Hawelinu Rahashy - 10 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 10

Featured Books
Categories
Share

હવેલીનું રહસ્ય - 10

આજે એક પછી એક એમ કરતાં લિપ્તા અને એની દાદીની મુલાકાતને પંદર દિવસ થઈ ગયા હતા. એ સાંજ પછી લિપ્તાના દાદી એને મળવા એક વાર પણ નહોતા આવ્યા. લિપ્તા એમની રાહ જોતી વ્યાકુળ થઈ રહી હતી. એના મનમાં એના દાદીના છેલ્લે કિધેલા શબ્દો જ ગુંજતા હતા: "લક્ષવ અને પર્વ સાથે કંઈ ન થવાનું થઈ રહ્યું છે." આ શબ્દો કેમેય કરીને એનો પીછો નહોતા છોડતા. એના ચંચળ મનમાં ઘણી બધી આશંકાઓ ઉતપન્ન થતી હતી. એ પોતે હવેલીમાં જઈને એના દાદીની મદદ કરવા ઈચ્છતી હતી પણ લાચાર હતી.

આત્મા હવેલીમાં લક્ષવ અને પર્વને બચાવવા સતત પંદર દિવસથી ચિત્રદિત સામે ઝઝૂમી રહ્યો હતો. આટલી બધી તકેદારી રાખવા છતાં પણ ચિત્રદિતને આત્માની ગંધ આવી જ ગઈ. આથી ચિત્રદિતે આત્મા પર સીધો વાર કરવાના બદલે એક યુક્તિ આજમાવી જે સફળ થઈ. ચિત્રદિતે લક્ષવ અને પર્વને નુકસાન પહોંચાડવા આત્માનું સુરક્ષાકવચ ભેદવાનું શરૂ કર્યું કે જેથી આત્મા એને બચાવવા આપમેળે જ એની સામે આવે. સુરક્ષાકવચ ચિત્રદિતથી સરળતાથી તો ન તૂટ્યું પણ પંદર દિવસની અથાક મહેનતના અંતે તૂટ્યું તો ખરા જ. એ જેવો લક્ષવ અને પર્વ પાસે પહોંચ્યો ત્યાં તો આત્મા ઢાલ બની એમની સુરક્ષા માટે પહોંચી ગઈ. પોતાના છળકપટથી ભરપૂર ઇરાદાઓ પુરા કરવાની પહેલી સીડી પાર કરી હોવાથી અહંકારના નશામાં મદ ચિત્રદિત જોરજોરથી હસ્યો અને બરાડીને એ ત્રણેય પર વાર કરવા જતો જ હતો કે ત્યાં એક બિલાડી આવી પહોંચી. વનિષ્કાના શ્રાપના લીધે ચિત્રદિત જ્યાં સુધી બે બલિ ન ચઢાવે ત્યાં સુધી એને કૂતરા તથા બિલાડી જેવા જનાવર અને ઉંદર જેવા જીવોથી ખતરો હતો. આવા પશુઓની સામે આવતા જ ચિત્રદિતની ચામડી બરફની જેમ પીગળવા લાગતી. બિલાડીને જોતા જ પળવાર પહેલા ગરજતો ચિત્રદિત ત્યાંથી જેમ બને એમ જલ્દી નાસી છૂટ્યો. આત્માએ બિલાડી સામે પ્રસન્નતાભરી નજર નાખી અને જલ્દીથી પહેલા કરતા પણ વધારે મજબૂત સુરક્ષાકવચ રચી દીધું.

