( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કાને દરિયા કિનારે ફરવા લઈ જાય છે. અને ત્યાં એ એના દોસ્તોને પણ બોલાવી લે છે. બધાં ત્યાં ખૂબ જ એન્જોય કરે છે. અને બહું ખુશ પણ થાય છે. અને ત્યાં જ આશ્કા વિરાજના દોસ્તોને જમવાનું આમંત્રણ પણ આપે છે જેનો બધાં સહર્ષ સ્વીકાર કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)
આશ્કા વિરાજને ઉઠાડવા આવે છે. અને પોતે નાહવા જાય છે. વિરાજ પણ ઉઠીને થોડીવાર એના શરીરને આમતેમ હલાવી એની સુસ્તી ઉડાડે છે. આશ્કાના તૈયાર થતાં એ પણ નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. ત્યાં સુધીમાં આશ્કા પણ નાસ્તો રેડી કરે છે. આજે એણે ઘઉં, ચોખા, જુવાર, અને ચણાના મીક્સ લોટમાં પાલકની ભાજી નાંખી પરોઠા બનાવ્યાં હોય છે. જેની સાથે લસણની ચટણી બનાવી હોય છે. રોજની જેમ આજે પણ વિરાજ આંગળી ચાટતો રહી જાય છે.
આશ્કા : મમ્મી આજે આમના દોસ્તો આવવાનાં છે તો સાંજે જમવામાં શું બનાવીશું.
વિરાજ : મમ્મી તુ આશ્કાને કહી દે તો મને આમને , ને તમને એવું બધું કહેવાનું છોડી દે. મને એ લોકો કેટલું ચીડવે છે. એ એક નાના બાળકની જેમ ગુસ્સો કરતાં બોલે છે. એના આમ બોલતાં કાવેરીબેન પહેલાં તો ખડખડાટ હસવા લાગે છે. પછી કહે છે.
કાવેરીબેન : હા આશ્કા વિરાજની વાત તો સાચી છે. અમે એનું કેટલું સરસ નામ રાખ્યું છે તો તું એને નામથી કેમ નથી બોલાવતી.
આશ્કા : હું એમને નામથી કેવી રીતે બોલાવું. એ તો મારા પતિ પરમેશ્વર કહેવાય.
વિરાજ એનાં કપાળ પર એના હાથથી ટપલી મારે છે અને કહે છે, oh god તું કયા જમાનામાં જીવે છે. હું એક સામાન્ય માણસ છું તો મને સામાન્ય માણસ જ રહેવા દે. મને ભગવાન બનાવવાની કોઈ જરુર નથી.
કાવેરીબેન : હા બેટા, માન તો આપણાં મનમાં હોય છે. કોઈ શબ્દોથી એ ના મપાય. આપણે કોઈને પસંદ ના કરતા હોઈએ છતાં પણ એને માનથી બોલાવીએ એના કરતાં જેને પસંદ કરીએ જે આપણાં પોતાનાં છે જેની પ્રત્યે આપણને ખરેખર માન છે તો એને નામથી બોલાવીશુ તો એના માનમાં કોઈ કમી નથી આવી જવાની. ઉલટાનું હુ તો માનુ છુ એકબીજાને નામથી બોલાવવાથી એકબીજા પ્રત્યે આત્મીયતા અને પ્રેમ વધે છે.
આશ્કા : સારું મમ્મી હું એમને નામથી બોલાવવાની કોશીશ કરીશ. આ સાંભળી કાવેરીબેન અને વિરાજ બંને પોતાનું કપાળ કૂટે છે અને પછી બધાં હસવા લાગે છે.
આશ્કા : પણ તમે એ તો કહો આજે સાંજે શું બનાવું.
કાવેરીબેન : દિકરા તને જે ગમે તે તું બનાવ મારા તરફથી કોઈ રોક ટોક નથી. હા હું તને એ બનાવવામાં મદદ જરૂર કરીશ.
આશ્કા : સારું તો આપણે એના માટે બજાર જઈ આવીએ અને જે જરૂરી છે તે લઈ આવીએ.
