kahani sukh na shikhar ni in Gujarati Motivational Stories by Chetan Thakrar books and stories PDF | કહાની સુખના શિખરની

Featured Books
Categories
Share

કહાની સુખના શિખરની

શીર્ષક: કહાની સુખના શિખરની

"સુહાની, તું જો સમયસર તારી સાસુને લઈને આવી ના હોત તો એને કોમા માં જતા હું પણ રોકી ના શકત. તે વસંતભાઈ અને શિખરને જાણ કરી?" ડો. મહેતાએ સુહાનીને શાબાશી આપતા પૂછ્યું.

"હા, પપ્પા આવે છે." સુહાનીએ નીચું જોઈને કહ્યું.

"અને શિખર? હજુ તમારે બંનેને અબોલા છે?" ડો. મહેતા વસંતભાઈના ફેમિલી ડોક્ટર હોવાને નાતે બધું જાણતાં હતા, એટલે સુહાનીનું વર્તન જોઈને અંદાજો આવી ગયો તો પણ પૂછી બેઠા.

"હેલ્લો મહેતા સાહેબ, કેમ છે હવે આશાને?" સુહાનીને જવાબ આપવાની અસમંજમાંથી બચાવવા વસંતભાઈ આવી પહોંચ્યા અને ડો. ને પૂછ્યું.

"આભાર માનો સુહાનીનો, એ સમયસર આશાબેનને લઇ આવી. બાકી તમારી વસંતઋતુ પાનખરમાં ફેરવાઈ ગઈ હોત." ડો. મહેતાએ સુહાસીના વખાણ કર્યા અને સાથે મિત્રની મજાક પણ કરી લીધી. વર્ષો જુના ફેમિલી ડોક્ટરને આવી મિત્રતા થઇ જતી હોય છે. "આશાબેન ને ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહ્યું એટલે આવું થયું છે, હું રજા તો કાલે આપી દઈશ પણ એક અઠવાડિયું ટોટલ બેડ રેસ્ટ કરવો પડશે."

"ઓકે સાહેબ, થેન્ક યુ." વસંતભાઈએ આભાર માનતા ડોક્ટરને કહ્યું.

"જય શ્રી કૃષ્ણ પપ્પા।" સુહાનીએ વસંતભાઈને પગે લાગીને કહ્યું.

"જય શ્રી કૃષ્ણ, બેટા તું અહીં? તું આવી ક્યારે? મારો મતલબ છે તને કેમ ખબર પડી? કંઈ રીતે આશાને અહીં લઇ આવી?" વસંતભાઈએ એક સામટા સવાલો નો મારો કર્યો.

"મારી ફ્રેન્ડના ઘરે પ્રસંગ છે કાલે એટલે આવી અહીં, મમ્મીને મળવાનું મન થયું તો આજે બપોરે ઘરે ગઈ અને બેલ મારવા છતાં પણ દરવાજો ના ખુલ્યો એટલે મને શંકા ગઈ. ઘરની એક ચાવી આપણે બહાર ક્યાં રાખીએ છીએ એ મને ખબર હતી એટલે એનાથી દરવાજો ખોલીને હું અંદર ગઈ. બધા રૂમમાં જોયું પણ મમ્મી ક્યાંય દેખાયા નહિ અને લાસ્ટમાં બાથરૂમમાં જોતા ત્યાં તેમને નીચે પડેલા જોઈને મેં તરત 108 ને ફોન કર્યો અને અહીં લઇ આવી. રસ્તામાંથી તમને ફોન કરીને જાણ કરી." સુહાનીએ ખુલાસો કરતાં બધી વાત કરી.

"ખુબ સારું કર્યું, ભગવાને જ તને મોકલી હશે બાકી આશાને આજે...ભગવાન તને 100 વર્ષની કરે." વસંતભાઈએ ગળગળા થઈને સુહાનીના માથે હાથ મુકતા કહ્યું.

