અંગારપથ.
પ્રકરણ-૫૩.
પ્રવીણ પીઠડીયા.
“માયગોડ અભિ, ક્યાં છો તું?” ભયંકર આઘાતથી લોબો બોલી ઉઠયો. છેલ્લા થોડા કલાકો દરમ્યાન ન જાણે કેટલાય કોલ તે કરી ચૂકયો હતો પરંતુ અભિનો ફોન સતત આઉટ ઓફ રીચ આવતો હતો. તે અકળાતો હતો કારણ કે અભિની ફિતરતથી હવે તેને પણ બીક લાગવાં માંડી હતી. અભિએ ગોવામાં પગ મૂકયો હતો ત્યારથી એકધારા ધમાકાઓ જ થતાં હતા અને તેણે સમગ્ર ગોવામાં ઉથલ-પાથલ મચાવી મૂકી હતી.
“એ અગત્યનું નથી કે હું ક્યાં છું! રુબરું મળીશ ત્યારે તું જાણી જ જઈશ. અત્યારે તાત્કાલીક એક એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરાવ. હું એક વ્યક્તિને લઈને આવું છું. એ ઘાયલ છે એટલે એની સારવારની વ્યવસ્થા પણ ’સ્ટેન્ડબાય’ રાખજે. અને હાં, સૌથી અગત્યની વાત… આ ખબર ’લીક’ ન થવી જોઈએ. તને સમજાય છે હું શું કહું છું એ?” ફોનમાં અભિનો અવાજ ગુંજી ઉઠયો. લોબોને ધ્રાસ્કો પડયો. વળી શું નવી મુસીબત તેણે ઉભી કરી હશે!
“અભિ, કોણ છે એ?” લોબો જખ્મી હતો છતાં અચાનક તેના ધબકારા વધી ગયા અને પથારીમાં અધૂકડો બેઠો થઇ ગયો હતો.
“કહ્યુંને, તું એમ્બ્યૂલન્સ મોકલાવ. બાકી બધું પછી.” અભિએ લગભગ હુકમ કર્યો.
“એ ફિકર નથી પરંતુ તારે મને એ વ્યક્તિનું નામ જણાવવું જ પડશે. ક્યાંક એવું ન બને કે તું એને અહી લઈને આવે અને મારી અજ્ઞાનતાનાં કારણે બીજા કોઈ કોમ્પ્લીકેશન ઉભા થાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઇ સે.” લોબો ખરેખર ગભરાતો હતો. અભિનાં કારણે જો કોઈ મોટી ગરબડ ઉભી થઇ તો સંભાળવું મુશ્કેલ બનવાનું હતું.
“ડગ્લાસ.”
“હેં… “ પલંગ પરથી લગભગ ઉછળી પડયો લોબો. “પણ… ઓહ… એક મિનિટ… ઓહગોડ.” શું કહેવું, કેમ રિએક્ટ કરવું એ પણ તેને વિસરાઇ ગયું. એવું લાગ્યું જાણે તેના પલંગ નીચે કોઈએ ટાઇમ બોમ્બ ફોડયો હોય. તે બધવાઇ ગયો. “ બટ, હાઉ ઈઝ પોસીબલ? એ… એ… કેવી રીતે, આઇ મીન, ક્યાં મળ્યો તને?”
“લોબો, ધ્યાનથી મારી વાત સાંભળ. અત્યારે સમય ખૂબ આછો છે અને પરિસ્થિતિ ગંભીર છે. ડગ્લાસને જો તાત્કાલીક સારવાર નહી મળે તો તેનું મોત થવું નિશ્વિત છે. બાકી બધુ હું ત્યાં પહોંચીને તને નિરાંતે બધું જણાવીશ. ખરેખર કહું તો મારે પણ ઘણું જાણવાનું છે પરંતુ એ પહેલા આને હોસ્પિટલ ભેગો કરવો જરૂરી છે. હું શું કહેવા માંગુ છું એ સમજાય છે તને! કે પછી ચારુંને ફોન કરું?” એક એક શબ્દ ઉપર ભાર દેતા અભિમન્યુ બોલ્યો. લોબો ખોટો સમય બગાડી રહ્યો હતો એટલે તે અકળાયો હતો.
