Premni pagdandi ae in Gujarati Love Stories by Himanshu Thakkar books and stories PDF | પ્રેમની પગદંડી એ....

Featured Books
Categories
Share

પ્રેમની પગદંડી એ....

"બતાવી દીધી ને તે તારી ઓકાત, સારિકા જાગીરદાર " ?

"બોલવા માં માપ રાખો જરા કૈવલ્ય મજુમદાર , બોલતા મને પણ આવડે છે " સામે છેડે થી સારિકા એ પ્રત્યુતર આપ્યો

" હા , તે એ જ તો કહું છું કે બોલ ને ,શું બાકી રાખ્યું છે તે હવે મો માં થી ઝેર ઓકવા માં" કૈવલ્ય એકદમ ગરમ થઇ ગયો.

"જો કૈવલ્ય આપણે આ વિષય માં આગળ બહુ વાર વાત થઈ ગઈ છે અને હું હવે વધારે મગજ ખરાબ કરવા માંગતી નથી"

અને સામે છેડે થી હંમેશ ની જેમ ફોન કાપી નાખવા માં આવ્યો... કૈવલ્ય એ ફરી ફોન કર્યો પણ કોઈ જવાબ નહિ આવું લગભગ દસ વાર થયું પણ કોઈ જવાબ નહિ.આખરે થાકી હારી ને એ એ પલંગ પર પડ્યો... આંખ માં લેશ માત્ર પણ ઊંઘ તો હતી જ નહિ. કાન માં સારિકા નાં શબ્દો ગુંજતા હતા અને આંખો ની સામે તેનો પ્રેમાળ ભૂતકાળ જે આજે તેટલો જ બિહામણો બની ચૂક્યો હતો.

(અંદાજે થોડા વર્ષ પહેલાં)

કૈવલ્ય એક શાંત અને સરળ સ્વભાવ નો યુવક હતો. જુવાની નાં ઉંબરે પગ મૂકવાની તૈયારી કરતો ફૂટડો યુવાન હતો . પિતાજી ની ઈચ્છા હોવાથી બોર્ડ ની પરિક્ષા આપી ને પરિણામ આવતા જ અમદાવાદ ની એક સારી એવી નામચીન કોલેજ માં દાખલો મેળવી ને ગુજરાત ની માયાનગરી એવી અમદાવાદ ની વાટ પકડી લીધી.કૈવલ્ય ને પૈસે ટકે કોઈ ખોટ નહોતી એટલે અમદાવાદ માં ભણવાની સાથે સાથે મોજ મસ્તી પણ હવે જીવન નો એક ભાગ બની ગયો હતો...એકંદરે ,અમદાવાદ એ કૈવલ્ય નું જીવન બની ગયું હતું. કૈવલ્ય નું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું.અને જોત જોતા માં એક વર્ષ પૂર્ણ પણ થઈ ગયું.વેકેશન માં પોતાના માતા પિતા ને મળવા ગયો.ખેતર માં ખુબ આનંદ માણ્યો. સમય પૂર્ણ થતાં એ ફરી થી અમદાવાદ જવા માટે રવાના થયો.

નવા એડમિશન શરૂ થઈ ગયા હતા.નવા નવા ચહેરા દેખાઈ રહ્યા હતા અને દરેક નાં ચહેરા પર નવી જગ્યા માટે ની મુંઝવણ. સિનિયર દ્વારા મસ્તી અને રેગિંગ એ સમય માં બહુ ચાલતું હતું અને કૈવલ્ય ને તેમના મિત્રો એ પણ તેનો ખુબજ આનંદ લીધો. એક દિવસ કૈવલ્ય અને તેના મિત્રો નિરાંત ની પળો માં H.L. કોમર્સ કોલેજ ની બહાર બેઠા હતા. નાસ્તા પાણી સાથે મોજ મજા નો દોર પણ ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક ત્યાં થી એક કન્યા વૃંદ પસાર થયું એક બે ને બાદ કરતા બધા ચહેરા નવા જેવા જ લાગ્યા.

"અભિસાર, આ આટલી બધી પરીઓ એક સાથે ક્યાં થી ઉતરી આવી ... ક્યાંક દેવ લોક આખું ખાલી તો નથી થઈ ગયું ને ? "

"અરે ! નાં નાં કૈવલ્ય આ તો આપણી બાજુ ની સાયન્સ કોલેજ ની બધી નવી વિધાર્થિનીઓ છે"

"પેલી , બીજા વર્ષ વાળી વંદના ની બાજુ માં કોણ છે " ?

