પાતાલ લોક
-રાકેશ ઠક્કર
'પાતાલ લોક' વેબ સીરિઝના પહેલા ટીઝરમાં 'દિન ગિનના શુરુ કર દો, ધરતી કા કાનૂન બદલને ઘુસ આયે હૈ કુછ ઐસે કીડે, જો ફૈલાયેંગે ઝહર, બહાએંગે ખૂન, ઔર ઇસ ધરતી લોક કો બદલ દેંગે પાતાલ લોક મેં' જેવા દમદાર સંવાદને કારણે એને જોવાની ઉત્સુક્તા વધી ગઇ હતી. અને હિન્દી ફિલ્મોના નિર્માણમાં સફળ થવાનો પ્રયત્ન કરતી અનુષ્કા હવે વેબ સીરિઝ 'પાતાલ લોક' થી ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશ કરી રહી હોય ત્યારે અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક હતું. માનવીયતાના ખરાબ ભાગ પર પ્રકાશ પાડતી રહસ્ય, રોમાંચ અને ડ્રામાથી ભરપૂર 'પાતાલ લોક' અનુષ્કાની ફિલ્મોની જેમ જ અલગ વિષયવાળી છે. જેમાં એન્કરને રાક્ષસના રૂપમાં બતાવવામાં આવ્યો છે. વાર્તા એવી છે કે દિલ્હીમાં યમુના નદીના બ્રીજ પાસે ચાર ગુનેગારોને પકડવામાં આવે છે. જેઓ જાણીતા પત્રકાર સંજીવ મહેરાની હત્યાની સાજિશમાં સામેલ હતા. પકડાયેલા આ ચાર જણ દેખાવમાં ભલે સામાન્ય લાગતા હોય પણ તેની પાછળ એક ખતરનાક સત્ય છુપાયેલું હોય છે. આ શો સુદીપ શર્માના ક્રાઇમ થ્રિલર પુસ્તક પર આધારિત છે. સુદીપ અગાઉ 'ઉડતા પંજાબ' અને 'એનએચ ૧૦' સાથે લેખક તરીકે જોડાયેલો હતો. 'નેટફ્લિક્સ'ની 'તાજમહલ ૧૯૮૯' માં મહત્વની ભૂમિકા કરનાર નીરજ કાબી ઉપરાંત જયદીપ અહલાવત, ગુલ પનાગ વગેરે કલાકારો સાથે અનુષ્કાએ 'ક્લીન સ્લેટ ફિલ્મ્સ'ના નેજા હેઠળ આ વેબ સીરિઝ બનાવી છે. લૉકડાઉન દરમ્યાન ડિજિટલ પ્લેટફોર્મના દર્શકોની સંખ્યા વધી હોવાથી 'પાતાલ લોક' ને લાભ મળવાની આશા પૂરી થઇ છે. તેની શરૂઆત સારી થઇ છે. 'પાતાલ લોક' વેબ સીરિઝનું એક મુખ્ય પાત્ર હાથીરામ ચૌધરી ટાઇટલને સાર્થક કરતાં કહે છે કે દુનિયા એક નહીં ત્રણ છે. સૌથી ઉપર સ્વર્ગલોક છે. જેમાં દેવતા રહે છે. વચ્ચેના ધરતીલોકમાં માણસો રહે છે. અને છેલ્લા પાતાલ લોકમાં કીડા રહે છે. આ શોમાં ફક્ત પાતાલ લોકની વાત નથી, ધરતી લોકની સમસ્યાઓ પણ છે. સાથે એ વાત જણાવે છે કે સ્વર્ગલોક વિશે આપણે જાણીએ છીએ એવું હકીકતમાં નથી.
