CHHABILOK - 4 in Gujarati Comedy stories by ARUN AMBER GONDHALI books and stories PDF | છબીલોક - ૪

Featured Books
Categories
Share

છબીલોક - ૪

(પ્રકરણ – ૪)

ચોથાં ફ્લોરવાળા રાજનભાઈએ બુમ મારી. એ...મારી પિંકીની ફ્રેમ કોરી છે, સવારથી... હજુ પિંકી દેખાતી નથી !

નીચે બધાં સાથે ઉભાં રહેલ દેવબાબુના કાને શબ્દો પડ્યાં અને એનાં ચહેરાનો રંગ બદલાયો. મનોમન એ બોલી રહ્યાં હતાં, ભૂલ થઇ..! પાછાં ફરતી વખતે ગણતરી કરવાની રહી ગઈ. છબીલોકની એક વ્યકિત પાછી ફરી નહોતી. એ તરત ઉપર દોડ્યા. વાતવાતમાં શંકા નહી જાય એ રીતે રાજનભાઈ જોડે પિંકીની અધૂરી જીન્દગી જાણી લીધી અને ધરપત આપી કે કોઈ અપશુકનની શંકા રાખશો નહી. બધા સ્વર્ગવાસીઓ છબીમાં એટલે ફ્રેમમાં દેખાયા તેમ પિંકી પણ દેખાશે. સુર મિલાવતાં કહયું – “ખબર નથી પડતી કે આ શું થાય છે ?”

રાત્રીના બારના ટકોરા પડ્યાં. દેવબાબુએ બધી તૈયારી કરી લીધી હતી. પિંકીને શોધવાની. તાંત્રિક વિદ્યા અને પૂજાથી એણે એ જગ્યાની શોધ કરી.

એ શહેરમાં જ હતી. ફૂડ પેકેટ વહેંચતા એ વિકાસના એપાર્ટમેન્ટમાં પહોંચી ગયી હતી. એ સરી ગઈ હતી યાદમાં.. એ દિવસોમાં..

પિંકી અને વિકાસ પ્રેમમાં હતાં. પ્રેમનું કારણ સમોસું... એક સમોસું... કોલેજની કેન્ટીનનું સમોસું.. કોઈને ખબર નહોતું કે સમોસું પણ પ્રેમનું પ્રતિક બની શકે.

કોલેજમાં રીસેસ પડી. પિંકીને ક્લાસમાંથી નીકળતાં મોડું થયું. લગભગ રીસેસ પૂરી થવા આવી અને તે જ સમયે વિકાસ અને પિંકી નાસ્તા માટે કોલેજ કેન્ટીનમાં પહોંચ્યાં. પૈસા ચૂકવી નાસ્તાનું ટોકન લઇ બંને અનાયાસે એકજ ટેબલની ખુરશીઓ ઉપર બેઠાં. ટોકન નંબર બોલાતા બંને કેન્ટીનની સર્વિંગ કાઉન્ટર પહોંચી ગયાં. પિંકીના હાથમાં સમોસાની ડીશ આવી અને બીજી ડીશ માટે સમોસા નહોતાં. સમોસા અને બીજી નાસ્તાની આઇટમ ખલાસ (આઉટ ઓફ સ્ટોક) નું બોર્ડ મુકતા કેન્ટીન બોય બોલ્યો. વિકાસ ખાલી હાથે પાછો ફરી પોતાની જગ્યાએ બેસી ગયો. એને ભુખ લાગી હતી એ ચહેરાં પરથી જોઈ શકાતું હતું.

“એ...હેલો... પિંકીએ વિકાસનું ધ્યાન પોતાનાં તરફ ખેચ્યું અને વિકાસને પોતાની ડિશમાંથી એક સમોસું શેર કરવા કહયું. એકપણ ક્ષણના વિલંબ વગર એણે એક સમોસું પિંકીના ડિશમાંથી લીધું અને ખાવાનું શરૂ કર્યુ. વિકાસની ક્રિયાથી પિંકી સમજી ગયી કે વિકાસને સખત ભુખ લાગી હશે. સમોસું ખાઈ, થેન્ક્સ કહી પોતાનું ટોકન પિંકીની સામે સરકાવી ઉતાવળે નીકળી ગયો. પિંકીને કંઇ બોલવાનો સમય પણ ના મળ્યો કારણ એ હજુ પોતાનાં સમોસાને ન્યાય આપી રહી હતી.