"કોણ એ , પેલી લાંબી જિરાફ જેવી બિનિતા છે"

"અબે એ નહિ તારી આંખે મોતિયો છે કે શું ? વંદના ની ડાબી બાજુ એ જે છે એની વાત કરું છું "

" એમ કહો ને સાહેબ સારિકા ની વાત કરો છો. સારિકા જાગીરદાર નામ છે એનું રાજકોટ નજીક નાં ગામ ની જાગીરદાર ની દીકરી છે"

"હા તે કૈવલ્ય મજુમદાર પણ કાઇ ઓછો નથી , ચાલો હવે જઈએ

કૈવલ્ય ભલે ત્યાં થી નીકળી ગયો પણ એનો જીવ તો સારિકા માં જ અટકી ગયો હતો. સારિકા ને જોવા માત્ર માટે કૈવલ્ય રઘવાયો બની જતો હતો. સારિકા એના સ્વપ્ન માં આવવા લાગી હતી. સામે છેડે સારિકા ને પણ ખ્યાલ આવી ગયો હતો કે આ જુવાનિયો પોતાના માટે ફિલ્ડિંગ ભરી રહ્યો છે. આવી રીતે લગભગ મહિનો પસાર થઈ ગયો પણ કૈવલ્ય ની હિંમત ન ચાલી. આખરે એક દિવસ એ યોગ સર્જાયો. વંદના નો જન્મ દિવસ હતો અને તેને પાર્ટી આપી હતી જેમાં અનાયસે કૈવલ્ય અને સારિકા બંને આમંત્રિત હતા. કૈવલ્ય તો એને જોઈ ને સ્તબ્ધ થઈ ગયો. પરપલ પાર્ટી વિયર, લાંબા ખુલ્લા વાળ, અને તેના આંખ માં ચમકતા લેન્સ ! કોઈ અભિનેત્રી પણ જો તેની આગળ આવી જાય તો તે પાણી ભરે તેવી સારિકા લાગતી હતી. કૈવલ્ય હજુ જાણે મૂર્છા માં જ હોય એવું લાગતું હતું .

"અરે! કૈવલ્ય ત્યાં જ ઊભો રહેવાનો છે કે અહી આવી ને ભેટ અને ગુલદસ્તો પણ આપીશ ? જે તુ લાવ્યો છે. મારા માટે જ છે ને " વંદના એ કટાક્ષ કર્યો

"અરે ! હાસ્તો તારા માટે જ ને બીજા કોનાં માટે હોય, જન્મદિવસ ની ખૂબ ખૂબ શભેચ્છાઓ વંદના "

કૈવલ્ય ની નજર વંદના ની બાજુ પર ઉભેલ સારિકા થી હટતી નહોતી અને વંદના ને એ ધ્યાન માં હતું જ.

"સારિકા ! વંદના એ બૂમ પાડી ને તેને બોલાવી " કૈવલ્ય કાયદેસર થોડી બેચેની અનુભવવા લાગ્યો તેને નજીક આવતી જોઈને.

"સારિકા આ છે કૈવલ્ય મારો સારો એવો મિત્ર અને કૈવલ્ય આ છે સારિકા મારી સહેલી. તમે બંને રાજકોટ બાજુ નાં જ છો એટલે તમારે સારો મેળ આવશે " એમ મીઠી મજાક કરી વંદના ત્યાં થી નીકળી ગઈ.

"હાય ! હું કૈવલ્ય , કૈવલ્ય મજુમદાર "

" હું સારિકા જાગીરદાર"

બંને જણા એ બહુ સમય સુધી વાત ચિત કરી અને સાથે જમ્યા પણ ખરા. બંને રાજકોટ નજીક નાં હોવા થી જલ્દી એક બીજા સાથે ભળી ગયા. કૈવલ્ય પોતાનો દીવાનો થઈ ગયો છે એ સારિકા ને ખ્યાલ આવી ગયો હતો અને સારિકા પણ મહદ અંશે કૈવલ્ય નાં સ્વભાવ થી અંજાવા લાગી હતી. પાર્ટી પૂરી થઈ અને બધા અલગ પડ્યા. કૈવલ્ય અને સારિકા માત્ર તન થી અલગ પડયા પણ મન થી નહિ.કૈવલ્ય તેને મળવા નાં બહાના શોધવા લાગ્યો.અને આખરે એક દિવસ તક મળી પણ ખરી ! કૈવલ્ય અને સારિકા બંને અચાનક કોલેજ ની બાહર મળી ગયા.