'પાતાલ લોક' ની એક ખાસિયત કે આકર્ષણ જે કહો એ તેના કલાકારો છે. અનુષ્કાએ જાણીતા કલાકારોને બદલે અભિનયમાં સશક્ત હોય એવા કલાકારો પર પસંદગી ઉતારી છે. આમ તો તેઓ સાવ અજાણ્યા ચહેરાઓ નથી. આપણે એમને કોઇ ટીવી શો, વેબસીરીઝ કે ફિલ્મોમાં સહાયક ભૂમિકા નિભાવતા જોયા જ છે. તેમના પર હજુ સુધી કોઇ જાતનો ટેગ લાગ્યો ન હોવાથી 'પાતાલ લોક' ની ભૂમિકામાં વધારે જામે છે. પોલીસ ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી તરીકે જયદીપ અહલાવત દર્શકોને એ વાતનો વિશ્વાસ અપાવે છે કે તેનું પાત્ર મજબૂત છે. તે પોતાના કામના બોજથી વધારે દબાયેલો છે. સાથે પોતાના ભૂતકાળથી પરેશાન છે. નોકરીમાં વર્ષો પછી તે જ્યાંનો ત્યાં જ છે. અલબત્ત કારકિર્દીમાં તેણે સારી પ્રગતિ કરી છે. જયદીપે પોતાની કારકિર્દીની શરૂઆત અક્ષયકુમારની ફિલ્મ 'ખટ્ટા મીઠા' થી કરી હતી. તેના અભિનયની ખરી નોંધ અનુરાગ કશ્યપ નિર્દેશિત 'ગેંગ્સ ઓફ વાસેપુર' ની મનોજ વાજપેઇના પિતા શાહિદ ખાનની ભૂમિકાથી લેવાઇ હતી. એકશન ફિલ્મ 'કમાંડો' માટે તેણે સર્વશ્રેષ્ઠ ખલનાયકનો 'ઝી સિને પુરસ્કાર' મેળવ્યો હતો. 'પાતાલ લોક' પછી તેની સરખામણી પંકજ ત્રિપાઠી જેવા અત્યારના દિગ્ગજ અભિનેતા સાથે થઇ રહી છે. હવે તે ફિલ્મોમાં વધુ મજબૂત અને મહત્વની ભૂમિકાઓ મેળવવા દાવેદાર બની ગયો છે. જયદીપ હરિયાણાનો હોવાથી હરિયાણવી ટોન તેને આ વેબ સીરિઝમાં મદદરૂપ બને છે. જયદીપની પત્ની રેનુના રૂપમાં ગુલ પનાગની ભૂમિકા સીધી સાદી છે. તેમ છતાં એણે અસર છોડી છે. 'ડોર'થી લઇ 'બાયપાસ રોડ' સુધીની ફિલ્મોમાં મહત્વના મહિલા પાત્રમાં છાપ છોડી જનાર ગુલ પ્રભાવિત કરે છે. જયદીપના પુત્ર તરીકે બોધ્ધિસત્વ શર્માએ જમાવટ કરી છે. પોતાના પિતાને પસંદ કરતો નથી અને બહારની દુનિયાથી પરેશાન છે એવા પુત્ર તરીકે તે પરફેક્ટ છે. આ ભૂમિકા માટે તેણે મહેનત કરી હોય એવું જોઇ શકાય છે. તેને ઘણા દ્રશ્યોમાં સંવાદની જરૂર રહી નથી. તે આંખથી જ અભિનય કરી જાય છે. તો વિશાલ 'હથોડા' ત્યાગીની ભૂમિકામાં અભિષેક બેનર્જીનો ચહેરો શાંત છે પણ નજર ચાકુ જેવી ધારદાર છે. 'મિર્ઝાપુર'માં કમ્પાઉન્ડર તરીકે ધ્યાન ખેંચનાર અભિષેક આ સીરીઝમાં વિલન છે. પણ તેના પાત્રનું રહસ્ય અંતમાં ચોંકાવી દે છે. સ્ત્રી, ડ્રીમગર્લ અને 'બાલા' જેવી ફિલ્મોમાં દર્શકો તેને જોઇ ચૂક્યા છે. નવાઇની વાત છે કે અસલ જિંદગીમાં તે કાસ્ટિંગ ડાયરેકટર છે. તેની પોતાની ઓડિશન કંપની છે. આ વેબ સીરિઝ માટે તેની કંપનીએ જ કલાકારોની પસંદગી કરી છે. જયદીપના સાથી ઇમરાન અંસારીના રોલમાં ઇશ્વાક સિંહ એક અલગ અંદાજ સાથે દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ થાય છે. 'રાંઝણા'માં નાના રોલથી શરૂઆત કરનાર ઇશ્વાકે 'વીરે દી વેડિંગ' માં સોનમ કપૂરના ફિઆન્સ તરીકે કામ કર્યું હતું. પણ ફિલ્મ 'અલીગઢ'ને કારણે વધારે ધ્યાન ખેંચ્યું હતું. અને એ કારણે જ અભિષેકની કંપનીએ તેને 'પાતાલ લોક' માટે પસંદ કર્યો હતો. સંજીવ મહેરા બનતા નીરજ કાબીનું કામ વધારે કાબિલે તારીફ છે. નિર્દેશકના ઇશારે તે કામ કરતો રહે છે. વાત ફિલ્મ 'તલવાર' ની હોય કે વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'ની, નીરજ અલગ છાપ છોડી ગયો છે. 'સેક્રેડ ગેમ્સ'ના ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી પછી 'પાતાલ લોક'માં મીડિયા ટાઇકૂન તરીકે પ્રભાવ ઊભો કરવામાં નીરજ સફળ રહ્યો છે. આ અગાઉની નીરજની નેટફ્લિક્સ પર આવેલી વેબ સીરિઝ 'તાજમહલ ૧૯૮૯' માં સાત જ એપિસોડ હોવાથી ખાસ ચર્ચા થઇ ન હતી. 'પાતાલ લોક' તેની લોકપ્રિયતામાં વધારો કરશે. તો રાજેશ શર્મા, જગજીત સંધુ, અનુપ જલોટા, આસિફ ખાન, અનિંદિતા બોઝ, સ્વસ્તિકા મુખર્જી, આકાશ ખુરાના વગેરે કલાકારોએ પોતાના નામની ઇજ્જત રાખી છે.
