Pentagon - 8 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૮

Featured Books
Categories
Share

પેન્ટાગોન - ૮

કબીર, સાગર, સન્ની અને રવિ ચારેય મિત્રો કમને મહેલમાં પાછા આવ્યા હતા. એ લોકોના મનમાં હવે આ જગ્યા સલામત નથી એ વાત પાક્કી થઈ ગયેલી. આજની રાત જેમ તેમ કરીને પસાર થઈ જાય પછી કાલ સવાર સુધીમાં ગમે તે રીતે એ લોકો આ મહેલમાંથી નીકળી જ જશે એ વાત નક્કી હતી.

એ લોકો જેવા અંદર દાખલ થયા કે સામે જ સના ઉભેલી દેખાઈ. એના ચહેરા પર વિજયી સ્મિત હતું. ચારેય ભાઈબંધને એની ઉપર ખીજ તો ઘણી ચઢી પણ હાલ કંઈ બોલવાનું નથી એમ માનીને એ લોકો ચૂપ રહ્યા.
સના જાણે ત્યાં હાજર જ નથી એમ એને જોયા છતાં ના જોઈ હોય એવું દેખાડી એ લોકો સીડીઓ તરફ જવા લાગ્યા એટલે સનાએ કહ્યું,

“તમે લોકો બેસો અહીં આપણે આજે રાત્રે જે શૂટિંગ કરવાનું છે એ સમજી લઈએ." ચારેય જણાએ એકસાથે પાછા વળીને સના તરફ જોયું હતું, એ આંખોમાં તિરસ્કાર ભર્યો હતો જેને નજરઅંદાજ કરી સનાએ ધીમેથી કહ્યું, “તમારી ગાડી રઘુ મિકેનિક પાસે લઈ ગયો છે. સવાર સુધીમાં ઠીક કરી આપવા એ કહેશે એટલે મિકેનિક કરી જ આપશે." એ લુચ્ચું હસી રહી હતી.

“પણ તને કેવી રીતે ખબર પડી કે અમારી ગાડી ઠોકાઇ? અમે લોકો જ્યારે નીકળ્યા ત્યારે તું કે રઘુ કોઈ અહીંયા હાજર નહતું." સન્નીએ ખુબજ કડવાશથી આ સવાલ પૂછ્યો હતો. એણે તો મનોમન સનાને કોઈ ભટકતી આત્મા જ ધારી લીધેલી.

પહેલા તો સના જોર જોરથી હસી પડી એણે કહ્યું, “તમે લોકો અહીંથી નીકળ્યા ત્યારે હું અને રઘુ ધાબા ઉપર હતા. ત્યાં ઉપરથી અમે લોકો નીચે જોઈ રહ્યા હતા. બેસ્ટ લોકેશન માટે આવું કરવું પડે. તમે લોકો નીકળ્યા ત્યારે મેં તમને જોયેલા. તમારી ગાડી મહેલની બહાર નીકળી ત્યાં સુધી હું તમને જોઈ રહી હતી. પછી થોડીક જ વારમાં મોટો ધડાકો સંભળાયો. મને થયું નક્કી તમારી ગાડી ક્યાંક અથડાઈ છે. હું દોડીને ધાબાની બીજી બાજુએ આવેલી અને તમારી ઝાડ સાથેની ટક્કર જોઈ હતી. મેં ત્યારે જ રઘુને તમારી મદદ કરવા મોકલ્યો હતો!"

સનાની આ વાત બધાને ગળે ઉતરી હતી. કમસેકમ સના ભૂત છે એ માન્યતા ખોટી સાબિત થવાથી એમને થોડીક રાહત જરૂર લાગી. એ ચારેય જણ એક જ મોટા સોફા પર સાથે ગોઠવાયા. સનાએ એમની સામે બેઠક લીધી અને પછી એ એકલી બોલતી રહી. આજ રાત્રે એ લોકોએ શું કરવાનું છે એ વિશેની વાતોમાં કંઈ નવું નહતું. જે એ લોકોએ મહેલમાં આવીને કર્યું હતું એનું એ જ ફરી કરવાનું હતું ફરક બસ એટલો હતો કે આ વખતે એમણે વાઘના પૂતળાને અસલી માનીને એનો શિકાર કરવાનો હતો. અંધારામાં ગીત ગાતી છોકરી જોઈ એનાથી બીવાનું હતું, ઉડતી મીણબત્તી જોઈ એ રૂમમાં લાઈટ ચાલું નહતી કરવાની...