"અરે કૈવલ્ય કંઈ બાજુ ? "

"આજે હોસ્ટેલ નું જમવાનું મન નથી તો હું બહાર જમવા જઈ રહ્યો છું અને તું ? "

"અમારે પણ આજે રસોડું બંધ છે તો બધા ને બહાર જમવા જવાનું કીધું છે "

"તો કોઈ વાંધો નાં હોય તો સાથે જમવા જઈએ "?

"અરે! કેમ નહિ ચોક્કસ "

બંને સારી એવી એક પંજાબી હોટલ માં ગોઠવાયા... ચાલુ દિવસ હોવાથી અવર જવર પણ ઓછી હતી. બંને જણા એ ખુબ જ વાત ચિત કરી અને સાથે ભોજન પણ લીધું પણ, કૈવલ્ય ની નજર સારિકા ની તરફ થી હટતી નહોતી અને જેવી સારિકા સામે જુએ તે આમ તેમ જોવા લાગતો અથવા જમવા લાગતો.

"કૈવલ્ય ! તુ કાઇ કહેવા માંગે છે ? "

" નાં નાં નાં... નનન નહિ તો...! ક્કક્ક કેમ એવું કહ્યું ? "

"બસ એમ જ "

સારિકા ને હોસ્ટેલ તરફ મૂકી ને કૈવલ્ય પરત ફર્યો. એની મનોદશા ફૂલ ટોસ બોલ પર સિક્સર નાં મારી શકનાર પ્લેયર જેવી થઈ ગઈ હતી.એને પોતાની જાત પર ધિક્કર થઈ રહ્યો હતો.પણ અચાનક તેને યાદ આવ્યું કે તેને સારિકા નો મોબાઇલ નંબર લીધો છે એ ક્યારે કામ આવશે. તેણે સારિકા ને મેસેજ કર્યો "હાય"

થોડી વાર માં જવાબ આવ્યો "હાય , કૈવલ્ય"

"મારે તને કંઇક કહેવું છે સારિકા"

"હા બોલ ને કૈવલ્ય," સારિકા ને આશા હતી એ જવાબ ની જે તે સાંભળવા માંગતી હતી.

આ બાજુ કૈવલ્ય નાં આંગળા કાંપતા હતા લખતા , " મારે ઘર નાં લોકો માટે શોપિંગ કરવી છે તુ મારી સાથે આવીશ ?"

ઉહ હ હ હ આનું કાઇ થાય એમ નથી લાગતું. "હા કાલે મળીએ , શુભ રાત્રી "

બંને બીજા દિવસે બપોરે મળ્યા શોપિંગ કરી સાથે અને થાક્યા એટલે એક ગાર્ડન માં જઈ ને બેસ્યા.

"કાલે તારે શોપિંગ નું જ કહેવું હતું તો એ તો તુ સવારે પણ કહી શકતો હતો. તારે કાઇ બીજું કહેવું હતું ? "

"નાં રે ! બીજું કાઇ નહિ આ જ કહેવાનું હતું.... અને હવે માટે શૂઝ લેવા નાં બાકી છે એ પણ લઈ લઈએ "

"વીલ યું પ્લીઝ સ્ટોપ ડુઇંગ થીસ ફૂલીસ થિંગસ એન્ડ ટેલ મી યુ વોન્ટ ટુ સેય " સારિકા ખીજવાઈ ને એક શ્વાસ માં બોલી ગઈ.

કૈવલ્ય કાઇ બોલી જ શક્યો નહિ.

"અચ્છા, હું જાઉં છું તુ પતાવ તારી શોપિંગ , બાય "

આમ કહી જ્યાં સારિકા જવા માંગતી હતી ત્યાંજ કૈવલ્ય એ તેનો હાથ પકડી લીધો, "હું તને પ્રેમ કરું છું સારિકા, મારી જાત થી પણ વધુ. શું તું મારી બનવા તૈયાર છે. ? " કૈવલ્ય ઊંચું નહોતું જોઈ શકતો ... એના ધબકારા ટોપ સ્પીડ પર ચાલી રહ્યા હતા.