"હવે સારું છે મમ્મીને પપ્પા, તમે આમ ઢીલા ના પડો." સુહાનીએ સસરાને હિમ્મત આપતાં કહ્યું અને પૂછ્યું "તમે, શિખરને ફોન કર્યો? એને કહ્યું કે હું અહીં છું?"

"હા કર્યો, એ આવે છે. ના નથી કહ્યું, ફોનમાં કહેવું યોગ્ય ના લાગ્યું મને." વસંતભાઈએ જવાબ આપતાં કહ્યું.

એટલી વારમાં શિખર આવ્યો અને સુહાનીને જોઈને આશ્ચર્ય પામ્યો પણ કંઈ બોલ્યો નહિ અને આશાબેન પાસે બેસી ગયો. આશાબેન પણ હવે ભાનમાં આવી ગયા હતા. એટલી વારમાં ડોક્ટર પણ આશાબેન ભાનમાં આવી ગયાની જાણ થતાં આવી પહોંચ્યા અને ચેકઅપ કરીને કહ્યું "બધું ઓલરાઇટ છે, ચિંતા કરવાં જેવું નથી પણ આજ રાત અહીં રહે તો સારું, કાલે રજા આપી દઈશ. પણ ઘરે કહ્યું એમ કરવાના હોવ તો જ, બાકી ભલે મને થોડી કમાણી થાતી." હસતાં હસતાં ડો. મહેતાએ કહ્યું.

"પપ્પા તમે થાક્યા હશો, ઘરે જાવ. હું રાત રોકાઇશ અહીં." શિખરે કહ્યું.

"ના બેટા, તું સુહાનીને એ કહે ત્યાં મૂકીને ઘરે જા, બહારગામથી આવ્યો છો તો થાક લાગ્યો હશે તને." વસંતભાઈએ આદેશના સૂર માં કહ્યું એટલે શિખર ના ન પાડી શક્યો.

ઝગડાનો ચહેરો નિર્દોષ હોય છે, પણ એની પીઠ ભયાનક હોય છે એની સાબિતી જાણે બંને આપતા હોય એમ હોસ્પિટલથી સુહાનીએ કહેલા એડ્રેસ સુધી બંને ચૂપ જ રહ્યાં.

*******

શિખર, શરીરથી મજબૂત, મન થી ઋજુ અને દિલથી પ્રેમાળ. દંભની બાબતે એ ડફોળ હતો અને પ્રમાણિકતાના વિષયમાં પી.એચ.ડી. હતો. સંવેદનશીલ પણ એવોજ, ઝીણી કાંકરી મારો તો કચડાઈ મારે અને સહેજ વખાણ કરો તો પોરસાઈને પહાડ જેવો પહોળો થઇ જાય.

સુહાની, સુંદર હતી. વસ્ત્રોની અંદર ઢંકાયેલું એનું સુડોળ શરીર વાસ્તવમાં શરીર નહીં, પણ કોઈ પણ પુરુષના દિમાગને તહસનહસ કરી નાખે એવા વિસ્ફોટકનો ગરમા ગરમ જથ્થો હતું. સુહાનીએ પહેલી જ મુલાકાતમાં શિખર જેવા હોનહાર પુરુષને પાગલ બનાવી મુક્યો હતો.

બંનેના કોમન ફ્રેન્ડ્સ ના લગનમાં 'હાય-હેલ્લો' થી શરુ થયેલું આકસ્મિક મિલન એકમેકનાં હૈયા હલાવી નાખવા સુધી પહોંચી ગયું. બંને જણા વાતના પ્રવાહમાં એ રીતે વહેતા રહ્યાં, જે રીતે ઘસમસતી નદીનાં પૂરમાં વૃક્ષના પાંદડા તણાતા જાય. અને બંનેના ઘરની મંજુરીથી લગ્ન પણ કરી લીધા.