આ એક વેબસીરીઝ હોવાથી તેના ઝોનરનું પાલન કરવા એમાં ખૂન-ખરાબાના કે પરેશાન કરી દે એવા દ્રશ્યો જરૂર છે. છતાં તે ભારેખમ બની નથી. એમાં એક્શન, ઇમોશન અને ડ્રામા ભરપૂર છે. છેલ્લા એપિસોડ સુધી તેની વાર્તાની ગતિ ધીમી પડતી નથી. આ વેબ સીરિઝ તમારા દિલ અને દિમાગ બંને પર ટકોરા મારે એવી છે. અરશદ વારસીની 'અસુર' ના કેટલાક દ્રશ્યોની યાદ અપાવતી 'પાતાલ લોક' માં કેટલીક ખામીઓ હોવા છતાં નિર્માણ, સ્ક્રિનપ્લે, અભિનય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગેરેને કારણે આ વેબ સીરિઝની બીજી સીઝનની અપેક્ષા રાખવામાં આવે એમાં ખોટું કશું નથી. કેમકે છેલ્લા કેટલાક મહિનાઓમાં વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ પર આવેલી વેબ સીરિઝોમાં 'પાતાલ લોક' ને વધુ પસંદ કરવામાં આવી છે. તેને પાંચમાંથી ચાર સ્ટાર તો આપી શકાય એમ છે. કેટલાક દ્રશ્યોને જોઇને મોંમાંથી 'વાહ! ક્યા સીન હૈ!' શબ્દો સરી પડશે. પત્રકાર સંજીવ મહેરાને ઘેરીને એક પત્રકાર પૂછે છે કે,'કૌન હૈ યે લોગ, કહાં સે આતે હૈ?' ત્યારે સંજીવનો જવાબ 'ધે આર અસ' લાજવાબ કરી દે છે. આ અગાઉ જેલનો માહોલ કદાચ 'ક્રિમિનલ જસ્ટિસ' માં આટલો નજીકથી જોવા મળ્યો હતો. વાર્તા સતત વાસ્તવિકતાની નજીક રહે છે. 'પાતાલ લોક'માં 'મિર્ઝાપુર' અને 'સેક્રેડ ગેમ્સ' થી ઇમોશન વધુ છે. 'પાતાલ લોક'માં એક જગ્યાએ હાથીરામ સંજીવને કહે છે કે,'આપ સે જબ પહલી બાર મિલા થા ના, તો મુઝે લગા કી કિતને બડે આદમી હો આપ ઔર મેં કિતના છોટા. ઇસ કેસ મેં મેરી ચાહે કિતની ભી વાટ લગી હો, કમ સે કમ યે ગલતફહમી દૂર હો ગઇ.' ત્યારે 'પાતાલ લોક' જોઇને દર્શકોની એ ગેરસમજ દૂર થઇ ગઇ કે બધી વેબ સીરિઝ સામાન્ય હોતી નથી. 'પાતાલ લોક' જેવી અસામાન્ય વેબસીરીઝ પણ હોય છે. 'પાતાલ લોક' અનુષ્કા શર્મા-કોહલીની પહેલી એક એવી વેબ સીરિઝ છે જે પોતાની એક આગવી છાપ છોડી જવામાં સફળ થાય છે.