"શું કહ્યું ? " સારિકા એ પ્રશ્નાર્થ કર્યો

"એ જ તે જે સાંભળ્યું, તુ તૈયાર છે ? "

"અરે ! પાગલ તુ હજુ પણ સમજી નાં શક્યો કે હું પણ તને ચાહું છું પહેલા દિવસ થી.તારી એકોએક હરકત મારા ધ્યાન માં હતી જ અને તુ પણ મને ગમતો જ હતો. હું વાટ જ જોતી હતી તારા આ દરખાસ્ત ની. આઈ લવ યુ ટુ કૈવલ્ય.
ઝાડ પર બેઠેલ તોતા મેના ની જોડી એક પ્રતીક સમાન લાગી રહ્યા હતા. જેમ જંગલ માં આગ પકડવા ની ગતિ હોય તે ગતિએ આ સમાચાર બધા જુવાનિયા ઓ માં ફેલાઈ ગયા. કેટલાય જુવાનિયા નાં હૈયા તૂટી ગયા અને કેટલા વગર લગ્ન એ વિધુર અનુભવવા લાગ્યા. સારિકા જાગીરદાર નામની અપ્સરા એ પોતાના પ્રેમ નો કળશ કૈવલ્ય મજુમદાર પર ઢોળી દીધો હતો.સમય પસાર થતો હતો દિવસો પસાર થયા અને મંહિના ઓ પસાર થાય છે...

કોલેજ કાળ પૂર્ણ થાય છે અને બધા પોત પોતાની રીતે જવાબદારી માં બંધાય છે.કૈવલ્ય પોતાનો વધારા નો એક વર્ષ નો સમયગાળો સારિકા માટે થઈ ને અમદાવાદ જ પસાર કરે છે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરે છે. કેમ્પસ પ્લેસમેન્ટ માં સારિકા ને રાજકોટ માં એક વિદેશી કંપની માં કામ મળી જાય છે અને કૈવલ્ય ને પણ સારી એવી સરકારી નોકરી મળી જાય છે ઘર ની જોડે જ રાજકોટ થી ૫૦ કી.મી આસપાસ. આ સમય ગાળો તેમનો ખૂબ સારી રીતે પસાર થયો થોડીક નોક ઝોક અને ઝગડા ને બાદ કરતા.. બંને પોતાના ઘર તરફ પરત ફર્યા અને પોતા નાં જીવન માં વ્યસ્ત બન્યા.મુલાકાત નો દોર ધીમે ધીમે ઘટતો જાય છે પણ ફોન માં સંપર્ક યથાવત રહે છે. સારિકા એક પ્રેકટીકલ યુવતી હતી અને પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગતી હતી જ્યારે કૈવલ્ય તેના માટે થોડો ચિંતિત રહેતો . જેના કારણે બંને વચ્ચે અમુક વાર રકઝક થતી હતી. પહેલા તેઓ અઠવાડિયે બે વાર પછી એક વાર એમ એમ કરતાં પંદર દિવસે માંડ એકવાર મળવા લાગ્યા હતા. સારિકા ને કામ બહુ હોવાથી તે કૈવલ્ય નાં અમુક વાર ફોન પણ નાં ઉપાડતી. અને કોઈ પણ વાતે એને ટાળ્યા કરતી આ બાજુ કૈવલ્ય લગ્ન માટે ની વિચારણા કરતો હતો અને સારિકા કામ નાં બોજ માં ટાળ્યા કરતી. આખરે કંટાળી ને કૈવલ્ય એ સારિકા ને મળવાની જીદ કરી અને તે એ જીદ આગળ ઝૂકી ગઈ.

"બોલ, કૈવલ્ય કેમ આવું કરે છે નાના છોકરા જેવું ? "

"હું કરું છું કે તું કરે છે તને નથી લાગતું આપણા સંબંધો પહેલા જેવા નથી રહ્યા ? "

" તો શું કરું નોકરી છોડી ને ઘરે બેસી જાઉં, કેરિયર નું કાઇ નાં વિચારું.... તુ પ્લીઝ માનસિક ત્રાસ આપવા નું બંધ કર મને કૈવલ્ય " સારિકા થી રડી જવાયું અને તે વોશરૂમ ચાલી ગઈ.

કૈવલ્ય ને સારિકા નાં આંસુ મગરમચ્છ નાં આંશુ લાગ્યા અને તે વાત પડતી મૂકી ને અલગ થયો...

