ડૉ. શર્મા એ બટન દબાવી અને એક કેમિકલ ચેમ્બરમાં રાખેલા બીજા બધા પ્રવાહી ના મિશ્રણ સાથે એ મિશ્રણ ભળ્યું અને એનો રંગ બદલાવા લાગ્યો. લીલાં રંગ નું પ્રવાહી પહેલાં ધીરે ધીરે લાલ અને પછી વાદળી રંગ નું થયું.
ડૉ. શર્મા સાથે બીજા બધા વૈજ્ઞાનિકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે એ કરી દેખાડ્યું જે વિદેશના બીજા વૈજ્ઞાનિકો એટલા વર્ષો માં પણ ન કરી શક્યા.
આ એ જ પ્રવાહી હતું જેની ખોજ માનવજાત વર્ષો થી...ના ના સદીઓ થી કરી રહ્યો હતો. હા, આ અમૃત હતું.
ડૉ શર્મા અને એમની ટીમને પણ ઘણા પ્રયત્નો પછી આ સફળતા હાસિલ થઈ હતી. પહેલાં પહેલાં ઘણીવાર નિષ્ફળતા મળી. બસ આ પ્રોજેક્ટ પડતો જ મૂકવાના હતા. કેમ કે ભલે કહેવા માટે પણ હતી તો બસ એક થિયરી જ ને. જુદા જુદા ધર્મ માં જુદી જુદી રીતે આલેખાયેલી એક વાર્તા કે એક પ્રવાહી જેને પીવાથી માણસ અમર થાય.
જ્યારે હારીને આ પ્રોજેક્ટ મૂકવાના હતા ત્યારે જ બસ એમના હાથમાં એક રહસ્યમય પુસ્તક આવ્યું. પૌરાણિક પુસ્તક હતું એ. જે હિમાલય પ્રદેશમાં ચાલતાં એક પુરાતત્ત્વ ખોજ દરમિયાન જમીનની અંદર થી મળી આવ્યું હતું. ડૉ શર્મા ના એક ખાસ મિત્ર આ ક્ષેત્માં હતા. અને એમને ડૉ શર્મા ના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નો ખ્યાલ હતો કે એ કેટલું મહત્વ નું છે એમની માટે. એટલે એમણે આ પુસ્તક દુનિયાની સામે લાવતા પહેલાં ડૉ શર્મા ને આપ્યું.
એ પુસ્તક ગૂઢ રહસ્યો થી ભરપુર હતું. એમાં હિંદુ ગ્રંથો પ્રમાણે અત્યાર સુધી અમર થઈ ચૂકેલા એ સાત પાત્રો અને યોદ્ધાઓના નામ હતા. એમના શરીર ની રચના અને એ કેમ અમર થયા એના વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક જણાવ્યું હતું. સાથે જ અમૃત કેવી રીતે બનાવવું એની આખી પ્રક્રિયા હતી.
અને એ પુસ્તક પ્રમાણે એમણે બનાવવાની શરૂઆત કરી. હમણાં જ્યાં અટકતાં હતા એ સમસ્યા ચપટી માં હલ થઈ ગઇ.
બસ પછી શું?
હવે ડૉ. શર્મા બહુ ઝડપથી એમના પ્રોજેક્ટ માં આગળ વધી રહ્યાં હતાં. એમણે એક નવી સ્પેશિયલ લેબ તૈયાર કરાવી. ફક્ત આ પ્રોજેક્ટ માટે થઈને. અને એની માટે એમણે એમની અત્યાર સુધીની બધી જ બચત આમાં નાંખી દીધી. ડૉ શર્માની જીંદગી હતી આ પ્રોજેક્ટ. એ જ્યારે જોતાં આ પ્રોજેક્ટ અને એના સાધનો ને તો એવું લાગતું જાણે એક માં એના બાળક ને જોતી હોય, એક દોડવીર સ્પર્ધા ની છેલ્લી વિજય રેખા જોતો હોય એ હદે પ્રેમ કરતા આ પ્રોજેક્ટને.
ખાસ તાપમાન થી લઈને શૂન્યાવકાશ સુધીનું બધું જ અહીંયા શક્ય હતું. એમની ટીમમાં આખા ભારતના બધા જ બુદ્ધિશાળી અને નામચિહન વૈજ્ઞાનિકો હતા.
હવે પ્રોજેક્ટ બસ એના છેલ્લાં પડાવમાં હતો. જેની માટે ૨ અલગ અલગ ગુણધર્મો ધરાવતાં પ્રવાહીનું મિશ્રણ કરવાનું હતું પણ એની માટેનું તાપમાન સૂર્ય ની સપાટી પર હોય એટલું જોઈતું હતું.