કાવેરીબેન : હા હા આપણે જઈશું. તુ શું બનાવવાની છે અને એના માટે તારે શું જોઈએ એનું લીસ્ટ બનાવી રાખ આપણે પરવારીને માર્કેટ જઈએ.
વિરાજ પણ ફટાફટ નાસ્તો કરી હોસ્પિટલ ચાલ્યો જાય છે. આશ્કા ફટાફટ બધું કામ આટોપી લે છે. અને પછી બંને મા દીકરી નીકળી પડે છે શોપિંગ કરવા માટે. બજારમાં જઈ એ એને જોઈતું બધું જ શાકભાજી અને બીજો સામાન ખરીદશે છે. અને પછી બંને જણાં ઘરે આવે છે. ઘરે આવી આશ્કા બપોરે જમવા માટે રસોઈ બનાવે છે રાતે ડીનરમાં તેલ મસાલાવાળુ જમવાનું બનાવવાની હતી એટલે એણે બપોરે વઘારેલી ખીચડી જ બનાવી અને સાથે છાશ અને પાપડ. બંને સાસુ વહુ જમીને થોડો સમય આરામ કરે છે.
સાંજે આશ્કા ડીનર માટેની તૈયારી કરે છે. એમની કામવાળી દમયંતિબેન એને મદદ કરે છે. આશ્કા અને બધું સમારવાં આપી દે છે. એ ગાજરનો હલવો બનાવવાની હોય છે તેથી ગાજર છીણવાનુ કામ એમને આપી દે છે. એ દમયંતિબેન સાથે બધું સમારતી જ હોય છે ત્યાં કાવેરીબેન કહે છે, અરે તમે બંને જ બધું કરી દેશો કે મને પણ કંઈ કરવા દેશો.
આશ્કા : અરે મમ્મી તમે આરામ કરો અમે છે ને અમે બધું સંભાળી લઈશું.
કાવેરીબેન : અરે તમે તો મને કંઈ કરવાં જ નથી દેતા મારે પણ મદદ કરવી છે.
આશ્કા : તો સારું તમે આ ડ્રાયફ્રુટ કાપી દો.
કાવેરીબેન : ઓહ આપ્યું આપ્યું ને આ કામ આપ્યું ! અને એ બધાં ડ્રાયફ્રુટ કાપવા લાગે છે.
સાડાસાત સુધીમાં તો લગભગ બધીજ રસોઈ તૈયાર થઈ ગઈ હોય છે. વિરાજ હોસ્પિટલથી આવે છે અને ફ્રેસ થઈને કીચનમાં આવે છે અને કહે છે, મારી કોઈ મદદ જોઈતી હોય તો કેહજો. એના આમ બોલતાં ત્રણેય લેડીઝ હસવા લાગે છે કાવેરીબેન કહે છે, આ બંનેએ મને કંઈ નથી કરવાં દીધું તો તને શું કરવાં દેવાની.
દમયંતિબેન : ના માસી મે તો ખાલી સમારી આપ્યું છે બાકી બધી રસોઈ તો આશ્કાભાભીએ જ બનાવી છે.
વિરાજ : હા પણ મને કંઈક તો કરવા દો.
આશ્કા : હમ્મ્મ.. ફૂલકા બનાવવાની છે તો એ બનાવી દો.
આશ્કાના આમ કહેતાં વિરાજનું મુખ જોવા જેવું થઈ જાય છે એને જોઈને આશ્કાથી રહેવાતું નથી અને એ જોરજોરથી હસવા લાગે છે. અને કહે છે, કેમ તમને કોઈ કામ જોઈતું હતું ને તો આ બનાવવામાં મારી મદદ કરો.
વિરાજ : હા તો મારાથી થાય એવું કામ સોંપાય. આવું અઘરુ કામ નહીં.
આશ્કા : પણ એના સિવાય બીજું કંઈ બનાવવાનું બાકી જ નથી તો પછી શું કહું.