કૈવલ્ય અને સારિકા અલગ પાડયા પણ કૈવલ્ય ની જે માન્યતા હતી કે સારિકા તેના થી હાથે કરી ને દૂર રહે છે એ સાચી પડતી હોય એવું લાગ્યું . સારિકા વોશરૂમ ગઈ એ દરમિયાન કૈવલ્ય એ તેના મોબાઈલ માં થોડું સંશોધન કરી લીધું અને તેના હાથ લાગી તેની એક વ્હોટ્સ એપ ની વાતચીત. વિરાજ નાણાવટી સાથે થયેલો વાર્તાલાપ અને અમુક જરૂરી પુરાવા લઈ ને મોબાઇલ પાછો મૂકી દીધો. બીજા દિવસ થી કૈવલ્ય એ પોતા નાં મિત્ર ને જાસૂસી માટે ગોઠવ્યો અને સારિકા પર વોચ ગોઠવી અને તેની શંકા સાચી નીકળી. વિરાજ તેની જ વિંગ માં બીજી કંપની માં મેનેજર હતો અને બંને અવાર નવાર સાથે જ રહેતા.

"સારિકા, તુ મને કેમ સમય નથી આપતી એ મને કહીશ મારે જાણવું છે ?" કૈવલ્ય એ ફોન પર પૂછ્યું.

"અરે યાર કામ કાજ જ એટલું હોય છે હું કંટાળી જાઉં છું"

" તને ખાલી મારા માટે સમય નથી હોતો કે બીજા બધા માટે પણ ?"

" કૈવલ્ય કહેવા શું માંગે છે સાફ સાફ કહી દે ને "

"એ જ કે તારે અને વિરાજ ને શું સંબંધ છે ? " કૈવલ્ય એ ગુસ્સા મા પૂછ્યું.

"માઈન્ડ યોર લેન્ગવેજ , એ માત્ર મારો મિત્ર છે મારા પર ખોટા આરોપ નાં મૂકીશ"

"આરોપ નહીં સત્ય છે અને મારા જોડે સાબિતી છે"

"ઓકે તો રાખ તારા જોડે " સારિકા એ ફોન કાપી નાખ્યો.

આવું લગભગ હવે કાયમ નું થઈ ગયું હતું પણ આજે વાત વધારે ન વણસી ગઈ. બંને એક બીજા ને નાં બોલવાનું બોલી ગયા અને સંબંધો પુરા જેવા જ થઈ ગયા હતા.

(વર્તમાન )

બંને નાં પ્રેમભર્યા સંબંધો આ ફોન સાથે પૂરાં થયા સમાન જ હતા ! બંને નું શાબ્દિક અને માનસિક યુદ્ધ ચરમસીમા એ પહોંચી ગયું હતું. કૈવલ્ય એને ગુમાવવા માંગતો નહોતો પણ એની રીત ખોટી હતી અને સારિકા પોતા ને બેદાગ સાબિત કરવા માટે બનતા પ્રયાસો કરી ચૂકી હતી પણ કૈવલ્ય માનવા તૈયાર જ નહોતો.સારિકા એક બાજુ કામનો બોજ અને બીજી બાજુ કૈવલ્ય ની જીદ સાથે સંભાળી શકવા માં અસમર્થ બની ગઈ હતી.હવે, કૈવલ્ય જે કહે તે માં હા માં હા કરી ને વાત ટાળવા નો પ્રયત્ન કરતી અને કૈવલ્ય આ વાત ને નકારાત્મકતા થી લેતો.કૈવલ્ય નાં મન માં રહેલા સારિકા માટે નાં અતૂટ વિશ્વાસ પર , વહેમ ભારી પડી રહ્યો હતો ... દિવસો પસાર થઈ રહ્યા હતા. નાં કોઈ વાત ચિત કે નાં કોઈ મુલાકાત.જીવન જીવવા ખાતર જીવી રહ્યો હતો કૈવલ્ય !

થોડા દિવસો બાદ અચાનક સવારે કૈવલ્ય નાં મોબાઇલ પર એક રીંગ વાગી , વંદના નો ફોન હતો

અને બધા કામ પડતાં મૂકી ને કૈવલ્ય હાંફડો ફાંફડો થતો રાજકોટ જવા નીકળી પડયો. કેમ વંદના એ અચાનક બોલાવ્યો ? એ રાજકોટ કેમ આવી હશે ? એ કેમ આજે મારા સારિકા વિશે વાત કરવા માંગતી હશે ? મને મળવા માટે હોસ્પિટલ માં કેમ બોલાવ્યો હશે ? આવા અનેક પ્રશ્નો અને તેના તાર્કિક જવાબ વિચારતો વિચારતો એ ગાડી લઈ ને રાજકોટ પહોંચ્યો. વંદના અને કૈવલ્ય લાંબા સમય એ મળી રહ્યા હતા.

