રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2
અધ્યાય-૧૭
મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વ પવન સાથે વાતો કરતો હોય એમ નદીની દિશામાં પુરપાટ ઝડપે આગળ વધી રહ્યો હતો. મેઘના પર આવી ચડેલી આ સંકટને ગમે તે ભોગે ટાળવા માટે રુદ્ર બીજા એક અશ્વ પર સવાર થઈને મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વનો રસ્તો રોકવા આગળ વધી રહ્યો હતો.
"રાજકુમારી, તમે અશ્વની લગામ છોડી દો!" મેઘનાને સંભળાય એમ મોટેથી રુદ્રએ કહ્યું.
આવી વિપરીત પરિસ્થિતિમાં કોઈ હોય તો લગામ પકડી રાખવાનું કહે, પણ રુદ્ર લગામ છોડવાનું કહી રહ્યો હતો એ મેઘના માટે વિચારવાનો વિષય હતો. લગામ છોડવી કે ના છોડવી એ વિચારવામાં અસમર્થ મેઘનાનો જીવ સામે વહેતી નદીને જોઈ તાળવે ચોંટી ગયો હતો.
"મેં કહ્યું લગામ છોડો!" આ વખતે રુદ્રના અવાજમાં ગુસ્સો ભળેલો હતો. આ ગુસ્સાની અસર રૂપે મેઘનાએ હવે અશ્વની લગામ છોડી દીધી. મેઘનાનાં આમ કરતાં જ એ અશ્વ થોડો શાંત થયો અને એની ગતિ પણ થોડી ઘટી ચૂકી હતી, છતાં એનું નદીની તરફ આગળ વધવાનું નહોતું અટક્યું.
રુદ્રએ પોતાનાં અશ્વને જોરથી એડી મારીને લગામને બળથી ખેંચી અને પોતાનાં અશ્વને પુરઝડપે મેઘનાનાં અશ્વ તરફ ભગાવી મૂક્યો. જેવો જ રુદ્રનો અશ્વ મેઘનાનાં અશ્વની નજીક પહોંચ્યો એ સાથે જ રુદ્રએ પોતાનાં અશ્વ પરથી કૂદકો લગાવી મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વની ગરદન પર છલાંગ લગાવી દીધી. રુદ્રની આ હરકતથી એ અશ્વની ગરદન ઝૂકી ગઈ અને એની ગતિ સાવ ઓછી થઈ ગઈ.
હવે નદી જ્યાં પસાર થતી હતી એ ખાઈ માત્ર દસેક ડગલાં દૂર હતી એ જોઈ રુદ્રએ પોતાનાં બંને પગને જમીન પર ચિપકાવી દેવાની ભરચક કોશિશ કરી. રુદ્રની ગજબની તાકાત આગળ એ અશ્વની ગતિ અટકી ગઈ અને ખાઈથી પાંચેક ડગલાં પહેલાં જ રુદ્ર એ તોફાને ચડેલાં અશ્વને અટકાવવામાં સફળ થયો.
અશ્વને થોભી જતાં જ મેઘનાને હાશ થઈ અને એ અશ્વ પરથી નીચે ઉતરી.
"હવે ડરવાની કોઈ જરૂર નથી રાજકુમારી." ભયથી ધ્રૂજતી મેઘનાને જોઈ રુદ્રએ કહ્યું.
"પણ, આ અશ્વ અચાનક આટલો તોફાની કેમ બની ગયો?" મેઘના માટે એ અશ્વનો બદલાયેલો વ્યવહાર સમજ બહારની વસ્તુ હતી.
"એનું કારણ છે આ!" રુદ્રએ અશ્વની લગામ નીચેથી એક તાંબાની ખિલ્લી નિકાળતાં કહ્યું. "આ ખિલ્લી ચહેરાની અંદર ખૂંચતા જ આ અશ્વ આક્રમક બન્યો હતો, મેં એનાં ચહેરા પર આવેલાં દર્દનાં ભાવ જોઈને જ તમને એની લગામ છોડી દેવા જણાવ્યું હતું.