પણ કહેવાય છે કે સુખની આવરદા ટૂંકી હોય છે અને દુઃખની જીવાદોરી લાંબી હોય છે. શિખર નખશીખ પ્રામાણિક એટલે એણે એના એક પણ અવગુણ કે ભૂતકાળની વાત સુહાનીથી છુપાવી નહોતી પણ ત્યારે એને એવો અંદાજો પણ નહોતો કે આ બધી વાત આગળ જતા શક નામનો સાંપ બનીને એના જીવનને ડંખ મારશે અને એને સુખના શિખર પરથી દુઃખના દરિયામાં ડૂબાડી દેશે.

સુહાની છેલ્લા 3 મહિનાથી શિખર સાથે ઝગડો કરીને પિયર જઈને બેઠી હતી. એને વાંધો શિખર જોડે જ હતો, આશાબેન કે વસંતભાઈ જોડે નહિ. દરરોજ શિખર ના હોય ત્યારે એ સાસુ સસરા સાથે ફોનમાં વાત કરવાનું ચૂકતી નહીં. એના અને આશાબેન ના સબંધ સાસુ વહુ કરતાં માં-દીકરીના વધુ હતાં. પરંતુ સુહાનીને શિખરની ઘણી બાબતો સાથે મતભેદ થતાં હતા. મતભેદ મનભેદ માં ક્યારે ફેરવાઈ ગયો એની જાણ કોઈને ના થઇ અને એક દિવસ સુહાની પિયર જતી રહી.

પણ કુટુંબ ઉપર આવી પડતો આઘાત ક્યારેક સંબંધના તૂટેલા કાંચ ઉપર ફેવીકોલનું કામ કરતો હોય છે એમ આશાબેનની તબિયત બગડી, સુહાનીનું ત્યારેજ ઘરે પહોંચવું અને ડોક્ટરે બેડરેસ્ટ કરવાનું કહ્યું એટલે સુહાની એક અઠવાડિયા માટે ઘરે રહેવા આવી. આશાબેન ને અને વસંતભાઈને નવી આશા જાગી અને મનોમન પ્રાર્થના કરવાં લાગ્યા કે સુહાની હવે અહીંજ રોકાઈ રહે અને શિખર સાથેના બધા મતભેદ ખતમ થઇ જાય.

ક્યારેક કોઈ ક્ષણ એવી ફળદ્રુપ હોય છે, જે બોલાયેલા શબ્દથી ગર્ભવતી બની જતી હોય છે. સાચા હૃદયથી બોલાયેલું વાક્ય સમયના ઉદરમાં ઈચ્છા બનીને પાંગરવા લાગે છે. જગત આ ઘટનાને જ કદાચ વિધાત્રીના નામથી ઓળખતું હશે. આવુંજ કંઇક આશાબેન અને વસંતભાઈની પ્રાર્થના વખતે થયું હોઈ શકે, કારણકે એજ સમયે કોરોના ના કાળા કેર થી બચવા માટે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી ત્યારે સુહાનીનો ઘરમાં બીજો દિવસજ હતો.

સુહાનીએ પહેલો દિવસ અને રાત તો શિખરને અવગણીને કાઢી નાખી પરંતુ આ લોકડાઉન ના સમાચારે એને મૂંઝવણમાં નાખી દીધી હતી, હવે એને 21 દિવસ ફરજીયાત અહીંજ રહેવું પડશે. આશાબેને એની મૂંઝવણ પારખીને એને કહ્યું "બેટા,આપણે હંમેશા સાચું સમજીને જ કરતા હોઈએ, ખોટું છે એ તો પછી જ ખબર પડે છે. ક્યારેક સાચું કરવાનું પરીણામ સુખ આપનાર નથી હોતું. તું અને શિખર એક વાર શાંતિથી વાત તો કરો, તમે બંને આટલા સમજદાર છો અને આવું કરો એ યોગ્ય લાગે છે?"

"મમ્મી, મારે એની સાથે દલીલમાં નથી ઉતરવું." સુહાનીએ વાત કાપવાનાં ઈરાદાથી કહ્યું.