બંને થર્ડ ઇયરના વિદ્યાર્થી હતાં પણ ડીવીઝન જુદા જુદા હતાં તેથી બંનેની મુલાકાત આજ સુધી થઇ નહોતી કે એકબીજાને જોયાં હોય એવું લાગતું નહોતું. પણ હવે નજરો એકબીજાને શોધી રહી હતી. ફર્સ્ટ સાઈટ સમોસા લવ. અંદર નરમ બટાકા જેવું અને બહાર સખત ક્રન્ચી મેંદાનું પડ સમયનાં તેલમાં તળાતી વાનગી જેવી – તરતી લવ તલાશ.

બંને એકબીજાને મળતાં પણ અભ્યાસ અંગે જ વાતો કરતાં. બીજી વાતોમાં વિકાસને રસ નહોતો. અભ્યાસ અને કેરિયર શિવાય એ બીજી કોઈ વાતને પ્રાધાન્ય આપવાં તૈયાર નહોતો. એક સારા લક્ઝરી એપાર્ટમેન્ટમાં ઘરડાં પપ્પા અને મમ્મી સાથે રહેતો હતો. ફોરેન સ્થિત મોટાભાઈ થોડીક રકમ મોકલતાં તેમાં જ ગુજારો અને અભ્યાસ કરવાનો રહેતો. બહારના લોકો માટે એ ખુબ રઈસ હશે એવું લાગતું હતું ફક્ત લકઝરીયસ એપાર્ટમેન્ટને લીધે, જે એનાં મોટા ભાઈએ પૈસાના રોકાણ ખાતર ખરીદેલ હતું. ગરીબી શ્વાસ લઇ રહી હતી રઈસ વાતાવરણમાં ! પિંકી એનાં સાદા સ્વભાવને ખુબ ચાહતી હતી. એ ક્યારેક એનાં ઘરે જતી પણ નિરાગસ ભાવે.

આજે એમનાં રીઝલ્ટનો દિવસ હતો. બંને ફાઇનલમાં ફર્સ્ટક્લાસ પાસ થયાં હતાં. કોલેજમાંથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે વિકાસ પિંકીને કહી રહ્યો હતો હવે એ દુનીયા જીતી લેશે. માં-બાપને પડતી તકલીફ દુર થશે. સપનું પૂરું થશે. તે જ સમયે પાછળથી પુરઝડપે આવતી ટ્રકે બંનેને અડફેટે લીધાં. હોસ્પિટલ પહોંચે તે પહેલાં બન્ને આ દુનીયા છોડી ચૂક્યાં હતા.

પ્રેમના બંધન ખુબ અસરકારક હોય છે. પિંકીને લગ્ન કરવા હતાં પણ પ્રેમ કરીને. ભલે અનજાન વ્યકિત હોય પણ પ્રેમ તો પહેલાં પાંગરવો જોઈએને? એકબીજાને ઓળખીને જીવવાની મજા અને લગ્ન જીવન એ માણવા માંગતી હતી. એકદમ સહજ રીતે. આદર્શ નારીની જેમ. સંજોગે મનની મનમાં રહી ગયી.

આજે એને ઈચ્છા થઇ કે ચાલો સેવાના બહાને વિકાસના માં-બાપને મળીએ. એટલે... જોઈ આવીએ. સંજોગ એવાં ગોઠવાયા કે એ લોકો ફૂડ પેકેટ વિકાસના એપાર્ટમેન્ટના નજીકમાં જ વહેંચી રહ્યાં હતાં. તે ધીમેથી દેવબાબુની નજર ચૂકવી એપાર્ટમેન્ટમાં સરકી ગઈ.

‘*****’

એક પોલીસ ઓફિસર વિકાસના માં-બાપને ખખડાવી રહ્યો હતો.