“ઓકે… ઓકે. સરનામું જણાવ.” લોબોએ હઠ મૂકી અને પોતાની ઉત્તેજના ઉપર કાબુ કર્યો. અભિએ એમ્બ્યૂલન્સ ક્યાં મોકલવાની છે એ જણાવ્યું.
“લોબો, થેંક્સ યાર. અમને ત્યાં પહોંચતા સમય લાગશે ત્યાં સુધી સંભાળી લેજે. બાકી રૂબરું વાત કરીએ.” અભિએ ફોન ડિસ્કનેક્ટ કર્યો અને ઉંડો શ્વાસ લીધો. તે થાકી ગયો હતો. શારીરીક રીતે હજું તેનામાં ક્ષમતા હતી કે ડગ્લાસ જેવા બીજા બે-ચાર દુશ્મનોને પછાડી શકે પરંતુ માનસિક કેપેસીટી ખતમ થવા આવી હતી. તેના જહેનમાં જીત અથવા મોત, આ બે સમીકરણો જ હંમેશા ઘૂમતાં રહેતા. પરંતુ રક્ષાનાં મામલામાં ખરેખર તે ઉલઝી ગયો હતો. તેને કંઇ સમજાતું નહોતું કે આખરે સત્ય શું છે? અત્યાર સુધી ડગ્લાસે જ રક્ષાને મારી છે એમ સમજીને તેની પાછળ પડયો હતો પરંતુ ડગ્લાસે હમણાં જે કહ્યું એ સાચું હોય તો ફરી પાછો તે હતો ત્યાં ને ત્યાં જ આવી પહોંચ્યો હતો. ફરી પાછી નવેસરથી બાઝી ખેલવાની હતી. તેનું મન વિચારોનાં વમળમાં અટવાયું. એક નજર ડગ્લાસ ઉપર નાંખીને ફોન ટેબલ પર મૂકયો. ફરી એક નિશ્વાસ છોડીને ખુરશી ઉપર લાંબો થઇને પથરાઇ પડયો. હવે એમ્બ્યૂલન્સ આવે ત્યાં સુધી રાહ જોવા સીવાય બીજું કંઇ કરવાનું નહોતું. અને… ડગ્લાસનાં હુકમ વગર આ તરફ કોઈ આવવાનું પણ નહોતું.
@@@
લોબોનાં દિમાગમાં વિસ્ફોટો સર્જાતા હતા. ભયંકર તેજીથી તે વિચારતો હતો. અભિમન્યુએ ડગ્લાસનું નામ લઈને રીતસરનો તેને ચોંકાવી મૂકયો હતો. ડગ્લાસ ગોવાનો કિંગ હતો. અભિમન્યુ સાથે તેના હોવાનો મતલબ ભયંકર નિકળતો હતો. ચોક્કસ અભિનાં હાથે એ પરાસ્ત થયો હશે. એ સાચું હોય તો એ કોઈ અભૂતપૂર્વ ઘટનાથી કમ ન ગણાય. ડગ્લાસનાં આર્થિક સામ્રાજ્યની વાત બાજુમાં રાખીએ તો પણ શારીરીક રીતે એ એટલો સશક્ત હતો કે અભિ જેવા કેટલાય લોકોને તે એકલો જ પહોંચી વળે. તેને હરાવવો લગભગ નામુમકીન હતો. છતાં.. જો એ ઘાયલ થયો હોય અને અભિનાં હાથે ચડયો હોય તો એ નાનીસૂની ઘટના નહોતી. અભિ તેને લઈને આવી રહ્યો હતો. ડગ્લાસ જેવા શક્તિશાળી વ્યક્તિને આ સરકારી હોસ્પિટલમાં લાવવો યોગ્ય