વિરાજ : સારું હું ફૂલકા બનાવવા તો નહી પણ શેકવા લાગીશ.
આશ્કા : અરે ના તમે રહેવા દો હું એ જાતે કરી લઈશ.
વિરાજ : ના આજે તો હું બનાવી ને જ રહીશ.
આશ્કા : સારું તમારી મરજી.
આ બંનેનાં આ વાર્તાલાપની વચ્ચે કાવેરીબેન અને દમયંતિબેન એકબીજાને ઈશારો કરી બહાર નીકળી જાય છે. આશ્કા રોટલી વણે છે અને એને કેવી રીતે શેકવી એ વિરાજને શીખવે છે. વિરાજ પણ જાણે કોઈ બહું મોટું કામ શીખતો હોય એમ એકદમ ધ્યાનથી શીખે છે અને એની રોટલી એકદમ ફૂલીને દડા જેવી થાય છે એને જોઈને એ ખુશ થાય છે અને એની કૉલર વગરની ટી શર્ટને ગળા પાસેથી પકડી જાણે બહું મોટું કામ કર્યુ હોય એમ શેખી મારે છે.
ત્રણ ચાર રોટલી શેક્યા પછી પછી રોટલીની વરાળથી વિરાજ દાજી જાય છે. આશ્કા ફટાફટ ગેસ બંધ કરે છે અને એના હાથને પોતાનાં હાથમાં લે છે અને ફૂક મારવાં લાગે છે અને કહે છે, મે તમને કહ્યું હતું તમારાથી નહી થાય તે છતાં પણ તમે નઈ જ માનો. આ કહેતાં કહેતાં એની આંખોમાંથી પાણી આવી જાય છે. વિરાજ એ જુએ છે અને આશ્કાના ચહેરાને પોતાના બંને હાથમાં લે છે અને કહે છે, અરે મને કંઈ જ નથી થયું જો મારા હાથ એકદમ સારા જ છે. બસ એ તો જરા વરાળ લાગી ગઈ હતી. અને એ એના આંસુ સાફ કરે છે. બંને જણાં એકબીજાની આંખોમાં ખોવાય જાય છે એટલામાં દમયંતિબેન ત્યાં આવે છે પણ બંનેને આ રીતે જોતાં પાછી ચાલી જતી હોય છે એ આશ્કા જોઈ લે છે અને ફટાફટ વિરાજનો હાથ દૂર કરે છે અને કહે છે,
આશ્કા : અરે દમયંતિબેન આવો ને પાછા કેમ ચાલ્યા જાવ છો.
દમયંતિબેન : સંકોચ સાથે રસોડામાં આવે છે અને કહે છે; ભાભી એ તો મને યાદ આવ્યું કે સલાડ બનાવવાનું હજી બાકી છે એ જ કહેવા આવી હતી.
આશ્કા : અરે હા એ તો હું ભૂલી જ ગઈ હતી. તમે સલાડ બનાવી દો હું ફટાફટ ફૂલકા બનાવી દવ. અને તમે બહાર જાઓ અને તમારા દોસ્તોને ફોન કરો તેઓ ક્યારે પહોંચે છે.
વિરાજ બહાર આવે છે અને એના ફ્રેન્ડને ફોન કરે છે બધાં રસ્તામાં જ હોય છે અને થોડીવારે પહોંચવાના જ હોય છે. આ બાજું આશ્કા પણ બધી રસોઈ કરીને પરવારે છે અને એના રુમમાં જઈ શાવર લઈ કપડાં બદલી તૈયાર થઈને બહાર આવે છે.
થોડીવારમાં બધાં જ દોસ્તો આવી પહોંચે છે. આશ્કા ખૂબ ઉમળકાથી એમને મળે છે. એ લોકો સાથે મિઠાઈ અને ફૂલ લાવેલા હોય છે જે એને આપે છે. થોડીવાર આમતેમની વાતો કર્યા પછી કાવેરીબેન કહે છે, અરે હવે વાતોથી જ પેટ ભરશો કે જમવાનો વિચાર પણ છે.
