ઝર્મેટ અને સેન્ટ મોરિટ્ઝના બે મુખ્ય રિસોર્ટ્સને જોડતી ગ્લેશિયર એક્સપ્રેસ ભલે 'એક્સપ્રેસ' હોય, છતાં પણ એ વિશ્વની સૌથી ધીમી એક્સપ્રેસ ટ્રેન છે. ધીમી હોવા પાછળ પણ એક કારણ છે. ત્યાંની સુંદરતા. ઊંચા બરફચ્છાદિત આલ્પ્સ પર્વતોની હારમાળા અને તમારી સાથે સાથે ચાલતું વાદળી રંગનું સ્વચ્છ આકાશ. ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા વૃક્ષો અને બધામાં એક જ સામ્યતા - બરફનો શણગાર.
અને આ સુંદરતા નિહાળવા એક ખાસ સગવડ હતી આ ટ્રેનમાં. પારદર્શક છાપરું. હા, સ્વિત્ઝરલેન્ડનો કુદરતી ખજાનો ત્યાંની 'સ્વિસ ચોકલેટ' કરતા પણ વધારે અભૂતપૂર્વ છે અને એની પુષ્ટિ કરવા માટે સ્વ-અનુભવ જ ઉત્તમ છે. ઉત્તમ શૈલીમાં સામ-સામે બેસી શકાય એવી બેસવાની વ્યવસ્થા, ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા, જોતા જ ગમી જાય એવું ઇન્ટિરિઅર અને ટ્રેન નહી, એક કૅફે જેવું વાતાવરણ. આવામાં જો કોઈ ગમતું સાથીદાર હોય તો આ આનંદ બમણો થઈ જાય. આજે એવું જ કંઈક થયું હતું રિધમ સાથે.
ટ્રેનનો રૂટ ખરેખર અજાયબી જેવો જ હતો. ક્યારેક એકદમ ઢાળ પરથી નીચે ઉતરતી, ક્યારેક બે ઊંચા પર્વતોને કોતરીને ખીણમાં બનાવેલા પુલ પર તો કયારેક એકદમ ઊંચાઈ પર ધીમે ધીમે ચડતી ટ્રેન આઠ કલાકની પોતાની સફર કાપી રહી હતી. બહાર ગાત્રો થીજાવી દે એવી ઠંડી અને બરફની શ્વેત ચાદરમાંથી પોતાના હોવાની હાજરી પુરાવતા અગણિત વૃક્ષો. અને અંદર? કર્ણપ્રિય લાગે એવો કોલાહલ અને એની આંખો.
એ નક્કી ના કરી શકી કે પ્રેમનું એક અજોડ તત્વ એની આંખોમાં વધારે સુંદર છે કે બહાર. આ જ તો એનું સપનું હતું ને! અને સ્વિત્ઝરલેન્ડ જ નહીં, આ લિસ્ટ ઘણું લાબું હતું. સપનાઓ દેશ-વિદેશના પ્રવાસના જ નહીં, કુદરતને સહારે ખુદના અને એકબીજાની વધારે નજીક જવાના હતા.
*****
કોઈની સાથે વાત કરવાનો મૂડ ન હતો તો પણ રિયાઝનું નામ સ્ક્રીન પર વાંચીને સફાળી ઉભી જ થઈ ગઈ. કેમ નહીં આવ્યો હોય એ? હવે શું થશે? રિયાઝનો લાસ્ટ કોલ છે એ કહેવા કે આપણે બધું ભૂલીને આગળ વધવાનું?
'રિધમ..,' રડી જ પડ્યો રિયાઝ. રિધમ સ્તબ્ધ થઈને ફોન કાને રાખીને સાંભળી રહી. પૂછવું હતું ઘણું બધું પણ એની પહેલા સાંભળવું વધારે જરૂરી લાગ્યું.
દિવાનખંડના સોફા, સફેદ અજવાળું પાથરતી નાની લાઈટ, ખુલ્લી બારીમાંથી આવતો પવન અને મનમાં ચાલી રહેલા પ્રશ્નોનો મારો. એના સ્થિતિને અનુકૂળ વાતાવરણ પણ જાણે
'રિધમ, ફ્રા નાંગ કેવ બીચના રેસ્ટોરાંમાં જાય ત્યારે મને કહીશ? આપડે સાથે તો નહીં જઇ શકીએ ને હવે? પ્લીઝ મને કે'જે ને!'