ગણાશે? તેણે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો. કેમ નહી! અચાનક તેને ડો. ગુપ્તા યાદ આવ્યો. ડો. પ્રકાશ ગુપ્તા તેનો યાર હતો અને બધી રીતે કાબેલ પણ હતો. એ ચોક્કસ કોઈ વ્યવસ્થા ગોઠવીને મામલો સંભાળી લેશે. તેણે તુરંત ગુપ્તાને ફોન લગાવ્યો અને ચોરલા ઘાટ નજીક કોઈ એમ્બ્યૂલન્સ હોય તો રિસોર્ટનાં સરનામે મોકલવા જણાવ્યું. એ વ્યવસ્થા મિનિટોમાં ગોઠવાઇ હતી. ગુપ્તાનાં મિત્રની હોસ્પિટલ ત્યાંથી અડધા કલાકનાં અંતરે જ હતી. થોડી વારમાં એમ્બ્યૂલન્સ મારંમાર કરતી ઘાટનાં વળાંકો વટાવતી રિસોર્ટનાં રસ્તે દોડવા લાગી હતી.
@@@
“ટક ટક ટક…” લોબોનાં દરવાજે ટકોરા પડયા અને એક કોન્સ્ટેબલે અંદર ઝાંક્યું.
“સર, કોઇ લેડી ઓફીસર આપને મળવા માંગે છે.”
“તેને અંદર મોકલ.”
એ ગયો અને ચારું લોબોનાં કમરામાં દાખલ થઇ. લોબો ચોંક્યો. ચારુંને અચાનક અહી જોઈને તેનું ચોંક્વું વ્યાજબી હતું કારણ કે એ અભિમન્યુ સાથે હોવી જોઈતી હતી.
“સર, મને આપની મદદ જોઈએ છે.” કોઇપણ ઔપચારીકતામાં પડયા વગર ચારુંએ સીધું જ કહ્યું. તે જાણતી હતી કે અત્યારે એક એક મિનિટ કિંમતી છે.
“યસ!”
ચારુંએ તેની આપવિતી કહેવી શરૂ કરી. તેણે પેટ્રીક વાળી વાત અને કમિશ્નરને પેલી ફાઈલ આપી… એ પછી જે બન્યું અને જે સાંભળ્યું હતું એ આખો ઘટનાક્રમ વિગતવાર લોબોને કહી સંભળાવ્યો.
“ઓહ ગોડ…” લોબોનો શ્વાસ અધ્ધર થઇ ગયો. એ ઘણી ખતરનાક વાત હતી. ગોવાની ધરતીનું નગ્ન સત્ય અત્યારે તેની સમક્ષ ઉજાગર થઇ રહ્યું હતું. તે આ બધી વાતોથી અજાણ નહોતો પરંતુ ડગ્લાસ અને સંભાજી ડ્રગ્સનાં બિઝનેસ સિવાય હ્યુમન ઓર્ગનનો પણ ધંધો કરતા હોય એ તેની કલ્પના બહારનું હતું, અત્યંત બિભત્સ હતું. નાના કુમળા બાળકોનાં અંગોનો વેપાર ધ્રૂણા ઉપજાવે એવો હતો. અચાનક આખો ’સિનારિયો’ તેને સમજાઇ ગયો હતો. રક્ષા સૂર્યવંશી સાથે શું ઘટયું હશે એ પણ કદાચ તેને ખ્યાલ આવતો હતો. તેનું હદય જોરજોરથી ધડકવા લાગ્યું કારણ કે ચારું પાસે એ બધું પ્રૂફ થઇ શકે એવી ફાઈલ હતી જે અત્યારે તે કમિશ્નર અર્જૂન પવારને સોંપી આવી હતી. અને અર્જૂન પવાર… લોબોને ધ્રાસ્કો પડયો.