"બેટા, હું શિખરનો પક્ષ લઈને તને નથી સમજાવતી, હું તને મારી દીકરીજ સમજુ છું એટલે કહું છું. દલીલોના દરવાજા બંધ કરી દેવાથી સંબંધોનું જળાશય દરિયો ના બની શકે. એને તર્કનો કાંઠો ના મળે તો એ ગંધાઈ ઉઠે, બંધિયાર ખાબોચિયાની જેમ. એક વાર મારુ માન રાખીને એની સાથે વાત તો કર, કંઇક રસ્તો નીકળશે." આશાબેને આજીજી કરતા કહ્યું.

બીજી તરફ વસંતભાઈ શિખરને સમજાવવા મચી રહ્યાં હતા "વ્યક્તિને જીતવી હોય તો એને સહમત કરવી પડે બેટા, મહાત કર્યે ન ચાલે. કારણ બતાવવું પડે અને ગળે ઉતારવું પડે. તું સુહાની જોડે દલીલ કરવાની બદલે તારી વાત શાંતિથી સમજાવી પણ શકે ને?"

"પપ્પા, પણ એ સમજવા કે માનવા તૈયાર થાય તો ને? તમને એવું લાગે છે કે મેં કોશિશ નહિ કરી હોય?" શિખરે પોતાનો પક્ષ રજુ કરતાં સામો સવાલ કર્યો અને ઉમેર્યું "કેરીની ખટાશ અને લીંબુની ખટાશમાં ફેર હોય પપ્પા, કેરીને એ મીઠી થાય ત્યાં સુધી પકવી શકાય. લીંબુ તો જેમ પાકે એમ ખટાશ પકડે. અને સુહાનીના મનમાં શક નામના લીંબુની ખટાશ છે. શક દૂર કરવાનાં મેં બધાજ પ્રયત્નો કર્યા, પણ એને સંતોષ જ નથી."

"એક કોશિશ વધુ, આમ પણ હવે 21 દિવસ સાથે જ રહેવાનું છે તો એક ટ્રાઈ કરવામાં તને કંઈ વાંધો છે?" વસંતભાઈએ વિનવણી ના સૂરમાં કહ્યું.

આશાબેન અને વસંતભાઈની એકજ ઈચ્છા હતી કે શિખર અને સુહાની બંને ફરી એક થઇ જાય. બંનેની કોશિશથી શિખર અને સુહાની એકબીજા સાથે વાત કરવા માટે રાજી થઇ ગયા ત્યારે આશાબેનની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ, જાણે અડધી જંગ જીત્યા. આંખોની ખૂબી એ જ કે એ હરખથી પણ છલકાય અને દુઃખથી પણ છલકાય! એ આંખ જયારે માતાની હોય ત્યારે તો પૂછવું જ શું!

*******

સમય સૌથી મોટો દિગ્દર્શક છે, એ જિંદગીના તખ્તા પર ભજવાતા નાટકમાં એક પણ પાત્ર સાથે સહેજ પણ અન્યાય નથી કરતો! યોગ્ય સમયે એ દરેક પાત્રને ચોટદાર સંવાદ ફટકારવાની તક આપી જ દે છે. આજે એવી તક શિખર અને સુહાની બંને પાસે આવી. બંને આજે બધું ક્લીઅર કરવાનું નક્કી કરીને બેઠા હતાં. પણ શરૂઆત કોણ કરે? એ મૂંઝવણમાં બંને અગાસીમાં શાંત વાતાવરણમાં ચૂપ બેઠા હતા.