સતત પંદર દિવસ ચિત્રદિત સામે લડત આપવાના લીધે આત્મા હવે ખૂબ જ થાકી હતી. એની શક્તિઓ પણ હવે પહેલા જેટલી પ્રબળ નહોતી રહી. ચિત્રદિતને લિપ્તા વિશે પણ જાણકારી મળી જ ગઈ હશે એ વાતની આત્માને ખાતરી હતી. આ ખતરાથી બેખબર લિપ્તાને આ ખતરા વિશે માહિતગાર કરવી જરૂરી હતી. લિપ્તા પોતાનો પાછલો જન્મ વનિષ્કારૂપે જોયા બાદ ચિત્રદિતને ખૂબ જ નફરત કરતી હતી. આવામાં જો લિપ્તાને ચિત્રદિત દ્વારા કોઈ પણ નુકસાન થાય તો એ સહન કરી શકે એમ નહોતી. આત્માને સમજાતું નહોતું કે લિપ્તાને આ બધું કેમ કહેવું. લક્ષવ અને પર્વને હવે એકલા મૂકી શકાય એમ નહોતા. એકવાર સુરક્ષાકવચ તોડનાર ચિત્રદિત બીજીવાર પણ તોડી શકે અને આ હવેલીમાં લક્ષવ અને પર્વની રક્ષા કરનાર એમના સિવાય કોઈ હતું પણ નહિ. ઘણા ગહન મનોમંથનના અંતે આખરે આત્માને લિપ્તા પાસે પહોંચવાનો એક સુરક્ષિત માર્ગ મળી ગયો.


આખો દિવસ લિપ્તાએ એના દાદીની રાહ જોઈ પરંતુ એમના આવવાના કોઈ એંધાણ નહોતા દેખાતા. લિપ્તાએ ઘણી રાતો દાદીની રાહ જોવામાં જ વિતાવી હતી. આટલા બધા ઉજાગરાના અંતે પણ એની દાદી સાથે મુલાકાત ન થઈ. આજે પણ રાહ જોવામાં અડધી રાત જતી રહી હતી. કંટાળીને લિપ્તાએ પથારીમાં લંબાવ્યું. રોજે ઊંઘ માટે વલખા મારતી લિપ્તા આજે આશ્ચર્ય વચ્ચે આડી પડી એની થોડી જ મિનિટોમાં ઊંડી નિંદ્રામાં સરી પડી. ઊંઘમાં લિપ્તાને એક સ્વપ્ન આવ્યું. એમાં એણે એના દાદીને ચિંતામાં જોયા. એમની સાથે લક્ષવ અને પર્વ પણ બેભાન અવસ્થામાં પડ્યા હતા. દાદી એને કંઈ કહે કે એ પોતે એમને કંઈ પૂછે એ પહેલાં જ લિપ્તાની આંખ ખુલી ગઈ. હાર્દિબેનના રૂમમાંથી ખૂબ જ અવાજ આવતો હતો.


લિપ્તા હાર્દિબેનના રૂમમાં પહોંચી. હાર્દિબેન મોટેથી ચીસો પાડતા હતા. એ હાર્દિબેન પાસે ગઈ. એમને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો પણ આજે હાર્દિબેન કોઈનું માને એમ નહોતું લાગતું. થોડીવારે હેમિષાબેન અને હર્ષવભાઈ પણ ત્યાં પહોંચ્યા. હેમિષાબેન પણ હાર્દિબેન પાસે આવ્યા. હેમિષાબેન કંઈ બોલે એ પહેલાં તો હાર્દિબેનને ખેંચ આવવા લાગી. હર્ષવભાઈએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી. હાર્દિબેનને બને એટલી જલ્દી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. એમનું ઓપરેશન શરૂ થયું. ઓપરેશન થિયેટર બહાર હેમિષાબેન લિપ્તાને આશ્વાસન આપતા હતા અને હર્ષવભાઈ ચિંતાતુર બનીને ઓપરેશન થિયેટરના દરવાજાને તાકતા હતા.


પુરા બે કલાક પછી ડૉકટર ઓપરેશન થિયેટરની બહાર આવ્યા. હર્ષવભાઈ હાર્દિબેનના સમાચાર પૂછવા તરત એમની પાસે દોડી ગયા. ડૉકટરે હર્ષવભાઈને એમની કેબિનમાં આવવા કહ્યું. હર્ષવભાઈ અને ડૉકટર કેબિનમાં આવ્યા અને બેઠા. ડૉકટરે હાર્દિબેનની સ્થિતિ વિશે જે કીધું એ સાંભળીને હર્ષવભાઈનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ચુકી ગયું. એમને ખબર જ નહોતી પડતી કે આ સમાચાર પોતે કેમ કરીને લિપ્તાને આપશે. એમને ખબર હતી કે લિપ્તા અત્યારે ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. પહેલા જ એ ઘણી મુસીબતોનો સામનો કરી રહી હતી એવામાં એ કેમ કરીને આ આઘાત જીરવશે એ વિચારીને જ હર્ષવભાઈ કંપી ઉઠતા.