કંઈક અંદર ખળભળાટ થયો. તૂટી ગયું કંઈક કે જે હવે કદાચ પાછું જોડાય નહીં શકે. રિધમને ડાઇનિંગ ટેબલનો સહારો લેવો પડ્યો. મન અને હૃદય અત્યારે સાથ આપે એવા મજબૂત હતા જ નહીં. સામેથી રિધમ, રિધમના અવાજો આવતા રહ્યા. રડવાનું પણ જાણે અટકી ગયું. ફોનને એમ જ ટેબલ પર રહેવા દઈને બારી પાસે આવીને બેસી. પવનની લહેરખીએ એનું સ્વાગત તો કર્યું પણ એની રિયાઝ પર કોઈ અસર જોવા ન મળી. આ બારી સાથે એનો એક માણસ જેવો નાતો હતો. મહત્વનાં નિર્ણયો, કોઈ પ્રત્યેની ઉદાસીનતા કે પોતાના પ્રત્યનોમાં અસંતોષ લાગે એટલે એને આ બારી યાદ આવતી. બારીમાંથી દેખાતું આકાશ અને દરરોજ મનને તર-બતર કરી દેતા વિવિધ રંગબેરંગી ફૂલો અને થોડા શાકભાજીના છોડ એના મનને જાણે 'રિસેટ' કરી દેતા. આ બધામાં એનું પ્રિય એ આકાશ એનું એકમાત્ર સાથી. રિધમના વિચારો, નિર્ણયો, અભિપ્રાયો, અને સંવાદો સાંભળીને બારીમાંનું એ આકાશ રિધમને નખશીખ ઓળખી ગયું હતું. આ બારી સાક્ષી હતી એના અને રિયાઝ વચ્ચે દિવસે ને દિવસે વધતા સંવાદોની. યાદ તો આવી ગયું પણ એણે નક્કી કરી લીધું કે આટલી જલ્દી રિયાઝને ભૂતકાળ નહીં બનાવે. આ રિયાઝ અને રિધમના સંબંધની ગરિમા હતી કે જેમાં નર્યો પ્રેમ તો હતો જ પણ સાથે સાથે મિત્રતાની હૂંફ, સાથી નહીં પણ સંગાથીનો વિશ્વાસ, અને પરિપક્વતાનો પાયો હતો. આવા યાદોના અને મુલાકાતોના 'વેવલાવેળા' આ સંબંધને સામાન્ય બનાવી દે છે. અને એવું તો એ ક્યારેય નહીં કરી શકે. રિયાઝ હોય કે ના હોય.
રિયાઝ..એ આ સંબંધને આટલી હળવાશથી કેવી રીતે લઇ શકે? એ વિરોધ નહીં કરે? કંઈક તો બોલશે ને એ? આટલી જલ્દી હાર માની લીધી એણે? આટલા બધા, સાથે જોયેલા સપનાનો આધાર આટલો કાચો અને નબળો?
રિધમ સવાલોના જવાબ શોધવાની સાથે સાથે પોતાના નિર્ણયને પણ તોલવા લાગી. સંબંધમાં આગળ ના વધવા માટે તો અચળ હતી તો એવું તો શું ગમી ગયું એને રિયાઝમાં કે વાત આટલી આગળ વધી ગઈ? અને હવે મારા ઘરેથી આ સંબંધ માટેની મંજૂરી ન મળતા રિયાઝ પણ આમ અધવચ્ચે મૂકીને જતો રહેશે? કોઈને કહેવાની કે મનાવાની કોશિશ પણ નહીં કરે અને જે છે એને સ્વીકારી લેશે? આવું વલણ?
અને પોતે? આગળ વધી ગઈ હતી. માપી ન શકાય એટલી ઝડપે. રિયાઝને સાથે લઈ મમ્મી-પપ્પાને મળશે, એ બંને સાથે વાત કરશે, સમજાવશે, અને આમ પળવારમાં મનાવાનું કામ તો જાણે એને ખૂબ સરળ લાગ્યું હતું. રિયાઝમાં શું ગમતું હતું રિધમને અને એ કંઈક વિશિષ્ટ છોકરો છે એવું એ સાબિત કરીને રહેશે અને ભવિષ્ય એકદમ ઉજ્જવળ દેખાવા મંડયું હતું રિયાઝને.
કેવી નાની એવી વાતથી આ સંબંધ શરૂ થયો હતો અને આવી નાની મુશ્કેલીથી પૂરો પણ થઈ જશે? મન અને હૃદય એકબીજાના દોસ્ત બનીને રિધમને ત્રણ વર્ષ પાછળ લઇ ગયું. શૂન્યાવકાશ ઘેરી વળ્યો.