"હાય, વંદના કેમ છે અને આમ અચાનક મને આવડી મોટી હોસ્પિટલ માં કેમ મળવા બોલાવ્યો ? એ પણ કેંટીન માં ?"

"કૈવલ્ય, જરાક શાંત થા આટલા બધા પ્રશ્નો એક સાથે ? જરા શાંતિ રાખ. મારે વાત કરવી છે તારા અને સારિકા વિશે , તમારા પ્રેમ પ્રકરણ વિશે ! મને માફ કરજે પણ મારે હકીકત જાણવી છે કે તમારા વચ્ચે શું થયું છે ? "

"કેમ આજે અચાનક ! તને કોઈ એ કાઇ કહ્યું ?"

"કૈવલ્ય, પ્લીઝ મુદ્દા ની વાત કર આડી આડી વાત કર્યા વિના"

"તો સાંભળ વંદના , એ હવે મારી નથી રહી અને મને ખ્યાલ પણ નથી એ શું કરે છે ? છેલ્લા કેટલાય દિવસો થી મે એના જોડે વાત પણ નથી કરી કે નાં મળ્યો છું."

"કારણ ?" વંદના ધીમા અવાજે બોલી

"કારણ એ જ કે , એણે મારા જોડે દગો કર્યો છે. તે મને સમય નહોતી આપતી કે નાં મારી સાથે વાત કરતી હતી. એ કામ નાં બહાના હેઠળ કોઈ વિરાજ નામના યુવક જોડે પ્રણય ફાગ રમી રહી હતી ને મને મૂર્ખ બનાવી રહી હતી. અને મે એને આ વાત કરી ત્યારે તે હમેશા ઇનકાર જ કરતી રહી અને અમારા વચ્ચે તકરાર વધી ગઈ.છેલ્લા ફોન કોલ મા એને નાં કહેવાં નું બધું કહી દીધું ત્યાર થી અમારા વચ્ચે કોઈ સંબંધ નથી , બસ આજ હતો વાર્તા નો સાર ! "

" તારા પાસે કોઈ પુરાવા ખરા કૈવલ્ય ? "

"તેના મોબાઈલ મા મે વિરાજ નો મેસેજ જોયો હતો કે " I like your company and spend time with you"
આ ઉપરાંત મારા એક મિત્ર એ પણ તપાસ કરી કે તે બંને રોજ જોડે જમે છે અને હસી મજાક કરે છે. આ બધું શું કહેવાય "

"કૈવલ્ય, તારા જેવો ભણેલો અભણ વ્યક્તિ મે ક્યારેય મારા જીવન માં નથી જોયો ! તે કૈવલ્ય નો મેસેજ જોયો સામે સારિકા એ કાઇ જવાબ આપ્યો હતો ?

"નાં , કોઈ જવાબ નહિ "

"તારા મિત્ર એ કહ્યું ને તે માની લીધું ! શું તે જાતે તેને ઓફિસ જઈ ને મળવા નો પ્રયત્ન કર્યો ?

"નાં, પણ એમાં શું થયું ? એને હકારાત્મક જવાબ આપ્યો જ હશે અને મારો મિત્ર કાઇ ખોટું ના બોલે કાઇ ? "

"કૈવલ્ય તુ સાવ ડોબો છે ! આટલા વર્ષો નાં પ્રેમ ની ઈમારત ને તુ આમ ધરાશાઈ કરી નાખે તારા જેવો કોઈ માણસ નહિ જોયો મે "

"વંદના , સારિકા તારી સખી છે એટલે તુ એનો પક્ષ લેવા આવી લાગે છે અહીંયા અને મને નીચો દેખાડવા "

"અરે દોસ્ત ! એવા કામ માટે વંદના અહીંયા નાં આવે. હકીકત સાંભળી ને છે ને તારા પગ નીચે થી કદાચ જમીન સરકી નાં જાય અને તુ ધરતી માં સમાઈ ના જાય તો સારું !