કમિશ્નર અર્જૂન પવારને તે બહું સારી રીતે ઓળખતો હતો. તેની અને શેટ્ટીની જૂગલબંધીએ ઘણાં કારનામાઓ કર્યાં હતા એના સમાચાર અવાર-નવાર તેના કાને પડતાં રહેતા. મોટેભાગે ક્યારેય તે પોલીસ ખાતા સાથે વધું માથાકૂટમાં પડતો નહી કારણ કે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અને લોકલ પોલીસ ખાતા વચ્ચે પહેલેથી કોઇને કોઇ બાબતે ગજગ્રાહ ચાલ્યો આવતો હતો એટલે મોટેભાગે તે પવારને છેડવાથી દૂર જ રહેતો. ખોટી નાહકની ઉપાધી વહોરવા કરતાં તેણે પોતાનાં કામમાં ધ્યાન આપવાનું બેહતર માન્યું હતું. પરંતુ અત્યારે વાત અલગ હતી. આ કોઈ નાનીસૂની વાત નહોતી. લોબોનું દિમાગ તેજીથી વિચારતું હતું. જો કમિશ્નર એ ફાઈલમાં છપાયેલી વિગતોનો પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરે તો પછી તેને કોઈ રોકી શકવાનું નહોતું. ડગ્લાસનું સામ્રાજ્ય ખતમ થાય તો જે પોઝીશન ઉપર અત્યારે ડગ્લાસ હતો એ પોઝીશન ઉપર પહોંચતાં પવારને કોઈ રોકી ન શકે! અને એ પણ કાયદેસર રીતે બધું કરી શકવાનો હતો. તેનાં હાથમાં કાયદાની કમાન હતી. તે સમસ્ત ગોવા પોલીસનો હેડ હતો એટલે ડગ્લાસ કરતાં પણ વધું પાવરફૂલ રીતે તે ગોવા ઉપર આધિપત્ય જમાવે એમાં શંકાને કોઇ સ્થાન નહોતું.
“સર, વોટ વિલ વી ડુ નાઉ?” લોબો ઘણીવાર સુધી કંઇ બોલ્યો નહી એટલે ચારુંએ તેને સજાગ કર્યો.
“વેઈટ.. મને વિચારવા દે. આ ઘણી સિરિયસ મેટર છે. આપણું એક ખોટું પગલું ગોવાની તબાહી નોતરી શકે છે.” લોબો પોતાની ઈજાઓને લગભગ ભૂલી ગયો હતો. તેના કપાળે વિચારોનાં સળ ઉદભવ્યાં.
“ઓહ યસ, દેસાઈ સર… એ કેમ ભૂલાઇ જાય છે!” તે સ્વગત બબડયો. તેને ખુદને આશ્વર્ય થયું કે આટલાં નાજૂક સમયમાં જે વ્યક્તિ સૌથી પહેલાં યાદ આવવી જોઈએ એને કેમ વિસરી ગયો હતો. તેણે તુરંત સુશિલ દેસાઈને સંપર્ક કરવાની કોશીશ કરી કારણ કે એ એક જ વ્યક્તિ એવો હતો જેની પહોંચ છેક દિલ્હી સુધી હતી અને એ જ પવારને રોકી શકવા સમર્થ હતો. પણ... જેટલા ઉત્સાહથી તેણે ફોન લગાવ્યો હતો થોડીવારમાં એટલી જ નિરાશા તેના ચહેરા ઉપર પથરાઇ. સુશિલ દેસાઈનો ફોન સ્વીચ-ઓફ આવતો હતો. ધડાધડ પાંચ સાત વાર તેણે ફોન ઘૂમરડી નાંખ્યો. એ પછી એ જ્યાં-જ્યાં હોઇ શકે એવી તમામ જગ્યાએ… એવી તમામ વ્યક્તિઓને ફોન કર્યાં. પરીણામ… શૂન્ય ! ગોવાનાં ચીફ ઓફ નાર્કોટિક્સ ઓફીસર સુશિલ દેસાઈ ક્યાંય નહોતા. એ ખરેખર આશ્વર્યજનક