આ બધી વાતો ચાલું હતી ત્યારે જ એક સ્ત્રી હાથમાં ટ્રે લઇ એમાં ચાનો કપ રાખી, કબીર સામે આવીને ઊભી રહી. કબીર એ યુવતીને જોઈ જ રહ્યો. આ એ જ યુવતી હતી જે એને એકલાને જ દેખાતી હતી. જેણે હાલ એમનો અકસ્માત કરવ્યો હતો અને જેને લીધે એમણે આ મહેલમાં પાછું આવવું પડેલું. એની મોટી મોટી ભાવવાહી આંખો કબીરને ચાનો કપ લેવા કહી રહી હતી અને કબીરે હાથ ઉઠાવી ચાનો કપ લીધો. એ કપ હાથમાં લીધા બાદ પણ એ યુવતીના રૂપાળા ચહેરા પરથી, એની આંખોમાંથી પોતાની નજર ના હટાવી શક્યો.

“શું થયું કબીર? તારો હાથ કેમ આવી વિચિત્ર રીતે ઉપર રાખ્યો છે?" સનાએ ટકોર કરી અને એ જ વખતે એની આસપાસ બેઠેલા રવિ અને સાગરે પણ કબીર સામે જોયેલું. એ જાણે અહીં હાજર હોવા છતા હાજર નહતો. એ હજી સામે જ તાકી રહ્યો હતો. સાગરે એને હલાવ્યો અને જોરથી એનું નામ લઈ બોલાવ્યો ત્યારે અચાનક જાણે ઊંઘમાંથી જાગી ગયો હોય એમ એ જાગ્યો હતો. બધાની નજરો પોતાની ઉપર છે એ જોઈ એને નવાઈ લાગી. એના હાથમાં ચાનો કપ નહતો. સામે પેલી અદભૂત યુવતી નહતી!

“મારા હાથમાં ચાનો કપ હતો અને મારી સામે, અહીં જ એ છોકરી ઊભી હતી." કબીર બસ આટલું જ કહી શક્યો. એના હાથમાં કોઈ કપ નહતો કે નહતી કોઈ યુવતી!

“તમને વાંધો ના હોય તો તમારી રસોયણ બેનને અહીં બોલાવશો?" રવિએ કહ્યું.

“મને શું વાંધો હોય? એની સાથે જરા સભ્યતાથી વાત કરજો, રાજપૂતાણીને ગુસ્સે કરવી ભારે પડી શકે છે!" સના ફરીથી હસી હતી અને એણે જોરથી કહ્યું, “કોઈ છે રસોઈમાં?"

તરત જ ઝાંઝરનો મીઠો રણકાર સંભળાયો. ચૂડીઓની ખણકાર પાસે આવી રહી હોય એમ લાગ્યું અને માથે ઘૂમટો તાણી એક બાઈ માણસ સના બેઠી હતી એ તરફના સોફા પાસે ઊભી રહી બોલી,

“હુકમ બઇસા!"

“અરે જયંતિકા કેટલી વખત કહ્યું કે અહીં મહેલમાં હોય ત્યારે આ ઘૂંઘટ નહિ રાખવાનું. તારા ઘેર જાય ત્યારે ઓઢજે."

સનાની ટકોર સાંભળી એ સ્ત્રી ખળ ખળ વહેતા ઝરણા જેવું હસી હતી, સાવ ધીમેથી, થોડીક જ વાર અને એણે એનો ચહેરો દેખાય એટલે ઊંચે એની ઓઢણી ચઢાવી.

“જોઈ લો અમારી રાજપૂતાણી નારને કંઈ કહેવું ના પડે. બા બધા મહેમાનો માટે ચા લઈ આવજો ને."

“જી અબઘડી લાવી." તરત જ એ સ્ત્રી પાછી વળી ગઈ હતી. એના ઘેરદાર ઘાઘરાની નીચેથી આવતો ‘છમ છમ' અવાજ દરેકના કાનમાં રેલાઈ રહ્યો.

“આ એ છોકરી નથી." કબીર બોલ્યો હતો. એ પાછો ઉદાસ થઈ ગયેલો. એ યુવતીને મળવા કબીર આતુર હતો અને એ મળતી હતી એવા સંજોગોમાં કે જ્યારે કબીર પોતાના હોશમાં જ ના હોય! કદાચ એને જોઈને જ કબીર હોશ ખોઈ બેઠતો હતો. એની સાથે વાત કરવાથી બધી સમસ્યાનો અંત આવી જાય એમ હતું પણ એ કેવી રીતે શક્ય બને? એ યુવતી પોતાને કૂવામાં કૂદવા કેમ મજબૂર કરતી હતી? એ પોતાને મારી નાખવા ન હતી ઈચ્છતી એ વાત કબીરનું દિલ કહેતું હતું તો પછી? શા માટે એ વારંવાર પોતાને કૂવા પાસે જ લઈ જાય છે?