"એવું તો તુ શું કહેવા માંગે છે વંદના , પ્લીઝ કહે મને "

તારા અને સારિકા નાં મનભેદ ની વાત એણે મને ત્રણ દિવસ પહેલા કરી હતી અને ખુબ રડતી હતી. તે તારા માટે અને તારા શંકાશીલ સ્વભાવ ને લઈ ને બહુ ચિંતિત હતી. તે ફોન મા જે મેસેજ જોયો વિરાજ નો તેનો જવાબ તેણે વિરાજ ને બધા વચ્ચે ઝાટકી ને આપ્યો હતો અને કહ્યું હતું કે હું બીજા કોઈ ની થઈ ચૂકી છું. ત્યાર બાદ વિરાજ ની કંપની માં કામ કરતી મારી એક મિત્ર દ્વાર જાણવા મળ્યું કે તે જે તારા મિત્ર ને વિરાજ અને સારિકા વિશે જાણવા માટે નું કામ આપ્યું હતું એ વિરાજ નો મિત્ર જ હતો અને તેણે વિરાજ નાં કહેવા થી જ તમને અલગ પાડવા માટે આ ખોટા સમાચાર આપ્યા હતા. આ બધા સમચાર મે સારિકા ને ફોન કરી ને જણાવ્યા હતા ત્યારે પણ એ ખુબ રડી હતી કે આવી બધી નાની વાતો માં મારું આખું જીવન રોળાઈ જાત. તે આ રવિવારે તને મળવા માટે રાજકોટ બોલાવવા ની જ હતી .... પણ......

"પણ શું વંદના , જલ્દી કહે મને ચિંતા થાય છે "

"પણ કદાચ હવે તને હાલ બોલાવવા માટે તે સક્ષમ નથી કારણ કે તે જ બોલવા માટે સક્ષમ નથી...." ને વંદના થી પોક મુકાઈ ગઈ તે પોતા નો સંયમ ગુમાવી બેઠી અને રડી પડી.

"પ્લીઝ શાંત થા અને જણાવ કે સારિકા ને શું થયું છે ? તે ઠીક તો છે ને ? મારું મન મુંઝાય છે પ્લીઝ મને તેની માહિતી આપ હું તેની માફી માંગુ અને તેના પગ પકડી લઈશ ... પ્લીઝ જવાબ આપ આમ ચૂપ નહિ બેસ ! મને કૈક થઈ જશે "

"કૈવલ્ય, સારિકા તને મળવા બોલાવે એ પહેલા પોતાની જાત પર સંયમ નાં રાખી સકી અને ગુસ્સા મા વિરાજ ને ધમકાવવા માટે ઓફિસ જતી રહી... અને બંને વચ્ચે ખાસી બોલ ચાલ પણ થઈ વિરાજ નાં ચેમ્બર માં... સારિકા એ તારા વિશે એને બધું કહી દીધું અને પોતા નાં થી દૂર રહેવા ચેતવણી આપી. પણ સાંજ ની પરિસ્થિતિ ને જોતા ઓફિસ લગભગ ખાલી હોય... વિરાજ પોતાના અપમાન ને સહન ના કર શક્યો અને તેણે પોતાની હવસ ને સંતોષવા સારિકા પર હુમલો કર્યો. આ બધી હાથાપાઈ માં સારિકા એ બહુ સંઘર્ષ કર્યો પણ વિરાજ એ તેને ધક્કો માર્યો અને તે દરવાજા સાથે ભટકાઈ અને તે બેભાન થઈ ગઈ. લોહી જોઈ ને વિરાજ ગભરાઈ ગયો અને ભાગી ગયો... સમયસર વોચમેન આવી ગયો અને તેણે 108 બોલાવી તેને દવાખાના ભેગી કરી... ત્યાર બાદ તેના ફોન પર ફોન કરતા તેના મમ્મી અને પપ્પા એ મને આ માહિતી આપી.. તેમણે જણાવ્યું કે વિરાજ ને પણ ઝડપી પાડવા માં આવ્યો છે"

"વંદના, પ્લીઝ મને તેની પાસે લઈ ચલ હું તેનો ગુનેગાર છું મારે તેની માફી માંગવી છે"

" હા ! પણ હાલ તે કોઈ માનસિક ત્રાસ સહી નહિ શકે એને બે દિવસ આરામ કરવા નો હોઈ પ્લીઝ જરા જાત પર કાબૂ રાખજે "

વંદના તેને ત્રીજા માળે સારિકા નાં રૂમ સુધી લઈ ગઈ જ્યાં તેના માં બાપ બહાર બેઠા હતા...