એમની આ સ્પેશિયલ લેબ એની માટે તૈયાર હતી પણ આ તાપમાન લાવવું પણ કંઈ બાળકોનો ખેલ નહોતો. ઘણી કાળજી માંગી લે અને એ તાપમાન આવતાં જ કેટલાંક દિવસો લાગે. ત્યાં સુધી એ તાપમાનને સહન કરવાની તાકાત બાકીનાં બધા યંત્રો અને પદાર્થોમાં હોવી જોઈતી હતી.
ઘણાં ને બીક હતી કે એક નાની એવી ભૂલ ઘણું નુકશાન કરાવશે. માલનું પણ અને કદાચ જાનનું પણ.
જે પદાર્થો આ તાપમાનમાં રહી ન શકે એવા હતા એમને અલગ કરી દેવામાં આવ્યા અને થોડા દૂર રાખવામાં આવ્યા એ જગ્યાથી કે જ્યાં આ તાપમાન જાળવવાનું હતું.
મિશ્રણ શરૂ થયું. ઉપર જણાવ્યું તેમ રંગો બદલ્યાં. પણ આ શું? તાપમાન નું મીટર ખૂબ જ ગતિથી વધી રહ્યું હતું. તાપમાન જે જાળવવાનું હતું એના કરતાં વધવા માંડ્યું હતું. બધાંના ધબકારા વધવા માંડ્યા.
પણ કેમ? જાતજાતના કુલન્ટ વાપર્યા તો હતા. પાણી સૌથી અસરકારક હોય છે તાપમાન ઘટાડવા માટે. એનો પણ ગોળાકાર પાઇપમાં પરિભ્રમણ ચાલુ જ હતું. તો પછી આ શું થઈ રહ્યું હતું?
તાપમાન હવે એની સીમિત મર્યાદા કરતાં આગળ વધી રહ્યું હતું. અલગ અલગ સાયરન અને એલર્ટ ટોન એમના અવાજથી હવે વાતાવરણ વધારે ભયાનક બનાવી રહ્યા હતા.
તાપમાન ઘટાડવા માટે રાખેલા એક યંત્ર એ જોર થી બાષ્પ છોડી અને એ દબાણ સાથે છૂટેલા વાયુએ એક જબરદસ્ત અવાજ કર્યો અને સામે રહેલો એક કાચ તોડી નાખ્યો.
બધા જ લોકો હવે ડરી ગયા અને બને એટલું જલ્દી એ લેબોરેટરીમાંથી બહાર નીકળવા મથતાં હતાં અને એમાં ને એમાં અફડાતફડી નો માહોલ સર્જાઈ ગયો હતો.
આમતેમ દોડવામાં કેટલાય પડ્યા અને કેટલાય ને વાગ્યું. ઘણા એ કાચ તોડી નાખ્યાં અને દરવાજા પછાડ્યા. પણ ડૉ શર્મા ત્યાંથી હલ્યા નહીં. અને એમની જોડે જ એમના આ પ્રોજેક્ટ પર વર્ષો થી કામ કરતી નૈના પણ ન ગઈ.
સાયરનના અવાજ શરૂ થતાં એ પણ ડરી ગઈ હતી. અને બહાર નીકળવા ભાગવા માંડી હતી. પણ એણે જોયું કે ડૉ. શર્મા ત્યાં જ ઉભા છે અને હલી પણ નથી રહ્યાં. એટલે એ એમની માટે થઈને પાછી ફરી.
એણે ડૉ. શર્માનો હાથ પકડ્યો ને કહ્યું:" જલ્દી ચલો નિસર્ગ. અહીંયા રહેવું હવે જીવ લઈ શકે તેમ છે."
હા, નૈના ડૉ શર્માને પ્રેમ કરતી. અને બહુ જ પ્રેમ કરતી. બંને એ જોડે આ ક્ષેત્ર માં પગરવ માંડ્યા હતા. બસ ત્યારથી જ એને નિસર્ગ શર્મા ગમતો.અને એ લાગણી પછી પ્રેમમાં પરિણમી. એણે સામે ચાલીને ડૉ શર્મા સામે એના દિલ ની વાત કહી હતી.
પણ નિસર્ગને હમણાં બસ એની કારકિર્દી બનાવવામાં રસ હતો.
એણે પ્રેમથી નૈનાને કહી દીધું :" નૈના, હમણા હું બસ કંઇક કરી દેખાડવા ઇચ્છું છું. હમણાં નહિ થાય મારાથી આ. કંઇક બની જવા દે મને. પછી જ. જો ત્યાં સુધી રાહ જોઈ શકતી હોય તો...જો...નહિ તો....."