"પણ અહીં ખિલ્લી કઈ રીતે?" અશ્વના રક્તથી ખરડાયેલી ખિલ્લીને ધ્યાનથી જોઈ મેઘના આશ્ચર્ય સાથે બોલી.
"આ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે."
"શું કહ્યું? તમારાં કહેવાનો અર્થ એ છે કે કોઈએ મારો જીવ લેવા જાણીજોઈને આ ખિલ્લી અશ્વની લગામ નીચે ઘુસેડી રાખી હતી!" મેઘનાનાં અવાજમાં અચરજ અને ડર બંનેનું મિશ્રણ હતું.
"તમારો નહીં મારો જીવ લેવાની કોશિશ કરવામાં આવી છે. આપણે જ્યારે મહેલથી નીકળ્યાં ત્યારે આ અશ્વ પર હું સવાર હતો તમે નહીં!" રુદ્રનું મગજ ચિત્તાની ગતિએ દોડવા લાગ્યું હતું.
"એક અંગરક્ષકની હત્યા કરીને કોઈને શું ફાયદો થવાનો હતો? તમારી અહીંયા કોઈની સાથે શત્રુતા ખરી?" મેઘનાનાં અવાજમાં રુદ્ર તરફનો એનો પ્રેમ ચિંતા બની ડોકાતો હતો.
"મારી હત્યા કરીને કોને શું મળવાનું હતું એની તો ખબર નથી પણ કોઈ મને કારણ વગર એનો શત્રુ બનાવી રહ્યો છે એ નક્કી છે." મેદાનની દૂર રત્નનગરીનાં રસ્તે એક ટેકરીની જોડે ઉભેલાં અશ્વસવારને જોઈ રુદ્ર દાંત ભીંસીને બોલ્યો.
રુદ્ર પોતાને જોઈ ગયો છે એવો અંદાજો આવતાં એ અશ્વસવારે પોતાનાં અશ્વની લગામ ખેંચી અને અશ્વને રત્નનગરી તરફ દોડાવી મૂક્યો. પોતાનાં આ અજાણ્યાં શત્રુનો ચહેરો જાણવો જરૂરી હતો એવું માનતા રુદ્રએ એ અશ્વસવારનો પીછો કરવાનું મન બનાવી મેઘનાને કહ્યું.
"મેઘના, ચલો પાછા રાજમહેલ જઈએ."
"પણ કેમ?"
રુદ્ર મેઘનાનાં આ પ્રશ્નનો જવાબ આપે એ પહેલાં તો રુદ્ર અને મેઘના જ્યાં ઉભાં હતાં એ ભેખડ અચાનક ધસી પડી. રુદ્ર પોતે યોગ્ય સમયે ભેખડ પરથી કૂદી શકે એમ હતો પણ મેઘનાનાં લીધે તે આવું કરી ના શક્યો. ભેખડ ઘસીને નદીમાં જઈ પડે એ પહેલાં સમયસૂચકતા વાપરી રુદ્રએ મેઘનાનો હાથ મજબૂતાઈથી પકડી લીધો.
ક્ષણમાં શું બની ગયું એ વિચારવામાં અસમર્થ મેઘના રુદ્રનો હાથ પકડીને મનોમન પોતાનાં અને રુદ્રની સુરક્ષા માટે પોતાનાં ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગી. મેઘનાની પ્રાર્થના ભગવાન જોડે પહોંચે એ પહેલાં એ ભેખડ તૂટીને નદીનાં ધસમસતા પ્રવાહમાં જઈ પડી. જે ગતિમાં નદીનો પ્રવાહ આગળ ધપી રહ્યો હતો એ સંજોગોમાં પોતાની ઈચ્છિત દિશામાં તરવું અશક્ય હતું.
હવે જે થવું હોય એ થઈને જ રહેશે એ વિચારી રુદ્ર અને મેઘનાએ એકબીજાને કસકસાવીને આલિંગનમાં લઈ લીધાં. ખબર નહીં કુદરત અને નિયતીએ એ બંનેનાં ભવિષ્યમાં શું લખ્યું હતું?