“ખરા છો... આટલાં મોટા એપાર્ટમેન્ટમાં રહો છો અને ખાવાપીવા માટે ઘરમાં કંઇ નથી એમ કહી ફોન કરો છો ? જરા શરમ તો કરો !”

લકઝરીયસ એપાર્ટમેન્ટના રહેવાસી જોઈ પોલીસ અપમાનજનક શબ્દો બોલે તે સ્વાભાવિક હતું.

વિકાસના માં-બાપના આંખોમાં આંસુ હતાં. જે એમની અસહાય સ્થિતિ બયાન કરી રહી હતી. મધ્યમ વર્ગની ગરીબી આંખોમાંથી છલકાતી હતી. શબ્દો હોંઠમાં દબાયેલાં હતાં. ખુમારી એને સરવા દેતી નહોતી. ફક્ત એક ફફડાટ હતો હોંઠોમાં. આખરે એ ખુલ્યા..

“ના.... સાહેબ... અમે ખોટું નહી બોલીએ.. મારાં ભગવાન અમારાં ઉપર નારાજ થશે. આપ જરા ઘરમાં આવીને જુઓ પછી જ ફૂડ પેકેટ આપજો. ત્રણ દિવસથી અમારાં ઘરમાં ખાવાં માટે કંઇ નથી. દવા પણ પૂરી થઇ ગયી છે.”

આંખમાં આંસુ સાથે પોલીસ ઓફિસર પાછો ફર્યો. એ આંસુઓ રોકી શકતો નહોતો. ઘરડાં વડીલો પાસે પોતે કરેલ અપમાનની માફી કેવી રીતે માંગવી એ સમજાતું નહોતું. ઘરમાં ગરીબી જાળ પાથરીને બેઠી હતી. કદાચ ગરીબી પણ પહેલીવાર શરમાતી હોય એવું એને લાગ્યું. અન્નનો એક પણ દાણો ઘરમાં નહોતો. આખરે એ ખુબ રડ્યો.

પોતાનાં ખીસામાં જેટલાં પૈસા હતાં એ આપતાં બોલ્યો – “મને માફ કરશો.. મારી ભૂલ થઇ. આ પૈસા રાખજો, દવા માટે. બાકીની મદદ હું હંમેશ આપને કરતો રહીશ. મને તમારો દિકરો ગણજો.”

દિવાલ ઉપર બે છબીઓ ફ્રેમમાં લટકતી હતી. બધાની નજર છબીઓ પર પડી.

આંગળી બતાવતાં... આ મોટો દિકરો... અમેરિકામાં... એનું આ ઘર... પાછલી જીન્દગીમાં ઇન્ડિયામાં સેટ થવાનો હતો. નિયમિત પણ થોડી મદદ કરતો હતો. હવે એ અમેરિકામાં નથી. બે મહિના પૂર્વે કોરોનાએ છીનવી લીધો. એનીનો ફોન હતો... એની...પત્ની... અમને બહુ ઓળખ નહી. થોડાંક મહિના પૂર્વે જ તેઓ દવાખાનામાં મળ્યાં હતાં અને સાથે રહે છે એવું કહયું હતું. એનીને જોઈ પણ નથી. હવે ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતું નથી. ડર છે કદાચ.....એની પણ...?

આ વિકાસ મારો નાનો દિકરો, પરીક્ષામાં પાસ થયો તે જ દિવસે એક્સિડેન્ટમાં.... ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. હવે કોઈની મદદ નથી. જે હતું તે વપરાઈ ગયું. શ્વાસ ચાલે છે એટલે પેટને જરૂર પડે છે.

