મોટાપો !!!
વહેલી સવારે ચાના કપ સાથે હાથમાં લીધેલો બ્રેડ-બટર જામનો ટુકડો મોંઢામાં મૂકું તે પહેલાં તો નજર પેટ ઉપર ગઈ. જાણે મોટરનું ટાયર ગળી ગયો હોઉં તેવું ગોળમટોળ પેટ, ને જાણે કપાસની ગુણ ઉપર માથું મૂક્યું હોય તેવો ફાટું ફાટું દેખાવ !! જમીન ઉપર પેટ ઢોળાઈ ન જાય તે હેતુથી પહેરેલ શર્ટનાં ગાજ-બટન તો બિચારાં એક બીજા સાથે હાથાબેલી કરી, મહા મહેનતે જોડાયેલાં હતાં. એ વળી ઓછું હોય તેમ ઉપરથી 'ઓએનજીસી' સાથે 'એમઓયુ' કરી શકાય તેટલી તો ગેસની તકલીફ.
શરીર કાંપવા લાગ્યું, અંતરનાદ થયો ! બસ હવે તો બહુ થયું ! ત્યાં પડેલાં ગ્લાસમાંથી હથેળીમાં જળ લઈ મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે, આજથી તીખું-તળેલું, બ્રેડ-બટર, ચીઝ-પનીર મારાં માટે વર્જિત છે.
'કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ પેટ ઉતરે નહીં ત્યાં સુધી ઘરે પાછો નહીં ફરું' એવાં દ્રઢ નિર્ધાર સાથે, ને જાણે પૃથ્વીનું પરિભ્રમણ કરવાં નીકળ્યો હોઉં તેવાં મનોભાવ સાથે મોર્નિંગ વોક માટે પગ ઉપાડ્યા.
મોટાપાની ચિંતાને આજ પ્રસવ પીડા ઊપડી ને તેણે જયેષ્ઠ પુત્રી 'લઘુતાગ્રંથિને' જન્મ આપ્યો, એટલે રસ્તામાં પણ જ્યાં કોઈ સામે મળે તો શ્વાસને રોકી બને તેટલું પેટ અંદર લઈ, પાતળો દેખાવા પ્રયત્ન કરતો રહ્યો. પેલાં દુબળા પાતળા કાળા કૂતરાને જોઈને પણ ઈર્ષાથી પીડાતો તો વળી રસ્તા ઉપર મુકેલાં હોર્ડિંગમાં ચીતરેલી હિરોઈન જાણે મારું પેટ જોઈએ હસતી હોય તેવી શંકા સાથે શરમ અનુભવી રસ્તો બદલી ચાલતો રહ્યો. તો વળી, મારાથી મોટાં પેટનું આધિપત્ય ધરાવતાં કોઈ મહાજનને જોઈને આત્મસંતોષ પણ માનતો રહ્યો કે, આ ચરબી વપરાશના કંજૂસ અને સંગ્રહાખોર કરતાં તો હું ઘણો સંયમી છું.
માંડ થોડું ચાલ્યો હોઈશ ત્યાં તો પગ અસહકારના આંદોલન પર ઊતરી ગયાં. હું પણ ઘરે પાછો જવાનું જ બ્હાનું શોધતો હતો પરંતું હજુ હમણાં જ કરેલ પેટ ઉતારવાનો દ્રઢ નિર્ધાર મને તેમ કરતાં રોકતો હતો. કાયમની જેમ આજ પણ કુદરત મારી સાથે જ રહી !! તે જ સમયે રિવરફ્રન્ટના ચોકીદારે સીટી મારવાનું ચાલુ કરી, રિવરફ્રન્ટ બંધ કરવાનો સમય થઈ ગયો હોઈ બધાને બહાર જવા સૂચના આપવા માંડી. 'સાપ મર્યો પણ લાઠી ન ટૂટી', એમ મારી પ્રતિજ્ઞા અકબંધ રહી, ટેકને અખંડ રાખવામાં સહભાગી અને મદદરૂપ થયેલા એ ચોકીદારને આજે ભેટી પડવાનું મન થયું !!
'પગની કઢી થઈ ગઈ' તેવાં ઉદગાર સાથે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરું ત્યાં તો રસોડામાંથી ચિરપરિચિત ને લલચામણી સોડમે મારી ધાણેન્દ્રિયને સક્રિય કરી. હું સાવચેત થયો અને આવી કોઈ લાલચમાં નહીં ફસાવા તેમજ પ્રતિજ્ઞા ઉપર અડગ રહેવા જાતે જ પીઠ થપથપાવી મનોબળ વધારવા લાગ્યો.
ઊંડો શ્વાસ લઈ હાશકારા સાથે હજું તો સોફામાં પડતું મુક્યું જ હતું કે ત્યાં તો શ્રીમતીજી એક હાથમાં તળેલાં પકોડાની ડીશ અને બીજા હાથમાં કઢીની વાટકી લઈ ટીપોઈ ઉપર રાખી, તે મારી ને મારા પેટની કેટલી કાળજી લે છે ! તેવાં ભાવ સાથે મારી સામે જોયું પરંતું આજે તેની સાથે આંખ મિલાવવાની મારી હિંમત ન હતી, નીચા વદને જ તીખું તળેલું નહીં ખાવાની મારી ટેકથી પ્રિયવદનીને વાકેફ કરી, પણ હજુ તો હું વાત પૂરી કરું તે પહેલાં તો તેણે આંખો કાઢી, છણકો કરતાં બોલી કે, "રાત્રે જ તો કહ્યું હતું કે, સવારે પકોડા બનાવજે, તો વહેલાં ઊઠીને પકોડા બનાવ્યાં, હવે નાટક કરવાનું ? છાનાં માનાં ખાઈ લો !!" આ છણકાનો 'આદર' હું કાયમ કોઈ 'ગેબી આકાશવાણી' થઈ હોય તેટલાં જ ભાવપૂર્વક કરતો આવ્યો છું ને એમાં વળી મોર્નિંગ વોકની મહેનતથી ક્ષુધા પણ પ્રદીપ્ત થયેલી, માટે ખાવું કે ન ખાવું તે અંગે વિચારોનું દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. મેં આંખો બંધ કરી સગવડિયા વિચારોને આહવાન કર્યું, ત્યાં તો એ ઉપદેશ યાદ આવી ગયો કે આત્મા અમર છે, શરીર તો નાશવંત છે. શરીરનો આટલો મોહ શું કરવો? બે ભજીયાં ખાઈ લેવાથી જો આત્મા તૃપ્ત થતો હોય, ને નિજાનંદ મળતો હોય તો, એનાથી મોટું ધર્મ કાર્ય શું હોઈ શકે !!
અંતે જે થવાનું હતું તે જ થયું. હું ભગ્ન હૃદયે, ટુકડાઓમાં વહેંચાયેલી અને છિન્નભિન્ન થઈ વિખરાયેલી મારી ભિષ્મ પ્રતિજ્ઞાની કણીઓને એકઠો કરતો ને આઘાત ગ્રસ્ત મનને આશ્વાસન આપતો રહ્યો કે, 'આજે જે થયું તે થયું, કાલથી પ્રતિજ્ઞાનું દ્રઢપણે પાલન કરીશ'. તે જ વખતે બાજુનાં મંદિરનાં લાઉડસ્પીકરે કબીરજીનો દોહો લલકારી મને સાંત્વના આપી.
મન મરે, માયા મરે,
મર મર જાત શરીર;
આશા તૃષ્ણા ના મરે,
કહ ગયે દાસ કબીર !
સંજય_એકલવ્ય
૨૭_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com