**********
રુદ્ર પોતાને જોઈ ગયો છે એ જાણતો ઘોડેસવાર પોતાનાં ઘોડાને પુરપાટ વેગે રત્નનગરી તરફ દોડાવે જતો હતો. રુદ્ર એનો પીછો કરી રહ્યો હોવાની ગણતરી સાથે એ વ્યક્તિ ઘોડાને રત્નનગરીની સરહદમાં લઈ આવ્યો હતો. રુદ્રનો ડર ગણો કે અન્ય કોઈ કારણ એ વ્યક્તિએ પોતાની ગરદન ઘુમાવી પાછળ જોવાનો પણ પ્રયત્નસુધ્ધાં નહોતો કર્યો.
એ વ્યક્તિ અશ્વને દોડાવીને સીધો જ રાજમહેલ સુધી લઈ આવ્યો. એને રત્નનગરીનાં સૈન્યનો પોશાક પહેર્યો હતો. પોતાનાં અશ્વને અશ્વશાળામાં બાંધી એ અશ્વરોહક સીધો જ સરસેનાપતિ અકીલાનાં કક્ષ તરફ અગ્રેસર થયો.
એ સૈનિકનું નામ દુષ્યંત હતું જે રુદ્ર અને મેઘનાની પાછળ-પાછળ મેદાન સુધી ગયો હતો. એને ત્યાં આવેલો જોઈ અકીલાએ કક્ષમાં હાજર અન્ય લોકોને બહાર જવાનો આદેશ આપી એને સવાલ કરતાં કહ્યું.
"આવ, દુષ્યંત. બોલ શું સમાચાર લઈને આવ્યો છે?"
"મહારાજ, વીરા બચી ગયો!"
"પણ એવું કઈ રીતે બન્યું. એનાં અશ્વની લગામ નીચે તે ખિલ્લી બરાબર નહોતી ભરાવી?"
"તમારાં કહ્યાં મુજબ જ મેં બધું કાર્ય કર્યું હતું પણ મેદાનમાં જઈને એ અશ્વ પર વીરાની જગ્યાએ રાજકુમારીજી બેસી ગયાં."
"શું કહ્યું રાજકુમારી એ અશ્વ પર બેઠાં. હે ભગવાન, રાજકુમારી સહી સલામત તો છે ને?" અકીલાનો અવાજ હવે લથડાઈ ચૂક્યો હતો. રાજકુમારીને કાંઈ થઈ ગયું તો એ અગ્નિરાજને શું જવાબ આપશે એ વિચારી એ ધ્રુજી ઉઠ્યો.
"સેનાપતિજી, ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી. રાજકુમારી સહીસલામત છે અને એ પણ વીરાનાં લીધે!" આટલું કહી દુષ્યંતે ત્યાં જે કંઈપણ ઘટિત થયું હતું એ બધું જ અકીલાને જણાવી દીધું. એની વાત સાંભળી અકીલાને જીવમાં જીવ આવ્યો.
"પણ સેનાપતિજી..!" આટલું કહી દુષ્યંત અટકી ગયો.
"પણ શું, બોલ!"
"રુદ્ર શક્યવત મને જોઈ ગયો અને એ મારી પાછળ આવતો હશે એવું મને લાગે છે."
"શું કહ્યું રુદ્ર તારો પીછો કરે છે તો પણ તું અહીં આવ્યો સાલા મૂર્ખા." અકીલા ક્રોધથી રાતોચોળ થઈ ગયો હતો.
"મને માફ કરો. મને એમ કે તમને સાચી માહિતી આપવી જરૂરી હતી એટલે હું સીધો અહીં આવ્યો." બે હાથ જોડી આજીજીનાં સુરમાં દુષ્યંત બોલ્યો.
"સારું, તું અત્યારે જ રત્નનગરી છોડીને એક મહિના માટે અન્ય જગ્યાએ ચાલ્યો જા. લે આ સોનામહોર તારે કામ આવશે." પોતાનાં કમરબંધ પર લટકટી ચામડાની પોટલી દુષ્યંતને આપતાં અકીલા બોલ્યો.
"ધન્યવાદ સેનાપતિજી." અકીલા જોડેથી સોનામહોરો લઈને દુષ્યંત ત્યાંથી ચાલતો થયો.