"સુહાની, આ ચાંદ અને તારા ને જોઈને શું વિચાર આવે છે તને?" સુહાની ઝબકી અને સમજવાની કોશિશ કરી રહી કે શિખર શું કહેવા માંગે છે!! પણ શિખર આકાશ તરફ જોઈને પોતાની ધૂનમાં આગળ બોલ્યે જાય છે "જિંદગીમાં અમુક લોકો ચાંદ જેવા હોય છે, પુરા ખીલેલા તો મહિનામાં એક દિવસ જ જોવા મળે, એવા લોકોનો પ્રેમ પણ ચાંદ ની જેમ વધ-ઘટ મતલબ મુજબ થતો રહેતો હોય છે. અમુક લોકો તારા જેવા હોય છે, 365 દિવસ એક સરખા જ દેખાય.... એક સરખો જ પ્રેમ આપે." શિખરે આટલું બોલીને સુહાની સામે જોયું.

"શિખર, તને એવું લાગે છે કે મારુ વર્તન ચાંદ જેવું છે?" સુહાનીએ આંખ ઝીણી કરીને પૂછ્યું.

"યાર, સુહાની પ્લીઝ. તું તને ગમતો મતલબ ના કાઢ હંમેશા. મારો કહેવાનો મતલબ એ હતો કે તું તારા જેવી છો, મમ્મીની ખરાબ તબિયતમાં તે આપણો મતભેદ ભુલાવીને પણ એની દેખરેખ માટે એક પણ ક્ષણ વિચાર્યા વગર અહીં રોકવાનો નિર્ણય લીધો એ બીજું કોઈ હોય તો કદાચ ના લઇ શકે." શિખરે હંમેશાની જેમ સમજાવટના સૂરમાં કહ્યું.

"તારી આવી અઘરી અઘરી વાતો જ મને હંમેશા મૂંઝવણમાં નાખી દે છે. આ જ વાત તું આમ ચોખ્ખું પણ કહી શક્યો હોત. પણ નહિ, તને હંમેશા અઘરું જ બોલવું ગમે અને મને સરળ ભાષામાં સાંભળવું ગમે. અને વાંક પછી મારો કાઢ કે હું મને ગમતા મતલબ કાઢું છું." સુહાની હવે પહેલાની જેમ ખુલીને બોલવા લાગી હતી.

"હવે તું કહે છે તો સરળ ભાષામાં જ વાત કરીશ ઓકે?" શિખરે સુહાનીને પહેલા બોલવાનો મોકો આપવાનો નિર્ણય કર્યો. "આજે તારા મનમાં જે હોય એ કહી દે, હું પહેલાની જેમ જ પુરી ઈમાનદારી થી અને સચ્ચાઈથી જ સાંભળીશ અને જવાબ આપીશ."

"આહાહા...વાત તો હવે એવી કરીશ જાણે બધો વાંક મારો જ હતો. લૂક શિખર, તને કોઈ દિવસ એવી ફરિયાદ નો મોકો મેં આપ્યો કે હું તારા મમ્મી પપ્પાને માન સન્માન નથી આપતી? એ લોકોનું ધ્યાન ના રાખ્યું હોય એવું બન્યું? મને તારા ઘરનાં થી કોઈ પ્રોબ્લેમ નથી અને એટલે જ હું અહીં છું અત્યારે. મને પ્રોબ્લેમ તારી સાથે હતો અને છે. તને ફ્રેન્ડ્સ સાથે બહાર જવાનો સમય છે, ફિલ્મ જોવા જવાનો સમય છે, પણ મારી સાથે બહાર જવાની વાત આવે ત્યારે તને આરામ કરવાનું મન થાય, એ વળી કેવું? રવિવાર એટલે જાણે તને એકને જ મળતો હોય, અને તું એકલો જ રવિવારની રાહ જોતો હો એવું વર્તન હોય તારું. શું મને મન ના થતું હોય તારી સાથે બહાર જવાનું? શું મને તારી સાથે ફિલ્મ જોવા જવાનું મન ના થતું હોય? તને રવિવારે રજા મળે છે, શું તે એવું વિચાર્યું કે મને ક્યારે રજા મળતી હશે? હું તારી સાથે રહેવા માટે, આખા અઠવાડિયાની વાત કરવા માટે રવિવારની રાહ જોતી હોવ છું. બહાર તું બહું વાતોડિયો છો એવું બધા કહે અને ઘરે આવ ત્યારે કેમ મૂંગો રહે છે? મારી સાથે કોઈ દિવસ કામ વગર નિરાંતે વાત કરી છે?"