અને નૈનાએ આ વાત નો સહર્ષ સ્વીકાર કર્યો. અને એટલું જ નહીં એની આસિસ્ટન્ટ બનીને હમેશા એની જોડે રહી.
ડૉ શર્મા ના દિલમાં એ ત્યારે જ વસી ગઈ હતી જ્યારે નૈના એ હંમેશા એમની જોડે આસિસ્ટન્ટ બનીને રહેવાની વાત કરી.
"આટલું તો કોણ કરી શકે? જે સાચે જ પ્રેમ કરતું હોય એ જ ને?" ડૉ શર્મા ના મન માં આ વિચાર આવ્યો અને બસ ત્યારથી એ પણ પ્રેમમાં રંગાવા લાગ્યાં.
એકબીજાને કશું કહ્યું ન્હોતું પણ એમના વર્તનમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આદર દેખાઈ આવતો.
"હવે અહીંયા ઉભા રહવાનો મતલબ નથી, નિસર્ગ. ચાલ હવે." નૈના એ ફરીથી એમને પકડીને ખેંચ્યા ને કીધુ. પણ ડૉ શર્મા ન હલ્યા. એમની આંખોમાં પાણી હતું.
"નિસર્ગ, હવે પણ નઈ આવે તો જીવ જશે. અને આ પ્રોજેક્ટ તું ફરીથી પણ કરી શકે છે. પણ ત્યારે જ જો જીવતો રહીશ તો....."
નૈનાના આ શબ્દો સાંભળીને ડૉ શર્મા ચમક્યા. એમને થોડો હોશ આવ્યો. નૈનાની વાત સાચી હતી. જો જીવતા જ નહિ રહે તો ક્યાંથી કશું કરી શકશે?
"પણ આટલા પૈસા હવે કોણ લગાવશે? આ ફરીથી કેમ થઈ શકશે? મારું બધું જ મે આમાં નાંખી દીધું છે." ડૉ શર્મા અંદરથી તુટી ચૂક્યા હતા એમનો પ્રોજેક્ટ આમ તૂટતાં જોઈને.
" તું ચિંતા ન કર. થઈ જશે. હમણાં અહીંયાથી બહાર નીકળ." નૈના ફરી બોલી.
ડૉ શર્મા હવે એની જોડે બહાર નીકળવા તૈયાર હતા. પણ કદાચ મોડું થઈ ચૂક્યું હતું. ઘણું બધું તુટી ચૂક્યું હતું.અને એક બાજુ આગ પણ લાગી ચૂકી હતી. સાયરન અને એલર્ટ ટોન વધારે ને વધારે વાગી રહ્યાં હતાં.
બંને એકબીજાનો હાથ પકડીને દોડવા માંડ્યા. બને એટલી જલ્દી નિકાસ તરફ આગળ વધ્યા. બંને જણ હેમખેમ નિકાસ સુધી આવી ગયા. રાહતનો શ્વાસ લીધો. આગશમનની એક ટુકડી નીચે આવી ચૂકી હતી અને એમને સીડીઓ લગાવી દીધી હતી કે જેનાથી બધા નીચે ઉતરી રહ્યાં હતાં. હવે બસ ડૉ શર્મા અને નૈનાની રાહ જોવાઇ રહી હતી.
ડૉ શર્મા એ નૈનાને આગળ કરી અને એને પહેલાં ઉતરવા કહ્યું. નૈના નીચે ઉતરવા ગઈ એટલાં માં ડૉ શર્માને યાદ આવ્યું કે એ પૌરાણિક પુસ્તક તો હજી અંદર જ છે.
"હું આવું નૈના. તું ઉતરી જા." ડૉ શર્મા એમ કહીને અંદર જવા લાગ્યા.
"શું થયું? કેમ અંદર જવું છે?" નૈના ડરી ને બોલવા લાગી. એના અવાજમાં ડર હતો.
"પેલું પુસ્તક લઈને આવ્યો બસ." ડૉ શર્મા ને આશા હતી કે જો એ પુસ્તક જોડે હશે તો ફરીથી બધું થઈ શકશે.