હર્ષવભાઈ હેમિષાબેન અને લિપ્તાની થોડે દુર ઉભા રહ્યા અને લિપ્તાને જોતા રહ્યા. હિંમત કરીને એ લિપ્તા પાસે ગયા એવું તરત જ લિપ્તાએ પૂછ્યું, "મમ્મીને કેવું છે હવે? ડૉક્ટરે શું કીધું?" આ સાંભળી થોડીવાર માટે તો હર્ષવભાઈ અસમંજસમાં પડી ગયા. પછી બોલ્યા, "બેટા આઘાતના લીધે હાર્દિબેન કોમામાં સરી પડ્યા છે. એમને ક્યારે હોશ આવશે એનું કંઈ નક્કી નહિ." આ બધું લિપ્તા અવાચક બની સાંભળી રહી અને ત્યાં જ બેસી ગઈ. હવે તો રડીરડીને એની આંખના આંસુ પણ સુકાય ગયા હતા. એને કંઈ જ સમજણ નહોતી પડતી કે હવે શું કરવું અને કેવી રીતે કરવું. હેતાંશભાઈના ગયા પછી એકમાત્ર હાર્દિબેન જ એની સાથે હતા. જો હાર્દિબેનને કંઈ થઈ જાય તો લિપ્તા સાવ નિરાધાર થઈ જાય.


સૂર્યોદય થયો. લિપ્તા હજી પણ ભાવવિહીન બનીને એમ જ બેઠી હતી. હવે તો એ સમયનું ભાન પણ ભૂલી ગઈ હતી. એની નજર સમક્ષ માત્ર હાર્દિબેનનો ચહેરો જ તરવરતો હતો. આ બધામાં રાતે જોયેલા સપના વિશે તો એને કંઈ જ યાદ નહોતું. એકાએક એને લાગ્યું કે એના દાદી એને બોલાવે છે. એણે આજુબાજુ ફાંફાં માર્યા પણ કોઈ નજરે ન ચડ્યું ત્યારે જ એને સપનું યાદ આવ્યું. એણે વિચાર્યું, "દાદી ખરેખર સપનામાં મને કંઈ કહેવા માંગતા હશે કે એ સપનું માત્ર એક સંયોગ હશે?" કદાચ જો એને લક્ષવ કે એના દાદીની કંઈ ખબર પણ પડે તોય અત્યારે એ હાર્દિબેનને મૂકીને ક્યાંય જઈ શકે એમ નહોતી.ક્યાંકને ક્યાંક લિપ્તાને લાગતું કે હેતાંશભાઈના ગયા પછી જ્યારે હાર્દિબેનને ખરેખર એની જરૂર હતી ત્યારે એ લક્ષવને શોધવાની મગજમારીમાં હાર્દિબેનને સમય જ નહોતી આપી શકી. હાર્દિબેનને જ્યારે એની હૂંફ અને લાગણીની જરૂર હતી ત્યારે એ લક્ષવને શોધવામાં વ્યસ્ત હતી. બહેનની ફરજ નિભાવતા નિભાવતા એ ક્યાંક દીકરીની ફરજ ચુકી ગઈ હતી. આ બધું લિપ્તાને અત્યારે સમજાયું પણ અત્યારે આ વાત સમજવામાં એણે ખૂબ મોડું કરી દીધું હતું. આજે લિપ્તાને એકલતા કોરી ખાતી હતી. એનો આત્મા આજે એને દોષી ઠેરવી રહ્યો હતો. એ આ બધું વિચારતી જ હતી કે ત્યારે જ હર્ષવભાઈએ એને એકવાર હાર્દિબેનને જોઈ લેવા કહ્યું. એ હાર્દિબેન પાસે ગઈ પણ એમની નજીક જવાની હિંમત ન કરી શકી.

હવે આગળ લિપ્તાના જીવનમાં કયા અણધાર્યા વળાંકો આવશે? શું લિપ્તા એનો સામનો કરી શકશે? આત્મા લિપ્તાને ચિત્રદિત વિશે જણાવવામાં સફળ થશે ખરા? શું ચિત્રદિત ફરી લક્ષવ અને પર્વને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે? અને કરશે તો એ સફળ થશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."