બેગુનાહ
નમસ્કાર મિત્રો મારી પ્રથમ લિખિત નવલકથા પ્રસ્તુત છે આપ સૌની સમક્ષ.. આશા રાખું છું આપ સૌને આ પસંદ પડશે અને આપ તેને વધાવી લેશો.
કોર્ટરૂમમાં જજ સાહેબ આગળ ઉભેલી કાવ્યાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. કોર્ટરૂમમાં તે પોતાના પિતા સાથે ઊભી હતી તેના તેના સસરા પણ તેની સાથે જ ઉભા હતા. જજ સાહેબે કેસની સંપૂર્ણ વિગત જાણી-સમજીને તેને ગંભીરતાથી લીધી હતી.
જજે તેમને જવા માટે કહ્યું અને કાવ્યાના વકીલને અમુક ઓર્ડર આપ્યા. કોર્ટમાંથી બહાર નીકળીને તે તેની સાથે આવેલ તેના પિતા અને સસરા સાથે ગાડીમાં બેસીને પરત ફરી રહી હતી. ગાડીમાં બેઠેલ કાવ્યાની નજરો રોડ પર સડસડાટ દોડતી ગાડીની બહાર તાકી રહી હતી. તે પોતાના વિચારોમા-ભૂતકાળમાં ખોવાઈ ગઈ. કાવ્યા અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં રહેતી છોકરી, પોતાનો કોલેજ અભ્યાસ પૂરો કરી ચૂકી હતી. તેના માતા-પિતા તેના માટે સારો મુરતિયો શોધવા લાગ્યા હતા. ઘણા બધા મુરતિયાઓ જોયા પછી ઘરના બધા સભ્યો તેમજ કાવ્યાને પણ એક છોકરો ગમી ગયો. તેનું નામ હર્ષ વ્યાસ. હર્ષ એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર. કાવ્યા જેટલું જ ભણેલો, દેખાવડો અને મૃદુભાષી હતો. તેની વાક્છટામાંથી સંસ્કાર ટપકતું હતું. બંને પક્ષના પરિવારોને એકબીજાના પરિવાર, વ્યવહાર, સ્વભાવ બધુ પસંદ પડી ગયું. બધાની સંમતિથી રીતરિવાજથી કાવ્યા અને હર્ષના લગ્ન લેવાઈ ગયા. લગ્ન બાદ બંને વર-વધુ ગોવા ફરી આવ્યા. કાવ્યા પોતાની જિંદગીથી ખુશ હતી. તેના સાસરી પક્ષમાં તેના પિતા સમાન રિટાયર્ડ સસરા હતા અને પતિ હર્ષ. તેનું ઘર સંસાર ગૃહસ્થ - લગ્નસ્થ જીવન સુખેથી ચાલી રહ્યું હતું. એક દિવસ અચાનક હર્ષે ઓફિસેથી વહેલા આવીને કાવ્યાને ખુશખબર આપી કે તેનું પ્રમોશન થયું છે અને તે કંપની તેને સાઉથ આફ્રિકામાં આવેલી તેમની કંપનીમાં મોકલી રહી છે. કાવ્યા પ્રમોશનની વાતથી ખુશ થઈ ગઈ પણ પતિ પોતાને મૂકીને સાઉથ આફ્રિકા ચાલ્યો જશે તે વાતથી તે ઘણી દુઃખી થઈ ગઈ. તેના ચહેરા પરના બદલાયેલા ભાવથી હર્ષ તરત જ તેને પારખી ગયો અને પત્નીનો હાથ પકડીને બોલ્યો કે આપણે બંને - બંનેએ સાઉથ આફ્રિકા જવાનું છે. આ સાંભળી કાવ્યા તરત જ ખુશ થઇને પૂછી બેઠી, શું? સાચે જ ?? ઉત્સાહિત થઇ ઊઠેલ કાવ્યાનો જવાબ આપતા હર્ષે કહ્યું કે, હા તેની કંપનીમાં સ્પાઉસને સાથે લઈ જવાની પણ પોલિસી છે, તેથી આપણે બંને જઈ શકીશું. પણ પછી તરત જ કાવ્યાને પોતાના સસરા નો વિચાર આવ્યો અને તેણે પપ્પા ને એકલા મૂકીને કેમનું જવાય તે મૂંઝવણ વ્યક્ત કરી.. તો હર્ષે તરત જ કહ્યું કે, “તને સરપ્રાઈઝ આપતા પહેલા મેં પપ્પાને બધી વાત કરી અને તેમને કોઈ જ વાંધો નથી. તેમણે પરવાનગી આપી દીધી છે અને એમ કહ્યું કે તેઓને મમ્મીના ગયા પછી એકલા રહેવાની ટેવ પડી ગઈ છે. તમે પોતાની લાઈફમાં આગળ વધો દીકરા.!! એવો આશીર્વાદ પણ આપી દીધો.” હર્ષે ઉમેર્યું, ‘આપણે ત્યાં સેટલ થઈ જઈશું પછી પપ્પાને પણ બોલાવી લઈશું. તું ચિંતા ન કર.’