વિક્રમ : અરે ના હો આન્ટી અમે તો જમવાના પણ છે.
આશ્કા : હા તો ચાલો જમવાનું તૈયાર જ છે.
વિરાજ : ફ્રેન્ડ્સ એક આઈડીયા આવ્યો છે ચાલો આજે આપણે બહાર લોનમાં ડીનર કરીએ.
રાહુલ : અરે વાહ ગુડ આઈડીયા. તુ મેરેજ પછી રોમેન્ટિક બનતો જાય છે હો.
વિરાજ : અરે ના ના એવું કંઈ નથી આ તો મસ્ત મૌસમ છે તો ખુલી હવામાં જમવાની મજા જ કંઈ અલગ છે.
બધાં જ એગ્રી થતા બહાર એક મોટું પાથરણુ પાથરવામાં આવે છે. બધી લેડીઝ એક એક કરીને બધી જમવાની ડીસ લઈ આવે છે. અને બધાં જ ગોળ ફરતે બેસી જાય છે. જમવાનું જોતા જ બધાનાં મોઢાંમાં પાણી આવવાં લાગે છે. આશ્કાએ ગાજરનો હલવો, ડાલ તડકા, જીરા રાઈશ, પનીરની સબ્જી, ભરેલાં પરવળ, લીલવાની કચોરી બનાવી હોય છે. સાથે સલાડ, પાપડ, અથાણું અને છાશ.
સમર્થ : અરે મારાથી તો હવે નથી રહેવાતું હું તો ચાલું કરું છું. અને બધાં પોત પોતાની રીતે લઈ જમવાનું શરું કરે છે. વિરાજ પાસે સોસનો બાઉલ હોય છે આશ્કા એને કહે છે, વિરાજ પેલો સોસનો બાઉલ પાસ કરોને. એના વિરાજને એના નામથી બોલાવતાં બધાં જમવાનું છોડી એની તરફ જુએ છે અને કાવ્યા કહે છે,
કાવ્યા : વિરા....જ... ઓહો તો વાત અહીં સુધી પહોંચી ગઈ કે હવે નામથી બોલાવાય છે.
આશ્કાના મુખેથી પોતાનું નામ સાંભળી કોણ જાણે કેમ વિરાજના હ્રદયમાં એક સ્પંદન પેદા થાય છે. એના મનને ખૂબ જ ખુસી થાય છે. પણ એ આ એહસાસને સમજી નથી શકતો અને કહે છે,
વિરાજ: અરે આજે કેટલું ટોકી ત્યારે આ મેડમ નામથી બોલાવવાનું શીખ્યા.
જાનવી : હા હા તો તમને ના ગમતું હોય તો એ હવેથી નામથી નહી બોલાવશે.
સાચી : હા હા આશ્કા તું તારે એને તમે, આમને, તેઓ એવું જ કે જે.
વિરાજ : અરે ના ના વિરાજ જ સારું છે. આશ્કા ખબરદાર જો મને બીજા કોઈ શબ્દોથી બોલાવ્યો છે તો. અને બધાં ખડખડાટ હસવા લાગે છે.
બસ આમ જ મસ્તી મજાક કરતાં કરતાં બધાં જમવાનું પૂરું કરે છે. દમયંતિબેન અને રાજુભાઈ બધાં વાસણો લઈ જાય છે. આશ્કા અને સાચી, જાનવી અને કાવ્યા પણ એમને મદદ કરે છે. અને બધાં ફરીથી બહાર લોનમાં જ નીચે પગ લંબાવી બેસે છે. આજે તો કાવેરીબેન પણ વાતોમા એમને ખૂબ સાથ આપે છે. થોડી વાર પછી આશ્કા જાનવી અને સાચી ઊભા થાય છે અને ઘરની અંદર જાય છે અને થોડીવારમાં હાથમાં ટ્રે લઈ પાછા આવે છે.
વિરાજ : અરે વાહ કૉફી આજે તો સાચે મજા આવી ગઈ.
