ગુલાબી સવાર હતી. સુંદર સવારની સાથે સાથે ચારે બાજુ લીલાછમ વૃક્ષો ને ફૂલોની સુગંધ પ્રસરી રહી હતી. આજુબાજુ પંખીઓનો સુંદર કલરવ સંભળાઈ રહ્યો હતો. સવારની શાંતિ વાતાવરણને સુંદર રૂપ આપી રહી હતી. સ્થળ હતું પાવાગઢ. પાવાગઢના પગથિયાં ચડતી ઓગણીસ વર્ષની ફોરમ થાકીને ઓટલે બેસી આ સુંદર દૃશ્ય નિહાળી રહી હતી. બારમાં ધોરણની વિદાય બાદ તે તેના મિત્રો સાથે અહીં સુધી આવી હતી. સૌથી આગળ મંદિરે પહોંચવાની હરીફાઈમાં તે ખૂબ જ આગળ સુધી પહોંચી ગઈ હતી.
આજુબાજુની નાની નાની દુકાનો હજુ બંધ હતી. શ્રદ્ધાળુઓ પણ પગથિયે ઓછા નજરે પડતા હતા. ખૂબ જ શાંતિભર્યા આ વાતાવરણમાં અચાનક જ ફોરમની નજર ત્યાંથી થોડે દુર પગથિયે બેઠેલા એક ખૂબ જ વૃદ્ધ દેખાતા , લાકડીના ટેકે ચાલતા હશે એટલે હાથમાં લાકડી હતી, થાકેલા લાગતા એ ડોશીમાં પર પડી. ફોરમ થોડી વાર ત્યાં જ બેસી રહી. તે માત્ર દૂરથી એમને જ જોતી હતી.
થોડી વાર બાદ ઉભી થઈને ફોરમ તે ડોશીમા પાસે પહોંચી ગઈ. ત્યાં તેમની બાજુમાં બેસી ગઇ. ભોળા હૃદયના ડોશીમાની નજર પણ ફોરમ પર પડી. કપાળ પર ચાંદલો ને બધા જ વાળ સફેદ અને જિંદગીને ખૂબ જ અનુભવી હોય તેવા અનુભવી અને પ્રેમાળ દેખાતા હતા એ.
કોણ હશે આ..? આટલી ઉંમર હોવા છતાં અહીં સુધી કેમ આવ્યા હશે..? આટલી બધી ભક્તિ અને શ્રદ્ધા.. કોઈ સાથે આવ્યું હશે કે નહીં..? અહીં સુધી પગથિયાં ચડ્યા આટલી બધી ઉંમરમાં..પરિવાર ક્યાં હશે તેમનો ..? ફોરમના મનના હજારો સવાલો કૂદાકૂદ કરી રહ્યા હતા છતાંય ફોરમ મૌન હતી. થોડીવાર બંને એકબીજાને જોઈ રહ્યા. તેઓ પણ તેમની હેતાળભરી આંખોથી ફોરમને જ જોઈ રહ્યા હતા. જાણે કોઈ પોતાનું ઘણા વર્ષો બાદ જોવા મળ્યું હોય તેવું તેમને લાગી રહ્યું હતું. ફોરમ પણ તેની નાદાન આંખો અને દિલથી તેમને જોઈ રહી હતી. થોડી વાર આમ જ આ શાંત વાતાવરણમાં બંને બેસી રહ્યા.
ફોરમે તેની બેગ ખોલી અને પાણીની બોટલ ખોલીને હાથમાં લઈને ડોશીમા તરફ હાથ લંબાવ્યો. તેમણે થોડું પાણી પીધું અને તેમના સાડીના છેડે મોં પર ઢોળાયેલું પાણી લૂછયું. તે જોઈને તરત જ ફોરમે ફરી જલ્દી જ બેગમાંથી રૂમાલ કાઢીને તેમને આપ્યો, તેઓ કંઈ જ નહોતા બોલતા. તેમણે રૂમાલ જોઈને માથું હલાવીને ના કહ્યું. ફોરમે હાથમાં જ રૂમાલ રાખીને તેમની સામું જોઈને બોલી ઉઠી, " કોણ છો આપ, તમે એકલા જ અહીં આવ્યા છો..?"
જવાબમાં તેમણે હકારમાં માથું હલાવ્યું ફરી ફોરમ બોલી ઉઠી, " તમારો પરિવાર ક્યાં છે..?"