નૈના ધીરે ધીરે નીચે ઉતરી ગઈ. કેમ કે વચ્ચે ઉભુ રહી શકાય એમ નહોતું. એ જેમ છેલ્લાં ૩-૪ પગથિયાં પર પહોંચી એક જોરદાર ધડાકો થયો. આગના ગોળા બહાર સુધી આવ્યા. એનો અવાજ કાન ફાડી નાખે એવો હતો. ધડાકાની તીવ્રતા એટલી હતી કે નૈના ઉછળીને એક બાજુ પડી. પણ વધારે ઉંચાઈ પર ન્હોતી એટલે બચી ગઈ. પણ બેહોશ થઈ ગઈ. ડૉ શર્મા ઉપર છે અને એ એમનું શું એ વિચારથી કદાચ એને વધારે ઝટકો લાગ્યો.
બધાની આંખો ફાટી ગઈ. ડૉ શર્માનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નાશ પામ્યો. અને કદાચ ડૉ શર્મા પણ.
તરત આગ ઓલવવાનું કાર્ય ઝડપ થી શરૂ થઈ ગયું. અને ડૉ શર્માની શોધખોળ પણ.
ઘણીવારની શોધખોળ પછી એ મળી આવ્યા. એક મશીન નીચે દબાયેલા. એમની હાલત ખરાબ હતી. આગ થી પણ દાઝ્યા હતા અને મશીન નીચે દબાવવાથી હાડકાનો કચ્ચરઘાણ.
એમને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જાતજાતની સર્જરી શરૂ થઈ. બની શકે એટલો પ્રયાસ શરૂ થયો એમને બચાવવાનો.
નૈનાને હોશ આવ્યો અને એ ' નિસર્ગ ' ની બુમ સાથે એકદમથી બેઠી થઈ ગઈ. એના ચહેરા પર ડર હતો નિસર્ગ ને ખોઈ દેવાનો. એને જણાવવામાં આવ્યું કે ડૉ શર્મા મળી ગયા છે અને એમના પર સર્જરી ચાલુ છે. એના બેભાન થયા પછી શું થયું એ બધું જ એને જાણ કરવામાં આવી.
એ તરત જ ઓપરેશન થિયેટર બાજુ દોડી. પણ અંદર જઈ શકાય એમ નહોતું. એ ત્યાં જ ફસડાઈ પડી અને રડવા માંડી. બીજા બધા લોકોએ એને સંભાળી અને એક એકબાજુ લઈ ગયા.
ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. ડોક્ટર ની ટીમ બહાર આવી. નૈના દોડીને એમને પૂછવા લાગી એના નિસર્ગ વિશે.
"ડૉ શર્મા ને બચાવી લેવામાં આવ્યા છે, પણ એ કોમામાં છે. ક્યારે ઉઠશે એના વિશે હાલ કશું નહિ કહી શકાય. " કહીને ડોક્ટર જતાં રહ્યા.
ડૉ શર્મા બસ કહેવા માટે જીવતા હતા. ઘણી ખરી ચામડી બળી ગઈ હતી. કરોડરજ્જુ ભાંગી ચૂકી હતી. પગ ના સાથળ નું મોટું હાડકું તૂટ્યું હતું અને તેવી જ રીતે હાથ પણ. નાની મોટી ઘણી ખરી ઈજાઓ હતી અને નાના ફ્રેકચર પણ. ડૉ શર્માના સાજા અને ઊભા થવાના કોઈ અણસાર નહોતા.
સ્પેશ્યલ ટીમ અમેરિકા અને યુરોપથી બોલાવવામાં આવી. એમને બધું જોયું અને તપાસ્યું. બધા જ રિપોર્ટ જોયા અને છેલ્લે બસ એક જ વાત પર અટક્યા કે ડૉ શર્માના ચાલવા અને સાજા થવાની કોઈ શક્યતા નથી.
નૈના અને બધા જ વૈજ્ઞાનિકો સાથે એમનું પરિવાર બધા જ તુટી ચૂક્યા. નૈના સૂનમૂન થઈ ગઈ.
ભારતના બધાં ડોક્ટર એ એમની જોડે વાત કરી અને સમજાવવનો પ્રયાસ કર્યો કે ડૉ શર્મા એ ભારત માટે ખૂબ જ કિંમતી વ્યક્તિ છે. એમની માટે એમને બચાવવા બહુ જ જરૂરી છે.
ઘણી બધી વાતચીત અને સલાહ પછી અમેરિકાના ડોક્ટરએ કહ્યું:" એક ઉપાય છે. પણ એમાં જીવનો જોખમ છે. આજ સુધી માનવ પર એનો પ્રયોગ થયો નથી. એટલે અમને પણ ખબર નથી કે શું થઈ શકે. બસ પ્રાણીઓ પર પ્રયોગ થયેલા છે અને એ સફળ થયાં છે. જો ડૉ શર્માનું શરીર એ સ્વીકારી લેશે તો શક્યતા છે કે એ બચી જાય અને ઉપરવાળાની મહેરબાની રહી તો ઘણું બધું કરી શકશે જે આજ સુધી નહોતા કરી શકતાં."