વિક્રમ : હા સાચે આજે જમવાની ખૂબ જ મજા આવી ગઈ. આશ્કા ખરેખર તારા હાથમાં જાદુ છે. શુ સ્વાદિષ્ટ જમવાનું હતું. આમ તો સાચી પણ ખૂબ જ ટેસ્ટી જમવાનું બનાવે છે પણ તારા ગાજરના હલવાની તોલે કોઈ ના આવે.
સમર્થ : હા સાચે કચોરીનો સ્વાદ તો હજી મારી મોઢાંમા રહી ગયો. કાવ્યા તું મેરેજ પહેલાં આશ્કા પાસેથી રસોઈ બનાવતાં શીખી લે તો. અને અચાનક કંઈક યાદ આવતાં એ એ કૉફીનો મગ બાજું પર મૂકે છે અને તાલી પાડીને બધાનું ધ્યાન એની તરફ ખેંચે છે. મારે તમને એક ખૂબ જ મહત્વની વાત કહેવાની છે. અને એ કાવ્યા તરફ જુએ છે અને કહે છે, ફ્રેન્ડ્સ આવતાં મહીને અમારા મેરેજ છે.
બધાં જ આશ્ચર્યથી એમની તરફ જુએ છે.
સમર્થ : હા કાવ્યાના દાદાની તબિયત સારી નથી અને એમની ઈચ્છા છે કે એમના જીવતા એ કાવ્યાના મેરેજ જુએ. એટલે અમે પણ વધું જીદ ના કરતાં માની ગયાં.
રાહુલ : હા તો એ તો સારું જ કહેવાય હવે તું જ એક બાકી હતો. અમે બધાં જેલમાં બંધાયેલા રહીએ અને તું આઝાદ ફરે એ તો ના ચાલે ને.
સાચી : આ વર્ષ કેટલું સરસ છે. એક સાથે બે જણાં પોતાની નવી લાઈફ શરૂ કરે છે.
બધાં મિત્રો સમર્થ અને કાવ્યાને શુભેચ્છા આપે છે. અને દરેક જણ કામમાં મદદ કરવાનું પણ કહે છે. બસ આમ જ હસી ખુશીથી ડીનર કરી બધાં પોતપોતાના ઘરે જાય છે.
કાવેરીબેન પણ એમના રૂમમાં સૂઈ જાય છે. વિરાજ અને આશ્કા પણ સૂવાની તૈયારી કરે છે. પણ બંનેમાંથી એકની આંખોમાં પણ ઉંઘ નથી. આજે બંને જણા એક નવા જ એહસાસને મહેસુસ કરે છે. પણ બંને જણાં એને સમજી નથી શક્તા અને એ ગડમથલમાં એમને ઉઘ નથી આવતી.
આશ્કા ની નજર સામે વિરાજે જ્યારે એનો ચેહરો પોતાની હથેળીમાં લીધો હોય છે અને બંને જણાં એકબીજાની આંખોમાં ખોવાય જાય છે એ જ દ્રશ્ય તરવરે છે. જ્યારે વિરાજની આંખો સામે આશ્કાનું એના હાથને પોતાનાં હાથમાં લઈ ફૂંક મારવામારવાનું દ્રશ્ય જ રમે છે. સાથે સાથે એના કામમાં આશ્કા દ્વારા બોલાયેલ પોતાનું નામ જ ગૂંજે છે.
બંને જણાંના મનમાં એકબીજા પ્રત્યે પ્રેમનાં બીજ તો રોપાઈ જ ચૂક્યાં છે બસ ખાલી એ લોકોના સમજવાની જ દેર છે. પછી તો એ બીજને અંકુરિત થવામાં સમય નથી લાગવાનો. પણ એ ક્યારે થશે એ તો કોણ જાણે. ( પણ હું જરૂર જાણું 😀😀) પણ એટલું તો ચોક્કસ છે કે પ્રેમેએ બંનેનાં હ્રદયમાં પગપેસારો કરી દીધો છે.
** ** **
વધું આવતાં ભાગમાં...
Tinu Rathod - Tamanna