હતું. લોબોનાં દિમાગમાં ઝટકા વાગતાં હતા. ક્યાંક કશું ભયંકર થવાનાં એંધાણ એ ક્ષણે જ તેને વર્તાવા લાગ્યાં. અમંગળ આશંકાઓથી તેનું મન ભરાઇ ગયું. સુશીલ દેસાઈ ક્યારેય તેનો ફોન બંધ રાખતો નહી તો પછી આજે એવું કેમ બન્યું હશે? એ તેની સમજમાં આવતું નહોતું. લોબો ગુંચવાઇ ઉઠયો. એક તરફ અભિમન્યુ ડગ્લાસને લઈને હમણાં આવી પહોંચવાનો હતો તો બીજી તરફ ચારુંએ ઘમાકો કર્યો હતો. એ બન્ને વચ્ચે ભયંકર દુવિધામાં અટવાતો લોબો આંખો ફાડીને ફોન સામું જોઇ રહ્યો હતો.
“સર…!” ચારુંએ ફરીથી તેને સજાગ કર્યો. કમરામાં એકદમ તંગ પરિસ્થિતિ સર્જાઇ હતી. કોણે શું કહેવું એ સમજાતું નહોતું. બન્ને બીજો કંઈ બોલે, કોઈ સુજાવ આપે એ રાહે એકબીજાની સામું ઉત્સુકતાથી જોઇ રહ્યાં હતા.
@@@
“અભિમન્યુ..!!” એકાએક જ ચારું બોલી ઉઠી. કશુંક યાદ આવ્યું હોય એવો ઉત્સાહ તેના અવાજમાં છલકાતો હતો. લોબોએ અસમંજસથી તેની સામું જોયું. “અભિમન્યુ પાસે એ ફાઈલનાં ફોટોઝ છે. તેણે તેના ફોનમાં ફોટો પાડયાં હતા.”
“અરે તો કહેતી કેમ નથી?” લોબો પણ ઉત્સાહિત થઇ ઉઠયો. “એ આવતો જ હશે.”
“આવતો હશે મતલબ?” ચારું ભયંકર રીતે ચોંકી ઉઠી. તેને પોતાના કાન ઉપર જાણે વિશ્વાસ થયો નહી.
“ઓહ, હું તને કહેવાનું જ ભૂલી ગયો. અભિમન્યુ રસ્તામાં છે. થોડીવારમાં… લગભગ બે-એક કલાકમાં અહી આવી પહોંચશે.”
“બટ, એ છે ક્યાં? અને તમને કેમ ખબર કે તે અહી આવે છે? હું સવારની તેને ફોન લગાવું છું પણ ફોન લાગતો જ નથી તો તમારી વાત કેમ થઇ?”
“હમણાં જ તેનો ફોન આવ્યો હતો. કોઈ અલગ નંબર પરથી કોલ હતો. તેણે જ કહ્યું કે તે અહી… એટલે કે હોસ્પિટલ આવી રહ્યો છે.” લોબોએ ડગ્લાસ વાળી વાતને અધ્યાહાર રાખીને જે બન્યું હતું એ કહી સંભળાવ્યું. ધડકતા દિલે ચારું સાંભળી રહી. તેના જીગરમાં અજીબ શાંતા વળી હતી. અભિમન્યુ આવી રહ્યો છે એ ખ્યાલ જ કેટલો આહલાદક હતો. તે આતુરતાથી અભિની રાહ જોવા લાગી.
(ક્રમશઃ)
આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.
તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.
શું તમે….
નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.
તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.
અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. આ નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવજો.