને સમય પણ થોડો ઓછો હતો. નીતિ નિષ્ઠાથી,ઈમાનદારીથી, સૂઝબૂઝથી નોકરી કરતી હતી. તેના પગાર પરજ આખા પરિવારનું ભરણ પોષણ થતું હતું. વિદુરના પ્રોવિડન્ટ ફંડના થોડાક પૈસા જમા હતાં તે મળી ગયા હતા અને બેંકમાં નીતિએ પોતાના નામે ફિક્સ ડિપોઝિટમા મૂકી દીધા હતા.
નીતિને છ મહિના જેટલો સમય થયો હશે નોકરી કરવા. વિદુરની બંને બહેનોએ ભણવા માટે ફીની માગણી કરી. દલપત ભાઈએ નનૈયો ભણી દીધો. આજે લાગ જોઈને દલપતભાઈ બંને દીકરીઓ પર વરસી પડ્યા. અગનગોળા વરસાવતા હતાં. શબ્દે શબ્દે તણખા ઝરતા હતાં.
" તમને કઈ શરમ છે નહી કે તે પણ પૈસા ખાતર ગીરવી મૂકી આવ્યા? અક્કલ નથી? દેખાતું નથી ? જુવાનજોધ ભાઈ મરણ પામ્યો. તમે નફ્ફટ થઈ પૈસા માંગો છો? અરે..એ બિચારાએ જિંદગીમાં કોઈ જલસા નહી કર્યા,કોઈ મોજ શોખ નથી કર્યા,તમારી ચિંતા એને કોરી ખાતી હતી. તમારા લગ્નની જવાબદારી એણે પોતાના માથે લીધી હતી. લગ્ન માટે તમારા નામે બેંકમાં ખાતું ખોલી એમાં પૈસા જમાં કરતો રહ્યો. પગારના પૈસા ઘર ખર્ચમાં પૂરો થઈ જતો હતો. ઓવર ટાઇમ કરતો હતો. તેના પૈસા તમારા બંનેના ખાતાંમાં જમાં કરતો હતો. ઇન્કરીમેન્ટ, ઇન્સેંન્ટિવના પૈસા જમાં કરતો હતો. તમેં બેશરમીની હદ વટાવી દીધી. સમાજમાં મારા ઇજ્જતના ધજાગરા ઉડાવ્યા તમે બેઉએ પાછું નફ્ફટ થઈ પૈસા માંગો છો? ક્યાં મોઢે પૈસા માંગો છો? જાઓ અહીંથી એક પણ પૈસો નહી મળે. જતી રહો તમે બંને જણી. તમારા માટે આ ઘરના દરવાજા હંમેશને માટે બંદ થઈ ગયા. તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ,જે કરવું હોય તે કરો,જેની સાથે જ્યાં જવું હોય ત્યાં જાઓ,જે કરવું હોય તે કરો અમને તેની સાથે કોઈ લેવા દેવા નથી. કોઈના ઘરમાં જબરીથી રહો, નોકરી,વ્યવસાય,કે ધંધો કરી ભાડાના મકાનમાં રહો,આ શહેર છોડીને જ્યાં જવું હોય ત્યાં જાઓ મને કઈજ લેવા દેવા નથી..ચાલ્યા જાઓ આજે હમણાજ..દરવાજો ખુલ્લો છે."
" બેશર્મીઓ મારો દીકરો ખરેખર મર્યાદામાં જીવ્યો, મર્યાદામાં રહ્યો, બાપાની,ઘરની સમાજની મર્યાદા સાચવી રાખી. માતા પિતાના નામને જરાય પણ આંચ આવવા દીધી નહોતી. અરે આવી આજ્ઞાંકિત, સમજુ,મર્યાદા શીલ પુત્રનો પિતા હોવાનો મને ગર્વ છે.
અને એક તમે બંને બહેનો..પિતાના નામને લાંછન લગાડ્યું. સમાજમાં મારું નાક કપાઈ ગયું એવું હિન કક્ષાનું કામ તમે કર્યું. દુનિયા કહે છે કે દીકરીઓ તો પિતાની પરીઓ હોય છે પણ તમે તો પિતાની છપ્પન છુરીઓ નીકળી. પિતાના કાળજાને વીંધી નાખી. ઘરની,સમાજની,માતા પિતાની મર્યાદા ઓળંગી નાખી તમે બેઉએ.જતી રહી.મને તમારું કાળું મોં જોઉં નથી."
વહુ નીતિએ માંડ માંડ સસરાને શાંત કર્યા. મામલો થાળે પાડયો. બંને નળંદોને પણ શાંત રહેવા કહ્યું અને કશું બોલ્યાં વગર ચૂપચાપ જતા રહેવા કહ્યું.
બંને બહેનો ચૂપચાપ જતી હતી એટલે દલપતભાઈએ તેમને રોકતાં કહ્યું, " તમ તમારો સામાન,કપડાં લત્તા લઈ જાઓ .ફરીથી અહી પગ મૂક્યો તો ખેર નહી"
બંને બહેનો કલાકમાં પોતપોતાની બેગ કપડાં અને જોઈતા સામાનથી ભરી નીચે માથું કરી ચૂપચાપ નીકળી ગઈ હતી.
જીવનની સંઘ્યા ટાણે ઢળતી ઉંમરે દલપતભાઈ પત્ની કમલા સાથે જિંદગીના એક એક ક્ષણ વણી વણીને યાદો કરી માયુસ થઈ જતા. પુત્રનો વિયોગ એમણે વિછીના ડંખની જેમ એમના કાળજાને ડંખ મારતો હતો.
" સાંભળો, તમે હવે વર્તમાનમાં જીવો. ભૂતકાળને ભૂલી જાઓ. તમારા નસીબે જે લખ્યું હતું તે તમે ભોગવ્યું અને હજુ ભોગવવું પડશે. લલાટે લખેલા લેખ મિથ્યા નહી જાય. તમે ગમે તેટલો વિયોગ કરો,પૂજા પાઠ કરો,વ્રત કરો, જપ તપ કરો."
વિદુરના અચાનક જવાથી દલપતભાઈનું કાળજું સમસમી ઊઠયું. દલપતભાઈ વધુ ભણ્યા નહોતા. માંડ માંડ મેટ્રિક પાસ થયા. કોલેજના બે વર્ષ સુધી અભ્યાસ કર્યો પણ આર્થિક જવાબદારી માથે પડવાતી ભણતર અધૂરું છોડી નોકરીના તલાશમાં ભટકતા રહ્યા. કોઈ જગ્યાએ મેળ નહી પડતા આખરે જમીન લે વેચની દલાલી શરૂ કરી. ત્રણ વર્ષ સુધી બરાબર ગાડું ગબડતું હતું ત્યાજ રિયલ એસ્ટેટમા મંદીના વાદળો ઘેરાયા. એટલે દલપતભાઇ આર્થિક ભીંસમાં સપડાયા. છ મહિના થતાં રિયલ એસ્ટેટમા તેજીના કોઈ એંધાણ નહી દેખાતા તેઓએ કાપડની દલાલી શરૂ કરી. માંડ માંડ એકાદ વર્ષ થયું ને આ વ્યવસાયમાં પણ મંદી નડી પાછા આર્થિક ભીંસમાં સપડાયા. માથે એક દીકરો અને બે દીકરીઓનું ભણતર, ભરણ પોષણ અઘરું થવા લાગ્યું. પતિની કફોડી હાલત જોતા પત્ની કમળાબહેનને જોવાતી નહોતી. તેમની આજુબાજુની સોસાયટીઓમાં રસોઈવાળીબહેન જોઈતી હતી એટલે એમને સંપર્ક કર્યો. એકજ સોસાયટીમાં ત્રણ જગ્યાએ રસોઈનું કામ મળ્યું. થોડો આધાર મળ્યો. કાપડની દલાલીમાં પણ માઠી દશા બેસતા હીરાની દલાલીમાં ઝંપલાવ્યું. આ ધંધામાં આવતા આશાના કિરણ જગ્યા. સારી એવી કમાણી થવા લાગી. પહેલાં કરતાં પરિસ્થિતિથી સહેજ સુધરી પણ માથે સંતાનોનું ભવિષ્ય ઘડવાનું હતું. કર કસરથી જીવતા હતા. ત્રણ વર્ષ બાદ હીરાની દલાલીમાં પણ હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ. દીકરો વિદુર માંડ માંડ બી.કોમ સારા માર્ક્સથી પાસ થયો. પિતાની કફોડી હાલત જોતા સમજુ, આજ્ઞાંકિત વિદુર નોકરીની શોધમાં જોતરાઈ ગયો. આગળ તેને ભણવું હતું પણ મજબૂરીએ ઘૂંટણીએ પાડી દિધો. ખાનગી પેઢીઓમાં અરજી કરી કરીને થાક્યો. બધેજ અનુભવી માણસો જોઈતા હતા. સરકારી નોકરીમાં આશા જ નહી રખાય. સરકારી નોકરીઓ તો ભ્રષ્ટ નેતાઓના સગાવ્હાલા માટે જ હોય. તેમાં વિદુર જેવા અતિ સામાન્ય માણસનો ક્યાં પત્તો લાગવાનો?.શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ગયો. ફેક્ટરી ફેક્ટરીએ રખડ્યો. એક કાપડની ફેક્ટરીના ગેટ પર એણે બોર્ડ વાંચ્યું, " અનુભવી,બિન અનુભવી,મહેનતુ,હોશિયાર સંચા પર કામ કરી શકે એવા કારીગરો જોઈએ.. મળો રૂબરૂમાં મેનેજરશ્રી ને."