વિચાર પણ આવ્યો જીન્દગી ટુંકાવી લઈએ, પણ એ.... પત્ની તરફ નજર ફેરવતાં...બોલ્યા - “ના કહે છે. કર્મ પુરા કર્યે જ છુટકો. આજે આખું વિશ્વ કુદરત સાથે કરેલ ભૂલોની સજા ભોગવી જ રહ્યું છે ને. સાધન સંપન્ન છે છતાં”. અમે ધીરે ધીરે જરૂરિયાતો સંકોરી લીધી છે. બધું બંધ... ફક્ત છાપાવાળો છાપું બંધ કરવા તૈયાર નથી. તે હવે રોજ ઉપર આવી છાપું હાથમાં પકડાવી જાય છે. કદાચ.. કોઈ હિસાબ અગલા જનમનો એની જોડે બાકી હશે. અંતે પસ્તી પકડાવી દિધી અને પૈસા મજરે લેવાં કહયું. બહારની પરિસ્થિતિ આ છાપાના આધારે ખબર પડે છે એટલે ફોન કર્યો હતો તમને... મદદ માટે.

પોલીસ ઓફિસર – “માફ કરજો... અમે એવાં પણ લોકો જોયાં છે જે પરિસ્થિતિનો લાભ લે છે. ખોટું બોલી મદદ લઇ જાય છે. કોઠારો ભરે છે, રડે છે અને તંત્રને ગાળો દે છે. પાવરના આધારે અર્થતંત્રની બીક બતાવી સામાન્યને ડરાવે છે. ગરીબોનો હક.... છીનવે છે.

ધરપત આપતાં પોલીસ ઓફિસરે કહયું – “ચિન્તા ના કરો, સરકારની ઘણી યોજનાઓ છે એમાં તમારી અરજીઓ કરી દઈશ એટલે તમને રાહત થઇ જશે, સ્વાસ્થ સુવિધાનો પણ લાભ લઇ શકાશે. હું નિયમિત આવતો રહીશ. બધું સારું થશે.”

પોલીસ ઓફિસર સાથે થઇ રહેલ વાત પિંકી અદ્રશ્ય રીતે સાંભળી રહી હતી. પોતે એમનો અદ્રશ્ય સહારો બનવા માટે વિચાર કરી રહી હતી. દુઃખમાં એ પોતાને ભુલી ગઈ અને ત્યાંજ રોકાઈ ગયી. અતિથી રેસિડેન્સીમાં પરત ફરવાનું ભુલી ગયી.

સવારમાં દેવબાબુ શોધતાં શોધતાં આવ્યાં. પિંકીને જોઈ એ ખુશ થયાં. પિંકીએ આખી ઘટના જણાવી એટલે એ શાંત થઇ ગયાં. દેવબાબુની નજર ઘરમાં લટકતી છબીઓ પર પડી અને એમણે છબી જોડે સંધાન કર્યુ. પિંકીની વાત ઉપરથી એ બધું સમજી ગયાં હતાં. એમનું હૃદય દ્રવી ઉઠ્યું. થોડાંક તાંત્રિક મંત્રો દ્વારા એમણે વિકાસને છબી મુક્ત કર્યો. માં-બાપને અદ્રશ્યરીતે મદદરૂપ થાય એવી શક્તિ આપી. ફક્ત ઘરમાં રહી સેવા કરવા માટે અદ્રશ્ય રહી, લોકડાઉન સુધી.

પિંકી ખુબ જ ખુશ થઇ. દેવબાબુના આભાર માનતા એણે વિકાસને મન થાય ત્યારે મળવાની પરવાનગી આપવાં કહયું. દેવબાબુને એમની પ્રેમકથા ખબર હતી એટલે એમણે હોંકારો ભર્યો પરંતું શર્ત હતી કે સરકાર લોકડાઉન ઉઠાવી લે ત્યાં સુધી. ફક્ત રાત્રે, બધાં સુઈ જાય પછી અને સવાર પહેલાં પરત ફરવાની શર્ત સાથે. દેવબાબુ અને પિંકી પરત ફર્યા અતિથી રેસીડેન્સીમાં, છબીલોકમાં.

વ્યાકુળ પિતાના હાથમાં પિંકીની ફ્રેમ હજુ હતી. પિંકીને અચાનક છબીમાં જોઈને ખુશ થયાં. અશ્રું છબી ઉપર પડી રહ્યાં હતાં દડ... દડ... દડ...બાપને વહાલી દિકરી જ હોય !

(ક્રમશઃ)