દુષ્યંતનાં જતાં જ અકીલાએ જોરથી પોતાનાં જમણાં હાથની મુઠ્ઠી વાળી પોતાનાં ડાબા હાથની ખુલ્લી હથેળી પર જોરથી મારી. રઘવાટ અને આક્રોશમાં અકીલા મનોમન બોલ્યો.
"વીરા, આજ નહીં તો કાલ હું તારું કામ તમામ કરીને જ રહીશ. મને રાજ્યવહીવટની જવાબદારી સોંપી તે કોઈ ઉપકાર નથી કર્યો. આ પદ માટે હું જવાબદાર હતો એટલે આ પદ મને મળ્યું છે."
*********
એક તરફ જ્યાં સેનાપતિ અકીલા રુદ્રની હત્યા કરવાની કોશિશમાં હતો ત્યાં બીજી તરફ એ વ્યક્તિ જે રુદ્ર અને મેઘના વચ્ચેની નજદીકી પર સતત ધ્યાન રાખી રહ્યો હતો એ એક શ્વેત રંગના કાપડનાં ટુકડા પર કંઈક સંદેશ લખી રહ્યો હતો. આ સંદેશો મેઘના અને રુદ્ર વચ્ચેની વધી રહેલી નિકટતાને મધ્ય સ્થાને રાખીને લખાયો હતો.
એકવાર સંદેશો લખી દીધાં બાદ એ વ્યક્તિએ પુનઃ એ સંદેશો બરોબર વાંચી લીધો. પોતે જે ઈચ્છતો હતો એ મુજબનું જ લખાણ લખાયું હતું એની પૂરેપૂરી ખાતરી કરી લીધાં બાદ એને એ કાપડનાં ટુકડાની ગળી બનાવી એની ઉપર રેશમનો દોરો વીંટી દીધો. આ રેશમની દોરીને પોતાની જોડે મોજુદ પિંજરામાં કેદ કબૂતરનાં પગમાં બાંધી એને કબૂતરને મુક્ત કરી દીધું.
પોતાને એ સંદેશો ક્યાં લઈને જવાનો હતો એ સમજતું હોય એમ એ શાંત પક્ષી પોતાની પાંખો ફફડાવી ઉડી પડ્યું. પોતાને સોંપવામાં આવેલું કામ પોતે યોગ્ય રીતે કર્યું હતું એ વાતની ખુશી એ વ્યક્તિનાં ચહેરા પર સાફ-સાફ જણાતી હતી.
"રાજકુમારી અને અંગરક્ષક નદીમાં ડૂબી ગયાં!" રાજમહેલની પાછળની તરફ ઊભેલાં એ વ્યક્તિએ જેવો જ આ કોલાહલ સાંભળ્યો એટલે એ તાત્કાલિક રાજમહેલની આગળની તરફ ભાગ્યો. અકીલા પણ આ કોલાહલ સાંભળી અવાજની દિશામાં અગ્રેસર થયો.
"શું થયું?" રાજમહેલની આગળનાં ખુલ્લાં ભાગમાં મોજુદ એક સૈનિકને ઉદ્દેશીને અકીલાએ સત્તાવાહી સુરમાં પૂછ્યું.
"રાજકુમારી મેઘના અને એમનાં અંગરક્ષક વીરાનાં અશ્વ મેદાનની જોડે, નદીની ખાઈની લગોલગ ઉભાં છે પણ રાજકુમારીજી કે અંગરક્ષક વીરાની કોઈ ભાળ નથી. અશ્વ ઊભાં છે ત્યાં નજીક એક ભેખડ ધસી ગઈ હોવાનાં તાજા ચિહ્નો છે જે દર્શાવે છે કે શક્યવત એ બંને નદીમાં..!"
એ વ્યક્તિ પોતાની વાત પૂરી કરે એ પહેલાં અકીલા જોરથી તાડુક્યો.
"એક સૈનિક ટુકડી અત્યારે જ મારી પાછળ ઘટનાસ્થળે આવે."
*****
વધુ આવતાં ભાગમાં
રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલો વ્યક્તિ આખરે કોણ હતો? રુદ્ર મેઘનાનો જીવ બચાવી શકશે?નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)