એ જિંદગી, ફિર ગલે લગાલે
***************
હમણાં જ ડો. જગદીપ નાણાવટી ની કવિતા 'ખુલશે કે નહીં તાળું' વાંચી.
કેન્દ્ર સરકારને આદર સહ પ્રણામ કે ખરે વખતે લોકડાઉન કરી જે કેઇસો મહત્તમ કરોડમાં પહોંચી શક્યા હોત તે એક્ટિવ 52 હજારે અઢી મહિના પછી પહોંચ્યા.
પણ એ માટે જીવન ઘરની ચાર દીવાલોમાં કાયમ માટે કેદ, ન કોઈ રીપેરર મળે, ન દૂધ સિવાય જરૂરની વસ્તુ. ચપ્પલ તૂટે તો સાંધવા મોચી પણ નહીં. પગલું સાચું હતું પણ એકાદ વીક શાક પણ નહીં.
ન વૃદ્ધો ડરના માર્યા પગ છૂટો કરવા અર્ધો કલાક ઘર નજીક ચાલી શકે ન બેંકમાં 3 મહિનાથી ચડેલ કામ થાય. ન ફાટેલું કપડું સીવાય કે નવા કપડાં, ચપ્પલ જેવી ચીજ માટે દૂકાન ખુલે. લગભગ જેલવાસ જેવું. કદાચ જેલમાં પણ અન્ય કેદીઓ સાથે વાતચીત ને સાથે કામ થતાં હશે.
એટલે યોગ્ય પ્રીકોશન્સ સાથે જિંદગી શરૂ કરવી પડશે, સરકારે કરાવવી પડશે.
નહીતો મને ડર છે કે જેમ કેટલાક દરેક ઉંમરના ડેરિંગ વાળા અને યુવાનો પોલીસથી ચોરી છુપી થી ઘર આસપાસ દોઢેક કી.મી. માં જઇ આવે છે તેમ બધા જ નીકળી પડશે.
ચોરી છુપીથી નહીં કહું પણ છાને ખૂણે કોઈએ ગાંઠિયા અને ફરસાણ પણ બનાવ્યું, પ્રચાર કર્યો અને વહેંચ્યું.
આજે હું કદાચ 26 માર્ચ પછી પહેલી વાર ઘર પાસેના ચાર રસ્તે મેઈન રોડ પર ગયો. સવારે 9 વાગ્યે. બોપલ ઉમિયા માતા પાસેના ચાર રસ્તા. જિંદગી સામાન્ય ની જેમ જતી જોઈ ખુશ થયો. બે મહિને માસ્ક સાથે તો એમ, બહારની હવા લેવા મળી. શ્રીમતી અને દૂર બેઠેલા પુત્રને ટીવી અને વોટ્સએપ સાંભળી એટલો તો ડર પેસી ગયો છે કે વગર આરોગ્યસેતુએ મારૂં પાંચ મિનિટે મોનીટરીંગ થતું. હું 3 કે 4વાર મારી શેરીમાં દૂધ લેવા કે ઓચિંતો શાક ગ્રોસરી બંધ કરવાનો હુકમ થયો ત્યારે બટાકા કાંદા લેવા લાંબી લાઈનમાં અવ્યવસ્થા વચ્ચે ઉભેલો એ સિવાય બહાર નીકળ્યો ન હતો. ઘણાની એ સ્થિતિ હશે. ન નીકળવું જરૂરી હતું અને કામ સિવાય ન નીકળવું છે પણ બહારની ખુલ્લી હવા મળતાં આત્માને જે આનંદ થયો એ વર્ણવી શકાય તેમ નથી.
આ બહાર નીકળ્યા નથી ને આ જેલમાં ખોસ્યા કે દંડા માર્યા નથી તેવી ઘરમાં સહુને બીક હતી પણ તેવું હતું નહીં. પોલીસ કોઈ ગમે તે વેચવા રસ્તે બેસી જાય કે ન ખોલવાની દુકાન ખોલે એનું જ મોનીટરીંગ કરતી હતી અને એ સારી રીતે.
આજે હું વાહનોની પૂરતી આવજા સાથે પોણો કિલોમીટર કબીર એનકલેવ સુધી ગયો. એટીએમ ખુલ્લાં હતાં, લોકો પાસબુકો ભરતા ને પૈસા ઉપાડતા હતા, દૂધ ઉપરાંત સોશિઅલ ડિસ્ટન્સ સાથે કરિયાણું, હળદર મરચાં જેવા મસાલા વેંચાતા હતા, લાઈનમાં ફ્રૂટ અને પ્લાસ્ટિકમાં પેક શાક વેચાતું હતું. એક જગ્યાએ ચવાણું શીંગ જેવા નાસ્તા વેંચતુ કાઉન્ટર હતું. પરમેશ્વર ની બહાર અમૂલના બુથ પર શ્રીખંડ વેચાતો હતો. કોઈ પંચરની અને એક માટલાની દુકાન ખુલ્લી હતી.
આગળ નોર્થ સાઉથ બોપલને જોડતો રસ્તો ચાલુ હતો પણ બેંક ઓફ બરોડા મુકો એટલે પોલીસની કોર્ડન હતી. આગળ કન્ટેનમેન્ટ ઝોન છે તેથી. ત્યાં અમુક દુકાનોમાં કોઈને લેવું હોય તો ઉમિયા મંદિર નજીક સ્કૂટર કે કાર પાર્ક કરી ચાલીને લેવા જવા દેતા હતા. અંદર પણ પોલીસ ઉભા હતા. કદાચ કોઈને પેટ્રોલ ભરવા જવાની ના પાડી.
વાતો સાંભળી ઘરમાં જે બીક હતી તેમ ન કોઈને પોલીસ પકડીને મારતી હતી કે ન કોરોના જે જુએ તેને કોલર પકડીને માસ્ક હટાવીને નાકમાં ઘુસી હુમલો કરતો હતો.
મને સ્કૂલમાં ભણેલ pippa's song ની પંક્તિ યાદ આવી- God is in his heaven, everything is right with the world.
હવે પોતાના રાજ્યમાં ચાલ્યા ગયેલા, અત્રે આપણા ગુજરાતે દુ:ખી કરેલા કહેવાતા ની જગ્યાએ આપણો શ્રમિક વર્ગ કામે ચડે અને સારું કમાય એ શુભેચ્છા.
ફસાયેલા લોકો ગમે તે રાજ્યમાં હોય પોતાના nears and dears ones ને ભેગા થાય એ પણ ઈશ્વરને પ્રાર્થના. બધા ભૂખ્યા બેકાર શ્રમિકો નથી, સ્હેજમાં ફસાઈ ગયેલા સારા નાગરિકો છે.
તેમને માટે રાજ્યોએ અંદર અંદરનું રાજકારણ છોડી જો એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવું હોય તો રેલવે, હવાઈ સેવા શરૂ કરવી પડશે.
અંતમાં, એ કોરોના, ગલા છોડ દે. એ જિંદગી ગલે લગાલે.
-સુનિલ અંજારીયા