એણે તરત વોચમનને પૂછી મેનેજરને રૂબરૂ મુલાકાત માટે ગયો. મેનેજર શ્રીને મળ્યો. આઠ કલાકની શિફ્ટ. ત્રણ કલાકની શિફ્ટ રહેશે. દર અઠવાડિયે શિફ્ટ બદલાશે. મહિનાનો પગાર નક્કી કર્યો. ઓવર ટાઇમ મળશે, વૈદ્યકીય સહાય, વર્ષ પછી ઈંક્રીમેન્ટ, વગેરે લાભો પણ મળશે."
બંને બહેનોને તેમના બોય ફ્રેન્ડસએ હાંકી કાઢી હતી. પરણવાની ચોખ્ખી ના પાડી. "અમને તો તમારી સાથે મોજશોખ અને જલસા જ કરવા હતાં. તમે કેવી રીતે અને ક્યાં હિસાબે વિચાર્યું કે અમે તમારી સાથે પરણી શું? અમારા માતાપિતા અમારા માટે તો સોનાની મરઘી શોધી રહ્યા છે."
તેમના પિતા દલપતભાઈ એ પણ ઘરમાંથી કાઢી મૂકી હતી.એટલે ક્યાં મોઢે પાછા પિતાના ઘરે આવે? અને ક્યાં મોઢે પિતાને કહે?
બંને બહેનોના નામે જે પૈસા બેંકમાં જમાં કર્યા હતા તેમાં નોમીની તરીકે દલપતભાઈ હતાં. દલપતભાઈએ એ હયાતીમાં જ પૈસા વહુ નીતિના નામે ટ્રાન્સફર કરી દીધા હતા.
બંને બહેનો ના ઘરની કે નાં ઘાટની રહી.
બને બહેનો ક્યાં ગઈ? આ જ શહેરમાં છે કે બીજા શહેરમાં ગઈ? પરણી ગઈ કે નહી તે આજદિન સુધી ખબર નથી.અને જાણવાની તસ્દી પણ લીધી નહી.
સમય સમયનું કામ કરતું હતું. પુત્ર વિદુરનો આઘાત જીરવી ન શક્યા . દલપતભાઈને અચાનક પક્ષઘાતનો હુમલો થયો. તેમાં ડાબુ જડબુ વાંકું થઈ ગયું હતું. હાથ અને પગ અચેતન થઈ ગયા હતા.
પત્ની કમલાને નજીક બોલાવી કહેવા લાગ્યા," કમલા,મારો સમય હવે નજીક આવતો જાય છે. ઈશ્વરે આ મને એક જાતનો ઈશારો કર્યો છે.
કેવો બદનસીબ બાપ છું હું. જુવાન જોધ પુત્રને કાંધ આપ્યો,અગ્નિ દાહ આપ્યો, બારમાં તેરમામાં પિંડ દાન કરવું પડ્યું. પુત્રો બાપ દાદાના આત્માને શાંતિ મળે એટલે પિંડ દાન કરતા હોય છે અને હું એક એવી બાપો પુત્રના આત્માને શાંતિ માટે તર્પણ અને પિંડ દાન કરવું પડ્યું.
જુવાન જોધ વહુનું સૂનું કપાળ, સફેદ વસ્ત્રો, નિસ્તેજ અને ગમગીન ચહેરો મારા કાળજાને જોરજોરથી હથોડા મારી રહ્યા છીએ. હજુ કેવા કેવા દિવસો જોવા પડશે.?