એકી શ્વાસે બોલ્યા પછી સુહાની સહેજ રહીને ફરી બોલે છે "તે કોઈ દિવસ મારા ઘરના વિષે પૂછ્યું કે મારા મમ્મી પપ્પાની તબિયત કેમ છે? તે સામેથી કોઈ દિવસ ફોન કર્યો? શું એના તરફ તારી કોઈ ફરજ નથી? તારા ઘરના ને હું કેમ સાચવું છું એ તને ખબર છે, તો શું તને એક ફોન કરવામાં પણ તકલીફ પડે? મને ખબર છે કે તને ફોનમાં વાત કરવી નથી ગમતી, પણ શિખર અમુક કામ બીજાને ગમતા હોય અથવા બીજાની ખુશી માટે પણ કરવા પડતા હોય છે. હવે કંઈક તો બોલ, કે આજે પણ મૂંગો રહેવું એવું નક્કી કરીને આવ્યો છો?" સુહાની રડમસ અવાજે વાત પુરી કરતા બોલી.

"હું તારી આ બધી બાબતમાં સહમત છું, મને મારી ભૂલ દેખાઈ છે. તારા ગયા પછી મમ્મી પપ્પાએ પણ મને બહુ કહ્યું આ બાબતે અને હું દિલથી એ બાબતે માફી માંગુ છું તારી. તને મમ્મી પપ્પા સાથે ખુશ જોઈને હું એવું જ વિચારતો હતો કે તું ખુશ છે, પણ મેં તારી જગ્યાએ રહી ને કોઈ દિવસ વિચાર્યું નથી. હું મારી જ દુનિયામાં મસ્ત હતો, પણ હવે એવું નહીં થાય." શિખરે ઈમાનદારીથી પોતાની ભૂલ સ્વીકારી જે એને સુહાનીના ગયા પછી મમ્મી પપ્પાએ કહી હતી, પણ મમ્મી પપ્પાને શિખરે મુદ્દાની વાત તો કરી જ નહોતી કે ક્યાં કારણોસર એનો અને સુહાનીનો ઝગડો આટલો વધ્યો. એ મુદ્દો શિખર હવે હાથ પર લઇ આવ્યો "સુહાની, તને એવું લાગે છે કે મેં તારાથી કઈ છુપાવ્યું હોય? લગન પહેલા કે લગન પછી."

"ના." સુહાની સહેજ ઢીલી પડી ગઈ, એની અપેક્ષા બહારનું વર્તન શિખરે કર્યું હતું. સુહાનીને આવી આશા જરાય નહોતી કે શિખર તરત પોતાની ભૂલ સ્વીકારી લેશે.

"મેં તને મારા અને શિલ્પી વિષે બધી જ વાત કરી હતી?" શિખરે મેઈન સવાલ કર્યો.

"હા." સુહાનીએ નીચું મોઢું રાખીને જવાબ આપ્યો.