જવાબમાં ફરી એ જ નાદાન આંખોના પલકારાની સાથે થોડા ઉદાસ ચહેરે હકારમાં માથું હલાવ્યું. ફોરમ ઘણી સમજદાર હતી, પણ આ બધું તેને સમજમાં નહોતું આવતું, તે મનમાં જ વિચારવા લાગી, " મેં કાઈ ઊંધું પૂછ્યું હશે, કેમ મને જવાબ નહિ આપતા હોય."
થોડી વાર થઈને ફરી ફોરમે તેના હાથથી એ ડોશીમાના હાથને પકડ્યા અને ફરી કહેવા લાગી, " કેમ નથી બોલતા તમે, મને તમારી દીકરી જ સમજી લો બસ. હું તમને કાંઈ જ નુકશાન નહીં પહોંચાડું, તમે કાંઈક તો બોલો."
આ વખતે ફોરમને એક સાચો જવાબ મળી ગયો. તેમણે હાથને મોં પર રાખીને ઈશારા દ્વારા જણાવ્યું કે, તેઓ કંઈ જ નથી બોલી શકતા. ફોરમ પણ વર્ષોથી તેમને જાણતી જ હોય તેમ આ વાતને સમજી ગઈ અને પ્રેમથી તેના બંને હાથે હવે તેમનો હાથ પકડીને બેસી રહી. થોડી વાર થઈ તરત જ તેઓ ફોરમનો હાથ છોડી લાકડી હાથમાં લઈ ઉભા થવા લાગ્યા. ફોરમે તરત જ તેમનું બાવડું ઝાલ્યું અને ઉભા કર્યા. ફોરમને એવું લાગ્યું હતું કે તેઓ પાવાગઢના બધા જ પગથિયાં ચડી માંના દર્શન કરવા માંગતા હતા, જ્યારે ફોરમને અહીં જ સ્વયં માંના દર્શન થઈ ગયા.
ફોરમ તેમની સાથે સાથે જ પગથિયાં ચડવા લાગી. તેઓ થાકે અને ઉભા રહી જાય એટલે ફોરમ પણ તેમની સાથે ઉભી રહે. બપોર થઈ ગઈ હતી, હજુ પગથિયાં ઘણા હતા ને શ્રદ્ધાળુઓ પણ ખૂબ જ હતા. માણસો હવે વધવા લાગ્યા હતા, ઉપરથી ખચ્ચર દ્વારા સામાન ચડાવાતો હતો એટલે પગથિયાં ખૂબ જ કાળજીથી ચડવા પડે તેમ હતા. ફોરમને તે ડોશીમાની જ ચિંતા થયા કરતી હતી. તે તેમની સાથે જ ચાલતી હતી. આખરે મંદિરે બંને પહોચવા આવ્યા હતા. થોડા જ પગથિયાં બાકી રહ્યા હતા. ફોરમના બધા જ મિત્રો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. હરીફાઈ ભૂલીને ફોરમને બસ આ ડોશીમા સાથે જ સમય વિતાવવો હતો. વાતાવરણ હવે ગરમ થયું હતું. પગથિયાં ચડતા ડોશીમા અને ફોરમ બંને ખૂબ થાક્યા હોવાથી સારી જગ્યા પર બેઠા હતા. બંને આજુબાજુ બધું જ જોઈ રહ્યા હતા. ફોરમ તેમને ઘણું બધું પૂછવા માંગતી હતી પણ પૂછી નહોતી શકતી અને બીજી તરફ ડોશીમા પણ જાણે ઘણું બધું કહેવા માંગતા હોય તેમ તેની બાજુ જોઈ રહ્યા હતા.
સુરજ માથા પર હતો, ફોરમે બેગ ખોલી નાસ્તો ખોલ્યો અને હાથમાં બિસ્કિટ લઈને તેમના મોં તરફ તેનો હાથ લઈ ગઈ. તેઓએ ફોરમના એ પ્રેમાળ હાથથી ખૂબ જ લાગણીભરી આંખોથી ફોરમને જોઈને બિસ્કિટ ખાધું. ફોરમ વધુ આપી રહી હતી પરંતુ તેઓએ ના કહી અને પાણી પીધું. ફરી લાકડી લઈને ઉભા થતા જ હતા ત્યાં ફોરમે ફરી તરત જ બેગની ચેઇન બંધ કર્યા વિના બાજુમાં મૂકી તેમનો હાથ પકડી તેઓને ઉભા કર્યા. ફોરમને મનમાં એક જ સવાલ દોડતો હતો, " આટલી ઉંમર હોવા છતાં આટલા પગથિયાં ચડ્યા અને એ પણ એકલા જ.. તેમનો પરિવાર ને આશરો કોણ હશે.. ભગવાન પર આટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ મેં આજ સુધી ક્યાંય નથી જોયા."