"અંકલ - આંટી , આ કૈવલ્ય છે જેના વિશે મે તમને વાત કરી હતી ... કૈવલ્ય આ સારિકા મમ્મી અને પપ્પા છે"

"કૈવલ્ય તેમના પગ માં પડી ગયો અને પોતાના વર્તન બદલ માફી માંગતા ની સાથે રડી પડ્યો."

સારિકા નાં માતા પિતા સમજદાર હતા અને સમજી ગયા કે જવાની માં ભૂલ થઈ જાય પણ આગળ થી આ વાત ની સાવધાની રાખવાની ચેતવણી પણ આપી.

"શું ડોકટર , હું સારિકા ને મળી શકું ? " કૈવલ્ય બોલ્યો

" નાં માત્ર તેમના પરિવાર નાં સભ્યો જ અંદર જઈ શકે અથવા કોઈ ખાસ વ્યક્તિ જેમને પરિવાર વાળા જવાની રજા આપે!"

"એ સારિકા નાં થનાર પતિ છે ! તેમને અંદર જવા દો " પાછળ થી સારિકા નાં પપ્પા એ જવાબ આપ્યો.... સારિકા નાં માં બાપ ને વંદના એ કૈવલ્ય વિશે બધી વાત જણાવી દીધી હોય તે નિશ્ચિંત હતા.

"કૈવલ્ય, આભાર માની ને દોડતો જઈ ને સારિકા નાં પગ પાસે બેસી ગયો અને રડી પડયો... એ ને સારિકા બંને ની આંખો ભીની થઈ ગઈ ... બે દિવસ સુધી...લગભગ ખાધા પીધા વગર તેણે સારિકા ની સેવા ચાકરી કરી અને તેને ધાર્યા કરતા વહેલી રજા આપી દીધી.

"કૈવલ્ય, મને ખાત્રી આપ હવે આવું ક્યારેય મારી સાથે આવું નહિ કરે, નહિતર આ વખતે હું બચી ગઈ પણ હવે હું નહિ જીવી શકું આવા આરોપો નાં ભાર સાથે !"

"સારિકા હવે આ પુનરાવર્તન કદીય નહિ થાય. તારા માટે નો વધારે પડતો પ્રેમ મારી બુદ્ધિ ને ચાલવા નહોતો દેતો. હવે કદીય આવું નહિ થાય તારી કસમ ! " અને બંને ભેટી પડ્યા..

"હવે બંને પ્રેમી પંખીડા અલગ પડે તો આ કબાબ માં હડડી અંદર આવે " વંદના દરવાજે થી બોલી

"અરે! આવ તુ નાં હોત તો અમે બંને આજે ફરી સાથે નાં હોત કદાચ - તારો ખૂબ ખૂબ આભાર " કૈવલ્ય ભાવુક થઈ ગયો...

કૈવલ્ય એ પોતાના માતા પિતા ને ફોન કરી ને બોલાવી ને બધી હકીકત જણાવી અને સારિકા નાં માતા પિતા ને મુલાકાત કરાવી. દવાખાના નો એ રૂમ જ જાણે મંગળ કારી નીવડ્યો અને ફોન પર જ સારા ચોઘડિયા જોવડાવા માં આવ્યા.

એ દિવસ નાં 21 માં દિવસે કૈવલ્ય એ જ જૂનો કૈવલ્ય બની ને પોતાની પ્રેમિકા એવી સારિકા ને પોતાની ધર્મ પત્ની બનાવવા માટે તેના દરવાજે ઘોડે ચડી ને ઉભો હતો... વંદના અને તેના મિત્રો વરઘોડા માં મોજ કરી રહ્યા હતા...

સારિકા હાથ માં વરમાળા લઈ ને કૈવલ્ય ને આવકારવા અને એક નવા જીવન ની રાહ જોઈ ને તૈયાર હતી અને કૈવલ્ય પણ સારિકા નાં પ્રેમ માં ભીંજાઈ જવા આતુરતા અનુભવી રહ્યો હતો.

"અંત ભલા તો સબ ભલા" બંને ને નવા જીવન ની ખુબ ખુબ શુભેચ્છાઓ લોકો અર્પી રહ્યા હતા ..🙏