બધા બહાર આવ્યા અને આ વાત ડૉ શર્માના પરિવાર અને નૈના સાથે કરવામાં આવી. પહેલાં બધા ડર્યા કેમ કે જીવ પણ જઈ શકે, પણ હાલ પણ ડૉ શર્મા એમની વચ્ચે નથી એમ જ છે એટલે જો આ ઓપરેશનથી બચી શકે એવું હોય તો ઓપરેશન માટે હા કહીએ.
આ વિચાર સાથે એમણે હા કહી અને ઓપરેશન કરવા માટેના જરૂરી કાગળ પર શહી કરી.
ઓપરેશન હતું ડૉ શર્માને મશીન સાથે જોડવાનું. જેમાં એમનું અડધું શરીર મશીન નું હશે. જો ડૉ શર્માના શરીર અને મગજ અને એના જ્ઞાનતંતુએ આ મશીન વાળા શરીરને સ્વીકાર્યું તો બચી જશે અથવા ત્યારે જ મરી જશે.
ઓપરેશન શરૂ થયું. આ બાજુ ઉપરવાળાને પ્રાથનાઓ શરૂ થઈ ગઈ. બધાના જીવ અદ્ધર હતા. મીડિયા પણ આવી પહોંચ્યું હતું. આખી દુનિયામાં આ ઓપરેશન માનવ પર પ્રથમવાર થઈ રહ્યું હતું. બધાની નજર આ ઓપરેશન પર હતી.
ઓપરેશન 3 દિવસ સુધી ચાલવાનું હતું. અલગ અલગ ભાગ અલગ અલગ દિવસે લગાડવાના હતા. જેમ જેમ સફળતા મળે તેમ એ લોકો આગળ વધવાના હતા. ડૉ શર્માનું આખું શરીર વેન્ટિલેટર થી જીવતું હતું.
પહેલાં ૨ દિવસમાં હાથ પગ લાગી ચૂક્યા હતા અને ડૉ શર્માના શરીરે એમને સ્વીકાર્યા હતા. આશાનું કિરણ બધાને દેખાઈ રહ્યું હતું. છેલ્લો દિવસ હતો કરોડરજ્જુ અને એના જોડે જોડાયેલાં જ્ઞાનતંતુ ઓ જોડે જોડાવાનો. જો એમણે આ મશીનને સ્વીકાર્યું તો એક અજાયબી જન્મ લેશે.
ઓપરેશન શરૂ થયું. ૮ કલાક ચાલ્યું. દરેક ટીવી, દરેક સમાચાર પર બસ આ જ હતું. ડૉક્ટર બહાર આવ્યા.
એમના હિસાબે ઓપરેશન સફળ હતું. પણ હમણાં ખુશ થવાય એમ ન્હોતું. જ્યાં સુધી ડૉ શર્માને હોશ નથી આવતો ત્યાં સુધી કશું કહેવાય એમને ન્હોતું.
લગભગ ૨ દિવસ પછી ઓપરેશન થિયેટર માં એકદમ થી અવાજ થયો. ત્યારે કોઈ ન્હોતું ત્યાં. બધા સુસ્ત હતા. અવાજ સાંભળીને એકદમ થી દોડાદોડ થઈ.
દરવાજો ખોલીને જોયું તો ડૉ શર્મા ઉભા હતા. એકદમ ટટ્ટાર. એ હવે માત્ર એક માનવ નહોતા. એ અડધું શરીર માનવ અને અડધું શરીર મશીન હતા.
એ એક સાયબોર્ગ હતા.
નવી તાકાત અને નવી શક્તિઓ હતી એમની જોડે. એ હવે એક સાધારણ માનવ કરતા વધારે જીવી જશે. એમને સાધારણ રોગ નહીં થાય જેવા માનવને થાય છે.સાધારણ ઘા નહિ થાય અને એવું ઘણું બધું જે હજી જાણવાનું બાકી હતું જે એ કરી શકશે.
કેટલું જીવશે કોઈ ન્હોતું જાણતું. લગભગ અમર હતા.
નૈનાના પ્રેમ એ આ નવા ડૉ શર્મા ને સ્વીકારી લીધા અને જ્યારે બધા ડરતા હતા એ જઈને એમને વળગી પડી.
અને ડૉ શર્મા પૌરાણિક અમરત્વ ને શોધતા શોધતા હવે આધુનિક અમરત્વ ને પામી ચૂક્યા હતા.
અસ્તુ