" અરે આપ સૌ અચાનક...!!! બેસો ને શું લેશો... અમે જમવા જ બેસતાં હતાં તમેય સાથે બેસી જાવ પછી નિરાંતે વાતો કરીએ. " વિરીમાબેને ઔપચારિકતા સાથે કહ્યુ.
"ના... માફ કરજો જમવું નથી અમે તો તમને તમારી મીરા નો સમાન અને અમાનત સોપવાં આવ્યાં છીએ. આ સમાન અને આ એની દીકરી ... " દેવેશે મોઢું બગાડતાં કહ્યુ.
" તમારી ભૂલ થાય છે જીજાજી . પણ તમારે અને મીરા દી ને તો સંતાન માં હજી સુધી કઈ જ નોહતું ને . તો આ બે વર્ષની દીકરી ક્યાથી ???" મિશાએ આશ્ચર્યથી પૂછ્યું.
" હા મારી જ ભૂલનું આ પરિણામ છે આ. જે હવે હું કોઈ કાળે ભોગવવા નથી માંગતો."દેવેશ બરાંડયો.
" અમને કેમ ખબર પડે કે આ દીકરી કોની છે ..!! " મિશા એ દલીલ કરી .
ત્યાં જ મોહિત મિશાલીની ને લાફો મારવા જતો હતો. ત્યાં જ વિહાને એનો હાથ પકડી લીધો. બધાં હતા એટલે મોહિત ચૂપચાપ ઊભો રહ્યો .
વિરીમાબેન એ નાનકડી દીકરીની નજીક આવ્યાં અને એને જોઈ જ રહ્યાં... પછી ધીમેથી બોલ્યાં " મીશુ, આ આબેહૂબ મારી મીરા જેવી જ છે. મીરા જેવી જ ભૂખરી આંખો , રાતા પાતળા હોઠ , એવો જ બાંધો " સહેજ અટકી ને બોલ્યાં, " મીરા ની જેમ જ હોઠની ઉપર ડાબી બાજુ તલ... જન્મ નોહતો આપ્યો પણ માં તો હું જ હતી ને એની..."
મિશાલીની નજીક આવીને એ દીકરીને તેડી લીધી... એ બાળકી મિશાના ગાલ પર, ગળા પર, આંખો પર, હોઠ પર બધે જ એના હાથો થી અડકી ને રમવા લાગી. નાના હાથમાં એને મિશાનું મંગળસૂત્ર પકડીને મોં માં નાખી ચાવવા લાગી...
દેવેશ એના મમ્મી પપ્પા ને લઈને નીકળી ગયો.જતાં જતાં મીરના સાસુ બોલી પડ્યાં," હાં તે તારી દીકરી જેવી જ દેખાય ને એમાં મારા દેવેશના જરાય લક્ષણો નથી.સમજો છો ને શું કહું છું એટલે અમારે નથી જોઈતી એની દીકરી. એનું નામ એણે કેયા પાડ્યું છે. રાખજો હવે એને... "
વિરીમાબેન ની આંખો ભીંજાય ગઈ. મિશાને પણ ઝળઝળીયાં આવી ગયાં. અમર ને થઈ ગયું કે દેવેશને બોચીથી પકડીને બરાબર નો ધોઈ જ નાખે પણ એના સંસ્કારો એ એને રોકી લીધો..