આખરે મંદિર આવ્યું. મંદિરમાં મહાકાળી માના દર્શન કરતા પહેલા ત્યાં બહુ મોટી લાઇન હતી. આગળ ડોશીમા અને તેમની પાછળ જ ફોરમ ઉભી હતી. ભીડ ખૂબ જ હતી. સૌ દર્શન માટે પડાપડી કરી રહ્યા હતા. થોડી વાર થઈ અને મંદિર જવાનો રસ્તો ખુલતા દરેક મંદિરની અંદર જવા ઉતાવળ કરવા લાગ્યા. ફોરમ મંદિરની આ ભીડના લીધે ડોશીમાથી થોડે દુર ગઈ. દૂરથી તેઓ દેખાઈ તો રહ્યા જ હતા પણ ફોરમ તેમની પાસે ભીડના લીધે પહોંચી શકે તેમ નહોતી. ફોરમની ચિંતા વધવા લાગી. આખરે ફોરમ જ્યાં ડોશીમા હતા ત્યાં પહોંચી પણ આજુબાજુ ક્યાંય તેઓ ન દેખાય. ફોરમના ધબકારા વધુ ઝડપે ધબકવા લાગ્યા, તે આજુબાજુ જોવા લાગી. મંદિરની ચારે બાજુ આમતેમ ગોતવા લાગી. ભક્તોની ભીડના લીધે ફોરમને તેઓ ક્યાંય નજરે ન આવ્યા. ફોરમ નિરાશ થઈને ઓટલે બેઠી હતી. ત્યાં જ તેના મિત્રો તેને ગોતતા તેની પાસે પહોંચ્યા. અને ઘણું મોડું થઈ ગયું હોવાથી ફોરમને તેમની સાથે જ લઈ ગયા. ફોરમના મનમાં માત્ર ડોશીમા જ હતા, ફોરમને દુઃખ થતું હતું કે, " મેં આટલી બધી ઉંમરમાં તેમને એકલા મૂકી દીધા." ફોરમ નીચે ઉતરી ત્યાં સુધી બધે જ જોવા લાગી પણ તેઓ ક્યાંય ન દેખાયા. આખરે ફોરમ તેના ઘર તરફ પરત ફરી. મનમાં ઘણા બધા સવાલોની સાથે ખૂબ જ શ્રદ્ધાભર્યા દિલથી એ ઘરે પહોંચી. ઘરે પહોંચતા જ મંદિર પાસે ઉભી રહીને તે ડોશીમા વિશે પ્રાર્થના કરવા લાગી. ફોરમની ઉંમર નાની જ હતી પણ માણસાઈ મોટામાં પણ કદાચ ન હોઈ એટલી હતી.
ઓગણીસ વર્ષની ઉંમરમાં તોફાનને બદલે તે ઘણું સારું શીખી હતી. સાચી સેવા અને સાચું જ્ઞાન શીખી હતી. ડોશીમા પાસેથી શ્રદ્ધા, વિશ્વાસની સાથે સાથે સાહસ પણ ખૂબ શીખી હતી. બસ આમ જ આ નાની એવી સફર ફોરમના હૃદયમાં મોટું અને મહત્વનું સ્થાન લઈ બેઠી.
નાની જ વાતને થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફોરમની સિવાય ઘણાની નજર પડી હશે એ ડોશીમા પર પણ સંસ્કાર અને માણસાઈ દરેકમાં હોઈ એ જરૂરી નથી ને! ઓગણીસ વર્ષની ફોરમને આટલી બધી સમજણ અને લાગણી.. અદભુત છે ને.. આજકાલ તો મોટા મોટા પણ માણસાઈની વાતમાં પાછળ પડી જતા હોય છે. બસ આશા એટલી જ છે કે, માણસાઈને સમજજો.
હું અંકિતા પટેલ (ખોખર). અપેક્ષાઓને બદલે ઘણી આશાઓ અને સપનાઓ સાથે જીવું છું. કોઈ શબ્દ કે મારા વિચારના લીધે મારા વાચકમિત્રોની લાગણીઓને ઠેસ પહોંચી હોઈ તો દિલથી માફી ચાહું છું. માત્ર વધુ સારું લખી શકું તેવા આશીર્વાદ ઈચ્છું છું. મારા વિચારોને કેદ કર્યા વિના હંમેશા તમારા સુધી પહોંચાડતી રહીશ... જય હિન્દ..જય ભારત.