આર્યાની આંખો ખૂલી. માથામાં સખત દુઃખાવો થઈ રહ્યો હતો. સૂતાં સૂતાં જ એણે નજર ફેરવી, અનિરુદ્ધ બાજુમાં જ પડ્યો હતો. આર્યા કશું સમજી શકી નહીં. એ માંડ કરીને ઊભી થઈ. આજુબાજુમાં જોયું તો કોઈ ન હતું, એક જૂના ખંડેર જેવું મકાન હતું.
સવારનો કૂણો તડકો અનિરુદ્ધના મોં પર પડી રહ્યો હતો. અચાનક એને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે અનિરુદ્ધ બેભાન થયો હતો અને અચાનક એના માથા પર પણ કોઈએ માર્યું હતું.
એણે અનિરુદ્ધને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અનિરુદ્ધના શરીરમાં કશો સંચાર થયો નહીં, તો શું એ કાલ રાતથી હજુ સુધી બેભાન જ હતો? આર્યા સફાળી દોડતી એ ખંડેર જેવા મકાનની બહાર નીકળી.
એણે જોયું તો એક રસ્તો હતો, અનિરુદ્ધને દવાખાને લઈ જવો જરૂરી હતો, કોઈપણ વાહન મળે એની રાહમા એ અડધો કલાક સુધી ત્યાં જ ઉભી રહી, માંડ કરીને એક ગાડી આવતી દેખાઈ, એ દોડતી રસ્તાની બરાબર વચ્ચે જઈને ઉભી રહી. ગાડી વાળો માણસ ભલો હશે એટલે એ આર્યાની મદદ કરવા તૈયાર થયો.
એ માણસે અનિરુદ્ધને ઊંચકીને ગાડીમાં સુવડાવવા માટે આર્યાની મદદ કરવા માટે એક ખંડેર જેવા મકાનમાં ગયો તો અનિરુદ્ધને જોઈને એ ઓળખી ગયો. એણે શું વાત હતી એ વિશે પૂછ્યું, આર્યાએ ગઈકાલની ઘટના કહી સંભળાવી.
એ માણસ નીચો નમ્યો, અનિરુદ્ધને તપાસી અને બોલ્યો, "હું એક ડોક્ટર છું, સામાન્ય રીતે અઢારેક કલાક સુધી માણસ ભાનમાં ન આવે તો પરિસ્થિતિ ગંભીર કહેવાય, વળી અનિરુદ્ધના ઘા ની હાલત જોતા એવું લાગે છે કે એના શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે."
એ માણસ ડોક્ટર હતો અને અનિરુદ્ધનો ખાસ મિત્ર હતો, આર્યા અને એણે બંને થઈને અનિરુદ્ધને ગાડીમાં સુવડાવ્યો.
અનિરુદ્ધના ફોનનું લોક ખુલતું ન હતું, આર્યાને યાદ આવ્યું કે એણે એના ફોનમાંથી માયાબહેન ને ફોન કરવો જોઈએ. બેટરી લો હતી અને માયાબહેન અને બીજાના મળીને પચાસેક ફોન આવેલા હતા.
"આર્યા... આ બધું શું છે? ગઈ કાલ સાંજની હું તને ફોન કરું છું, ઉપાડતી કેમ નથી? અને કલેક્ટર અનિરુદ્ધ ક્યાં છે? પેલી છોકરી અને અનન્યા પણ તમને બંનેને શોધવા અહીં આવી હતી. તું રડતી નહીં, ધીરજ રાખજે, મને પહેલેથી જ લાગતું હતું કે તારે એ માણસથી દૂર રહેવું જોઈએ. પણ તું ચિંતા ના કરીશ, આપણે છેલ્લે સુધી લડત આપીશું."
"મમ્મી... તમે આવું શું કહો છો સમજાતું નથી, હું સર ને લઈને સીટી હોસ્પિટલ જાઉં છું......"આર્યાની વાત અધૂરી રહી અને ફોન સ્વીચ ઓફ થઇ ગયો.
આર્યાને ડર લાગ્યો, મમ્મી શું વાતો કરી રહ્યા હતા, એક રાતમાં શું થઈ ગયું હશે?
***
હોસ્પિટલમાં પહોંચી ને અનિરુદ્ધને તાબડતોબ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો, આર્યા બહાર ઊભી હતી. મોટા ભાગના માણસો આર્યાને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા.
ડોક્ટરના કહેવા મુજબ એના હાથમાં રસી થઈ ગઈ હતી, એનું ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ ગયું હતું, એની બેદરકારીએ એનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.
"એ તેમની બેદરકારી ન હતી.... એ તો પોતાની જાતને જ સજા આપી રહ્યા હતા... મારા કારણે... આ બધું થયું છે મારા જ કારણે..." એવું આર્યા બબડી અને અનિરુદ્ધના ડોક્ટર મિત્રે કહ્યું,
"એના સ્વભાવની ખાસિયત એવી છે, જે વસ્તુ કરે એ દિલ દઈને કરે, ગુસ્સો પણ એવો જ કરે, પોતાની જાતને પીડા આપવામાં પાછું વળીને નહીં જોવે."
"આર્યા... તું શું કરી રહી છે? જે માણસે તારી જિંદગી બગાડી નાખી એને જ તું હોસ્પિટલ લઇ આવી છે? ચાલ અહીંથી?" માયાબહેન હાંફળા ફાંફળા થતા દોડતા આવ્યા.
"મમ્મી તમે શું કહી રહ્યા છો, એ મને સમજમાં આવતું નથી."
