આ બુધવારે એક પ્રેરણાદાયી ઘટના બની.
છોટુ નામના એક વ્યક્તિએ કેરી વેચવાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું, કે જેથી એ આત્મનિર્ભર બની પરિવાર માટે રોજીરોટી કમાવી શકે.
એણે રૂ 30,000 નું રોકાણ કરી કેરીઓ ખરીદી અને દિલ્લીનાં જનકપુરી વિસ્તારમાં વેચવા ગયો.
સાહસ કરનાર માટે પણ સફળતાનાં ચડાણ કપરા હોય છે, ધંધો કરવો છોટુ માટે બહુ સરળ નહોતો, એને હજુ ઘણી તકલીફો સહન કરવાની બાકી હતી. પરીક્ષા લીધા વગર તો ભગવાન પણ વરદાન આપતાં નથી એટલે છોટુ માટે પરીક્ષા હજી બાકી હતી. એણે હજુ કેરીઓના બોક્સ ગોઠવ્યા જ હતાં કે ત્યાંના રિક્ષા વાળાઓએ વાંધો ઉઠાવ્યો. અહીં દરેક જીવ ને એક પ્રતિસ્પર્ધી મળી જ જાય છે કે જે પોતે પણ અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યો છે, છોટુ ને પણ રીક્ષા વાળાઓના સ્વરૂપે એવા જીવ મળી ગયા અને શરૂ થઈ અસ્તિત્વની લડાઈ. પણ આ તો કરુણતાની એક ઝલક માત્ર હતી, છોટુ માટે બીજા દુશ્મનો તૈયાર જ હતા કે જેઓ એને વધુ તકલીફ આપવાના હતા.
એ દુશ્મનો હતા અજુ બાજુ ઉભા લોકો કે જેઓ છોટુ અને રીક્ષાવાળાઓ વચ્ચેની લડાઈમાં તક શોધી રહ્યાં હતાં. છોટુની કેરીઓ અનાથ હાલતમાં રસ્તાની એક બાજુ પડી હતી અને ગીધ જેવા ભૂખ્યા માણસોની નજર અચાનક એ અનાથ કેરીઓના બોક્સ પર પડી, થોડીક જ ક્ષણોમાં સભ્યતાએ એ રસ્તાનાં ખૂણે દમ તોડી દીધો હતો. ભૂખ્યા વરુઓની જેમ લોકો કેરીઓ ચોરી કરવા તૂટી પડ્યા. એ કોણ લોકો હતા અને ક્યાંથી આવ્યા હતાં કોઈને ખબર નથી પણ ટીવી ફૂટેજમાં જોયું એ પ્રમાણે માસ્ક પાછળ સંતાયેલાં એ સભ્ય સમાજનાં ઠેકેદારો જ હશે. કે જેઓ સોશિયલ મીડિયા અને ટીવી પર રોજ ગરીબોની મદદ કરવા સરકારને ફિટકાર લગાવે છે. આજે જ્યારે એમને તક મળી તો ચોરી જેવું ભયંકર અપરાધ કરવામાં તેઓ પાછળ રહ્યાં નહીં.
થોડીક જ ક્ષણોમાં છોટુની બધીજ કેરીઓ એ ચોરોએ એમની નજરભૂખ પ્રમાણે ચોરી લીધી હતી અને છોટુ આજે ફરી કંગાળ થઈ ગયો હતો. કેટલાક સપનાઓ અને કેટલીક આશાઓ ભાંગી પડી હતી, ચોરોએ કેરીઓ નહીં પણ છોટુની ઘર ચલાવી લેવાની છેલ્લી ઉમ્મીદને કટકે કટકે ચોરી લીધા અને એક ક્ષણ માટે પણ નહીં વિચાર્યું કે આ અપરાધ પછી ઇશવર પણ એમને માફ નહીં કરે. કેવી રીતે લોકો કોકની ગરીબીની આવી મજાક ઉડાડી શકે.
આ બધું નજરે જોનાર અને કેમેરામાં કંડારનાર કેમેરામેન અને રિપોર્ટર પણ આ દૃશ્ય જોઈ હેબતાઈ ગયા હતાં, તેઓ કછું કરી શકે એમ નહોતાં કારણ કે ચોરોની સંખ્યા વધુ હતી. પણ કદાચ છોટુ માટે કોકે દુઆઓ માંગી લીધી હશે અને એ કબૂલ થઈ ગઈ હશે. ત્યાં કૈંક એવું બન્યું જેની કલ્પના કરવી પણ શક્ય નહોતી. આ ઘટનાનું કવરેજ કરનાર રિપોર્ટરે છોટુ ને સહાનુભૂતિ આપવા પૂછી લીધું કે તમારા બેંક એકાંઉન્ટની માહિતી આપો, અહીં તો કોઈએ તમારા પર દયાદૃષ્ટિ કરી નથી પણ કદાચ આ ટીવી પર જોનારાઓ તમારી મદદ કરે. બસ પછી જે થયું એ ચમત્કાર જ કહેવાય. ટીવી પર છોટુનું બેંક એકાઉન્ટ બતાવવામાં આવ્યું અને થોડીક જ મિનિટોમાં કેરીની નફા સાથેની રકમ એનાં એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી. આ છે કુદરતનાં ખેલ, એક એવા માનવી મળ્યા જે મફતનું માલ સમજી છોટુની કેરીઓ ચોરી ગયા અને બીજા એવા માનવો કે જેઓ છોટુ ને ઓળખતા નથી પણ મદદ કરી ગયા.
એટલે જ કહેવાય છે, હિંમથે મારદાન મદદે ખુદા, છોટુની ઇદ ઈશ્વરે સાચવવાની હતી એ એણે ખુદાના બંદાઓ થકી કરી આપ્યું.
આ ઘટનાનો હીરો એટલે એ પત્રકાર જ છે કે જેણે તરત પ્રેક્ષકોને મદદ માટે ગુહાર લગાવી અને ખરા સમયે છોટુ ને મદદ પહોંચાડી. સમય સુચકતા દાખવીએ તો ખુદને અને બીજાને પણ ખુવારીથી બચાવી શકાય, આપણે પણ વિચારતાં થઈએ અને જીવમાત્ર માટે દયા દાખવીએ.
અનુવાદ અને વિવરણ : મહેન્દ્ર શર્મા
મૂળ વાત Mohul Ghosh