ગયા જન્મમાં નક્કીજ કોઈ પાપ કર્યું હશે તેનો બોઝ હું આ જન્મમાં લઈ જીવતો હતો. અને મને તેની સજા મળી રહી છે. જેમ ભગવાન શ્રીરામના પિતાએ પુત્રના વિરહમાં દમ તોડયો તેવીજ હાલત મારી થઈ ગઈ છે."
પત્ની કમલાબહેનથી આંસુ રોકતાં રોકાતા નહોતા. પતિના અવસાન થવાથી તારી દાદીને એકલવાયું મહેસૂસ થતું હતું. દાદા અને તારા પપ્પા સાથે વિતાવેલા સંઘર્ષ અને દુઃખભર્યા દિવસો યાદ કરી વ્યથિત થતાં હતાં..જીવન જીવવામાં મન લાગતું નહોતું. મન ઉડી ગયું હતું. દાદાના વિરહમાં તારી દાદીની તબિયત દિવસે દિવસ બગડતી જતી હતી. તારા દાદા અને પપ્પાના અવસાન પછી ઘરમાં કોઈજ મરદ માણસ નહોતું જે પરિવારની જવાબદારી ઉઠાવી શકે. તું ૮ વર્ષનો બાળક હતો. હું અને દાદી બે જણી હતી. એક દિવસ દાદાના પગલે દાદીએ પણ જીવનને અલવિદા કરી દાદા પાસે પહોંચી ગયા. મારા પર તારી જવાબદારી હતી.
તારા દાદા દાદીએ મને બીજા લગ્ન કરવાની સલાહ આપી હતી. મે ચોખ્ખી ના પાડી દીધી." પપ્પા, તમે મને બીજા લગ્ન કરવાની સલાહ આપો છો પણ મારે નથી કરવા. બીજા લગ્ન કરી પણ લઉં પણ સાસુ સસરા તમારા a જેવા સ્વભાવના હોય અને પતિ પણ વિદુર જેવા હશેજ એની કોઈ ગેરંટી નથી. ઉલમાંથી ચૂલમા પડું અને જીવનને વધુ નર્કાગારમા ધકેલી દઉં તે કરતા હું તમારી સેવા કરું અને કરણનું ભાવિ ઘડતરમાં જીવન પૂરું કરું તે મારા માટે યોગ્ય રહેશે. તારા દાદા અને દાદી માની ગયા. અહી રહીને જ હું સુખને શોધતી રહી.
દીકરા, હવે સૂઈ જા. રાતના ૧૧ વાગી ગયા.સવારે વહેલા ઊઠવાનું ને સ્કૂલે જવાનું છે ને? ઘડિયાળ સામે જોતા નીતિ બોલી.
નીતિએ કરણ તરફ નજર કરી. એ તો સૂઈ ગયો હતો. ક્યારે સૂતો? કેટલો સમય થયો? એણે કેટલું સાંભળ્યું તે નીતિને કંઇજ ખબર નહોતી. એ તો બસ દીકરા કરણને વાત કરવામાં ખોવાઈ ગઈ હતી.
નીતિ હવે એકલી જ હતી. એકલીએ તેને જીવનની લડાઈ લડવાની હતી. સંઘર્ષ કરવાનો હતો.ઝઝૂમવાનું હતું. એ બહુ જ સમજદાર હતી. એ જાણતી હતી કે સંસારમાં,દુનિયામાં ઘણા એવા લંપટ લોકો છે જે સહાનુભૂતિની પીપુડી વગાડી મારી મજબૂરી, એકલતાનો લાભ લઈ મને વશ કરવા નાગ નાગિનની જેમ મને મારા દરમાંથી કાઢવા હવાતિયાં મારશે. મારે ડગલે પગલે સાવચેતી રાખવી પડશે. હંમેશા એવા લોકોથી જાગ્રત રહેવું પડશે.
દીકરાના ભવિષ્યના રંગીન સપના જોતી જોતી નીતિ પણ નીંદરની શરણે ક્યારે થઈ તેણીને ખબર જ ના પડી. છેક સવારે સાત વાગે નીંદ ખુલી ત્યારે ખબર પડી. આંખ ચોળતી ઊભી થઈ. દીકરા કરણને સ્કૂલે જવા ઉઠાડ્યો અને એના ભવિષ્યના રંગીન સપના સાકાર કરવા નિત્ય કામોમાં પરોવાઈ ગઈ.
____________________________
સમાપ્ત....
( ભરતચંદ્ર શાહ)