બધા જ ખુશ હતા. કાવ્યા પોતાની લાઈફમાં આવેલા આ ટર્નિંગ પોઈન્ટ થી ખૂબ જ ખુશ હતી.પોતાના પતિ સાથે સાઉથ આફ્રિકા જશે તે વિચારથી તે ફૂલી ન સમાતી હતી, પરંતુ કુદરતે આપેલ તેની લાઇફનો આ ટર્નિંગ પોઈન્ટ તેની લાઈફને ધ્વસ્ત કરી નાખશે તેવી તેને ક્યાં ખબર હતી? સાઉથ આફ્રિકા જવાની તૈયારીઓ પુરી થઇ. “કાવ્યાહર્ષ” પોતાના કુટુંબીજનોથી વિદાય લઈને અમદાવાદ એરપોર્ટ થી સાઉથ આફ્રિકા જવા નીકળી પડ્યા. બંને જણા નવી દુનિયા, નવું શહેર, નવા ઘર અને નવા સપનાઓની સાથે આફ્રિકાના કેપટાઉનમાં ઉતર્યા. એરપોર્ટ પરની બધી વિધિ પૂરી કરીને હર્ષ એની વાઈફને લઈને તેની કંપનીએ મોકલેલ ગાડીમાં બેઠો. ત્યાંના રસ્તાઓ, ઇમારતો, માણસો બધા જ નવીનતમ તેમજ અજાણ્યા હતા. તે કારમાં બેઠી બેઠી પોતાના પતિને જોઈ રહી હતી. તે ખુશ હતી પણ તેની હવે ની જિંદગીમાં આવનાર વાવાઝોડાથી તે અજાણ હતી. થોડુંક અંતર કપાયા બાદ એક વિશાળ મહેલ જેવો બંગલો દેખાવા લાગ્યો. ડ્રાઈવરે ગાડીને ઝાંપાની અંદર પ્રવેશી. મહેલ હોય તેવું તે નયનરમ્ય બંગલો વિશાળકાય હતો. ગાડીમાંથી ઉતરીને બંનેએ તેમાં પ્રવેશ કર્યો. આટલો મોટો બંગલો જોઈને કાવ્યા પોતાના પતિ ને પૂછી બેઠી : “હર્ષ આ બંગલો તમારા બોસે આપણે આપ્યો છે? એ બી રહેવા માટે? અનબિલીવેબલ..?!!”
હર્ષ હસ્યો અને જવાબમાં બસ “હા” ઉચ્ચાર્યું. ડ્રોઈંગ રૂમ તો જાણે કોઈ ફાઈવ સ્ટાર હોટલ નો હોલ. કાવ્યા આ બધું જોઈ રહી’તી અને પ્રફુલ્લિત થઈ રહી’તી.
(ક્રમશઃ)