એ સાંજે બધા તૈયાર હતા. આગલા દિવસે એમણે જે જે કર્યું હતું એનું એ જ ફરી કરવાનું હતું. બધાની નજર કબીર ઉપર હતી. જેવો એ સ્થિર નજરે હવામાં તાકી રહેલો દેખાય કે તરત કોઈનું કોઈ એને ઢંઢોળી આ દુનિયામાં પાછો ખેંચી લાવતું...

આજે પણ એ લોકો વાતો કરતા બેઠા હતા ત્યારે રઘુએ આવીને એમને જમવા બોલાવ્યા હતા. સાગરે શું બનાવ્યું છે એમ પૂછેલું અને રઘુએ આંગળી ના કરડી ખાઓ એ વાત પણ કહેલી. અદ્દલ ગઈ કાલ સાંજની જેમ જ બધું બની રહેલું ફરક ખાલી એટલો કે આજે સના બધાની આગળ આવીને વિડિયો શૂટિંગ કરી રહી હતી!

છેક સુધી બધું બરાબર ચાલ્યું. સાગરે એની આંગળી દાંતમાં આવી જવાનું નાટક કર્યું અને સન્નીએ એના મોંઢા પર માટીનું માસ્ક ચોંટી જવાનો અભિનય પણ મસ્ત કર્યો. કબીરે જંગલની વાતો કહી અને એમણે રાખવાની સાવધાની પણ જણાવી...

છેક જંગલ સુધી બધા આવી પહોંચ્યા હતા. વાઘનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એ ત્રાડ રેકોર્ડેડ છે એની બધાને ખબર હતી અને એટલે જ ભય લાગી રહ્યો છે છતાં શિકાર કરવાનો જ છે એવા હાવભાવ બધા સરસ આપી રહ્યા હતા. દૂર ઝાડીમાં રાખેલું વાઘનું પૂતળું દેખાયું. ગઈ કાલે રાત્રે એને જે સ્થિતિમાં છોડેલૂં એ હજી એમનું એમ જ હતું. સન્ની જે કાલે ડરી રહેલો એ આજે વાઘના પૂતળા પર ગોળી છોડવા અધીરો થયેલો. એ બધાથી આગળ ચાલતો સૌથી પહેલો વાઘ હતો એ ઝાડી પાસે પહોંચી ગયેલો...

અંધારામાં વાઘની આંખો ચમકતા બે વીજળીના ગોળા જેવી દેખાઈ રહી હતી. સન્નીએ નિશાનો તાક્યો અને બે આંખોની વચ્ચે જ ગોળી છોડી. કબીર સન્નીને ઉતાવળ ના કરવા કહી રહ્યો હતો પણ ત્યાં સુધી ગોળી છૂટી ચૂકી હતી. સન્ની હસી રહ્યો હતો, “સીધી માથામાં વચોવચ ગોળી વાગી!" સન્ની ખુશ થઈને બોલી રહ્યો હતો કે ત્યાં જ એ બે વિકરાળ આંખો નજીક ધસી આવી હતી. સન્નીથી થોડેક જ દૂર ઉભેલા કબીરે એ હિલચાલ નોંધી હતી અને ઉપરા છાપરી ગોળીઓ છોડી હતી. શું થઈ રહ્યું છે એ સમજવા બધાએ કબીર સામે જોયેલું એ જ વખતે એક વિકરાળ વાઘ દોડતો બહાર આવી ગયેલો, બધાની આંખો એને જોઈને પહોળી ને પહોળી રહી ગયેલી, સન્ની ભાગવા જતા નીચે પડી ગયેલો, વાઘે કૂદકો મારી એને પોતાના પંજા વડે ઘાયલ કરવા પ્રયત્ન કરેલો પણ એ જ વખતે કબીરે ગોળીઓ છોડેલી જેનાથી ગભરાઈને વાઘ અંધારામાં ભાગી ગયેલો.

સાગર, રવિ, રઘુ સન્નીની પાસે આવીને એને ઊભો કરી રહ્યા હતા. સના અત્યારે પણ બધું રેકોર્ડ કરી રહી હતી. કબીર એ વાઘની પાછળ ભાગ્યો હતો જેની હજી કોઈને ખબર ન હતી.
ક્રમશ...