"તો તું કોઈપણ વાતમાં એને વચ્ચે લઇ આવે છે એ શું યોગ્ય છે? હું ફ્રેન્ડ્સ સાથે બહાર જાવ તો તને એમ થાય કે હું શિલ્પી જોડે જાવ છું, જાસૂસી કરવા મારા ફ્રેન્ડ્સ ને ફોન કરીને કન્ફર્મ કરવું, મારા મોબાઈલના મેસેજ ચેક કરવા, હું ફોનમાં વાતો કરતો હોવ તો એ સાંભળવી... આવું કેટલું કરતી હતી તું? જે વ્યક્તિ અત્યારે મારી સાથે કોન્ટેક્ટમાં પણ ના હોય એના વિષે તું ગુસ્સામાં અને શક માં ના બોલવાનું બોલી જા છો તો શું એ તને યોગ્ય લાગે છે? તને શોભે છે? જો મારે તારાથી કઈ છુપાવું જ હોય તો હું તને લગન પહેલા એ બધી વાત કરી જ ના હોય. તમારો છોકરીઓનો પ્રોબ્લેમ સમજાતો નથી... સાચું કહીએ તો એ સચ્ચાઈ પહેલા સારી લાગે પણ એ સચ્ચાઈ શકમાં ક્યારે બદલાઈ જાય એ ના સમજાય અને જો કંઈ છુપાવીએ અને પાછળથી ખબર પડે તો એને દગો કહીને તમે ઝગડો. પહેલા હા એ હા કરશો... વખાણ કરશો અને પછી શક કરશો અને મેણાં મારશો. ભૂતકાળ બધાનો હોય સુહાની, મેં તને મારો ભૂતકાળ કહ્યો ત્યારે તને તારા ભૂતકાળ વિષે પણ પૂછી શકતો હતો, પરંતુ મને એ જરૂરી ના લાગ્યું. કારણકે હું વર્તમાનમાં રહેનારો માણસ છું. તારી શક કરવાની આદતે મને બહુંજ દુઃખ પહોચાડ્યું છે. તારા મેણાં સહન નહોતા થતાં એટલે તે દિવસે મારા સ્વભાવની વિરુદ્ધ ઊંચા અવાજે તારી સાથે ઝગડો થઇ ગયો. તો પણ મેં તને બીજે દિવસે સોરી કહેવા માટે ફોન કર્યો હતો, પણ તે જવાબ ના આપ્યો એટલે મેં મેસેજ કર્યો, તે એનો જવાબ પણ ના આપ્યો. શું આ બધું તને યોગ્ય લાગે છે? મને મારી ભૂલ સમજાણી, સ્વીકારી, માફી માંગી અને ફરી નહિ થાય એવું પ્રોમિસ પણ કર્યું; શું તું તારી ભૂલ સ્વીકારી શકીશ?" શિખરે આજે ખુલીને મનમાં જે હતું એ બધું સુહાનીને કહીને રાહતનો શ્વાસ લીધો. આટલા વખત થી જે વાત મનમાં હતી એ બધીજ કહી દીધી.

સુહાની ને પણ એની ભૂલ સમજાઈ ગઈ અને રડતે રડતે બોલી "મને માફ કરી દે શિખર. મારા એવા શકે તને બહુ તકલીફ આપી, અને મારા એ શકને તારા મિત્રે 'એક તરફ સપ્તપદી અને બીજી તરફ ગુપ્તપદી!' કહીને તારી મજાક કરી હતી એ હું સાચી માની બેઠી એમાં હવા મળી અને શકની આગના ધુમાડામાં હું તારી સચ્ચાઈ જોઈ જ ના શકી. અને હું પણ ત્યારે ગુસ્સામાં ના બોલવાનું તને બોલી બેઠી."

"ગુસ્સો તો દરેક માણસને આવે જ.... પણ હું વાંક જોનારો નથી, યાદ પણ ના રાખું।... રાત ગઈ બાત ગઈ... હું એ વિચારું કે સબંધ મહત્વનો કે ગુસ્સો? હું તો હજુ પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો. સુહાનીમાં રહેલો 'સુ' શિખરના 'ખ' સાથે જોડાઈને જીવનભરનું 'સુખ' બની શકે કે કેમ એની શક્યતાઓ તપાસીએ તો કેવું રહેશે?" શિખરે આટલું કહીને સુહાની સામે પ્રેમથી જોયું અને પોતાના ગોઠણ પર બેસીને પ્રપોઝ કરતો હોય એવી અદા માં પૂછ્યું.

"સારું રહેશે." કહીને સુહાની શિખરને જોરથી ભેંટી પડી.

*******

-ચેતન ઠકરાર

919558767835

www.crthakrar.com