જવાબમાં માયાબહેને આર્યાને ફોન બતાવ્યો, ફોનમાં રહેલા ફોટાઓ જોઈને આર્યા તો ડઘાઈ ગઈ. અનિરુદ્ધે એના પર દુષ્કર્મ આચર્યું હોય એવા ફોટાઓ આખા શહેરમાં ફરતા થઇ ગયા હતા.
"મમ્મી, આ બધું ખોટું છે, આવું હોઈ ના શકે."કહેતી આર્યા રડી પડી.
માયાબહેન આર્યાને બાજુ પર લઇ ગયા.
"આટલા બધા પુરાવા છે છતાં પણ તું એનો પક્ષ લઇ રહી છે? તું જાણે છે કે આ ઘટનાથી આપણા અનાથાશ્રમની ઇજ્જત પર પણ ડાઘ લાગી ગયા. તું જરા પણ ડરીશ નહીં, અમે બધા તારી સાથે છીએ, એણે તને જે પણ ધમકી આપી હોય એ સાંભળીશ નહીં."
"એમણે મને કોઈ જ ધમકી આપી નથી મમ્મી."
"અહીં કશું જ બોલીશ નહીં આર્યા, જયંતભાઈ સાહેબે કહ્યું છે કે એ બધું સંભાળી લેશે. જયંતભાઈ જેવી મોટી વ્યક્તિ આપણા અનાથાશ્રમની ઈજ્જત બચાવવા માટે આગળ આવી છે માટે આપણે આ ઘટના વિશે બહાર કશું બોલવાનું નથી. જે કરશે એ બધુ જયંતભાઈ કરશે. હવે ચાલ અંહીથી."
આર્યાની કોઈ વાત આગળ સાંભળવા માટે માયાબહેન તૈયાર ન હતા, એમણે હાથ પકડીને આર્યાને ખેંચી અને લઈ જવા લાગ્યા.
"ઈચ્છા તો થાય છે કે તને એક લપડાક લગાવી દઉં, જ્યારથી તું અનિરુદ્ધની જિંદગીમાં આવી છે ત્યારથી તેણે ધરાઈને ખાધું પણ નથી. યાદ રાખજે, એને દુઃખી કરીને તું કદી સુખી થઇ શકીશ નહીં." સામે મળેલી અનન્યા બોલ્યા વગર રહી શકી નહિ.
હતપ્રભ થઈ ગયેલી આર્યા તો કોઈને જવાબ આપવા કે કશું સમજાવવા સક્ષમ જ ન હતી.
ડોક્ટરની એક કલાકની મહેનતના અંતે ભાનમાં આવેલો અનિરુદ્ધ, માયાબહેન વડે ઢસડાઈ રહેલી આર્યાને જોઈ રહ્યો.
***
અનન્યા અનિરુદ્ધ પાસે ધસી ગઈ.
"અનિ આ બધું શું છે? એ છોકરી ને તું વધારે પડતું મહત્વ આપી રહ્યો હતો, જોઈ લીધું ને એનું પરિણામ!" અનિરુદ્ધ ની ખબર પૂછવાને બદલે અનન્યા આવીને સીધી એના પર વરસી પડી.
અનન્યા અનિરુદ્ધનો ગુસ્સો જાણતી હતી અને સામાન્ય સંજોગોમાં એ ભાગ્યે જ અનિરુદ્ધ ના વિચારો વિરુદ્ધ કશું બોલતી પરંતુ આજે એ ખૂબ ગુસ્સે ભરાઇ હતી.
"મેડમ, તમે શાંતિ રાખો. એમની હાલત ખૂબ જ ક્રિટિકલ છે, માંડ કરીને અત્યારે એ ભાનમાં આવ્યા છે, એ છેલ્લા અઢાર કલાકથી બેભાન હતા."
અનિરુદ્ધ કશો જવાબ આપતો નહોતો, જાણે કશુ સમજતો ન હોય એમ એ એકીટસે અનન્યા સામે જોઇ રહ્યો હતો.
***
આર્યા જે અનાથ આશ્રમમાં રહેતી હતી એ અનાથઆશ્રમને કરોડો રૂપિયાનું દાન આપનાર જયંતભાઈ ઉર્ફે જયંત મંકોડીએ બહુ મોટો દાવ ખેલ્યો હતો. અનિરુદ્ધને બદનામ કરવાનો એનો પ્લાન સફળ રહ્યો હતો, હવે એ રાહ જોઈ રહ્યો હતો કે સિવિલ સર્વિસીઝ બોર્ડ ક્યારે અનિરુદ્ધ પર પગલાં લે.
આડકતરી રીતે અનાથાશ્રમના ટ્રસ્ટને બ્લેકમેલ કરીને જયંત મંકોડીએ કહ્યું હતું કે આર્યાને કશું બોલવાનું નથી. અનાથ આશ્રમના ટ્રસ્ટને એની વાત માન્યા વગર છૂટકો ન હતો કારણ કે આખો અનાથ આશ્રમ એના પૈસાથી જ ચાલતો હતો. અનિરુદ્ધનો કશો વાંક નથી એ વાત આર્યા બધા ને જણાવવા માગતી હતી પરંતુ એને બોલવાની સ્પષ્ટ મનાઇ ફરમાવવામાં આવી હતી.
આ બધા વચ્ચે એક એવી ઘટના બની કે જેની જયંત મંકોડીએ પણ કલ્પના કરી ન હતી.
ક્રમશઃ