એક અનામી વાત ભાગ -૫
જો કદમ ઉઠા રહી હું વો કદમ બહક રહા હે,
મિલી કયું તુમસે નિગાહે ,મેરા દિલ ધડક રહા હે.
-જાનીસાર અખ્તર
આજ સવારથી લઈને સાંજના છ થવા આવ્યા હતા પણ હજી સુધી ક્યાય પલાશને પ્રાષાનો પત્તો નહોતો મળતો. તે બે-એક કલાક સુધી પેલી સ્કૂલ પર પણ બેસીને રાહ જોઈ આવ્યો પણ તે નાં ત્યાં હતી નાં તો બીજે ક્યાય, તેને રીતસરની ચિંતા થવા લાગી હતી કે ક્યાંક ફરી તે પ્રાષાને ખોઈ નાબેસે. તે જ્યારે પણ ભદ્રુને આ વિષે પૂછતો ત્યારે તેની કેસેટ માત્ર એક જ વાત પર અટકેલી, કે ક્યાંક બારે ગ્યાસે આવશે. પણ ક્યારે તે નહોતો કહેતો. પલાશનો આખો દિવસ એક અજંપામાં વીત્યો હતો, નાતો ફોનનું ટાવર હતું નાતો ટી.વી. હતું કે નાં લેટેસ્ટ ન્યુઝ પેપર, હા થોડા પુસ્તકો હતા પણ જેવો તે એ બાજુ જતોકે પેલો પકાઉં ભદ્રું આવી જાતો અને એજ તેની પકાઉં વાતો લઈને બેસી જતો, આખરે સાંજે સાડા છએ પલાશ બહાનું બતાવીને ઘરની પાછળની બાજુ આંટો મારવા નીકળ્યો વિચારીને કે ક્યાંક મોબાઈલનું ટાવર મળી જાય .. અને આખરે તેને એ જગ્યા મળી પણ ગઈ જે પ્રાષાના ઘરથી થોડે દુર એક ઉંચી ટેકરી હતી કદાચ ઊંચાઈને કારણે ત્યાં ટાવર મળી પણ જાય એમ વિચાર કરીને તે એ તરફ જવા લાગ્યો ત્યાં જવા માટે રસ્તા માં આવતા એક ઢોળાવ તરફ વળ્યો પણ ત્યાજ ઢોળાવની ડાબી તરફ જોતા અંધારામાં ત્યાં તેને કૈક દેખાયું, કોઈ જાણે ઝાડીમાંથી આવી રહ્યું હતું તે થોડો સાવધાન થયો અને પાછળ હટવા જતો જ હતો કે ધ્યાનથી અંધારમાં જોતા તે એક વ્યક્તિ આકૃતિ લાગી તે એ તરફ જ આવી રહી હતી તે જ્યારે નજીક આવી ત્યારે પલાશે તેને ધ્યાનથી જોયું તો તે પ્રાષા હતી. પણ તેની ચાલ કઈક અલગ હતી. અચાનક બંનેની આંખો એકબીજાને મળી, એક આંખમાં પ્રશ્નો હતા તો બીજામાં એ જવાબો આપવાની તત્પરતા બસ વાર હતી તો એક શરૂઆતની. એ બંનેની વચ્ચે એ રસ્તો તો જાણે કે એક કાજળઘેરી રાત હતી અને જાણે વાટ જોતા હતા તો માત્ર એક સવારની એક નવી સવારની.
....દુનિયામાં અગણિત લોકો રહેછે,દરેક વ્યક્તિની જીવનની પોતાની એક અલગજ વ્યથાકથા છે અને દરેક વ્યક્તિ ચાહે તે અમીર હોય કે ગરીબ દરેકને પોતાની જિંદગીથી એક ફરિયાદ હોયછે કે, “ આવું મારી સાથેજ કેમ?” જિંદગીની શરૂઆત જ પ્રશ્નથી થાય છે. જાણેકે ગર્ભસ્થ શિશુ પોતાના પ્રથમ રુદનમાં ભગવાનને પ્રશ્ન કરેછે કે, “મને અહિ મોકલ્યો તો કેમ? હું ..આ... દુનિયામાં શા માટે? હજી મારે કયું કામ કરવાનું બાકી છે?” અને જ્યારે આ બધાજ પ્રશ્નોના જવાબ ભગવાન નથી આપતા ત્યારે જાણેકે બાળક પોતાનું આક્રંદ કરીને તેમને વિનવી રહ્યો છે કે, “ ઉત્તર આપો પ્રભુ હું...આ.. ચક્ર માં કેમ?” અને જાણે ભગવાન એનાં માથે હાથ ફેરવીને કહેછે, “આજ સવાલોના જવાબ શોધવા માટે તો મેં તને આ આ ધરા પર મોકલ્યો છે. તો બસ શોધ્યા કર એ પ્રશ્નોના જવાબ અને જ્યાર્રે જવાબ મળી જાય ત્યારે મને કહેજે હું તને ફરી મારી પાસે બોલાવી દઈશ”. અને કદાચ એટલેજ મૃતદેહના મુખપર પરમ સંતોષની એ અદ્દભુત આભા હોય છે જેને જોઇને પ્રત્યેક તેને પ્રણામ કરવા લલચાય છે. અને અંતે પ્રત્યેકને જીવનની એક હકિકત કહી જાય છે કે, “ જીવન માં દ્રવ્ય,માન,અપમાન,સંબંધોનું કોઈ મુલ્ય નથી મુલ્ય છે તો ફક્ત કરેલા કર્મોનું. કારણકે કર્મ જ માનવને મુક્તિનો કે બંધનનો માર્ગ બતાવે છે. કારણકે તન હોય કે ધન બધુજ એક ક્ષણિક પ્રલોભન છે, જે માણસને માણસ સાથે અને પોતાના પુરુષાર્થ સાથે, કર્મ સાથે જોડે છે.
આજે સવારથી પ્રાષા પ્રશ્નોના વમળમાં એવી ફસાયેલી કે તેને આખરે નાનુંની ડાયરી લઈને પોતાની ગમતી જગ્યાએ જવાનું જ યોગ્ય લાગ્યું એટલેજ તો પલાશને ભદ્રું ને હવાલે કરી તે ત્યાંથી નીકળી ગયેલી એ જગ્યા કઈ ખાસ કહી શકાય તેવી હતી ત્યાં એક તરફ ખારાપાટને કારણે ક્યાંક હજી પાણી હતું તો ક્યાંક શુદ્ધ શ્વેત ખારોપટ. એવું કોણે કહ્યું છે કે સુંદરતા ફક્ત વનરાજી, નદી, પર્વત અને ઝરણામાં જ હોય છે. કોઈ અહી આવી આ ખારોપાટ તો જુએ! જો તેને જોતાંજ તેના પ્રેમમાં ના પડી જાય તો જ નવાઈ. એક અતિ શ્વેત ધવલ ચાદર જેની અંદર ક્યાંક ક્યાંક ઉપર છુટું છવાયું જળ જેમાં રેલાઈને આવતું પ્રત્યેક કિરણ જાણે કૈક નવીજ ઉર્જા લઈને આવતું હતું. દુર છેટે નજર પડતા લાગેકે જાણે ધરા આકાશને સાદ પાડે છેને હાથ લંબાવીને આકાશ તેને પોતાની બાહોમાં ભરવા માટે હાથ ફેલાવેછેને ધરા પોતાના આ શ્વેત વસ્ત્રોનો શણગાર સજીને પોતાના એ ચિર વિરહી પ્રેમીને પામી રહીછે, આ મિલન જોનાર પ્રત્યેકને ખરો પ્રેમ અને પ્રેમમાં રહેલા ત્યાગનો ,તડપનો અનુભવ કરાવ્યા ના રહે. પ્રાષા કયારેકજ અહી આવતી અને જ્યારે આવતી ત્યારે ત્યારે પોતાનામાં એક નવી ઉર્જાને ભરીને વળતી. પણ આજની વાત કૈક અલગ જ હતી. એક તરફ તેને પોતાના ભૂતકાળને ભૂલવો હતો અને એક તરફ... એક તરફ એ પ્રશ્નો જેનો જવાબ તે છેલ્લા ત્રણ વર્ષથી શોધી રહી હતી છતાં તે અજવાબી હતા. હા અજવાબી અનુત્તર નહિ કારણકે પ્રત્યેક પ્રશ્ન એક ઉત્તર સાથે હોય છે પણ અહી તેના પ્રશ્નોના કોઈજ જવાબ નહોતા. કેટલું શોધ્યું હતું તેણે, કેટકેટલી વાર તેણે મનને મનાવ્યું હતું કે ના પલાશ આવું કરીજ નાં શકે. પણ જે થયું હતું તે પુર્વનીર્મિત હતું તે એક પછી એક બનતા બનાવોમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું. અને તે બધું એટલું ભયાનક હતું જેની કલ્પના પ્રાષાએ આજીવન નહોતી કરી. એ પલાશ જેને તે પોતાનો માનતી હતી તેણે તેની જિંદગીની દિશા અને દશા બધુજ એકસાથે જડમુળથી બદલી નાખ્યું હતું. તે પ્રાષા મટીને ક્યારે અનામિકા બની ગઈ તે તેનેજ ખબર ના રહી. આજે પ્રાષા અહી આવી હતી કારણકે તેને રડવું હતું મન ભરીને પોતાને ભૂલવી હતી પોતાની એ જૂની ઓળખને ભૂલવી હતી પણ એમ કઈ પોતાની જાતને ભૂલવી સહેલી નથી, કઈ કેટલુંયે નિચોવાઈ જવાય છે અંતરપટ ને વલોવવો પડેછે. ત્યારે ક્યાંક તમે તમારી પોતાની આ નવી જાતને નવી ઓળખને પોતાની અંદર ક્યાંક ડોકિયું કરવાદોછો. પ્રાષાએ હજી એ ડોકિયું કર્યુજ હતું ત્યાં પલાશે તે આખા શાંત સાગરમાં પોતાના હલેસા મારીને એટલો ઘુઘવાટ કરી મુક્યો કે પ્રાષા માટે આખરે તેને જીરવવો ખુબ મુશ્કેલ થઇ પડ્યો. ત્યાંથી પાછા આવતા વોંકળા પર ઉપર ચડતાજ તેને જોઇને ફરી એ ધ્વની જીવંત થઇ ઉઠ્યો હતો. એ પહેલા કે પલાશ કઈ બોલે પ્રાષાએ ભદ્રુને બોલાવ્યો અને તેના આવતાની સાથેજ તેને લઈને તેને કઈક સૂચન આપતી અંદર લઇ ગઈ અને પલાશ એક જડ ની માફક બસ ત્યાં ઉભો જ રહ્યો.
ક્રમશઃ
મિત્રો આ અગાઉના ભાગો તમને કેવા લાગ્યા તે પ્લીઝ મને જણાવશો અને પ્રાષાની જિંદગીના એ નાં ખોલાયેલા પાનાનો ઈતિહાસ જાણવા માટે મારી સાથે બન્યા રહો.